ચોપાઇ –
પછી સંત ચાલ્યા સહુ મળી, મહામુક્ત તણી જે મંડળી ।
સર્વે ગુજરદેશમાં ગયા, કૈક પુરમાં પઢવા રહ્યા ।।૧।।
સતસંગી ગયા સર્વે ઘેર, થઇ સુખી સહુ બહુપેર ।
જોઇ લીળા ને ચડી ખુમારી, ઉતરે નહી કેની ઉતારી ।।૨।।
કરે ચર્ચા પરસ્પર જયારે, થાય કેફ ભરી વાત ત્યારે ।
સહુને ચિતે ચડ્યો રંગચોળ, આવી અંતરે મસ્તિ અતોળ ।।૩।।
થયું પ્રકટ જાણે કલ્યાણ, નહિ ઉધારી વાતની વાણ ।
હોય પરચા હજારો હજાર, જાણે જન ન જાણે સંસાર ।।૪।।
જે કોઇ સતસંગી નામ કાવે, પંચવ્રતને પાળે પળાવે ।
તે આલોક પરલોકને માંઇ, રહે સુખી તે જન સદાઇ ।।૫।।
જેદિ આવે આ દેહનો કાળ, તેદિ આવે તેડવા દયાળ ।
રથ વેલ્ય વિમાન ને વાજી, મુકે દેહ ઘણું થઇ રાજી ।।૬।।
કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉંછું મહારાજને સાથ ।
માનજયો મારૂં હિત વચન, સહુ સ્વામીનું કરજયો ભજન ।।૭।।
એમ કહીને મુકે છે દેહ, સર્વે જાણે સતસંગી તેહ ।
કૈક કુસંગી તેપણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે ।।૮।।
જયારે મરે કુસંગીમાં કોઇ, નજરે જમકિંકરને જોઇ ।
જાતાં જમહાથ જોઇ કુસંગી, પછી સમજી થાય સતસંગી ।।૯।।
એમ વધતો જાય સતસંગ, જોઇ રીત્ય ચિત્તે ચડે રંગ ।
આવે સંત કરે બહુ વાત, તે સાંભળી થાય રળિયાત ।।૧૦।।
વળી પૂર્ણ પુરૂષોત્તમ જેહ, મળે પ્રકટ પ્રમાણ તેહ ।
તેના સંત પંચવ્રતે પુરા, એ આગળે બીજા તો અધુરા ।।૧૧।।
એવા સંત શિરોમણી જેહ, ફરે દેશપ્રદેશમાં તેહ ।
જેનાં આગન્યાકારી છે અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।।૧૨।।
તેને આપીયું એમ વચન, જાજયો તવરે મળી મુનિજન ।
આવી શક્યા તો આવશું અમે, નહિ તો નહાજયો નર્મદામાં તમે ।।૧૩।।
એવી સંતને આગન્યા આપી, પછી જાણ્યું વધ્યા ઘણા પાપી ।
તૈયે કાળને આગન્યા કીધી, મુવા પાપી જીવ બહુ વિધિ ।।૧૪।।
પોતે છાના રહ્યા ઘણું શ્યામ, કાળે કીધું છે કાળનું કામ ।
પોતે લીધો તપસ્વીનો વેષ, રહ્યા ગુપ્ત વધારીયા કેશ ।।૧૫।।
પહેરે ખેસ ને ઓઢે ચોફાળ, માથે શોભે છે સુંદર વાળ ।
પહેરી ટોપી ઓપી શોભાતણી, શ્યામ મૂર્તિ તે પુષ્ટ છે ઘણી ।।૧૬।।
રહે છાના ન જાણે કોઇ જન, કરે એકાંતિ દાસ દર્શન ।
એમ વીતિ ગયા બહુ દિન, કોઇ જાણી શકે નહિ જન ।।૧૭।।
પછી આવ્યો છે વસંત માસ, સુણિ વસંત સાંભરીયા દાસ ।
પછી બોલીયા દિનદયાળ, લાવો તેડી સંત તતકાળ ।।૧૮।।
થઇ ખબર આવિયા સંત, વાલો રાજી રમવા વસંત ।
પહેરી વસ્ત્ર જરિનાં જીવન, ઘણું જન ઉપર પ્રસન્ન ।।૧૯।।
આવે સંત મળે ભરી બાથ, જુવે અમૃત દષ્ટિએ નાથ ।
ઘણા દિનના જન હતા પ્યાસી, થયા તૃપ્ત જોઇ અવિનાશી ।।૨૦।।
પછી નાથ કહે સુણો દાસ, આતો જાય છે ફાગણ માસ ।
ગાવો ફાગ ને ધુમ મચાવો, નિત્ય નાવે અવસર આવો ।।૨૧।।
કરો રમવાતણો સમાજ, એમ બોલ્યા રાજી થઇ રાજ ।
પછી સંતે કર્યો સરાજામ, હોળી હરિશું રમવા હામ ।।૨૨।।
પછી કઢાવ્યો રંગ સોરંગ, કેસુ કેસર કસુંબો પતંગ ।
ભર્યાં ચરુ કડાયાં ને કડા, વળી ગોળા માટલાં ને ઘડા ।।૨૩।।
લાવ્યા તેલ ગુલાલ અબીર, સજજ થયા સખા શૂરવીર ।
પછી નાથ કહે સુણો જન, આપો અમને સખા થઇ પ્રસન ।।૨૪।।
પછી દશ વિશ સખા લીધા, બેઉ ટોળાં બરોબર કીધાં ।
સાંખ્યયોગી સખા શ્યામ સાથે, લીધી હેમ પીચકારી હાથે ।।૨૫।।
પછી મંગાવિયો રંગ પાસે, ભરી પીચકારી અવિનાશે ।
છાંટી એક એક સહુ માથે, પછી નાખ્યો છે ગુલાલ નાથે ।।૨૬।।
સખા સહુ થયા રંગચોળ, પછી મચ્યો છે ખેલ અતોળ ।
છુટે પીચકારી બહુ છોળે, એકબીજાને ઝાલીને રોળે ।।૨૭।।
નાખે ઉપર અબીર ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।
વાજે ઢોલ ને દદામાં ગડે, કાંસા ત્રાંસાની ધ્રોશજ પડે ।।૨૮।।
લથબથ યુથ રમે હોળી, સામસામી છે સરખી ટોળી ।
નાથ ઉપર નાખ્યો છે રંગ, તેણે શોભે છે સુંદર અંગ ।।૨૯।।
સર્વે વસ્ત્ર રંગાણાં અંગનાં, શ્વેત લાલ થયાં એક રંગનાં ।
મુખ લાલ ને કમળનેણ, શોભે સુંદર તે સુખદેણ ।।૩૦।।
હસવે દિસેછે દંતપંગતિ, ઓપે અનારકળીથી અતિ ।
બાંધ્યું બોકાનું સુંદર ફેંટે, કશી કમર રૂપાળે રેંટે ।।૩૧।।
છુટી કસમાં દિસે છે છાતિ, તેની શોભા કહી નથી જાતિ ।
વેઢ વિંટિ ને કડાં છે હાથે, નાથ રમેછે સખાને સાથે ।।૩૨।।
હોડાહોડમાં કોઇ ન હારે, વચ્ચમાં પડી કોઇ ન વારે ।
એમ રમતાં જામ બેઉ ગીયા, મટી બપોર છાયા નમિયા ।।૩૩।।
પછી નાથે હાથે પાડી તાળી, કરે નામની ધુન્ય રસાળી ।
કરી ધુન્ય કહે એમ વાલો, સર્વે નદીએ નાવાને ચાલો ।।૩૪।।
પછી પોતે ચડીયા છે ઘોડે, સખા જુથ સરવે છે જોડે ।
નાવા નીરમાં પેઠા છે નાથ, સહુ નાહ્યા છે શ્યામને સાથ ।।૩૫।।
નાહિ નાથ ને નિસર્યા બારે, કર્યો કુંકુમનો ઇંદુ ત્યારે ।
પછી અશ્વે થયા અસવાર, આવ્યા મહારાજ ગામ મોઝાર ।।૩૬।।
પછી સંત સવેર્તે આવ્યા, થઇ રસોઇ જમવા બોલાવ્યા ।
પછી પીરસ્યું પોતાને હાથે, એમ જમાડીયા જન નાથે ।।૩૭।।
સર્વે રીતે કીધા સુખી સંત, કરી લીળા અલૌકિ અત્યંત ।
દિન દશ સુધી સંત રહ્યા, પછી પોતે વળાવાને ગયા ।।૩૮।।
કારિયાણી ને કુંડળ ગામ, તિયાં સુધી આવ્યા પોતે શ્યામ ।
પછી સહુને શીખજ કરી, પોતે પાછા વળિયા છે હરિ ।।૩૯।।
એવો કર્યો સમૈયો જીવને, ફાગણસુદી પુનમને દિને ।
તેદિ ગઢડે રમીયા હોળી, સુખી થઇ ગયા સંત ટોળી ।।૪૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે હુતાસનિ ઉત્સવ કર્યો એ નામે પાંસઠમું પ્રકરણમ્ ।।૬૫।।