પૂર્વછાયો-
ત્યાર પછીની જે વાર્તા, તમે સાંભળો સહુ સુજાણ ।
ત્યાગ વૈરાગ્ય જે નાથનો, તેનાં શિયાં કરૂં હું વખાણ ।।૧।।
ભૂલ્યે પણ નિજ દેહને, માને નહિ કોઇ દિન ।
ઇશ્વર ઇચ્છાએ તન રહ્યું, પણ પોતે ન કર્યું જતન ।।૨।।
પછી પ્રભુજી બેઠા હતા, ગેહેરી ગંગાને તીર ।
ત્યાંથી ઉઠી ઉતરિયા, જે હતું અથાહ નીર ।।૩।।
ઉત્તર દિશમાં ચાલવા, અતિ અંતરમાં છે આનંદ ।
ઝર નગને નિઝરણે, ચાલ્યા ઘનશ્યામ સુખકંદ ।।૪।।
ચોપાઇ-
ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધડક થઇ તતકાળ ।
મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રિ અડ્યા છે આકાશે ।।૫।।
સામસામી ઝુકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી ઝર્યો ।
ચાલે નિઝરણે નીર ઘણાં, થાય ઘોષ અખંડ તે તણા ।।૬।।
જેમ પરસ્પર ઝુક્યા પહાડ, તેમ ઝકુંબી રહ્યાં છે ઝાડ ।
નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ ।।૭।।
સામી નદીયે ચાલ્યા છે શ્યામ, જે કોઇ સવેર્ ના આત્મારામ ।
ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ ।।૮।।
વહે વેગમાં ધારા પ્રચંડ, થાય ઘોષ તેહનો અખંડ ।
ત્રણ્યે કોરે જાવા નહિ જાગ્ય, વળે કેમ જેને છે વૈરાગ્ય ।।૯।।
પછી બેઠા તિયાં ઘનશ્યામ, દિન અસ્ત પામ્યો એહ ઠામ ।
વળતંુ જોયું પૂર્વે વિલોકી, દીઠો પુરૂષ ત્યાં એક અલોકી ।।૧૦।।
તેણે વણપૂછે કહી વાત, કિયાં જાવું છે હે જગતાત ।
પછી હરિ બોલિયા છે ત્યાંઇ, મારે જાવું છે ઉત્તરમાંઇ ।।૧૧।।
પણ તમે કોણ છો દયાળ, આવ્યા આણે સમે તતકાળ ।
ત્યારે તે કહે સુણો ભગવાન, હિમાચળ હું મૂરતિમાન ।।૧૨।।
એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણીરાટ ।
એમાં ચાલતાં આવશે મગ, એમ કહીને ન દેખાણો નગ ।।૧૩।।
પછી ચાલ્યા એમાં અવિનાશ, જેને નથી દેહનો અધ્યાસ ।
પેઠા ઘોર અંધારી ગુફામાં, આવતી જળધારાને સામા ।।૧૪।।
ચાલતાં ચાલતાં વિત્યો પહોર, બીજાનું કેમ હૈયું રહે ઠોર ।
માંહિ મોટા મોટા મણિધર, ક્રુમ ક્રચલા કરી રહ્યા ઘર ।।૧૫।।
મીન મઘર્યો ે દાદુર જેમાં, નિઃશંક મને ચાલ્યા જાય તેમાં ।
પછી પામિયા એહનો પાર, નિસર્યા ઘોર ગુફાને બાર ।।૧૬।।
ત્યાં તો આવ્યો છે એક ધ્રોહ, ઉંડો અથાહ જંતુસમોહ ।
વિત્યા ત્રણ દિવસ જો ત્યાંઇ, ફળ ફુલ મળ્યું નહિ કાંઇ ।।૧૭।।
ભૂખ્યા પડી રહ્યા તિયાં રાત્ય, શું કહું એ ધીરજની વાત ।
સુતા નિઃશંક થઇ ગઇ રેણ, જાગ્યા પ્રભાતે કમળનેણ ।।૧૮।।
નાહી સંધ્યા કરી તેહવાર, મળ્યાં ફળ ફુલ કર્યો આહાર ।
પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું, મળ્યું એંધાણ મારગતણું ।।૧૯।।
ત્યારે ચાલ્યા એ મારગ લઇ, તિયાં દિન વીતી ગયા કઇ ।
પછી પુલહ બ્રહ્માના સુતન, આવ્યું આશ્રમ તેનું પાવન ।।૨૦।।
અતિ ચમત્કારી છે એહ,થાય સુખી સેવે જન જેહ।
તપ ફળ મળે તિયાં તરત, જીયાં તપ કર્યું આગે ભરત ।।૨૧।।
મુમુક્ષુને છે સેવવા જેવું, જયાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું ।
ચક્ર નદી જીયાં ચારે કોર, નાયા છે તેમાં ધર્મકિશોર ।।૨૨।।
કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન,કર્યું મુક્તનાથનું દર્શન ।
પછી ભરતે કયુર્ં તપ જીયાં, પોતે પણ બેઠા જઇ તિયાં ।।૨૩।।
તેની પેઠ્યે આદયુર્ં છે તપ, તેના જેવો કરે નિત્ય જપ ।
જાણ્યું પામ્યા ભરત મૃગદેહ , માટે પોતે રહેછે નિસ્પ્રેહ ।।૨૪।।
એમ સંગ તજયો જયારે બાર, પછી અંતરે કર્યો વિચાર ।
પુરંજનની કથા સંભારી, મુક્યો બુદ્ધિનો સંગ વિસારી ।।૨૫।।
શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય, પોતાતણું માન્યું છે તેમાંય ।
પછી ઉર્ધ્વ બાહુ કરી આપ, કરે ગાયત્રીનો નિત્ય જાપ ।।૨૬।।
ધર્યું સૂર્યનારાયણનું ધ્યાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન ।
મુક્તનાથ સેવા મન ગમે, ફળ ફુલ જે મળે તે જમે ।।૨૭।।
તેને જોઇ તપી ત્યાં રહેનાર, વિસ્મય પામે મન મોઝાર ।
કહે આતો પ્રહ્લાદ છે આપે, કાંતો ધ્રુને મુક્યા ફરી બાપે ।।૨૮।।
કાંતો સ્વામી ર્કાિતક કહીએ, કાંતો સનતકુમાર લહીએ ।
કાંતોસનકાદિકસુજાણ,કાંતોદત્તાત્રેયપરમાણ ।।૨૯।।
ઋભુ કાંતો નારાયણ ઋષિ, તેહ વિના નહી આ તપસી ।
જોને કઠણ કરે તપ તને, તોય પડતા નથી મોળા મને ।।૩૦।।
જુવો સુખ શોભા મુનિ ઇન્દ્ર, જાણું પૂરણમાસીનો ચંદ્ર ।
આવા બ્રહ્મસૃષ્ટિમાં ન ભાળ્યા, તેતો આજ નજરે નિહાળ્યા ।।૩૧।।
મોટું તપ મનુષ્યે ન થાય, તે આદર્યું છે અતિ ઉછાય ।
એને આગળ તપ આપણું, થયું ખેલવણું બાળતણું ।।૩૨।।
દિસે બાળ પણ મોટા બહુ, જોઇ વિસ્મય પામ્યા છીએ સહુ ।
એમ માંહોમાંહિ કહે મુનિ, જોઇ તપશા તેહ પ્રભુની ।।૩૩।।
એવું તપ જોઇ બીજા જન, પ્રભુ દુઃખે દુઃખાણા છે મન ।
ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી, રહે છે પાસે દોય હેતે કરી ।।૩૪।।
અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે ।
જાણ્યું લડથડી પડશે નાથ, ખમાંખમાં કહિ દિયે હાથ ।।૩૫।।
અતિ હેત છે હરિને માથે, તેણે દંપતી રહે છે સાથે ।
દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રૂધિર નહિ તન માંય ।।૩૬।।
અંગોઅંગની જે સર્વે નાડી, તેતો થઇ રહી છે ઉઘાડી ।
દિસે અસ્થિ આમિષ ન દિસે, ત્વચા ચોટી રહિ છે તે વિષે ।।૩૭।।
દેહ જોતાં દેહ નવ રહે, એમ જન જોઇ સહુ કહે ।
એવે શરીરે આદર્યું તપ, કરે છે મુખે ગાયત્રીજપ ।।૩૮।।
તેમાં ધરે છે સૂર્યનું ધ્યાન, ભાવે કરી પોતે ભગવાન ।
કરે છે એવું તપ હમેશ, દેવા તપસ્વીને ઉપદેશ ।।૩૯।।
એમ તપ કયુર્ં માસ ચાર, સહિ મેઘ તણી ઘણી ધાર ।
કરી તેમાં ઉપાસના ઘણી, તેતો સૂર્યનારાયણ તણી ।।૪૦।।
એમ કરતાં એકાદશી જેહ, આવી પ્રબોધિની નામે તેહ ।
ત્યારે અતિ આનંદ વધારી, કર્યું જાગરણ જામિની સારી ।।૪૧।।
ત્યારે સૂર્યનારાયણે ત્યાંય, દીધું દર્શન એ નિશિમાંય ।
અતિ સુંદર તન સ્વરૂપ, અંગો અંગે શોભે છે અનુપ ।।૪૨।।
દોય કર કમળ છે હાથે, નંગજડીત મુગટ માથે ।
કનક કડાં છે કરમાં કાજુ, દોય ભુજાએ બાંધ્યા છે બાજુ ।।૪૩।।
કાને કુંડળ શોભે છે સાર, તેજ તેજ તેજના અંબાર ।
હાસ્ય સહિત શોભે વદન, તેમાં કરૂણાએ ભર્યાં લોચન ।।૪૪।।
એવાં સૂર્યે દીધાં દરશન, અતિ આપે થઇને પ્રસન્ન ।
તેને દેખી ઉઠ્યા હરિ તરત, કર્યા ભક્તિએ શું દંડવત ।।૪૫।।
થયા ગદ્ ગદ્ કંઠે વર્ણી, પ્રેમે ભૂલ્યા શુદ્ધતનતણી ।
આંખ્યે આંસુ રોમાંચિત તન, જોડી હાથ કરે છે સ્તવન ।।૪૬।।
તમે તેજ પુંજ મારતંડ, નિજતેજે પ્રકાશો બ્રહ્માંડ ।
ધરી કશ્યપ ઘેર અવતાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૭।।
તમારે ઉગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાળુ ।
તેમાં પાપી પીડાય અપાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૮।।
તમારે ઉગવે કરી કહું, કરે કાળની ગણના સહુ ।
નિકર નોય કાંઇ નિરધાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૯।।
તમારે ઉગવે કરી આપ, સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ ।
દેવ દાનવ ને નરનાર, એવા તમે તેને નમસ્કાર ।।૫૦।।
તમે પ્રભુ પ્રગટ છો દેવ, સહુ જન જાણે છે એ ભેવ ।
નથી છાનો પ્રતાપ લગાર,એવા તમે તેને નમસ્કાર ।।૫૧।।
એવી સ્તુતિ કરી જોડી કર, ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર ।
માગો હરિ મુપાસેથી આજ, ત્યારે હરિ કહે માગું મહારાજ ।।૫૨।।
કામ ક્રોધ દંભ લોભ મોહ, ઇંદ્રિ ગુણ આદિ જે સમોહ ।
તેથી રક્ષા કરજયો અમારી, જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી ।।૫૩।।
વળી જયારે જયારે હું સંભારૂં, ત્યારે દર્શન થાય તમારૂં ।
એજ વર માગું છું તમથી, માયિક સુખ માગતો નથી ।।૫૪।।
ત્યારે સૂર્ય કહે સુખદાઇ, તમવડે મારી છે મોટાઇ ।
આવો તેજ પ્રતાપ છે મારો, તેતો સર્વે જાણો છે તમારો ।।૫૫।।
નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે ।
એમ હરિને આપી વરદાન, પોતે થયા પછી અંતર્ધાન ।।૫૬।।
પછી તપ સમાપતિ કરી, એહ ક્ષેત્ર વખાણે છે હરિ ।
રહ્યા તિયાં દ્વાદશીનો દન, પછી કર્યું છે ચાલવા મન ।।૫૭।।
એમ ચરિત્ર કરે બહુનામી, જે કોઇ સર્વે ધામના ધામી ।
જેની આગન્યામાં અજ ઇશ, વિષ્ણુ વિબુધ શારદા શેષ ।।૫૮।।
જેની આગન્યામાં માયા કાળ, સર્વે લોક વળી લોકપાળ ।
જેની આગન્યામાં વાયુ વ્યોમ, વળી કહીએ તેજ તોય ભોમ ।।૫૯।।
એહ સર્વેના નિયંતા સ્વામી, કરે એમ ચરિત્ર બહુનામી ।
નરતન ધર્યું છે તે માટ, એમ વરતે છે ર્વિણરાટ ।।૬૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિતપશ્ચર્યા વર્ણન નામે ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૨૯।।