ચોપાઇ-
એવી લીળા અલૌકિક કીધી, પછી સંતને શીખજ દીધી ।
સંત ચાલ્યા ગયા ગુજરાત, કરતા સુંદર લીળાની વાત ।।૧।।
ખાતાં પિતાં સુતાં સ્વપ્નામાં, કરે મનન લીળાનું મનમાં ।
જયારે સુતા થકી જન જાગે, ધન્ય ધન્ય નાથ કેવા લાગે ।।૨।।
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંય, પ્રભુ વિના ન સાંભરે કાંય ।
જેજે લીળા કીધી ભગવાને, સંત ચિંતવે તે નિત્ય ધ્યાને ।।૩।।
જયારે ધ્યાનમાં બેસે જે જન, જોઇ મૂરતિ થાય મગન ।
ક્યારે દેખે છે જરકશી વાઘે, શાલ દુશાલ કસુંબી પાઘે ।।૪।।
ક્યારે દેખે ફુલમાં ફુલતા, ક્યારે દેખે રંગડામાં રાતા ।
ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પીચકારી કરે ખ્યાલ ।।૫।।
ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકેશું હાર ।
ક્યારે દેખે પંગત્યમાં ફરતા, લઇ મોદક મનવાર્યું કરતા ।।૬।।
ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝુલતા હિંડોરે ।
ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજયા છે મરાળ ।।૭।।
એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો ।
તેની માંહોમાંહિ કરે વાત, સુણી સંત રહે રળિયાત ।।૮।।
એમ કરતાં કાંયેક દિન ગિયા, તિયાં પ્રભુ પોેતે પધારીયા ।
વરતાલે વાલ્યમજી આવ્યા, ગામોગામથી સંત બોલાવ્યા ।।૯।।
આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિને તૃપ્ત ન થાય ।
કોઇ કરે કરી કર ચાંપે, કોઇ ચરણ ગ્રહી છાતી છાપે ।।૧૦।।
કોઇ કરે પાદોદક પાન, જુવે જનનું હેત ભગવાન ।
સુંદર શોભે બોરીનો ચોફાળ, ઓઢી બેઠા તે પાટે દયાળ ।।૧૧।।
હેતે જોયું છે સહુને હેરી, દૃષ્ટિ કરી છે અમૃત કેરી ।
પછી બોલિયા પ્રાણજીવન, યાં તો માતા નથી હરિજન ।।૧૨।।
સર્વે ચાલીએ પુરને બાર, કરે દર્શન સહુ નરનાર ।
પછી સુંદર એક આંબલો, સઘન છાયે તે શોભે છે ભલો ।।૧૩।।
તિયાં જને જોઇ પાટ ઢાળી, તિયાં બેઠા આવી વનમાળી ।
થયાં દર્શન સહુ સાથને, સર્વે જોઇ રહ્યા છે નાથને ।।૧૪।।
જેજે જન દર્શને આવે, કોઇ પુષ્પ પત્ર ફળ લાવે ।
આણિ મુકે મહારાજની આગે, પછી કર જોડી પાય લાગે ।।૧૫।।
કહે ભલે આવ્યા ભગવાન, દિધાં અમને દર્શન દાન ।
એમ કરે સ્તવન જન રહ્યા, તિયાં બેઉ જામ વહી ગયા ।।૧૬।।
પછી બોલિયા પ્રાણ આધાર, હજી રસોઇને સઇ વાર ।
ત્યારે જોઇને આવીયો જન, ચાલો મહારાજ થયાં ભોજન ।।૧૭।।
પછી પધાર્યા પ્રાણજીવન, સખા સાથે લઇ મુનિ જન ।
તિયાં કર્યો અન્નકોટ અતિ, જમ્યા જુગતે તે પ્રાણપતિ ।।૧૮।।
પછી સંતની પંગતિ કિધિ, પિરસ્યું પ્રભુએ બહુવિધિ ।
ફર્યા પંગત્યમાં પાંચવાર, જમ્યા જન થયો જેજેકાર ।।૧૯।।
પછી આવ્યા છે આંબલે ફરી, બેઠા પાટ ઉપર પોતે હરિ ।
તિયાં પ્રશ્ન ઉત્તર બહુ કિધા, સંતે મન માન્યાં સુખ લીધાં ।।૨૦।।
પછી સાંજે પુરી દીપમાળ, અતિસુંદર શોભે વિશાળ ।
કરી કમાન્યો કાંગરા રાજે, તિયાં સુંદર દિવા વિરાજે ।।૨૧।।
કર્યાં ઝાડ દોય દીપતણાં, થઇ શોભા જુવે જન ઘણાં ।
બેઠા મધ્યે પોતે મહારાજ, દાસને દેવા દર્શન કાજ ।।૨૨।।
જોઇ જન થયાં છે મગન, સહુ કહે પ્રભુ ધન્ય ધન્ય ।
આવ્યો આનંદ માય ન મન, પછી ગાવા લાગ્યા કીરતન ।।૨૩।।
ગાય ગરબી ને રમે છે રાસ, ફરતાં ફુદડી દેખીયા દાસ ।
જોઇ જન ઉઠ્યા અલબેલ, આવ્યા ખાંતિલો કરવા ખેલ ।।૨૪।।
રમે જન ભમે પોતે ભેળા, એમ કરે છે લાડીલો લીળા ।
નિત્ય કરે નવલો વિહાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૫।।
આવે સત્સંગી નરનાર, લાવે પૂજા ને પૂજે મોરાર ।
એક દિ જને જમાડ્યા હરિ, બહુ પ્રેમ ભરી પૂજા કરી ।।૨૬।।
સુંદર પહેરાવિયો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।
શિર બાંધીછે સોનેરી પાગ, નથી શોભા તેની કહ્યા લાગ ।।૨૭।।
પછી ઘોડે થયા અસવાર, સંગે સખા હજારો હજાર ।
પછી ગયા બામરોલી ગામ, દેવા દર્શન સુંદર શ્યામ ।।૨૮।।
દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં, અતિ અલૌકિક સુખ આપ્યાં ।
જન કહે ભલે હરિ આવ્યા, સોના રૂપાને ફુલે વધાવ્યા ।।૨૯।।
પછી મુનિ પૂજયા મનભાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।
તિયાં રાણ્ય સુંદર રૂપાળી, બેઠા હિંડોળે ત્યાં વનમાળી ।।૩૦।।
ગાય સંત ને થાય કિલોલ, એમ આપે છે સુખ અતોલ ।
પછી અશ્વે થયા અસવાર, દીઠી સુંદર ભૂમિ ત્યાં સાર ।।૩૧।।
તિયાં ઘોડું ખેલવ્યું ખાંતિલે, અતિ ઉતાવળું અલબેલે ।
ધ્રોડે અશ્વ ઉડે જાણું પાંખે, એમ દેખાય દાસની આંખે ।।૩૨।।
પછી હળવી હળવી ચાલે, આવ્યા વાલમજી વરતાલે ।
આવી બેઠા આંબલીની છાંયે, સર્વે સંત પણ આવ્યા ત્યાંયે ।।૩૩।।
બીજા આવીયા જન અપાર, લાવે પૂજા ને પુષ્પના હાર ।
બીજા સુંદર સુખડાં લાવ્યા, નાથ આગળે થાળ ધરાવ્યા ।।૩૪।।
જોયાં સુંદર સારાં સુખડાં, રૂડાં લાગ્યાં અતિ રમકડાં ।
જોઇ નિર્મળ જન વિવેકી, તેને આપ્યાં છે દૂરથી ફેંકી ।।૩૫।।
ના ના કરે આપે આડા હાથ, તોય આપતા ન રહે નાથ ।
દેખી દાસ કરે હાસ બહુ, જોઇ લીળા આનંદિયાં સહુ ।।૩૬।।
એમ કરે છે લીળા અપાર, સુખસાગર પ્રાણઆધાર ।
વળતે દિને ગયા વલાસણ, દેવા દર્શન અશરણશરણ ।।૩૭।।
સર્વે સંત હતા વળી સાથ, પોતે ઘોડલે ચડ્યાતા નાથ ।
ગાતાવાતા જને નિજ ઘેરે, પધરાવ્યા પ્રભુ રૂડી પેરે ।।૩૮।।
બાંધી હિંડોળો બેસાર્યા હરિ, પછી અતિ હેતે પૂજા કરી ।
પછી જમાડ્યા જીવન પ્રાણ, જમાડ્યા સંત સવેર્સુજાણ ।।૩૯।।
દેઇ દર્શન ચાલ્યા દયાળ, સંગે શોભે છે મુનિ મરાળ ।
દિન બીજે ગયા બીજે ગામ, વસે ભક્ત વળોટવું નામ ।।૪૦।।
તિયાં દાસને દર્શન દીધાં, કાપી કલ્મષ કલ્યાણ કીધાં ।
જમી જન જીવન પધાર્યા, દાસને મન મોદ વધાર્યા ।।૪૧।।
એમ કરે છે લીળા અપાર, કોણ જન પામે તેનો પાર ।
માટે સંક્ષેપે કહી સંભળાવી, મારા જાણ્યામાં જેટલી આવી ।।૪૨।।
એવી લીળા કરી અવિનાશે, આસુવદીને દિન અમાસે ।
તેદિ કરી લીલા વરતાલે, સુખદાયક સુંદરવર વાલે ।।૪૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે વરતાલમાં પધાર્યા ને ફુલે વધાવ્યા એ નામે ઓગણસિતેરમું પ્રકરણમ્ ।।૬૯।।