૮૧. ગામડેથી સંતોને ગઢડે બોલાવી ખૂબ સુખ આપ્યું, બોટાદમાં હુતાસનીનો સમૈયો કર્યો ને મલ્લ રમાડ્યા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:12pm

ચોપાઇ-

એવી લીળા અલબેલે કીધી, પછી સંતને શિખજ દીધી ।

કહે નાથ સુણો સહુ જન, તમે રહેજયો મનમાં મગન ।।૧।।

વળી કરશું ઉત્સવ અમે, મળી આવજો મુનિઓ તમે ।

જાઓ ફરો કરો હરિ વાત, રહેજયો રાજી તમે રળિયાત ।।૨।।

ઘણા ઘણા ઉત્સવ કરીને, દઇશ સુખ હું ફરિફરિને ।

અતિ તમને લડાવવા લાડ, મારા મનમાં છે ઘણી ચાડ ।।૩।।

કરૂં તમને પૂરણકામ, એમ બોલિયા સુંદરશ્યામ ।

સંત સાંભળી વાલાની વાણી, ચાલ્યા આનંદ ઉરમાં આણી ।।૪।।

કૈક ગયા છે ગુરજરદેશ, કૈકે કર્યો કચ્છે પ્રવેશ ।

વાગડ સોરઠ વાલાકે વળી, ગઇ મારૂ દેશમાં મંડળી ।।૫।।

કૈક પોત્યા છે પૂરવ માંય, કરવા વાત પ્રભુજીની ત્યાંય ।

એમ સર્વે દેશે સંત ગયા, જેને રાખ્યા તે પાસળે રહ્યા ।।૬।।

એમ આનંદમાં સહુ સંત, કરે લીળાની વાતો અત્યંત ।

ચિંતવે નિત્ય ચરિત્ર ચિત્તે, કરે પરસ્પર વાતો પ્રીતે ।।૭।।

તેણે આનંદ અંગે ન માય, રાત્ય દિવસ રાજીપે જાય ।

કરે વાત પ્રભુની વિસ્તારી, સુણે પરસ્પર નરનારી ।।૮।।

સાચી વાત શ્રવણે સાંભળી, થાય સત્સંગી કુસંગી ટળી ।

આપે જ્ઞાન દાન એમ સંત, ફરે જગતમાં તારવા જંત ।।૯।।

જીયાં જીયાં મુનિજન ફરે, તિયાં પૃથિવી પાવન કરે ।

એવા સંત જન સુખકારી, અતિ પવિત્ર પરઉપકારી ।।૧૦।।

જેને એક હરિની છે આશ, સવેર્જક્તથી રહે છે ઉદાસ ।

જેને પૂરણબ્રહ્મશું પ્રીત, અન્ય વસ્તુ ન ચિંતવે ચિત્ત ।।૧૧।।

એવા સંત સહુ શિરોમણી, કહીયે મોટપ્ય શું એની ઘણી।

પરમારથ અર્થે છે ફરવું, વચ્ચે જીવનું કલ્યાણ કરવું ।।૧૨।।

સુખદાયક સહુ જનના, અતિ ઉદાર મોટા મનના ।

એવા સંત અત્યંત ઉદાર, તેણે કર્યો છે એમ વિચાર ।।૧૩।।

વરતિ વસંતઋતુ રૂપાળી, આવ્યાં વન નાવ્યા વનમાળી ।

આવ્યા અંબ કદંબ અપાર, કેશુ કેશરનો નહિ પાર ।।૧૪।।

આવ્યાં ચંપા ચમેલીએ ફુલ, ફુલ્યાં ગુલાબ ગેહેરા અમુલ ।

ફુલી સુંદર ફુલે સેવતી, બીજાં વનવેલી ફુલી અતિ ।।૧૫।।

આવ્યા તરૂ તે ભાર અઢાર, કેમ નાવિયા ધર્મકુમાર ।

એમ કહિને થયા ઉદાસ, અતિદલે દલગીર દાસ ।।૧૬।।

કોઇ ગદ્ગદ્ વાણીએ બોલે, કોઇ આતુર અંતરે ડોલે ।

કોઇને આવ્યાં નયણે નીર, સહુ અંતરે પામ્યા અધીર ।।૧૭।।

જળ વિના જેમ અકળાય મીન, સ્વાંત વિના જેમ ચાતક દીન ।

મેઘ વિના જેમ અકળાય મોર, ચંદ્ર વિના અકળાય ચકોર ।।૧૮।।

એમ અતિ અકળાણા જન, પછી કરવા બેઠા ભજન ।

ધારી મૂરતિ અંતરમાંય, જપે નારાયણને જીભાય ।।૧૯।।

એમ બેઠા છે ઘડી બે ચાર, થયાં શુકન શુભ તે વાર ।

કેની ભુજા ફરકી જમણી, કેની ફરકી આંખ્ય નમણી ।।૨૦।।

કેની ફરકી છે પગની પેની, કહે પરસ્પર વાત તેની ।

કરતા વાત તે શુકનતણી, આવી ત્યાં વાલાની વધામણી ।।૨૧।।

કહે અમે ગઢડેથી આવ્યા, સર્વે મુનિને તિયાં તેડાવ્યા ।

એવું સંત શ્રવણે સાંભળી, ચાલી ગામોગામથી મંડળી ।।૨૨।।

આવ્યા સંત પ્રભુજીને પાસ, આપે ઉઠી મળ્યા અવિનાશ ।

અતિ હેતે હસીને બોલાવ્યા, કહે નાથ સંત ભલે આવ્યા ।।૨૩।।

આજ ક્યાં થકી આવિયા ચાલી, કરો ભિક્ષા કહે કર ઝાલી ।

સુંદર રસોઇ કરી છે સારી, શાક પાક તાજાં છે તયારી ।।૨૪।।

પછી બેઠી સંતની પંગતિ, આપે પીરસે આનંદે અતિ ।

નિત્ય નવી રસોયું કરાવે, જોરેજોરે જમાડી હરાવે ।।૨૫।।

અતિ આનંદમાં અલબેલો, દિયે છાકમછોળ છબિલો ।

ના ના કરતાં ભરી દિયે ભાણું, એ સમાની શોભા શું વખાણું ।।૨૬।।

શિશે શોભે છે સોનેરી રેંટો, કેડ્યે કશ્યો છે કસુંબી ફેંટો ।

પહેરી સુથણી સુંદર શોભે, જોઇ નાડી રૂડી મન લોભે ।।૨૭।।

ગળે પહેર્યા ગુલાબના હાર, તોરા લેકે ને બેકે અપાર ।

કોટે શોભે કનકની માળા, કરમાં કનક કડાં રૂપાળાં ।।૨૮।।

હાથે મુદ્રિકામાંય છે મણિ, તેની ઝગમગે જોત્ય ઘણી ।

કરે લટકાં ને લાડવા હાથ, જમે જન જમાડે છે નાથ ।।૨૯।।

વળી કરે અલૌકિક વાત, સુણી સંત થાય રળિયાત ।

એમ વીતિ ગયા દશ દિન, આવ્યા બોટાદના હરિજન ।।૩૦।।

આવી લાગ્યા પ્રભુજીને પાય, અતિ હરષે ભર્યા મનમાંય ।

કહે આવિયે અમારે ગામ, હરિ પુરીએ સહુની હામ ।।૩૧।।

સવેર્જોઇ રહ્યા જન વાટ, વાલા તમારાં દર્શન માટ ।

સર્વે સંત સહિત પધારો, હરિજનને હર્ષ વધારો ।।૩૨।।

સર્વે કરી મુક્યો છે સમાજ, તમારે પ્રતાપે મહારાજ ।

એવું સુણી રાજી હરિ થયા, સારૂં આવશું અમે સહુ તિયાં ।।૩૩।।

પછી શ્યામળિયો સજજ થઇ, ચાલ્યા સંગે સખા સંત લઇ ।

શોભે શ્રીહરિ ઘોડાની ઘટે, આવી ઉતર્યા તળાવ તટે ।।૩૪।।

દેશદેશના આવ્યાતા દાસ, તે પણ ઉતરિયા આસપાસ ।

પછી ઉઠિયા દીનદયાળ, સર્વે સંઘની લેવા સંભાળ ।।૩૫।।

ફર્યા ઉતારે ઉતારે નાથ, કહે સુખીયા છો સહુ સાથ ।

કાંઇ જોઇએ તે મંગાવી લેજો, ખરચી નોય તો અમને કહેજયો ।।૩૬।।

એમ પુછિયું સહુ દાસને, પછી અલબેલો આવ્યા આસને ।

ગાડા ઉપર ઢોલિયો ઢાળી, તિયાં પોઢ્યા પોતે વનમાળી ।।૩૭।।

સતસંગી ને સર્વે સંત, રહ્યા રાત્ય ભેળા ભગવંત ।

અતિ આનંદમાં ગઇ રેણ, પછી જાગિયા કમળનેણ ।।૩૮।।

તર્ત મગાવ્યો વાજી તે વાર, તેપર નાથ થયા અસવાર ।

જોઇ સીમ ને વાડી સઘળી, પછી નાહિને આવિયા વળી ।।૩૯।।

આવી ગામમાં દર્શન દીધાં, સવેર્જન કૃતારથ કિધાં ।

પછી સુંદર કરી રસોઇ, જમ્યા નાથ જનભાવ જોઇ ।।૪૦।।

પછી જમાડિયા સર્વે સંત, કરી મનવાર આપે અત્યંત ।

પછી પધારીયા પુરબાર, આવ્યાં દર્શને સહુ નરનાર ।।૪૧।।

અતિ આનંદમાં વિત્યો દન, કરી આરતી જમ્યા જીવન ।

પછી ગવૈયે ગાવણું લીધું, ગાઇ જીવત સુફળ કીધું ।।૪૨।।

બહુવાર દીધાં દરશન, પછી ગામમાં આવ્યા જીવન ।

તિયાં પોઢિયા પ્રાણઆધાર, સુખ આનંદે થયું સવાર ।।૪૩।।

પછી ઘોડે ચડ્યા ગિરિધારી, આવ્યા સંઘમાંહિ સુખકારી ।

પછી સર્વે જન લઇ સાથ, આવ્યા ગામમાંહિ પોતે નાથ ।।૪૪।।

શહેર બજારે સંત ન માય, ઉડે ગુલાલ હોળી રમાય ।

વાજે ઢોલ દદામાં શરણાઇ, જય શબ્દે રહ્યો નભ છાઇ ।।૪૫।।

એમ રંગે રમ્યા હરિ હોળી, સંગે લઇ મુનિજન ટોળી ।

પછી નાહિને આવિયા નાથ, આવ્યા સર્વે સંતજન સાથ ।।૪૬।।

આવી કર્યાં પ્રભુએ ભોજન, પછી જમાડિયા સવેર્જન ।

ત્યાંથી આવિયા દરબારમાંય, હતો મંડપ ચોતરો ત્યાંય ।।૪૭।।

તિયાં બેઠા રાજા અધિરાજ, આવ્યા મલ્લ ત્યાં રમવા કાજ ।

રમી મલ્લ ને મજરો કીધો, આપી રૂપૈયા શિરપાવ દીધો ।।૪૮।।

પછી સંતને તેડાવ્યા નાથે, આપ્યા પ્રસાદી મોદક હાથે ।

પછી સંતને શિખજ દિધી, એવી લીળા બોટાદમાં કીધી ।।૪૯।।

લીધો લાવો અલૌકિક જને, ફાગણશુદી પુન્યમને દને ।

તેદિ ઉત્સવ કર્યો મહારાજે, સંતને સુખ આપવા કાજે ।।૫૦।।

સોમલો ભક્ત વળી હમીર, ભગા હીરા ભગત સુધીર ।

એહ આદિ હરિજન જેહ, તેણે કરાવ્યો ઉત્સવ તેહ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે બોટાદમાં ફુલદોલનો ઉત્સવ કર્યો એ નામે એકાશીમું પ્રકરણમ્ ।।૮૧।।