૮૦. ગઢપરુ માં જયા-લલિતાએ ફલુ દોલોત્સવ કરાવ્યો, રંગે રમ્યા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:11pm

રાગ સામેરી-

પછી સતસંગમાં શિરોમણી, વાસી ગઢડા ગામના ।

અતિ ત્યાગી તપસી તને, વાલા સુંદર શ્યામના ।।૧।।

તે પ્રીત્યેશું લાગ્યા પૂછવા, નાથજી તમે સાંભળો ।

લીળા કરી વળી ગુજરદેશે, પવિત્ર કર્યો સઘળો ।।૨।।

હવે હરિ દયા કરી, કરો ઉત્સવ આંહિ તમે ।

સતસંગી ને સંતનાં તો, દરશન કરીએ અમે ।।૩।।

આપો અમને આગન્યા, કરીએ સામાન રસોઇનો ।

નોતરું દિવસ વિશનું, તેમાં ભાગ ન કરવો કોઇનો ।।૪।।

વળતાં વાલમ બોલિયા, ઘણો દાખડો પડશે વળી ।

માનો અમારી આગન્યા, કરો સામાન બેન બેઉ મળી ।।૫।।

પછી માની મહારાજની આગન્યા, ઘણા મિસરી ઘૃત મંગાવિયાં ।

પડસુદિના પાક કરાવ્યા, ભોજન મન ભાવિયાં ।।૬।।

પછી મેલી મુનિને કંકોતરી, સતસંગીને તેડાવિયા ।

સંત શ્રવણે સાંભળી, વળી તરત તિયાં આવિયા ।।૭।।

આવી પાય લાગ્યા પ્રભુને, નિરખિયા નયણાં ભરી ।

પછી સર્વે સંતને વળી, હેતેશું મળ્યા હરિ ।।૮।।

અતિ હેત સમેતશું, પછી સંતને બોલાવિયા ।

હસિહસિને બોલે હરિ, કહે નાથ ભલે આવિયા ।।૯।।

પછી કરી રસોઇ ચાલતી, મનમાન્યા મોદક મોતીયા ।

જલેદાર જલેબીયો, બીજા પાક નવ જાય કહ્યા ।।૧૦।।

બેસે પરમહંસ પંગતિ, વળી પીરસે પોતે હરિ ।

જમે જન જીવન પોત્યે, જમાડે જોરે કરી ।।૧૧।।

માથે હાથ મુકી આપે, મોદક મનગમતા ।

દિયે જલેબી જનને, વળી સુખમાંહિ જમતા ।।૧૨।।

સુંદર શાક સોયામણાં, વૃંતાક ને વડીતણાં ।

રૂડી કડી વળી રાયતાં, પંગત્યમાં પીરસે ઘણાં ।।૧૩।।

કળી કાજુ ગાંઠિયા, ફરસાણ્ય ફેરે ફુલવડી ।

ભર્યાં હવેજે ભજીયાં, વળી ફેરવે વડાંવડી ।।૧૪।।

ઉજજવળ પાપડ અળદના, વળી આદાં કેરીનાં અથાણાં ।

ભોજન વ્યંજન ભાવે ભરી, આપે અલબેલો ઘણાં ।।૧૫।।

દુધ દહીં દોવટે, વળી પીરસે પંગત્યમાં ।

વારમવાર મનુવાર કરે, આવી હરિ આરત્યમાં ।।૧૬।।

એક એકથી અધિક અધિક, થાય રસોયું નવી નિત્યે ।

તેમતેમ જન જમાડનાર, રાજી થાય રૂડી રીત્યે ।।૧૭।।

એમ દિવસ વિશ સુધી, જમાડિયા નિજજનને ।

સંતને અતિ સુખ આપ્યું, દઇ હરિ દર્શનને ।।૧૮।।

નિત્યે નિત્યે નવી વારતા, વળી કરે હરિ કૃપા કરી ।

જન સહુ મગન થાય, સુંદર વાણ્યે બોલે હરિ ।।૧૯।।

મેડે રૂડે રસિયો વળી, બેસે નિત્યે પોતે જઇ ।

નરનારી હરિજનને, મગન કરે દર્શન દઇ ।।૨૦।।

સુંદર વસ્ત્ર પહેરી સારાં, સોનેરી શોભે ઘણાં ।

શાલ દુશાલ પાઘ જામા, રૂડા કસુંબી રંગતણા ।।૨૧।।

હાર અપાર ફુલના, વળી લાવે હરિજન હેતશું ।

અલબેલાની કોટમાં, પહેરાવે બહુ પ્રીત્યશું ।।૨૨।।

વળી ઉભા થઇ હરિ આરતી, કરે કરતાળી દઇ ।

લટકાં જોઇ લાલનાં, લખી જન રાખે લઇ ।।૨૩।।

એમ સુખ આપતાં, વળી દિવસ વિશ વહિગયા ।

દર્શન કરી દયાળનાં, સંત સહુ સુખિયા થયા ।।૨૪।।

એમ કરતાં આવિયો, વળી ઉત્સવ ફુલદોલનો ।

રસિયાને રમવા વળી, આણ્યો રંગ અતોલનો ।।૨૫।।

સખાસંગે શ્યામળો, રમવા રૂડી રીત્યશું ।

જણજણ પ્રત્યે જુજવી, પિચકારી કરાવી પ્રીત્યશું ।।૨૬।।

પછી સુંદર રંગ મંગાવિયો, અલબેલો ઉભા ઓરડે ।

સખા ઉપર શ્યામળો, રેડે રંગ રૂડે ઘડે ।।૨૭।।

પડે બહુ પિચકારીયો વળી, ઉડે ગુલાલ અતિ ઘણો ।

ચડી ગરદી ગગનમાં, ખેલ મચ્યો મુનિ મહારાજતણો ।।૨૮।।

રંગે રંગાણા રસિયો, તેણે ઓપે છે અતિ અંગે ।

સખા શુદ્ધ ભૂલી ગયા, રમતાં વળી રસિયા સંગે ।।૨૯।।

વાજાં વાજે અતિઘણાં, આવ્યા અમર જોવા આનંદશું ।

જયજય શબ્દે જન બોલે, શ્યામ ખેલે સખા વૃંદશું ।।૩૦।।

સુંદર રંગે અરુણ ઓપે, વદન વાલ્યમતણું ।

જાણું કમળ ઉપયેર્ , ભ્રકુટિભૃંગ શોભ્યા ઘણું ।।૩૧।।

એમ ઓપે અલબેલડો, રસબસમાં રસિયો ।

છેલછબિલો રંગનો રેલો, જનતણે મન વસિયો ।।૩૨।।

રમે રંગે સખા સંગે, અંગે આનંદ અતિઘણો ।

તે સમાની શોભા મુખથી, કેટલિક કવિ ભણે ।।૩૩।।

પછી રખાવી રમત્યને, વાલો નાવા ચાલ્યા નદીયે ।

એવી લીળા જોઇને, કંગાલ ન મનાય કેદિયે ।।૩૪।।

જેનું નામ લેતાં નિર્દોષ થાય, અને દર્શને દુષ્કૃત્ય ટળે ।

પાપ પૂરવનાં થાય પ્રલય, જેની કીરતિ સાંભળે ।।૩૫।।

તેની લીળા જોઇ જેણે, ભાગ્ય તેનાં હું શું ભણું ।

ત્રિલોકમાં નહિ તુલ્ય તેને, વળી કહીએ શું શું ઘણું ।।૩૬।।

એવા જન જીવન વળી, નાહ્યા વળી નીરમાં ।

સખા સંગે શ્યામળો, શોભે ઘણું શરીરમાં ।।૩૭।।

પછી નાહિ પધારીયા, અલબેલો આવ્યા આસને ।

સુંદર રસોઇ કરી સારી, ભરી રાખીતિ વાસણે ।।૩૮।।

જીવન જન જુગત્યે જમ્યા, અને રમ્યા રંગે હોળી હરિ ।

ધન્ય ધન્ય ગામ ગઢડું, જયાં લાડીલે લીળા કરી ।।૩૯।।

એમ લીળા લાલે કરી, ફાગણશુદી પુન્યમ દને ।

તેદિ ઉત્સવ કરાવિયો, જયા લલિતા ઉત્તમ જને ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગે રમ્યા એ નામે એંસિમું પ્રકરણમ્ ।।૮૦।।