૧૦૧. શ્રીહરિના અત્યાર સુધીના ચરિત્રો-કાર્યોનું ટૂંકમાં નિરૂપણ કરી તે નિમિત્તે અપાર ઐશ્વ્રર્યન

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:38pm

પૂર્વછાયો-

એવા સ્વામી શ્રીહરિ, ચરિત્ર અતિ અનુપ ।

પાછા પ્રથમથી સંક્ષેપે, કહું સાંભળજયો સુખરૂપ ।।૧।।

પોતે પુરૂષોત્તમ પ્રગટી, બહુ વાવરી સામર્થ્ય ।

જોરે લેવા જીવ શરણે, એજ સારવો અર્થ ।।૨।।

પાપી પરદારા પથી, મદ્યપાની માંસારી સોઇ ।

તસ્કર પરપ્રાણહર, તરે કરે આશ્રય કોઇ ।।૩।।

પોતા બળે મહા પંચ પાપી, કર્યા ભવજળ પાર ।

લોભી લંપટી કપટી કામી, કોણ પુરૂષ ને કોણ નાર ।।૪।।

ચોપાઇ-

એવા અઘવંતા નરનાર, આવે શરણે પામે ભવપાર ।

પામે સમાધિ સુખ પ્રાપતિ, થાય લોક પરલોકમાં ગતિ ।।૫।।

સુરપુર ને દેખે કૈલાસ, વૈકુંઠ હરિ હરિના દાસ ।

ગોલોક ને શ્વેતદ્વીપ સોઇ, ધામ અક્ષર જન તે જોઇ ।।૬।।

જેજે લોકના આચરણ જેહ, દેખે કહે યથારથ તેહ ।

જેજે લોકના જે અધિપતિ, કરે પ્રગટ પ્રભુની વિનતિ ।।૭।।

એમ જન જોઇ બહુ ધામ, માને પોતાને પૂરણકામ ।

વળી દેખે બ્રહ્માંડે બ્રહ્માંડ, દેખે પોતાનું પારકું પંડ ।।૮।।

મન બુધ્ધિ ચિત્ત અહંકાર, દેખે પ્રાણ ઇંદ્રિય પરિવાર ।

ઘાટ શુભ અશુભ જે થાય, તેતો પર પોતાના જણાય ।।૯।।

એમ દેખે સમાધિયે જન, કરે પ્રગટ પ્રમાણ ભજન ।

પરાપાર જે પૂરણબ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ ।।૧૦।।

તેજ સુખદાય સહજાનંદ, જગજીવન જે જગવંદ ।

જે કોઇ સર્વે કારણના કારણ, તેણે કર્યું છે તન ધારણ ।।૧૧।।

સર્વે અવતારના અવતારી, તેજ સહજાનંદ સુખકારી ।

જે કોઇ સર્વે ધામના ધામી, જાણો તેજ સહજાનંદ સ્વામી ।।૧૨।।

શશિ સુર અજ અમરેશ, શેષ મહેશ દેવ ગણેશ ।

પૃથ્વી પાથ પાવક પવન, દિગપાળ કાળ માયા ઘન ।।૧૩।।

એહ આદિ જે બીજા અનેક, જેની ન લોપે આગન્યા એક ।

તેજ મૂરતિ જાણીને જન, કરે સહજાનંદનું ભજન ।।૧૪।।

અતિ પ્રત્યક્ષ પરોક્ષ ન લેશ, એવી વાતો થાય દેશોદેશ ।

થાય પ્રકટ પૂજા બહુપેર, પ્રકટ ગુણ ગાય ઘેરઘેર ।।૧૫।।

થાય અર્ચા પૂજા ને આરતિ, કરે સ્તવન જન વિનતિ ।

ધરે મોરમુગટ વનમાલ, છત્ર ચમર કરે મરાલ ।।૧૬।।

પૂજા પ્રકટ પ્રકટ ભજન, કરે નરનારી બહુ જન ।

નિરસંશય થઇ નરનાર, ભજે પ્રગટ પ્રમાણ આધાર ।।૧૭।।

તેનાં હરે દુઃખ દીનબંધુ, કૃપાળુ દયાળુ સુખસિંધુ ।

કામ ક્રોધ લોભ મોહ આદિ, નડ્યા છે જે જીવને અનાદિ ।।૧૮।।

એવા શત્રુ અજીતને જીતી, કરાવે નિજચરણમાં પ્રીતિ ।

એમ અનંત જીવ ઉધ્ધાર્યા, ભવસાગર પાર ઉતાર્યા ।।૧૯।।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર લઇ, નરનાર ઉધારિયાં કઇ ।

પેખી પોતાની સામર્થી શ્યામ, આપ્યાં આશ્રિતને નિજધામ ।।૨૦।।

શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક, પામ્યા અક્ષરધામ અશોક ।

છતે તને છે મગન જન, વળી કરે પ્રગટ ભજન ।।૨૧।।

માને મળ્યા શ્રીહરિ સાક્ષાત, ન કરે કોઇ વાયદે વાત ।

બીજા મતપંથ મોળા પડ્યા, રહ્યા તે પણ સડ્યા બગડ્યા ।।૨૨।।

એમાં જીવ મુમુક્ષુ જે હતા, આવ્યા પ્રગટ પ્રભુને ગોતતા ।

ઉદય અસ્તમાંઇ એક વાત, પ્રભુ સહજાનંદજી સાક્ષાત ।।૨૩।।

બાળ જોબન ને વૃધ્ધ જેહ, તેને ન રહ્યો તેમાં સંદેહ ।

એમ પ્રકટપણે નરનાર, કરે ભજન સહુ અપાર ।।૨૪।।

દેવ ભૈરવ ભવાની પીર, વળી વૈતાળ વૈતાળી વીર ।

મંત્ર જંત્ર ને મુંઠ કામણ, દૈત્ય ભૂત પ્રેત પિતૃગણ ।।૨૫।।

ટોળા નાટક ચેટક ચોટે, તેની બીક નહિ મિષ ખોટે ।

એમ પ્રકટ પ્રભુને પામી, બીજી શંકા તે સર્વે વામી ।।૨૬।।

નહિ અંતરે કોઇનો ભાર, પામી પ્રકટ ધર્મકુમાર ।

વળી નિજનિજ ધર્મપાળે, પ્રકટ મૂરતિ નાથ નિહાળે ।।૨૭।।

પ્રકટ પ્રભુનું કરે ભજન, તેણે જન રહેછે મગન ।

કોઇ વાતની ન રહી શંકા, દીધા કાળ માયા પર ડંકા ।।૨૮।।

અતિ પ્રકટનું બળ લઇ, બીજી વાતતણી બીક ગઇ ।

એમ પ્રકટ પણાની વાત, જણાણી જગમાંહિ વિખ્યાત ।।૨૯।।

થાય પરચા અતિ અપાર, ન માને એવો કોણ ગમાર ।

જયારે મુકે સતસંગી દેહ, આવે નાથ તેડવાને તેહ ।।૩૦।।

મરે વિમુખ કરી હાયહાય, મુવા પછી જમપુર જાય ।

એમ દેખી દો પ્રસિધ્ધ વિધિ, ભજે સહજાનંદ સુખનિધિ ।।૩૧।।

વાટે ઘાટે એ થાય ઉચ્ચાર, પ્રભુ પ્રકટ વિના અંધાર ।

નથી વાત એ છાની છપાડ્યે, છે છતરાઇ તે ચોડે ધાડે ।।૩૨।।

એવું કરીને પ્રકટપણું, કર્યું કલ્યાણ બહુ જીવતણું ।

પછી નાથે વિચાયુર્ં અંતરે, જયારે હું નહિ હઉં આ ધરે ।।૩૩।।

ત્યારે મારા આશ્રિત નરનાર, થાશે નિરાલંબ નિરધાર ।

માટે એને કરૂં આલંબન, બીજાં થાશે જે આગળ્યે જન ।।૩૪।।

તેનાં કલ્યાણ કરવા સારૂં, કરી મંદિર મૂર્તિયો બેસારૂં ।

વળી મારૂં ગુરૂપણું જેહ, સ્થાપું ધર્મકુળમાંહિ તેહ ।।૩૫।।

એમ વિચારીને તતખેવ, પછી નરનારાયણ દેવ ।

લક્ષ્મીનારાયણ આદિક સારી, પોતાની મૂર્તિયો બેસારી ।।૩૬।।

અવધપ્રસાદ ને રઘુવીર, કર્યા આચાર્ય ગુણે ગંભીર ।

મૂર્તિ દ્વારે ઐશ્વર્ય જણાવી, પૂર્યા પરચા સમાધિ કરાવી ।।૩૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પુરૂષોત્તમનો મહિમા તથા પ્રકટપણું કહ્યું એ નામે એકસોને એકમું પ્રકરણમ્ ।।૧૦૧।।