પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથનાં, પ્રકરણ એકસો ચોસઠ ।
વિભાગે તે વર્ણવું, સુંદર સારી પેઠ્ય ।।૧।।
પ્રથમ મંગળાચર્ણ પ્રકર્ણ, બીજું કવિસ્તવન ।
ત્રીજે મહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રિ વર્ણન ।।૨।।
પાંચમે મુનિનાં નામ કહ્યાં, છઠે ઋષિસ્તુતિ આપ ।
સાતમે શાપ દુર્વાસાનો, આઠમે તેનો પરિતાપ ।।૩।।
નવમે ઉદ્ભવ અસુરનો, દશમે ધરમ અવતાર ।
અગ્યારે વિવાહ ભક્તિધર્મનો, બારે રામાનંદ મળ્યા ઉદાર ।।૪।।
તેરે ત્યાંથી ઘેર આવિયા, ચૌદે ધર્મ મુનિને મળ્યા હરિ ।
પનરે ધર્મ અશ્વત્થામાએ શાપ્યા, સોળે પ્રભુ પ્રકટ્યા દયા કરી ।।૫।।
સત્તરે કૃત્યાઓનું વિઘન કહ્યું, અઢારે હરિચરિત્ર ચવ્યું ।
ઓગણિશે અસુરવિઘન ટાળ્યું, વિશે અવધ્ય ધામ વર્ણવ્યું ।।૬।।
એકવિશે હરિ બાળલીળા, બાવિશે જનોઇનો જાગ ।
ત્રેવિશે ચરિત્ર પવિત્ર છે, ચોવિશે માતા તનત્યાગ ।।૭।।
પંચવિશે ધર્મે ધ્યાને કરી, છવિશે તજીયું તન ।
સત્યાવિશે ચાલ્યા હરિ ઘેરથી, અઠ્યાવિશે અવનિ અટન ।।૮।।
ચોપાઇ- ઓગણ ત્રિશે કર્યું તપ આપ રે, ત્રિશે ગોપાળયોગી મેળાપ રે ।
એકત્રિશે લૈ પ્રકર્ણ ચાર રે, ફર્યા ર્વિણ તે વન મોઝાર રે ।।૯।।
પાંતરિશે તીર્થમાં ભમ્યા રે, છત્રિશે ઉદ્ધવ જનમ્યા રે ।
સાડત્રિશે આડત્રિશે વાત રે, કહી રામાનંદની વિખ્યાત રે ।।૧૦।।
ઓગણચાલિસમાં ઘનશ્યામ રે, આવ્યા સતસંગમાં સુખધામ રે ।
ચાળિશે સ્વામીનું ધ્યાન કરી રે, કહિ મૂર્તિ રૂડી રસભરી રે ।।૧૧।।
એકતાળિશે મુક્તાનંદે પત્ર રે, લખ્યો સ્વામી ઉપર સુંદર રે ।
બેતાળિશે પત્રી નીલકંઠે રે, લખી સુંદર સારીપેઠે રે ।।૧૨।।
ત્રેતાળિશે તેનો ઉત્તર રે, લખ્યો સ્વામી શ્રીજીએ સુંદર રે ।
ચુંવાળિશે રામાનંદ આવી રે, મળ્યા નિલકંઠને બોલાવી રે ।।૧૩।।
પિસ્તાળિશે મહાદિક્ષા દિધી રે, છેંતાળિશે રૂચિની વાત કીધી રે ।
સડતાળિશે રામાનંદ શ્યામ રે, પધારીયા સદેહે સ્વધામ રે ।।૧૪।।
અડતાળિશે ઉત્સવ માંગરોળે રે, તિયાં જન ર્ક્યાં બહુ ટોળે રે ।
ઓગણ પચાસે પચાસે અનુપ રે, કહ્યાં હરિચરિત્ર સુખરૂપ રે ।।૧૫।।
એકાવને પરમહંસ કીધા રે, બાવન ત્રેપનમાં નામ લીધાં રે ।
ચોપને હરિચરિત્ર પાવન રે, પંચાવને જેતલપુર યજ્ઞ રે ।।૧૬।।
છપને જેતલપુર જઇ રે, ગયા ખોખરાદે સંઘ લઇ રે ।
સત્તાવને અસુરને મારી રે, ગયા કચ્છદેશ સુખકારી રે ।।૧૭।।
અઠાવને ઓગણસાઠ્યે જાણો રે, યજ્ઞ ડભાણનો પરમાણો રે ।
સાઠ્યે કચ્છદેશથી સોરઠમાંઇ રે, કરી અષ્ટમી તે અગત્રાઇ રે ।।૧૮।।
એકસઠ્યે યજ્ઞ જેતલપુરે રે, કરતાં વારું કરાવ્યું અસુરે રે ।
બાસઠ્યે કારિયાણીમાંઇ રે, કર્યો અષ્ટમી ઉત્સવ ત્યાંઇ રે ।।૧૯।।
ત્રેસઠ્યમાં વઉઠાની વાત રે, લીળા કરી ફર્યા ગુજરાત્ય રે ।
ચોસઠ્યે સારંગપુર ગામે રે, કર્યો ઉત્સવ સુંદર શ્યામે રે ।।૨૦।।
પાંસઠ્યે ગઢડા ગામમાંઇ રે, રમ્યા હુતાશની હરિ ત્યાંઇ રે ।
છાસઠ્યમાં લાડિલો લાલ રે, કર્યો ફુલડોલ વરતાલ રે ।।૨૧।।
સડસઠ્યે કર્જીસણ ગામે રે, કરી અષ્ટમી ત્યાં ઘનશ્યામે રે ।
અડસઠ્યમાંહિ રુડિપેઠ્ય રે, કરી ગઢડે કપિલા છઠ્ય રે ।।૨૨।।
અગણોતેરે પૂરી દીપમાળ રે, કરી વરતાલે લીળા દયાળ રે ।
શિતેરે ગઢડે હોળી રમી રે, ઇકોતેરે વરતાલ અષ્ટમી રે ।।૨૩।।
બોંતેરે ધર્મપુરની વાત રે, ગયા ઘણું રહી ગુજરાત રે ।
તોંતેરે વરતાલે મુરારિ રે, ફુલડોલે ઝુલ્યા મુગટ ધારી રે ।।૨૪।।
ચુંવોતેરે વળી વરતાલે રે, હુતાસની ઉત્સવ કર્યો વાલે રે ।
પંચોતેરે લખ્યું ગયા સોરઠે રે, કરી લીલા તિયાં બહુ પેઠ્યે રે ।।૨૫।।
છોંતેરે જેતલપુર ગામે રે, ભીમએકાદશી કરી શ્યામે રે ।
સત્યોતેરમાં વાત એ જાણો રે, જીત્યા વેદાંતાચારને પ્રમાણો રે ।।૨૬।।
અઠ્યોતેરે ઓગણાશિયે વાત રે, પ્રબોધની ઉત્સવ વિખ્યાત રે ।
એંશી પ્રકરણમાં છે એહ રે, કરી ગઢડે હુતાશની તેહ રે ।।૨૭।।
એકાશીમાં બોટાદની લીળા રે, રમ્યા હોળી હરિજન ભેળા રે ।
બાશિયે શ્રીનગર જઇ રે, આવ્યા સહુને દર્શન દઇ રે ।।૨૮।।
ત્રાશિયે દેશ ડંઢાવ્યે રે, દિધાં દર્શન ભૂધરે ભાવે રે ।
ચોરાશિમાં ગઢડાની વાત રે, દુષ્ટ દમિ ગયા ગુજરાત રે ।।૨૯।।
પંચાશિયે ગઢડામાં વળી રે, કરી દીપ ઉત્સવ દીવાળી રે ।
છાશિયે શ્રીનગરમાંઇ રે, નરનારાયણ બેઠા ત્યાંઇ રે ।।૩૦।।
સત્યાશિએ શું કહું વખાણી રે, કર્યો અન્નકોટ કારિયાણી રે ।
અઠ્યાશિમા પ્રકરણમાં કહ્યો રે, ફુલડોલ પંચાળે સમૈયો રે ।।૩૧।।
નેવાશિમાં એ કહી પ્રકાશું રે, રહ્યા ગઢડે સંત ચોમાસું રે ।
નેવુંવે શ્રીનારાયણ પધરાવ્યા રે, પછી અયોધ્યાનાં વાસી આવ્યાં રે ।।૩૨।।
એકાણુંમાં પ્રાણ આધાર રે, પૂછ્યો ધર્મકુળ પરિવાર રે ।
બાણું ત્રાણું પ્રકર્ણે એ ચવી રે, વાત દ્વારામતિની વર્ણવી રે ।।૩૩।।
ચોરાણું પંચાણુંમાં એ પેર રે, પ્રભુ પધાર્યા સુરત શહેર રે ।
છન્નુમાંઇ હોેળીનો સમૈયો રે, કર્યો અમદાવાદ તે કહ્યો રે ।।૩૪।।
સતાણું પ્રકર્ણે પ્રમાણો રે, દીપઉત્સવ વરતાલ્યે જાણો રે ।
અઠાણું પ્રકર્ણે શ્રીનગર રે, કર્યો હોળી સમૈયો સુંદર રે ।।૩૫।।
નવાણું પ્રકર્ણે જાણો જન રે, વાલો પધાર્યા વટપત્તન રે ।
સોમા પ્રકર્ણમાં વાત સારી રે, કહી બહુ પ્રકારે વિસ્તારી રે ।।૩૬।।
સો ને એકે પ્રોક્ષપક્ષ લીધી રે, થઇ આચાર્ય ભક્તિ કીધી રે ।
સોને બેયે બહુનામીતણાં રે, કહ્યાં ન જાય ચરિત્ર ઘણાં રે ।।૩૭।।
સો ને ત્રણ્યે મુનિની સ્તુતિ રે, બોલ્યા સોને ચારે પ્રાણપતિ રે ।
સોને પાંચે સામર્થી હરિને રે, કહ્યાં સુક્ષ્મ દૃષ્ટિ કરીને રે ।।૩૮।।
ત્યાંથી પાંચ પ્રકર્ણે વિખ્યાત રે, કહી પંચ વરતની વાત રે ।
સોેને અગિયારે શુભ જાણો રે, વ્રત બાઇયો ત્યાગીનાં પ્રમાણો રે।।૩૯।।
સોને બારે બાઈ ભાઈ નામરે, કહ્યાં રહ્યાં જે ગઢડે ગામ રે ।
સો ને તેરે સોરઠવાસી જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।।૪૦।।
સો ને ચૌદે વાલાકના ભક્ત રે, કહી તેહનાં નામની વ્યક્ત રે ।
સો ને પનરે પાંચાળવાસી રે, કહ્યાં તેહનાં નામ પ્રકાશી રે ।।૪૧।।
એકસો ને સોળે કચ્છ હાલારી રે, લખ્યાં જનનાં નામ વિસ્તારી રે ।
સો ને સત્તરે સૌભીરનાં જન રે, કહ્યાં નામ પરમ પાવન રે ।।૪૨।।
સો અઢારે ભાલભક્ત ભાખ્યા રે, સો ઓગણિશે ડંઢાવ્યના દાખ્યા રે ।
સો ને વિશે મારૂ ગુજરાતી રે, કહ્યાં નામ તેહનાં વિખ્યાતિ રે ।।૪૩।।
સો ને એકવિશે કહ્યાં નામ રે, ભક્ત ચડોતરે નર વામ રે ।
સો બાવિશે ચડોત્રરે નાર રે, તેનાં નામ જાણો નિરધાર રે ।।૪૪।।
સો ને ત્રેવિશે બારાનાં જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।
સો ને ચોવિશે પચિશે પરમાણો રે, વાકળ કાનમ સુરતી જાણો રે।।૪૫।।
સોને છવિશે નિમાડી ભાખ્યાં રે, ખાંની હિંદુસ્થાની લખી રાખ્યાં રે ।
સો સત્યાવિશે ખંડ બુંદેલ રે, ગંગાપાર જન પંચ મહેલ રે ।।૪૬।।
વત્સઘોષ આદિ દેશ જેહ રે, નામ સોળ પ્રકરણમાં તેહ રે ।
ત્યાંથી એકત્રિશ પ્રકર્ણે જાણો રે, લખ્યા પરચા તે પરમાણો રે ।।૪૭।।
એકસો ઓગણસાઠ્યે ભણી રે, શોભા ગોલોક ધામની ઘણી રે ।
સો ને સાઠ્યે નાથે ધીરજ દીધી રે, પછી કરવાની હતી તે કીધી રે ।।૪૮।।
સોને એકસઠ્યે ઘનશ્યામ રે, પોત્યે પધાર્યા પોતાને ધામ રે ।
સોને બાસઠ્યે હરિ વિયોગ રે, હરિજન પિડાણાં એ રોગ રે ।।૪૯।।
સો ને ત્રેસઠ્યે કહ્યો સંકેત રે, સર્વે પ્રકરણ જાણવા હેત રે ।
સો ને ચોસઠ્યે માહાત્મ્ય જાણો રે, ગ્રંથ ઇતિ પરમાણો રે ।।૫૦।।
પુરાં પ્રકરણ સો ને ચોસઠ્ય રે, શિખે ગાય સુણે સારી પેઠ્ય રે ।
નિત્ય પ્રત્યે કરીને અધ્યાસ રે, કહેશે સાંભળશે હરિદાસ રે ।।૫૧।।
તેને ઉપર રીઝે દયાળુ રે, થાય લોક પરલોક સુખાળુ રે ।
એવી અનુપ કથા આ છે રે, જેમાં હરિચરિત્ર કહ્યાં છે રે ।।૫૨।।
સત્સંગી જે નર ને નારી રે, તેને આ કથા છે સુખકારી રે ।
સુણીસુણી લેશે સુખ અતિ રે, થાશે ધર્મ નિયમે દૃઢમતિ રે ।।૫૩।।
પ્રભુ પ્રકટના જે ઉપાસી રે, તેને તો આ ગ્રંથ સુખરાશી રે ।
જેમાં ઇષ્ટદેવનાં ચરિત્ર રે, સુણી થાય પરમ પવિત્ર રે ।।૫૪।।
રામ ઉપાસીને રામચરિત્ર રે, સુણી માને સહુથી પવિત્ર રે ।
કૃષ્ણઉપાસીને કૃષ્ણલીળા રે, માને મુદ સુણે થઈ ભેળા રે ।।૫૫।।
તેમ સહજાનંદી જન જેહ રે, સુણી આનંદ પામશે એહ રે ।
એવી કથા આ અનુપમ સારી રે, સત્સંગીને છે સુખકારી રે ।।૫૬।।
હરિજનને છે આ પીયૂષ રે, વિમુખ જનને છે આ વિષ રે ।
સુણી સત્સંગી લેશે આનંદ રે, કહેશે પરમાર્થી નિષ્કુળાનંદ રે ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગ્રંથ પ્રકરણ સર્વેનો સંકેત કહ્યો એ નામે એકસો ને ત્રેસઠમું પ્રકરણમ્ ।।૧૬૩।।