પૂર્વછાયો-
મોટા ભક્ત મારૂ દેશના, અને મોટાં જેનાં મન ।
સંગ કુસંગને ઓળખી, વળી થયા હરિના જન ।।૧।।
લેશ નહિ જે દેશમાં, સમજવા સુધી રીત ।
એવા દેશમાં ઉપજી, જેણે કરી હરિશું પ્રીત ।।૨।।
એવા જન પાવનનાં, કહું કાંયેક હવે નામ ।
ઉચ્ચ નીચ કુળમાં અવતરી, જેણે ભજયા સુંદરશ્યામ ।।૩।।
ચોપાઇ-
ખરા ભક્ત કહીએ ખાણ ગામે, દેવજાતિ શંભુદાન નામે ।
ઘેર લાલુબાઇ હરિજન, જેણે જન્મ્યા લાડુજી પાવન ।।૪।।
રૂડા ભક્ત છે ખીમોજીભાઇ, ઘેરે મોટાં જન મોજબાઇ ।
એહાદિ બીજા જન ગણીજે, ભલાભક્ત ખાણમાં ભણીજે ।।૫।।
ભક્ત એક છે ચેલો લુવાર, વસે તે ભીલમાલ મોઝાર ।
ક્ષત્રિ ભક્ત હેમરાજ નામે, ભજે હરિ રહે નરોલી ગામે ।।૬।।
ભક્ત કણબી દેવશી જાણીયે, દ્વિજ ચેલો ગામ ઝુઝાંણીયે ।
વાલી ગામે વસે બહુ જન, દ્વિજ વિરમ ભક્ત પાવન ।।૭।।
દ્વિજ વખતો ગામ જોધાવે, વ્યાધ મેઘરાજ ભક્ત કાવે ।
ભક્ત વખતો જાત્યે વાઘરી, રહી ઉનડિયે ભજયા હરિ ।।૮।।
ખીમો ભજે હરિ ભાવ ભલે, જાત્યે વાઘરી વસે સાયલે ।
હરિભક્ત વાઘરી ઇશરો, વસે દાસપામાં દાસ ખરો ।।૯।।
ગામ ભુકામાંહિ ભજે હરિ, ભક્ત અમરો જાત્યે વાઘરી ।
ભક્ત જોધો જન જીવીબાઇ, રહે વાઘરી ગામ દેતામાંઇ ।।૧૦।।
ભક્ત વાલો વખાણું વાઘરી, ભલી ભક્તિ પ્રભુજીની કરી ।
બાઇ રૂપા મેઘી ને કેશર, ગામ સુરાણે ભક્ત સુંદર ।।૧૧।।
ઉદો વાઘરી રહે ગામ ધાખે, મુખે સ્વામિનારાયણ ભાખે ।
ભક્ત જીવો વાઘરી વાલેરે, ભજે ભગવાન રૂડી પેરે ।।૧૨।।
ભક્ત વાઘરી પદમો નામ, ભજે હરિ રહે આકવે ગામ ।
ગામ ચોરવે જીવો વાઘરી, તજી કુળધર્મ ભજયા હરિ ।।૧૩।।
એહ આદિ વાઘરી અપાર, વસે તે મારૂ દેશ મોઝાર ।
તજી મેલી નિજકુળ રીતિ, કરી પ્રકટ પ્રભુ સાથે પ્રીતિ ।।૧૪।।
સારા ભક્ત છે શિરોઇ ગામ, કહું સાંભળજયો તેનાં નામ ।
મોટા ભક્ત છે જાત્યે લુવાર, કરૂં તેનાં નામનો ઉચ્ચાર ।।૧૫।।
દલો રતનો લખમણ લહીએ, પનો મેરામ અજબો કહીએ ।
જેઠો હદો ધન રૂપ ધીરો, મુળો પદમો હવો ને વીરો ।।૧૬।।
હદા પના આદિ બહુ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।
દલુ વાલુ ઉમાંબાઇ સોનાં, લાધી મટુ ઇંદુબાઇ પુનાં ।।૧૭।।
એહાદિ બાઇ ભાઇ લુવાર, એક ભક્ત છે સવો કુંભાર ।
એહ આદિ બીજા જન સોઇ, ભજે હરિ રહે ગામ શિરોઇ ।।૧૮।।
હરિભક્ત છે પ્રેમો કુલાલ, સત્સંગી એ ગામ જવાલ ।
રૂડો રબારી નામ છે કલો, ગામ ગોયલીમાં ભક્ત ભલો ।।૧૯।।
એક ભક્ત પવિત્ર પાલીયે, તુલાધાર ઉદાર તે કહીયે ।
નામ હરિજન હેમરાજ, હરિ ભજી કર્યું નિજકાજ ।।૨૦।।
એહ આદિ મારૂ દેશમાંઇ, બીજા બહુ ભક્ત બાઇ ભાઇ ।
સરવે સોંપી તન મન ધન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૨૧।।
હવે કહું ગુજરાતી જન, અતિ પવિત્ર ભક્ત પાવન ।
હેત પ્રીત્યે ભર્યાં જેનાં હૈયાં, પ્રેમી નેમીમાં ન જાય કહીયાં ।।૨૨।।
એવા જનનાં લખતાં નામ, મારા હૈયામાંહિ ઘણી હામ ।
સોની ભક્ત છે કસ્તુરોભાઇ, હરિજન દ્વિજ શિવબાઇ ।।૨૩।।
સાચી ભક્તિ એ સ્વામીની કરે, ભજે હરિ રહે આમનગરે ।
જન જતન બાઇ દયાળ, દ્વિજ ભક્ત રહે પેઢમાળ ।।૨૪।।
હરિભક્ત દ્વિજ ઇચ્છાબાઇ, વસે ગામ તે પોગલામાંઇ ।
દ્વિજ ભક્ત જીવી હરિજન, ગામ પિલોદરે એ પાવન ।।૨૫।।
કણબી ભક્ત ઉકોભાઇ કહીએ, તે રહે ગામ મામરોલિયે ।
પ્રેમી ભક્ત રહે પ્રાંતિગામ, દ્વિજ મયારામ કાશીરામ ।।૨૬।।
કેવળરામ નારાયણ ત્રણ, શિવો જોઇતો સ્વામીને શરણ ।
હરિભાઇ ને ગોવિંદરામ, મોતીરામ જીવરામ નામ ।।૨૭।।
એહાદિ ભક્ત દ્વિજ પાવન, હવે કહું બાઇઓ હરિજન ।
બાઇ રૂપાં ને બે ઇચ્છાબાઇ, વાલુ ત્રણ્યેને હરિશું સગાઇ ।।૨૮।।
બાઇ રામું રખું ને માણ્યક્, સોનાં નાની હિરૂ મોંઘી એક ।
ફુલબાઇ મુળીબાઇ દોય, વખત એક હરિજન સોય ।।૨૯।।
એક કહીએ દ્વિજ હરિજન, હવે કહું વણિક પાવન ।
મોટો ભક્ત છે તુલજારામ, નથુ શા ને સાકળચંદ નામ ।।૩૦।।
પીતાંબર બેચર ભગવાન, મિઠાલાલ ને હરિજીવન ।
બાઇ બેનકુંવર અંબા એક, એહાદિ હરિજન વણિક ।।૩૧।।
સોની ત્રિકમજી હરિજન, ભાટ અપરૂ બફતો પાવન ।
વીતરાગી છે અમૃતબાઇ, એહાદિ જન પ્રાંતિજમાંહિ ।।૩૨।।
કોળી ભક્ત રહે લીઓડગામ, ઉમોજી વળી વાઘજી નામ ।
હરિભક્ત છે ઝવેરભાઇ, જેની પ્રીત છે પ્રભુજીમાંઇ ।।૩૩।।
કણબી ખુશાલ બેચર નામ, બાઇ અવલ રહે સાણોદે ગામ ।
કોળી ભક્ત દયાળજી ધનોજી, છલોજી સારજી ને પનોજી ।।૩૪।।
બનોજી બાઇ અવલ ફુલ, ગામ સલકિયે ભક્ત અમુલ ।
કણબી ભક્ત ગણેશજી કહીએ, ભૂધર વિઠ્ઠલ નાનજી લહીએ ।।૩૫।।
ત્રિકમ ને શા વલભરામ, ભક્ત વખતબા વણિક નામ ।
જન રૂપાં રામુ રળિયાત, સોની જમનાં વખત દ્વિજ જાત ।।૩૬।।
એક છે રૂપાઇ નાઇ જન, એહાદિ હરિજન પાવન ।
એક લુવાર થાવર નામે, એહ આદિ હરિભક્ત દેગામે ।।૩૭।।
દ્વિજ ભક્ત છે મનછારામ, હરિ મંગળ મુળજી નામ ।
પીતાંબર આદિ ભક્ત ભાઇ, જેકુંવર જતન રામબાઇ ।।૩૮।।
એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે ગામ વાસણામાં તેહ ।
મોટા ભક્ત વસે છે વેલાલ, જન જેસંગભાઇ દયાલ ।।૩૯।।
જેઠો જીજી મકોભાઇ કહીએ, અજુ વસતો મનોહર લહીએ ।
શામલ ગિરધર ને નથુભાઇ, બાઇ વખત રળિયાત બાઇ ।।૪૦।।
જીતબા તેજબા દત્તબાઇ, ભક્ત એ કણબી કુળમાંઇ ।
દ્વિજ હરિ ને અવલબાઇ, એહ આદિ છે વેલાલમાંઇ ।।૪૧।।
ક્ષત્રિભક્ત અમરસિંહ નામ, શા જેચંદ તે કુજાડ્ય ગામ ।
કણબી ભક્ત કહીેએ સુરદાસ, ભક્ત નાથે તજી જગઆશ ।।૪૨।।
દયાળજી ને દાસ ઝવેર, ક્ષત્રિ ઉમોભાઇ ને હમીર ।
એહ આદિ બીજાં બહુ જન, રહે કણભે ભક્ત પાવન ।।૪૩।।
ભક્ત અમદાવાદે અનેક, ભજે હરિ તજે નહિ ટેક ।
જીયાં વિરાજે બદરીપતિ, તિયાં સરવે જન શુભમતિ ।।૪૪।।
ભક્ત આદિ શેઠ ઇચ્છારામ, હિરાચંદ બે ભક્ત અકામ ।
મનોહર કુબેર ગોવિંદ, ગોપાલ ગોકુળ ને આનંદ ।।૪૫।।
રણછોડ ત્રિકમ બેચર, આશારામ શામળ કુબેર ।
મોહનલાલ દોલા આદિ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૪૬।।
વ્રજકુંવર રતનબાઇ, આદિતને હરિશું સગાઇ ।
અંબા લક્ષમી ને ઠકરાણી, શામકુંવર અચરત જાણી ।।૪૭।।
એહ આદિ જે વણિક વૃંદ, એક ભક્ત છે હરગોવિંદ ।
હવે કહું દ્વિજ હરિજન, નથુ જુગલ જન પાવન ।।૪૮।।
હિંમતરામ ને જીવણરામ, હરેશ્વર ને મહાદેવ નામ ।
કાશીરામ કુબેરજી કહીએ, ગણપતરામ નામે દોય લહીએ ।।૪૯।।
આદિત ગિરધર સોમનાથ, કહું હરિજન બાઇ સાથ ।
ગંગા રેવા ને શિવકુંવર, જમના હરિ દેવ વિપર ।।૫૦।।
ક્ષત્રિ ભક્ત છે કુબેરસિંઘ, કહું કણબી ભક્ત અનઘ ।
શંભુદાસ દામોદર નામ, વાલો વજેરામ ગંગારામ ।।૫૧।।
લાલદાસ દો કેવળરામ, રણછોડ દયાળજી નામ ।
ભક્ત ભાવસિંઘજી સુધીર, પીતાંબર પાનાચંદ વીર ।।૫૨।।
પ્રેમજી ખુશાલ ભાઇચંદ, હીરો રાયજી હરગોવિંદ ।
લખો કસલો ને ગંગારામ, ભક્ત વસતો માણ્યકો નામ ।।૫૩।।
હરિભક્ત બાઇ વજી હરિ, મોટાં જન છે માનકુંવરી ।
એહાદિ ભક્ત કણબી કહીએ, સારા હરિજન સોની લહીએ ।।૫૪।।
પુરૂષોત્તમ ભક્ત મંગળ, લક્ષમીચંદ છે જન અમળ ।
હિરાચંદ આદિ ભક્ત ભાઇ, બાઇ દેવ ને દિવાળીબાઇ ।।૫૫।।
કડિયા કુબેર ને અંબારામ, ભજે હરિ જાણી સુખધામ ।
ભક્ત સુતાર છે દામોદર, હરિજન જગો ને ભૂધર ।।૫૬।।
કૃષ્ણ બેચર ને અંબારામ, હરિ આદિ જણસાળી નામ ।
એહાદિ બાઇ ભાઇ અપાર, વસે અમદાવાદ મોઝાર ।।૫૭।।
સેવે નરનારાયણ દેવ, પાડી અંતરે અલૌકિ ટેવ ।
એવા જન નિર્મળ જેહ, નાવે લખતાં લખવામાં તેહ ।।૫૮।।
પૂર્વછાયો-
ધન્ય ધન્ય એવા જનને, જેનાં હરિપરાયણ મન ।
તન ધન તૃણ તોલે ગણી, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૫૯।।
એકએકથી અધિક અંગે, પ્રેમ નિયમે પૂરણ ।
અપાર નરનારી મળી, વળી થયાં સ્વામીને શરણ ।।૬૦।।
પ્રકટ પ્રતાપ પ્રાપતિ, નહિ અમૃતપદની ઉધાર ।
એવું જાણી અંતરે, ભજે નિર્ભય થઇ નરનાર ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળા-નંદમુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મારૂ દેશ તથા ગુર્જરદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને વિશમું પ્રકરણમ્ ।।૧૨૦।।