૪૬. જેતપુરમાં ગાદી સોંપવાની વાત આવતા શ્રીહરિએ ધન-સ્ત્રીની ભયંકરતા કહી પોતાની અનિચ્છા દર્શાવી.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:51pm

પૂર્વછાયો-

સુંદર કથા સાંભળો, થયા સ્વામિના વર્ણી શિષ્ય ।

ડાહ્યા સર્વે સદ્ગુણ જેમાં, અસાધારણ અહોનિશ ।।૧।।

એવા હરિ બુદ્ધિવંતશું, સ્વામીએ રાખ્યો સખાભાવ ।

કાંઇક કામ કારણે, પુછે પોતે કરી ઉછાવ ।।૨।।

જિયાં જિયાં પોતે વિચર્યા, તિયાં તિયાં ર્વિણ સાથ ।

રૈવતાચળ આસપાસળે, કર્યા બહુ જીવ સનાથ ।।૩।।

કૃષ્ણની ભક્તિ અતિશે, પ્રવર્તાવી જનમાંય ।

જિજ્ઞાસુ જીવ જોઇને, પોતે ફર્યા ગ્રેવા બાંય ।।૪।।

ચોપાઇ-

ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસ રે, એમ ફર્યા દેશ અવિનાશ રે ।

એમ રહેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે ।।૫।।

ત્યાં ઉનડ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરી સ્તવન રે ।

કહ્યું આ જે સરવે છે મારૂં રે, તેતો જાણજયો સ્વામી તમારૂં રે ।।૬।।

પછી રહ્યા તિયાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે ।

રહે સેવામાં હરિ તત્પર રે, કરે સેવા સ્વામીની સુંદર રે ।।૭।।

ગુણે કરી અધિક છો સહુથી રે, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી રે ।

સવેર્કાળ વળી સર્વે સ્થળ રે, સ્વસ્વરૂપ વિષે રહે અચળ રે ।।૮।।

સત્ય શૌચ દયા ક્ષમા ત્યાગ રે, સંતોષ આર્જવ ને વૈરાગ્ય રે ।

શમ દમ સામ્ય ઉપરતિ રે, તપ તેજ તિતિક્ષાના પતિ રે ।।૯।।

શાસ્ત્રજ્ઞાન ઐશ્વર્યતા અતિ રે, બળ શૂરપણું ને સમૃતિ રે ।

સ્વતંત્ર કુશળ કાંતિ ધૈર્ય રે, ચિત્તકોમળ વાક્યચાતુર્ય રે ।।૧૦।।

નમ્રતા શીલ સહ ઓજ બળ રે, ભગ સ્થિર ગંભીર અકળ રે ।

આસ્તિક અદંભી અમાન રે, ર્કીિત મૌન ગર્વ નહિ દાન રે ।।૧૧।।

મિતાહાર ડાહ્યા મિત્રપણું રે, સર્વે ઉપકારિ દયા ઘણું રે ।

કામ ક્ષોભ ન પામતે ચિત્ત રે, અદ્રોહ ષડ્ ઉરમી જીત રે ।।૧૨।।

આપે પરને માન તે ઘણું રે, અપરિગ્રહ બ્રહ્મણ્યપણું રે ।

શરણાગતવત્સલ અનીહ રે, એહ આદિ સદ્ગુણ જેહ રે ।।૧૩।।

તેહ દેખીને સર્વે જન રે, પામે વિસ્મય પોતાને મન રે ।

એવા ગુણવાળા જોઇ સહુ રે, માને મોટા હરિજીને બહુ રે ।।૧૪।।

એવા ગુણવાળા બ્રહ્મચારી રે, કરે સેવા સ્વામીશ્રીની સારી રે ।

એમ અહોનિશ સેવા કરતાં રે, વીત્યાં વર્ષ દોય સંગ રહેતાં રે ।।૧૫।।

ધાર્યા ધર્મ નિયમ તે ન મુકે રે, કરે તપ યોગમાં ન ચુકે રે ।

જોઇ સ્વામી એવા ર્વિણરાય રે, સ્થાપી ધર્મધુર એહ માંય રે ।।૧૬।।

આપે ઇચ્છ્યા અંતર્ધાન થાવા રે, માંડ્યું ર્વિણને વચન મનાવા રે ।

જે વહેવાર ન જાણે લગાર રે, તેને ઇચ્છ્યા સોંપવા વહેવાર રે ।।૧૭।।

કહે સ્વામી સાંભળો સુજાણ રે, કહું વચન તે કરવું પ્રમાણ રે ।

જે મારા આશ્રિત નરનાર રે, તેને રાખવા ધર્મ મોઝાર રે ।।૧૮।।

તમે વાસુદેવ માહાત્મ્ય રે, તેનો પાઠ કર્યાનું છે નિમ રે ।

તેમાં વર્ણાશ્રમના જે ધર્મ રે, કહ્યા સ્ત્રીના ધર્મ અતિ પરમ રે ।।૧૯।।

તેમાં રખાવજયો સહુને તમે રે, એમ આજ્ઞા કરૂં છું અમે રે ।

કરજયો કૃષ્ણની પૂજા તે એવી રે, કરી વિઠ્ઠલેશે વળી જેવી રે ।।૨૦।।

તે તો શ્રીકૃષ્ણ તમારે વિષે રે, વિરાજી રહ્યા છે અહોનિશ રે ।

તેનાં વ્રત ઉપવાસ જેમ રે, કરવા વૈષ્ણવ કરે છે તેમ રે ।।૨૧।।

તમે શાસ્ત્રમાં જાણો છો ઘણું રે, માટે માનો વચન મુજતણું રે ।

મારા સ્થાનક ઉપર રહેવા રે, નથી બીજા કોઇ તમ જેવા રે ।।૨૨।।

જે દિના મેં નિરખ્યા છે તમને રે, કર્યો છે મેં મનોરથ મને રે ।

તે પુરો કરો વરણિરાટ રે, કરવા યોગ્ય છો કહું છું તે માટ રે ।।૨૩।।

તમારા વૈરાગ્યની જે વાત રે, અતિતીવ્ર હું જાણું છું તાત રે ।

પણ એ કાજ તમથી થાય રે, બીજાને તે કેમ કહેવાય રે ।।૨૪।।

તમ જેવા તો તમે છો એક રે, એમ જોયું છે કરી વિવેક રે ।

તમને નિર્લેપ અતિ જાણી રે, નિરબંધ જોઇ કહું વાણી રે ।।૨૫।।

વસન ભૂષણ વાહન જેહ રે, ગ્રહણ કરજયો આપે જન તેહ રે ।

નિજજનની પૂરજયો હામ રે, કરજયો રક્ષા તેની આઠું જામરે ।।૨૬।।

કળિદોષ લાગવા માં દેજયો રે, શરણાગતને ઉગારી લેજયો રે ।

તમે સમર્થ છો તપોધન રે, દ્રવ્ય નારી નહિ કરે બંધન રે ।।૨૭।।

ગુણે કરી છો કૃષ્ણ સમાન રે, એમ જાણે છે સહુ નિદાન રે ।

અતિધીર જણાણા અમને રે, માટે મોટા કર્યા છે તમને રે ।।૨૮।।

એવી સાંભળી સ્વામીની વાણી રે, બોલ્યા પ્રભુજી ઉદાસી આણી રે ।

સ્વામી તમારી આગન્યા જેમ રે, કરવું ઘટે સરવેને તેમ રે ।।૨૯।।

પણ બ્રહ્મચર્યવ્રત જેહ રે, તેને પાળતો એવો હું તેહ રે ।

તેને માનવું આવું વચન રે, નથી સમર્થ હું ભગવન રે ।।૩૦।।

લોક શાસ્ત્રમાં વાત છે એવી રે, બ્રહ્મચર્યને નિંદવા જેવી રે ।

જેની ગંધ મુંથી ન સહેવાય રે, તેને પાસે મેં કેમ રહેવાય રે ।।૩૧।।

વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે ।

મુક્તપણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે ।।૩૨।।

સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે ।

કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે ।।૩૩।।

મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિનાશે બુધ્ધિ વિનાશ રે ।

પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે ।।૩૪।।

માટે બીવું છું એના સંગથી રે, કેમ વચન મનાશે મુંથી રે ।

એના વિશ્વાસમાંહિ જે રહ્યા રે, હતા મોટા તે પણ છોટા થયા રે ।।૩૫।।

જુવો શિવ ને બ્રહ્માની વાત રે, લખી છે શાસ્ત્રમાંહિ વિખ્યાત રે ।

એનો જેણે વિશ્વાસ કીધો રે, તેને અંતરઘાટે ગળી લીધો રે ।।૩૬।।

કામ ક્રોધ મદ લોભ મોહ રે, ભય શોકાદિ શત્રુ સમૂહ રે ।

એહ પ્રકટે અંતરમાંય રે, તેણે કરી કર્મ બંધ થાય રે ।।૩૭।।

માટે બુધ્ધિવાન જે કહેવાય રે, તેણે એને સંગે ન રહેવાય રે ।

માટે પ્રતીતિ ન કરવી મનની રે, એ સમઝણ્ય કૃષ્ણના જનની રે ।।૩૮।।

જો દયાએ કરે મન સંગ રે, થાય ભરત પેઠ્યે વ્રત ભંગ રે ।

માટે અગ્નિમાંહિ બળી જાવું રે, સારૂં વિષ હળાહળ ખાવું રે ।।૩૯।।

પણ નારી તણો પરસંગ રે, અતિ ભૂંડો લાગે મને અંગ રે ।

તેમ દ્રવ્ય તે ગમતું નથી રે, તેની વાત કહું હવે કથી રે ।।૪૦।।

મોટા ધર્મવાળો હોય જેહ રે, થાય ભ્રષ્ટ દ્રવ્ય સારૂં તેહ રે ।

જુવો નિમિ વસિષ્ઠની વાત રે, પૂર્વની પુરાણમાં વિખ્યાત રે ।।૪૧।।

દિધા લોભે સામસામા શાપ રે, તેણે દુઃખ પામ્યા દોય આપ રે ।

વસિષ્ઠ તે વેશ્યાસુત થયા રે, નિમિ જનક જીવથી ગયા રે ।।૪૨।।

એમ દ્રવ્યમાં રહ્યો સંતાપ રે, દ્રવ્ય સારૂં થાય બહુ પાપ રે ।

માટે સમઝુએ કરવો વિવેક રે, સ્ત્રી દ્રવ્ય સમ બંધ નહિ એક રે ।।૪૩।।

વળી દેશકાળ ક્રિયા દેવ રે, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ ભેવ રે ।

એહ સવળે હોય સવળું રે, અને અવળે હોય અવળું રે ।।૪૪।।

જેવું સેવે તેવી થાય મત્ય રે, કરે કર્મ પછી સત્યાસત્ય રે ।

કર્મ પ્રમાણે ફળને લહે રે, માટે વિવેકી વેગળા રહે રે ।।૪૫।।

પિવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણો સદ્ય રે ।

તેમ દામ વામ ફેલે કરી રે, સત્વગુણી જ્ઞાની ભુલે હરિ રે ।।૪૬।।

માટે સ્વાભાવિક ગુણ જેહ રે, દ્રવ્ય સ્ત્રિયામાં રહ્યા છે તેહ રે ।

એમ સ્વાભાવિક ગુણ હોય રે, તે ત્યાગવા સમર્થ નહિ કોય રે ।।૪૭।।

માટે એ પ્રસંગમાંહિ ક્યારે રે, સ્વાભાવિક રૂચિ નહિ મારે રે ।

પણ તમે આજ્ઞા એવી કીધી રે, કહો કરૂં હવે કોણ વિધિ રે ।।૪૮।।

પામે ચિત્ત ખેદ અતિ મારૂં રે, કહો થાય મારૂં જેમ સારૂં રે ।

સર્વે ધર્મ પળાવવા સ્વામી રે, તમે સમર્થ છો બહુ નામી રે ।।૪૯।।

માટે એમાં મારૂં શું છે કામ રે, એથી બીજું કહો સુખધામ રે ।

એમ નારાયણ મુનિ જેહ રે, કહ્યું પોતાનું હારદ તેહ રે ।।૫૦।।

ત્યાગીયોને દેવા ઉપદેશ રે, એમ બોલિયા ર્વિણદિનેશ રે ।

એતો પોતે છે પુરૂષોત્તમ રે, જેને નેતિનેતિ કહે નિગમ રે ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીનારાયણ મુનિએ પોતાની રૂચિ કહી એ નામે છેતાલીસમું પ્રકરણમ્ ।।૪૬।।