પૂર્વછાયો-
એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન ।
હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।।
પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ ।
બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।।
હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર ।
ધર્મ પળાવવા સમર્થ છું, સવેર્વાત માનો નિરધાર ।।૩।।
હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ ।
શિખામણ્ય સદ્શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।।
ચોપાઇ-
મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે ।
તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।।
માટે માનો વચન ર્વિણરાય રે, તમને બંધન નહિ થાય રે ।
તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।।
હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજયો તે નારી મોઝાર રે ।
સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।।
તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે ।
તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।।
સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે ।
તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।।
એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે ।
બીજા સર્વે સંત છે આ સારા રે, પણ એને તો રાખવા ન્યારા રે ।।૧૦।।
બીજા બ્રહ્મચારી સંત સોઇ રે, નારીવાત સાંભળશે કોઇ રે ।
થાશે ભ્રષ્ટ જાશે નરક માંઇ રે, તેમાં ફેર મ જાણશો કાંઇ રે ।।૧૧।।
માટે રક્ષા તે કરજયો એની રે, હોય આશ્રિત તમારા તેની રે ।
દ્રવ્ય નારીથી ઉગારી લેજયો રે, એવી શિખામણ નિત્ય દેજયો રે ।।૧૨।।
કહું સાંભળજયો સહુ જન રે, એમ મનાવ્યું ગુરૂએ વચન રે ।
ઇચ્છા નથી ઉર માંહિ જેની રે, વાત મનાવી સ્વામીએ તેની રે ।।૧૩।।
જયારે આગન્યા માની એ શુદ્ધ રે, ત્યારે સ્વામી બોલ્યા વિશુદ્ધ રે ।
સર્વે સંતને કહ્યું બોલાવી રે, સાંભળો શિષ્ય સર્વે આવી રે ।।૧૪।।
આ શ્રીનારાયણમુનિ જે છે રે, આજથી મારે ઠેકાણે રહેછે રે ।
માનજયો સહુ આનાં વચન રે, જેહ આશ્રિત હો મારા જન રે ।।૧૫।।
ત્યારે સર્વે જને જોડ્યા હાથ રે, સારૂં માન્યું અમે મારા નાથ રે ।
ત્યારે હરિ પોતે ઉભા થયા રે, ગુરૂ આગે હાથ જોડી રહ્યા રે ।।૧૬।।
ત્યારે સ્વામી કહે હું છું પ્રસન્ન રે, માગો મુજ પાસેથી વચન રે ।
એવી બ્રહ્માંડે વસ્તુ ન કાંય રે, જે માગો ને અમે ન અપાય રે ।।૧૭।।
અતિહેત ભર્યાં સુખ વદન રે, એવાં સુણ્યાં સ્વામીનાં વચન રે ।
પછી બોલ્યા છે ર્વિણરાટ રે, સ્વામી પ્રસન્ન જાણ્યા તે માટ રે ।।૧૮।।
સ્વામી વર દેવા યોગ્ય જો હોઉં રે, તો કરજોડી તમને કહું રે ।
માગું પ્રથમ એ ગુરુરાય રે, કૃષ્ણચરણકંજે પ્રીતિ થાય રે ।।૧૯।।
વળી હરિજનને હોય દુઃખ રે, થાય મને એ ભોગવે સુખ રે ।
કૃષ્ણભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે ।।૨૦।।
એનું કષ્ટ આવે મુજમાંય રે, એહ સુખમાં રહે સદાય રે ।
રૂડી હરિકથા હરિજન રે, તેનો સંગ દેજયો નિશદન રે ।।૨૧।।
વળી હરિના ગુણને વિષે રે, મારી વાણી તે રહેજયો હમેશ રે ।
કૃષ્ણકથામાં રહેજયો આ કાન રે, હરિસેવામાં હાથ નિદાન રે ।।૨૨।।
હરિસ્મૃતિમાં મારૂં મન રે, માગું છું હું રહેજયો નિશદન રે ।
કૃષ્ણદર્શનમાંઇ મારાં નેણ રે, માગું છું હું રહેજયો દિન રેણ રે ।।૨૩।।
દેહ અંતઃકરણ ક્રિયાય રે, નિત્ય હરિની ભગતિ થાય રે ।
એહ માગ્યું તે દેજયો ઉમંગે રે, કેદિ રાખશો માં દુષ્ટ સંગે રે ।।૨૪।।
એટલા વર મુજને દેજયો રે, મારી પ્રાર્થના સુણિ લેજયો રે ।
એવું સુણી બોલ્યા ગુરૂ વાણી રે, શુદ્ધ આશયવાળા શિષ્ય જાણી રે ।।૨૫।।
કહું મનોરથ જે તમારો રે, નિશ્ચય પુરો થાશે ઉર ધારો રે ।
એવો વર વરણિને આપી રે, રાખ્યા પોતાને ઠેકાણે સ્થાપી રે ।।૨૬।।
પછી શિષ્ય લઇ નિજસાથ રે, આવ્યા ગામ ફણેણિયે નાથ રે ।
તેદિ હતો એકાદશી દન રે, કર્યો ઉત્સવ સહુ મળી જન રે ।।૨૭।।
દ્વાદશીયે સંત વિપ્રજન રે, તેને કરાવિયાં છે ભોજન રે ।
આપ્યાં વિપ્રને સુંદર દાન રે, કર્યાં ભદ્રાનદીમાંહી સ્નાન રે ।।૨૮।।
બેઠા એકાંત્યે પદ્મઆસને રે, કૃષ્ણમૂરતિ ચિંતવી મને રે ।
કરી સમાધિ કૃષ્ણમાં રઇ રે, ત્યારે દેહની વિસ્મૃતિ થઇ રે ।।૨૯।।
પછી શ્રીકૃષ્ણ ઇચ્છાએ કરી રે, ઉધ્ધવજીએ દેહ પ્રહરી રે ।
ગયા વિશાળા પ્રત્યે તે વળી રે, પૂવેર્હતી તેવી દેહ મળી રે ।।૩૦।।
પામ્યા સિદ્ધદેહ તેહ વાર રે, કૃષ્ણ ભક્તિ કરવા નિરધાર રે ।
સંવત્ અઢાર વર્ષ અઠાવન રે, માગશરશુદી તેરશ દન રે ।।૩૧।।
વાર દેવગુરૂ દન જાણો રે, મુક્યું તન તેદિ પરમાણો રે ।
જન કરતાં હતાં કીર્તન રે, તેને જણાણું તજીયું તન રે ।।૩૨।।
જોઇ નાડી ચાલતાં ન જાણી રે, ત્યારે જનને આવ્યાં આંખ્યે પાણી રે ।
મળી જન કરે સહુ શોક રે, કહે તજયું ઉદ્ધવે આ લોક રે ।।૩૩।।
જાણ્યું સહુએ હરિધામ ગયા રે, એવું સુણિને વ્યાકુળ થયા રે ।
રૂવે જન નેણે ભરી નીર રે, કોઇ ધરી શકે નહિ ધીર રે ।।૩૪।।
હાવભાવ હસવું સંભારી રે, મિઠી બોલની મનમાં ધારી રે ।
મનોહર મૂરતિ વિચારી રે, બહુ રૂવે છે નર ને નારી રે ।।૩૫।।
વળી વરણિઆદિ જે સંત રે, સર્વે શોકાતુર છે અત્યંત રે ।
પછી નાહિને આવ્યા જે જન રે, લાવ્યા અબીર ગુલાલ ચંદન રે ।।૩૬।।
પૂજા ને વંદના બહુ વિધિ રે, શાસ્ત્ર પ્રમાણે સર્વે કિધિ રે ।
પછી કરી સુંદર વિમાન રે, તેમાં તન બેસાર્યું નિદાન રે ।।૩૭।।
લઇ ચાલ્યા ભદ્રાનદી કાંઠે રે, વિપ્ર વિષ્ણુસૂક્ત કરી પાઠે રે ।
ઝાંઝ મૃદંગે ગાય છે જન રે, ગાયામાંહિ થાય છે રુદન રે ।।૩૮।।
પછી ભદ્રાવતી તીરે ગિયા રે, શોધી સુંદર ભૂમિકા તિયાં રે ।
તિયાં ઉતારી વિમાન જન રે, લાવ્યાં તુલસી પિપળો ચંદન રે ।।૩૯।।
એહ કાષ્ટતણું ચિતા રચ્યું રે, નવરાવી તને ઘી ચરચ્યું રે ।
ચિતામાં પધરાવ્યું તે વાર રે, કર્યો કૃષ્ણે અગ્નિસંસ્કાર રે ।।૪૦।।
બહુ ઘૃત હોમી બાળી દેહ રે, નાખી વાની જળમાંહિ તેહ રે ।
સર્વે શાસ્ત્રવિધિ કરી સ્નાન રે, આવ્યા સર્વ સંત નિજસ્થાન રે ।।૪૧।।
પછી તેદિ ઉપવાસ કરી રે, બીજે દિવસે લખી પતરી રે ।
સુણી સર્વે સાધુ હરિજન રે, અતિ વ્યાકુળ થયા છે મન રે ।।૪૨।।
કર્યાં સ્નાન તજયાં ઘરકામ રે, મળી આવ્યાં છે ફણેણિ ગામ રે ।
નયણે વરસેછે આંસુની ધાર રે, સ્વામીમાંહિ છે સ્નેહ અપાર રે ।।૪૩।।
ઘડિ ઘડિનાં સુખ સંભારે રે, તેણે આંખમાં આંસુડાં ઝરે રે ।
લુઇ લુઇને નાખે છે નીર રે, અતિ શોકે છે મન અધીર રે ।।૪૪।।
બ્રહ્મભાવને પામ્યા ઉદ્ધવ રે, કરવો શોક તેનો અસંભવ રે ।
તોય સમતો નથી તનતાપ રે, કરે વિયોગમાંહિ વિલાપ રે ।।૪૫।।
તેને જોઇ નારાયણમુનિ રે, કરે છે મનુવાર સહુની રે ।
આપી ધિરજય ઉતાર્યા જન રે, એમ કરતાં થયો બીજો દન રે ।।૪૬।।
તે દિવસથી તેરમા સુધી રે, વાંચી ગીતા તે વિપ્ર સુબુદ્ધિ રે ।
શાસ્ત્રવિધિએ કહ્યું જે અન્ન રે, તેનું કયુર્ં છે સહુએ ભોજન રે ।।૪૭।।
પાળવાનું પાળ્યું શ્રાદ્ધ કીધું રે, દાન દેવાનું તે દાન દીધું રે ।
કર્યું બારમું જેમ ઘટિત રે, જમાડ્યા વાડવ કરી પ્રીત્ય રે ।।૪૮।।
તેરમે ત્રીશ વરણિ સાથ રે, જમાડી આપ્યાં વસ્ત્ર તે હાથ રે ।
પછી આવ્યા હતા હરિજન રે, તેને પણ કરાવ્યાં ભોજન રે ।।૪૯।।
વળી એહ ગામના રહેનાર રે, તેહ પણ જમ્યા નરનાર રે ।
પછી સવેર્મળી હરિજન રે, કર્યું કૃષ્ણદેવનું પૂજન રે ।।૫૦।।
સુંદર વસ્ત્ર ઘરેણાં પેરાવી રે, પૂજયા મહારાજને પ્રેમ લાવી રે ।
ગીતાના વાંચનારાને વળી રે, આપ્યાં વસ્ત્ર દ્રવ્ય સહુએ મળી રે ।।૫૧।।
યથા યોગ્ય ક્રિયા સર્વે કિધિ રે, જેમ કહી છે શાસ્ત્રમાં વિધિ રે ।
તેના ખરચતણું જે ધન રે, ભરી આપ્યું મળી સહુ જન રે ।।૫૨।।
નિજ પોચ પ્રમાણે સહુ ગૃહસ્થે રે, ખરચ ઉપાડી લીધું સમસ્તે રે ।
થયો ઉત્સવ પૂરણ જયારે રે, દિન ચૌદમો થયો છે ત્યારે રે ।।૫૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નારાયણમુનિને ધર્મધુર સોંપીને દેહત્યાગ કર્યો એ નામે સુડતાલીસમું પ્રકરણમ્ ।।૪૭।।