પૂર્વછાયો – બહુ ભક્ત બુરાનપુરમાં, ભાવે કરી ભજે ભગવંત ।
સહાય કરે જેની શ્રીહરિ, પળ પળમાંહિ અનંત ।।૧।।
તેણે ખુમારી તનમાં, મનમાં તે મોદ ન માય ।
નરનારી નિઃશંક થઇ, ગુણ ગોવિંદના ગાય ।।૨।।
અતિ કેફ છે અંગમાં, સતસંગનું સુખ જોઇ ।
મસ્ત રહે સહુ મનમાં, કંગાલ ન માને કોઇ ।।૩।।
પ્રકટ પ્રભુ પ્રકટ પ્રાપતિ, પ્રકટ માને કલ્યાણ ।
પ્રકટ પરચા પળેપળે, પૂરે છે શ્યામ સુજાણ ।।૪।।
ચોપાઇ- તેણે કરી સહુ નરનારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી ।
નિત્યે સતસંગમાંહિ બેસે, બીજી વાત અંતરે ન પેસે ।।૫।।
જયારે થાય સતસંગી ભેળા, ત્યારે ગાય મહારાજની લીળા ।
સર્વે ઉત્સવ સમૈયા સાર, તેનું ધ્યાન કરે નરનાર ।।૬।।
એહ વાત ચિંતવતાં મને, જાગતાં સુતાં દેખે સ્વપને ।
પછી કરે માંહોમાંહિ વાત, તેણે રહે સહુ રળિયાત ।।૭।।
એમ કરતાં વીતે નિશદિન, થાય સમાધિ સ્વપને દર્શન ।
પછી એમ બોલ્યા હરિદાસ, ચાલો પ્રકટ પ્રભુને પાસ ।।૮।।
કરી આવિયે દર્શન સહુ, નિર્ખિ આનંદ પામશું બહુ ।
એમ કરી પરસ્પર વાત, ચાલ્યો સંઘ સજી પરભાત ।।૯।।
બાઇ ભાઇ બુઢાં બાળ સંગે, ચાલ્યાં સર્વે અતિશે ઉમંગે ।
બાંધી ખરચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ ।।૧૦।।
ધીરે ધીરે કરતાં મુકામ, ચાલ્યાં સમરતાં હરિનામ ।
આવ્યાં ઝાડીમાંહિ જયારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન ।।૧૧।।
ઘોડાં વેલ્ય ને ઘરેણાં જેહ, વસ્ત્ર વાસણ લીધાંછે તેહ ।
ખરચી ખાવાની રહેવા ન દિધી, સર્વે વસ્તુ તે લુંટીજ લીધી ।।૧૨।।
વળી બાંધી પછવાડે બે હાથ, લઇ ચાલ્યા ચોર પોતા સાથ ।
ગયા સઘન ઝાડીમાં જયારે, બોલ્યા હરિજન તેહ વારે ।।૧૩।।
કહે માંહોમાંહિ એમ મળી, રખે દુઃખ માનો કોઇ વળી ।
હશે ભક્તિ આપણીમાં ભૂલ્ય, ત્યારે આપણાં થયાં આ શૂલ ।।૧૪।।
માટે સહુ થઇ સાવચેત, ભજો ભાવે હરિ કરી હેત ।
હમણે આવશે ઘોડલે ચડી, વેળ્ય વાલ્યમ નહિ કરે વળી ।।૧૫।।
આવી છોડાવશે અવિનાશ, જાણે બંધિવાન નિજદાસ ।
એમ કરતાં માંહોમાંહિ વાત, પધાર્યા પ્રભુ પોત્યે સાક્ષાત ।।૧૬।।
બહુ સખા હતા પોતાસંગે, આપે ચડ્યાતા તાતે તુરંગે ।
આવી ચોરને મારવા લાગ્યા, ચોર મૂકી ઝટોઝટ ભાગ્યા ।।૧૭।।
જાય કિયાં લીધા સર્વે ઝાલી, કર્યા મોર ઘુમરિયે ઘાલી ।
સર્વે વસ્તુ તે સંભારી લીધી, એ પાસે એકે રહેવા ન દીધી ।।૧૮।।
તોય ન મેલે ચોરને નાથ, બાંધી લઇ ચાલ્યા પોતાને સાથ ।
ત્યારે ચોર બોલ્યા એમ મુખે, શું કરૂં મરૂંછું સહુ ભૂખે ।।૧૯।।
માટે ન કરવાનું આ કીધું, તેનું ફળ તરત અમે લીધું ।
હવે જેમ કહો તેમ કરીયે, એવું સુણી દયા કરી હરિયે ।।૨૦।।
જાઓ મુકી દિયે છીએ આજ, હવે કરશો માં આવું કાજ ।
એમ ચોરથી મુકાવી જન, સંઘ સંગાથે ચાલ્યા જીવન ।।૨૧।।
જીયાંલગી ઉતરીયા ઝાડી, તિયાંલગી રહ્યા સંગે દાડી ।
જયારે આવ્યાં છે વસ્તીનાં ગામ, ત્યારે અદૃશ્ય થયાછે શ્યામ ।।૨૨।।
પછી સતસંગી સર્વે તે મળી, કરે માંહોમાંહિ વાત વળી ।
જોજયો શ્રીહરિની આ સામર્થી, છે જો મોટી છોટી કાંઇ નથી ।।૨૩।।
આપ્યો પરચો પ્રકટ આવી, ગયા ચોર કરથી મુકાવી ।
આવી વાત કહો કિયાં હોય, સતસંગ વિના બીજે નોય ।।૨૪।।
પછી ધીરેધીરે સહુ ચાલી, આવ્યાં મહારાજ પાસે તે હાલી ।
કરી દર્શન પ્રસન્ન થયાં, પછી વાટનાં વિઘન કહ્યાં ।।૨૫।।
ત્યારે હસીને બોલ્યા મહારાજ, અમે આવી કર્યું એહ કાજ ।
ત્યારે જન કહે વનમાંય, તમ વિના કરે કોણ સહાય ।।૨૬।।
વળી નિમાડ્ય દેશની વાત, સુણી સહુ થાશો રળિયાત ।
ગામ સરસોદમાં જન જેહ, કણબી રામજી નામે છે તેહ ।।૨૭।।
તેના શરીરમાં નહિ સુખ, હતું દેહમાંહિ અતિ દુઃખ ।
તેની પીડામાં બહુ પિડાય, કરે સુખ થાવાનો ઉપાય ।।૨૮।।
દેવ પિત્ર ભૈરવ ભવાની, બહુ માનતા એહને માની ।
વડી જમાડ્યા સાધુ સન્યાસી, જોગી જંગમ વળી વનવાસી ।।૨૯।।
તેણે રોગ ટળ્યો નહિ રંચે, સામુ થયો છે દુઃખનો સંચે ।
પછી સહજાનંદી સંત જે છે, આવ્યા તેજ ઘેરે અણઇચ્છે ।।૩૦।।
કર્યાં દર્શન રામ પટેલે, ગ્રહ્યાં ચરણ તે નવ મેલે ।
કહે હું છઉં શરણ તમારી, તમે ખબર રાખજયો મારી ।।૩૧।।
ત્યારે સંત કહે બહુ સારૂં, તમે ધારો જે નિયમ અમારૂં ।
પછી હાથમાંહિ જળ લઇ, મેલ્યું સંતને ચરણે તેઇ ।।૩૨।।
સંત કહે નારાયણ નામ, ભજય તજય તું સરવે કામ ।
તન તારું રહે કે ન રહે, થયું કલ્યાણ તું માની લહે ।।૩૩।।
જયારે આવશે દેહનો કાળ, ત્યારે લેવા આવશે દયાળ ।
કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન ।।૩૪।।
પછી રામે માંડ્યું એ રટણ, કરે સ્વામીશ્રીજીનું સ્મરણ ।
પછી થયા થોડા ઘણા દન, આવી અવધ્યે તજીયું તન ।।૩૫।।
ત્યારે તેડવા આવ્યા મહારાજ, ભેળા સંત સખાનો સમાજ ।
આવ્યા ગામને ગોંદરે નાથ, નિર્ખિ બહુ જન થયાં સનાથ ।।૩૬।।
કહે કોણ તમે કિયાં જાશો, આ ગામમાંહિ કેમ સમાશો ।
કહે અમે સ્વામિનારાયણ, આવ્યા ભક્ત રામજી કારણ ।।૩૭।।
હમણાં કરશું વાડીમાં નિવાસ, પછી જાશું રામજીને પાસ ।
એમ કહી વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૩૮।।
દિધાં બહુ જનને દર્શન, પ્રભુ પોત્યે થઇને પ્રસન્ન ।
પછી આવ્યા રામજીને ઘેર, કરી મોટી મહારાજે મહેર ।।૩૯।।
ઉઠી રામજી લાગ્યો છે પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।
દિઠા સંત પ્રભુજીને સાથે, જેણે નિયમ ધરાવ્યાંતાં હાથે ।।૪૦।।
પછી નાથ કહે સુણો જન, ચાલો અમ સાથે તજી તન ।
એવી સાંભળી વાલાની વાણ, તજયા તર્ત રામજીએ પ્રાણ ।।૪૧।।
ઘરપરના માણસ જોતે, તન તજી ચાલ્યો તર્ત પોત્યે ।
સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૪૨।।
પછી ગામ સઘળે તે જાણ્યું, અતિમોટું આશ્ચર્ય પરમાણ્યું ।
કહે આપણે ન જાણ્યું કાંઇ, જાણ્યું પ્રકટ આવ્યા છે આંઇ ।।૪૩।।
રહેશે દન આંહિ દોય ચાર, કરશું દર્શન સહુ નરનાર ।
જો જાણીયે અલૌકિક અંગ, ચરણ ગ્રહી ન મુકીયે સંગ ।।૪૪।।
પણ એ પળ ગઇ તે ગઇ, વારુ ભાગ્ય મોટે ભેટ્ય થઈ ।
એહ વાત અતિશય મોટી, હશે પાપી તે માનશે ખોટી ।।૪૫।।
એમ બોલે ગામલોક વાણ, થયો પરચો પ્રકટ પ્રમાણ ।
એવી રીત્યે અપરમપાર, થાય પરચા તે લાખ હજાર ।।૪૬।।
કહેતાં લખતાં ન આવે છેક, લખીએ એકતો રહે અનેક ।
દેશદેશ ગામગામ પ્રત્યે, આપે નાથજી પરચા તે નિત્યે ।।૪૭।।
જણજણ પ્રત્યે જાુજવા, થાય પરચા નિત્ય પ્રત્યે નવા ।
આજ વાવરે છે જે સામર્થી, તે તો લખતાં લખાતી નથી ।।૪૮।।
આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રીહરિ તણા ।
પણ આજ વાળ્યો આડો અંક, પ્રભુ પ્રકટ્યા પૂર્ણ મૃગાંક ।।૪૯।।
જેજે આ વારે કરીયાં કાજ, તેતે આગે ન કર્યાં મહારાજ ।
સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંઇ ન મળી ।।૫૦।।
આજની તો રીત્ય છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે ।
આજ અઢળ ઢળ્યા અપાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રેપનમું પ્રકરણમ્ ।।૧૫૩।।