પૂર્વછાયો- ખાનદેશ બુરાનપુરમાં, વસે હરિજન જેહ ।
સહાય કરી જેની સ્વામીએ, કહું સાંભળજયો હવે તેહ ।।૧।।
વિપ્ર એક દિવાનદાદો, સતસંગી નહિ સોય ।
જાણ્યે અજાણ્યે જમાડીયા, સંત તે સ્વામીના દોય ।।૨।।
બીજાં પુણ્ય તો બહુ કર્યાં, જન્મ ધરીને જેહ ।
તેહ ભેળું પુણ્ય આટલું, થયું અજાણ્યે એહ ।।૩।।
એમ કરતાં અવધિ તેનો, આવ્યો તે દેહનો અંત ।
અવશ્ય તેડવા આવિયા, મહા કરૂર તે કૃતાંત ।।૪।।
ચોપાઇ- અંતકાળે આવ્યા જમ જયારે, દિધું દાદાને દુઃખ તે વારે ।
જેજે જન્મ ધરી કર્યાં પાપ, તેતે સંભારી કર્યો સંતાપ ।।૫।।
દિઠા દાદે જમદૂત જયારે, દેવી દેવને સંભાર્યા ત્યારે ।
સંત મહંત સન્યાસી સોય, તેહ વિના જે સેવ્યાતા કોય ।।૬।।
એહ સર્વેને જોયા સંભારી, કહ્યું કોઇ હરો પીડા મારી ।
એહ માંહિલું એકે ન આવ્યું, તે વારે દાદે શિશ ડોલાવ્યું ।।૭।।
કહે હવે કરૂં હું શીપેર, કેણે સાય ન કરી આ વેર ।
એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દિઠા દોય પાસ ।।૮।।
કહે સંત સુણો જમદૂત, કેમ આવિયા આંહિ કપુત ।
જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છોે સાંભળી ।।૯।।
ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું શિદને કરો છો તુત ।
એહ જીવ કેદિ છે તમારો, સર્વે રીત્યે એ છે જો અમારો ।।૧૦।।
માટે જોર તમારે ન કરવું, જાઓ યાંથી આડું નવ ફરવું ।
એવો સંત ને જમનો વાદ, સુણે છે દાદો સર્વે સંવાદ ।।૧૧।।
ત્યારે સંત કહે જોશું અમે, લેઇ જાઓ જો લેવાય તમે ।
ત્યારે જમ કહે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ ।।૧૨।।
જાઇયે ધર્મરાયને જો પાસ, જયાં છે પાપ પુણ્યનો તપાસ ।
એનાં જોશે સુકૃત સંભાળી, હશે તમારા તો દેશે વાળી ।।૧૩।।
એમ કહી કાઢ્યો જીવ જયારે, થઇ સતી તેની નારી ત્યારે ।
તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમપુર પળ્યો ।।૧૪।।
ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીયાં હતા જમનાથ ।
ધમેર્ સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું ।।૧૫।।
નહિ પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત ।
કરી તેહ પુણ્યનો તપાસ, કહે ધર્મ જાઓ હરિપાસ ।।૧૬।।
પછી મહારાજ પાસળે લાવ્યા, સંત દોય તેહ સંગે આવ્યા ।
ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન ।।૧૭।।
માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે ।
એમ કહી આપ્યા દોય હાર, પહેરી ચાલ્યાં પુરૂષ ને નાર ।।૧૮।।
તે દિઠું સર્વે સમાધિવાને, વળી જે કહ્યું તે સુણ્યું કાને ।
જાગ્યા સમાધિમાંહિથી જયારે, આવી સર્વે કહી વાત ત્યારે ।।૧૯।।
કહે આજ થકી નવ વરષે, દાદો સતસંગમાં દેહ ધરશે ।
થાશે સતસંગી નારી ને નર, પછી જાશે તે બ્રહ્મ નગર ।।૨૦।।
એતો દિઠું છે અમારે નેણ, નથી જુઠું એમાં એકે વેણ ।
સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, થયો પરચો કહી શિશ નામ્યાં ।।૨૧।।
વળી વણિક ભક્ત સુંદર, ભાઇ શામજી ને પીતાંબર ।
એહ બેઉ ભાઇ સતસંગી, તેનો ભાઇ વૈષ્ણવ કુસંગી ।।૨૨।।
નામ શોભારામ તે અનાડી, કરે સતસંગનો દ્રોહ દાડી ।
શામજી પીતાંબરને વારે, આવે સતસંગ માંહિ તો મારે ।।૨૩।।
એમ કરે અવળાઇ અતિ, કેનું કેણ ન માને કુમતિ ।
કરે નિંદા એ પડ્યો અભ્યાસ, પછી આવ્યા તે સંતને પાસ ।।૨૪।।
સંતે વાત કરી અતિ સારી, તેતો વાત હૈયામાં ન ધારી ।
પછી સંતને રૂપે શ્રીમુખ, કહ્યાં જમપુરીનાં જે દુઃખ ।।૨૫।।
સુણી તરત થઇ ત્યાં સમાધિ, જઇ દીઠી જમપુરી બાધી ।
ઠામો ઠામથી ઉઠિયા જમ, દેવા લાગ્યા છે માર વિષમ ।।૨૬।।
અતિ મારે બોલે મુખ એમ, પાપી સતસંગીને પીડે કેમ ।
તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું ।।૨૭।।
એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિથી બાર ।
આવી કહી સંત આગે વાત, આજ થઇતી જીવની ઘાત ।।૨૮।।
હવે જયાં લગી રહે મારા પ્રાણ, ન કરૂં સતસંગનાં કુવખાણ ।
ત્યારે સંત કહે સારૂં ભાઇ, હવે બેસતું સમાધિમાંઇ ।।૨૯।।
પછી બેઠો ધ્યાને શોભારામ, દિઠા હરિ ને હરિનાં ધામ ।
પામ્યા સુખ સમાધિમાં અતિ, જોઇ સ્વામીશ્રીજીની મૂરતિ ।।૩૦।।
રહ્યો પ્રભુ પાસે બહુ વાર, પછી આવ્યો સમાધિથી બાર ।
આવી કહીછે સર્વે વાત, કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત ।।૩૧।।
આવું ન દીઠું ને ન સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું ।
હું તો પામિયો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સતસંગ ।।૩૨।।
હું તો પામિયો પરચો આજ, મને મળ્યા પ્રકટ મહારાજ ।
વળી બુરાનપુરને માંઇ, રહે દ્વિજ નારાયણજી ત્યાંઇ ।।૩૩।।
તેતો આવ્યોતો ઉદ્યમ કાજ, ગુજરધરમાંહિ દ્વિજરાજ ।
તિયાં મળી ગયો સતસંગ, ધાર્યાં નિયમ સર્વે શુભ અંગ ।।૩૪।।
પછી ગયા થોડા ઘણા દન, આવી અવધિયે ત્યાગિયું તન ।
ત્યારે તેડવા આવ્યા મહારાજ, ગયો બ્રહ્મમોલે દ્વિજરાજ ।।૩૫।।
તેનો સુત હરિરામ એક, હતો ઘરે નાનકડો છેક ।
તેને પણ થયો સતસંગ, થઇ સમાધિ પલટ્યું અંગ ।।૩૬।।
ગયો દેહ તજી બ્રહ્મમોહોલ, તિયાં દિઠું છે સુખ અતોલ ।
દિઠા ત્યાંના સર્વે રહેનાર, દિઠો પોતાનો તાત તેવાર ।।૩૭।।
તાત સુત મળ્યા માંહોમાંઇ, એવું દિઠું છે સમાધિમાંઇ ।
જયારે આવ્યો સમાધિથી બાર, એહ વાત કરી છે તે વાર ।।૩૮।।
સતસંગીએ માન્યું તે સત્ય, કહે કુસંગી સર્વે અસત્ય ।
અમે ન માનીએ એવી વાણ, માનીયે જયારે મળે એંધાણ ।।૩૯।।
વારૂ સમાધિમાંહિ તું જઇ, પૂછિયે વાત તે આવ્ય લઇ ।
તારો તાત ને અમે બે ભાઇ, ગયાતા બીજા ગામડા માંઇ ।।૪૦।।
શિયે કામે ગયાતા ત્યાં શું થયું, કહેજે જઇ મને એ પૂછિયું ।
પછી હરિરામે સમાધિ કરી, ગયો બ્રહ્મમોહોલ માંહિ ફરી ।।૪૧।।
નારાયણજી જે એનો તાત, તેને આગળ્ય જઇ કહી વાત ।
મિત્ર તમારો વ્યંકટરામ, તેનો ભાઇ જ્ઞાનેશ્વર નામ ।।૪૨।।
તેણે પૂછ્યું છે પ્રશ્ન તે એમ, અમે ગ્યાતા બીજે ગામ કેમ ।
ત્યારે નારાયણ કહે તાત, તેની કહું તને સર્વે વાત ।।૪૩।।
ગામ નામે બદલપુર માંઇ, ગ્યાતા પોંક ખાવા સારૂં ત્યાંઇ ।
પોંકખાઇ પાછા અમે વળ્યા, ત્યારે વાટમાંહિ ભીલ મળ્યા ।।૪૪।।
તેણે વસ્ત્ર લીધાં સર્વે લુંટી, દેજયે એંધાણી એ જઇ મોટી ।
પછી સમાધિથી આવી બાર, કરી વાત એ સર્વે તેવાર ।।૪૫।।
જેજે વીતિ એ ત્રણને વાત, કહી એંધાણી દઇને સાક્ષાત ।
ત્યારે વ્યંકટરામે વિચાર્યું, સત્ય વાત એમ મન ધાર્યું ।।૪૬।।
જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાય, આ વાત કેમ ખોટી કહેવાય ।
સાચા સતસંગી સાચા સંત, સાચા સ્વામી પોતે ભગવંત ।।૪૭।।
એમ કહી સંત પાય નમ્યા, કરજયો મહારાજ અમપર ક્ષમા ।
તમારી સવેર્ સાચી છે વાત, અમે પામ્યા પરચો સાક્ષાત ।।૪૮।।
એમ બહુબહુ ચમતકાર, થાય બુરાનપુર મોઝાર ।
કહેતાં લખતાં ન આવે અંત, એમ પરચા થાય છે અત્યંત ।।૪૯।।
પળે પળે કરે હરિ સહાય, નિત્ય પ્રત્યે સતસંગમાંય ।
તેણે મગન રહે નરનાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૦।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને બાવનમું પ્રકરણમ્ ।।૧૫૨।।