૮૫. રાજય વ્યવસ્થા સારી થવાથી ફરી સંતોને પૂજા-તિલક વગેરે ચાલુ કરાવ્યા, મછિયાવમાં હુતાશનીનો સમૈયો

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:16pm

ચોપાઇ-

અલબેલોજી આનંદકારી, આવ્યા ગઢડે દેવ મુરારી ।

સર્વે દાસને દર્શન દીધાં, જનનાં મન મગન કીધાં ।।૧।।

બેઠા વાલ્યમ આસન વાળી, જન સહુ રહ્યા સામું ભાળી ।

જેમ ચંદને જુવે ચકોર, જેમ મેઘને જુવે છે મોર ।।૨।।

એમ સર્વે રહ્યા સામું જોઇ, મીટે મટકું ન ભરે કોઇ ।

પછી બોલિયા પ્રાણજીવન, તમે છો સુખિયા સહુ જન ।।૩।।

પછી બોલિયા જન જોડી હાથ, તમને નિર્ખિ સુખી છીએ નાથ ।

પછી સુંદર ભોજન કરી, જન હેતે જમ્યા તિયાં હરિ ।।૪।।

અતિ હેતે બોલે વાલો વળી, સર્વે રાજી થાય તે સાંભળી ।

દેશદેશના દાસ સંભારી, વખાણે તેને દેવ મુરારી ।।૫।।

બીજી બહુ બહુ કરે વાત, સુણી જન થાય રળિયાત ।

એમ કરતાં માસ દોય થયા, દિન દશ તે ઉપર ગયા ।।૬।।

ત્યારે બોલિયા જીવનપ્રાણ, સુણો સંત સર્વે સુજાણ ।

હતી અસુરની જે ઉપાધિ, તે આ સમે સમી ગઇ બાધી ।।૭।।

થયું રાજય હવે ન્યાયવાળું, સર્વે ગરીબ રાંકને સુખાળું ।

હવે જોર જુલમ ન થાય, તમ જેવા સાધુ ન પીડાય ।।૮।।

માટે રાખો પ્રથમની રીત, અતિ સુંદર પરમ પુનિત ।

એમ કહ્યું જનને મહારાજે, તેવી રીત્ય રાખી મુનિરાજે ।।૯।।

પછી આવ્યો છે ફાગણ માસ, હોળી રમવા થયા હુલાસ ।

ભાલ મધ્યે ગામ મછિયાવ્ય, વસે ભક્ત તેને અતિ ભાવ ।।૧૦।।

તેણે હરિને તેડાવ્યા હેતે, તિયાં પધારિયા પ્રભુજી પ્રીતે ।

સખા સહિત આવ્યા ભગવાન, દીધાં દાસને દર્શનદાન ।।૧૧।।

દેશદેશના સતસંગી આવ્યા, તિયાં સર્વે મુનિને બોલાવ્યા ।

કરવા ઉત્સવ દેવા દર્શન, અતિ રાજી છે પ્રાણજીવન ।।૧૨।।

મિઠી વાણીએ સહુને બોલાવે, વાત વાલાની સહુને ભાવે ।

વળી પ્રશ્ન ઉત્તર તિયાં થાય, જન ગુણ ગોવિંદના ગાય ।।૧૩।।

પછી આવ્યો ઉત્સવનો દન, રમવા રાજી જનશું જીવન ।

થયા અલબેલો અસવાર, સંગે સખા હજારો હજાર ।।૧૪।।

ભરી ફાંટ્યે ને ફેંકે ગુલાલ, ચડી ગરદી ગગનમાં લાલ ।

રસબસ થયા સખા રંગે, રમતાં રંગ રસિયા સંગે ।।૧૫।।

વાજે વાજાં વિવિધનાં કઇ, જેજેકાર રહ્યો તિયાં થઇ ।

એમ રમે રંગભીનો હોળી, સંગે લઇ મુનિજન ટોળી ।।૧૬।।

સહુ જનની પુરી છે હામ, પછી નાહ્યા સરોવરમાં શ્યામ ।

ત્યાંથી અલબેલો આવ્યા ઉતારે, થઇ રૂડી રસોઇ તે વારે ।।૧૭।।

જમ્યા જીવન જન જમાડ્યા, સવેર્સંતને મોદ પમાડ્યા ।

જને બાંધ્યો હિંડોળો ત્યાં બાર, હરિ બેઠા હિંડોળા મોઝાર ।।૧૮।।

પછી ઝુલ્યા હિંડોળે જીવન, સર્વે જનને કર્યા મગન ।

પછી મેડીયે બેઠા મહારાજ, આવ્યા મલ્લ ત્યાં રમવા કાજ ।।૧૯।।

દિઠી જેઠિની રમત્ય સારી, રિઝી દીધો શિરપાવ ઉતારી ।

એમ લીળા કરી અલબેલે, દિધાં દર્શન છેલ છબિલે ।।૨૦।।

કરી લીળા ત્યાં બહુ જીવને, ફાગણ સુદી પુન્યમને દને ।

તેદિ લીળા કરી મછિયાવ્યે, કરાવી ફુઇબાઇએ ભાવે ।।૨૧।।

પછી ત્યાંથી ચાલ્યા તતકાળ, આવ્યા દદુકે દીનદયાળ ।

તિયાં ભક્ત વસેછે ભાવિક, જેને આશરો સ્વામીનો એક ।।૨૨।।

તેણે તેડી મુનિજન સાથ, રૂડી રસોયે જમાડ્યા નાથ ।

પછી જમાડી સંતની મંડળી, કરી સુંદર રસોઇ ગળી ।।૨૩।।

પ્રભુ પોતે પીરસવા ઉઠ્યા, દાસ ઉપર દયાળુ ત્રુઠ્યા ।

લઇ લાડુ કરે મનુવાર, જમાડી સંત પમાડ્યા હાર ।।૨૪।।

એમ આપી સુખ અતિઘણાં, કર્યાં રાજી મન જનતણાં ।

પછી અલબેલે આગન્યા કીધી, સર્વે સંતને શીખજ દીધી ।।૨૫।।

પછી રહ્યા તિયાં એક રાત્ય, ત્યાંથી પ્રભુ પધાર્યા પ્રભાત્ય ।

જોઇ જનના મનનો ભાવ, પાછા પધારિયા મછિયાવ ।।૨૬।।

રહ્યા તિયાં પોતે પંચ દન, દિધાં દયા કરી દરશન ।

પછી ત્યાંથી ચાલ્યા તતકાળ, આવ્યા શ્યામળો ગામ શિયાળ ।।૨૭।।

તિયાં ભક્ત વસે તુલાધાર, રૂડો જન ને મન ઉદાર ।

તેને ઘેર ઉતર્યા મહારાજ, કરાવ્યાં ભોજન નાથ કાજ ।।૨૮।।

ત્યાંથી જમી ચાલ્યા અલબેલો, રહ્યા રોઝકે છેલ છબિલો ।

ત્યાંથી ચાલિયા સુંદર શ્યામ, આવ્યા ગોવિંદ ગઢડે ગામ ।।૨૯।।

સર્વે જન કરે જે જે કાર, ધન્ય ધન્ય એ થાય ઉચ્ચાર ।

એવી કીરતિ કાને સાંભળી, સવેર્અસુર ઉઠ્યા છે બળી ।।૩૦।।

કહે અસુર સરવે મળી, સતસંગીને નાખીયે દળી ।

એમ પાપી મળી પરિયાણ્યા, દેશદેશના અસુર આણ્યા ।।૩૧।।

મોટે દૈત્યે મનસુબો કરી, આવ્યા બહુ બળે બંદૂકો ભરી ।

સહુ દિશેથી લીધા છે ઘેરી, ખરા ખેધકુ સાધુના વેરી ।।૩૨।।

માંહોમાંહિ બોલે એમ પાપી, નાખો સતસંગી સહુને કાપી ।

ચોંપે ચડાવી બંધુકો હૈયે, બોલિયા હરિના ભક્ત તૈયે ।।૩૩।।

કરો ઘાવ શું રહ્યા વિચારી, પછી જુવો રમત્ય અમારી ।

તૈયે અસુરે બંધુકો દાગી, ઉડી આગ્ય ને ડાઢિયો લાગી ।।૩૪।।

પછી એવું જણાણું છે એને, આજ ન મુકે જીવતા કેને ।

પછી પાપી પાછા પગ ભરી, ગયા કાળાં મોઢાં સહુ કરી ।।૩૫।।

પડ્યા પાપી પાછા પાપવશ, માસ જયેષ્ઠ શુદી ચઉદશ ।

તેદિ દુષ્ટે એ રચ્યોતો દગો, દગો અંતે નોય કેનો સગો ।।૩૬।।

પાપી પોતાના પાપમાં ગયા, હરિભક્ત તે નિર્ભય રહ્યા ।

પછી ત્યાંથી સધાવિયા શ્યામ, આવ્યા નાથ કારીયાણી ગામ ।।૩૭।।

રહ્યા દન દોચાર એ ઠામ, પછી આવિયા ગઢડે ગામ ।

આવ્યા સાધુ રામદાસ કાજ, કર્યું રામદાસે તન ત્યાજ ।।૩૮।।

જયેષ્ઠવદી તે છઠ્યને દન, તેદિ ત્યાગ્યું છે તેમણે તન ।

એહ કાજે રહ્યા એક રાત, પાછા પ્રભુ પધાર્યા પ્રભાત ।।૩૯।।

દિન દશ પાંચ તિયાં રહ્યા, કરી જીત ગઢડે આવિયા ।

આવી તીરથવાસીને કાજે, બંધાવ્યું સદાવ્રત મહારાજે ।।૪૦।।

આપે અન્ન જમે જન બહુ, સુણી આવે અન્નારથી સહુ ।

બાંધી ધર્મની ધ્વજા તે બહાર, દિયે અન્ન બહુ દેદેકાર ।।૪૧।।

બીજી જમે મુનિની મંડળી, થાય આનંદ ઉત્સવ વળી ।

એમ કર્તાં વીત્યું છે ચોમાસું, ગયો ભાદ્ર ને આવિયો આસુ ।।૪૨।।

પછી સુરતથી સતસંગી આવ્યા, પ્રભુને કાજે પોશાગ લાવ્યા ।

લાવ્યા પાઘ સુંદર છોગાળી, નામે અંકિત અતિ રૂપાળી ।।૪૩।।

લાવ્યા વાઘો સુંદર સુરવાળ, બહુ પ્રેમેશું પૂજયા દયાળ ।

થયા રાજી પોતે મહારાજ, પહેર્યાં વસ્ત્ર જન હેત કાજ ।।૪૪।।

જેના સેવક આતમારામ, માને પોતાને પૂરણકામ ।

તેના સ્વામીને કેમ કહેવાય, જે આ પ્રાકૃત પૂજાને ચાય ।।૪૫।।

માટે જનના ભાવને જોઇ, લિયે પૂજા પ્રસન્ન મન હોઇ ।

એમ કરતાં આવી દીવાળી, પૂરી દીપની માળા રૂપાળી ।।૪૬।।

તિયાં બેઠા અલબેલો આવી, સુંદર મૂરતિ સહુને ભાવી ।

જોઇ જન થયા છે મગન, સહુ કહે સ્વામી ધન્ય ધન્ય ।।૪૭।।

પછી બહુભાતે કર્યાં ભોજન, વિધવિધનાં કર્યાં વ્યંજન ।

ઘણે અન્ને અન્નકોટ કીધો, વાલે પ્રેમેશું પ્રસાદ લીધો ।।૪૮।।

પછી જમાડ્યો જનનો સાથ, પ્રભુ પીરસે પોતાને હાથ ।

દીધું નાથે સુખ લીધું જને, ર્કાિતક શુદી એકમને દને ।।૪૯।।

તેદિ આવ્યા મુનિ સહુ મળી, દેશોદેશ જે હતી મંડળી ।

કરાવિયો ઉત્સવ એ દને, જયા લલિતા ઉત્તમ જને ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે પિચ્યાશિમું પ્રકરણમ્ ।।૮૫।।