પરિશિષ્ટ (બ) કચ્છનાં પ્રસાદીનાં સ્થાનોનો ટૂંકો પરિચય.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 7:00pm

પરિશિષ્ટ બ

કચ્છનાં પ્રસાદીનાં ગામોનો ટૂંકો પરિચય

૧. શ્રી ભુજનગરમાં શ્રી નરનારાયણ દેવનું મંદિર

(૧) આ મંદિરમાં આ પુસ્તકમાં લખ્યું છે તે મુજબ સંવત્‌ ૧૮૭૯ના વૈશાખ સુદ પાંચમને દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓની ઘણી ધામધૂમથી પ્રતિષ્ઠા કરી છે. ભક્ત ગંગારામ મલ્લે (૫૦૦) કોરીની ભેટ આપી ધજા ચડાવવાની ક્રિયા કરી હતી અને પરમ ભક્ત હીરજીભાઇ સુતારે (૧૦૦૦) એક હજાર કોરીની ભેટ આપીને કળશ ચડાવવાની ક્રિયા કરી હતી. શ્રીજી મહારાજે તે પ્રસંગે આ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પોતાની મૂર્તિની અને રાધાકૃષ્ણાદિક ત્રણ મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય તેવી ઇચ્છા દર્શાવી હતી તે મુજબ સંવત્‌ ૧૯૨૩ની સાલે ફાગણ સુદ બીજને દિવસે શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓની જોડે જ જમણે પડખે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા ધ.ધુ. આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના વરદ્‌ હસ્તે કરવામાં આવી ત્યાર બાદ સંવત્‌ ૧૯૬૭ની સાલમાં ચૈત્ર વદ ૭ને રોજ શ્રી નરનારાયણ દેવના નિજ મંદિરની જોડમાં જ બીજું નિજ મંદિર કરાવીને ભુજના સંતો અને હરિભક્તોએ શ્રી રાધાકૃષ્ણ અને શ્રી ઘનશ્યામ મહારાજ એમ ધાતુની ત્રિમૂર્તિની પ્રતિષ્ઠા ધ.ધુ. આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવીને શ્રીજી મહારાજના સંકલ્પને સિધ્ધ કરવાનું માન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ એજ નિજ મંદિરની જોડમાં જ એવું જ બીજું નિજ મંદિર તૈયાર કરાવી સિંહાસન, છત્ર, વસ્ત્રાલંકાર સહિત શ્રી ઘનશ્યામ મહારાજની આરસની પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત્‌ ૧૯૯૮ના વૈશાખ સુદ પાંચમના રોજે કુંભારીઆના મિસ્ત્રી જેરામભાઇ રામજી આદિએ ધ.ધુ.આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરાવીને ઘણી ધામધુમથી મહોત્સવ પોતાના ખર્ચે કર્યો હતો. આ મહોત્સવમાં કચ્છદેશના તેમજ અન્ય પ્રદેશોના સત્સંગીઓ આશરે વીસ હજારની સંખ્યામાં ઉપસ્થિત રહીને આચાર્યશ્રીનું સારું સન્માન કર્યું હતું. પ્રતિષ્ઠા સમયે મહારાઓ શ્રી કુમાર મદનસિંહજી તથા ફતેહસિંહજી સાહેબની હાજરી નિમંત્રી ઉત્સવને અધિકતર ફતેહમંદ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત્‌ ૧૮૬૧ થી સંવત્‌ ૧૮૬૮ સુધી કચ્છ પ્રદેશમાં લગભગ સાત વર્ષ વિચરીને અનેક લીલાઓ કરી છે. આ સમય દરમિયાન કચ્છનાં જુદાં જુદાં ગામોમાં પણ ઘણા પ્રસંગોએ વિચર્યા છે. પણ મુખ્યલીલા સ્થાન તો ભુજ જ રાખ્યું હતું. શ્રી ભુજના શ્રી નરનારાયણ દેવના મંદિરને અંગે જે નારાયણ બાગ પાટવાડીના નાકા બહાર છે તેનો મહિમા પણ ઘણો છે. પહેલાં એ નારાયણ બાગ ન હતો ત્યારે પણ શ્રીજી મહારાજ ભુજમાં વિચરતા ત્યારે ઘણી વાર સ્નાન કરવા માટે પાટવાડીના નાકા બહાર હાલ જ્યાં નારાયણ બાગનું પૂર્વદ્વાર છે. ત્યાંથી પાળે પાળે નારાયણ બાગની હાલની જમીન છે તેને પાવન કરી છે. અને નારાયણ બાગના દક્ષિણ તરફના ભાગમાં હાલ જ્યાં ચરણારવિંદ પધરાવેલી છત્રી છે ત્યાં સ્નાન કરવાનો આરો હતો. શ્રીજી મહારાજ ત્યાં સ્નાન કરવા માટે જતા અને વડના વૃક્ષ નીચે સભા કરીને ઘણીક જ્ઞાનોપદેશની વાતો કરતા. હુતાશની ફૂલડોલ કે અન્નકૂટ એવા મહોત્સવ પ્રસંગે સંતો તથા હરિભક્તોએ સહિત ગાજતે વાજતે સવારીથી જતા આવતા. આવી રીતે હમીરસર તળાવને શ્રીજી મહારાજે અત્યંત પાવન કર્યું છે. તેના મહિમા સંબંધમાં આ પુસ્તકમાં ઘણું લખાયેલ જોવામાં આવે છે. આ નારાયણ બાગના પશ્ચિમ તરફના દરવાજાથી પ્રવેશ કરતાં મોટો કૂવો આવેલો છે. તેની અંદર નીચે મુજબનો લેખ છે.

લેખ પહેલો

શ્રી ભુજનગર મધ્યે પાટવાડીના દરવાજા બહાર તળાવ હમીરસરની ઉત્તરાદી પાળની જમીન શ્રી નરનારાયણની બાજુમાં હરિકૃષ્ણજી મહારાજને મહારાજાધિરાજ મહારાવ શ્રી દેશલજીએ શ્રીકૃષ્ણાર્પણ તુલસીપત્રે અઘાટ આપી છે. તેમનાં પટરાણી વાઘેલી બાઇજીબાશ્રી મછીઆવના ઠાકોર બાપુજી દાજીબાઇની પુત્રીએ આ બાગ મધ્યે આ વાવ ઉપર ખરચ કોરી ૨૫૬૨। ૨।। કરી વાવ કૃષ્ણાર્પણ કરાવી આપેલ છે. કાર્તિક સુદ ૧૧ સંવત્‌ ૧૯૧૬ વળી શ્રીજી મહારાજ કચ્છમાં જુદે જુદે ઠેકાણે લીલા કરતા વિચર્યા તેના સારરૂપ હકીકત બગીચામાં ઉતરાદી કોરે જે જગા છે તેની ઓસરીમાં એક લેખ છે તે નીચે મુજબ છે.

લેખ બીજો.

શ્રીજી મહારાજ સં. ૧૮૬૧ થી ૧૮૬૮ સુધી કચ્છ દેશમાં વિચર્યા તે પ્રથમ શ્રી ભુજમાં પધાર્યા ત્યારે સુતાર સુંદરજી તથા હીરજીભાઇને ઘેર ડેલા પાસે દ્રાક્ષ માંડવામાં વિરાજમાન થઇને ઘણીવાર થાળ જમ્યા હતા. તથા સુતાર રામજી તથા જેઠી ગંગારામ તથા કાયસ્થ નાથજી સુત શિવરામ તથા હરજીવન તથા તેમની બહેન લાધીબાઇને ઘણો ચમત્કાર દેખાડતા હતા ને સુતાર જીવરામ તથા કુંવરજી તથા મહીદાસ તથા ઠક્કર ગંગાધર તથા જેઠી ખીમજી તથા ઉકરડા તથા ઠક્કર તેજપાલ તથા સારસ્વત વીરજી તથા અખઇ તથા ગોર જીવરામ તથા રાજગોર શંકરજી તથા રાજગોર મૂળજી તથા વાઘજી આદિ હરિભક્ત સર્વે પોતપોતાના ઘેર થાળ કરાવી શ્રીહરિને જમાડતા હતા, અને ક્યારેક શ્રીહરિ હમીરસરમાં સર્વે સંતો સહિત સ્નાન કરતા હતા, સંતદાસજીને બદ્રિકાશ્રમ મોકલતા. હવે તે તળાવની આથમણી તથા ઉતરાદી પાળ ઉપર ઘણીવાર સભા ભરી વિરાજતા હતા. ને ક્યારેક દેશલસરમાં સ્નાન કરીને કડીયાના વાડામાં બિરાજમાન થતા હતા ને શિવરા મંડપમાં તથા ચોકમાં બિરાજતા હતા. ભુજમાં એક વખત નવા પરમહંસની મંડળી આવી તેને જોઇને શ્રીજીએ દંડવત્‌ કર્યા, ત્યારે સંતે શ્રીહરિને ઉપાડી લીધા. પછી શ્રીહરિ સર્વે સંતોને મળતા હતા. કડીયાના વાડાથી દક્ષિણાદિકોરે એક બકાલીની વાડીમાં રાયણના વૃક્ષ તળે બેસી ક્યારેક થાળ જમતા હતા.

અને ક્યારેક કલ્યાણેશ્વર મહાદેવનાં દર્શન કરી સમીપની વાવમાં સ્નાન કરીને ખાખ ચોકમાં બિરાજતા હતા અને ક્યારેક રામકુંડમાં સ્નાન કરતા ને ક્યારેક રઘુનાથજીનાં દર્શન કરી સમીપના તળાવના આરામાં સ્નાન કરતા અને ક્યારેક પાવડીવાળે આરે, જંદાવાળે આરે તથા ભોઇવાળે આરે સ્નાન કરતા હવા ને ક્યારેક બીજાં ગામોમાં ફરવા જતા ત્યારે પાટવાડીવાળે દરવાજે રા.લાખાની છત્રીયુંમાં બેસતા હતા ને સમીપે શિવજીનું મંદિર છે ત્યાં દર્શન કરતા ને ક્યારેક માનકુવેથી આવી રા.લાખાની છત્રીની આથમણી કોરે બિરાજમાન થતા અને ત્યાંથી મલ્લ ત્રિકમજીની વાડીમાં ડુંગરાને મૂળે આંબલીનાં વૃક્ષ તળે બેસતા તથા જણસારીની તળાવડી તથા નાગથડા ઉપર બિરાજમાન થતા હતા. ને ત્યાંથી માર્ગમાં શિવનાં દર્શન કરી ગરાસીયાની વાડીમાં બિરાજમાન થતા હતા અને ક્યારેક માનકુવા, વિથોણ, તેરા, કાળાતળાવ, જખૌ, રવાપુર, ધ્રુફી, ડોણ, માંડવી, ગજોડ, પુનડી, ધુણઇ, રામપર, સરલી, દહીંસરા, કેરા, બલદીયા, સામત્રા, ભારાસર, આદિ ગામોમાં વિચરીને પાછા ભુજમાં હીરજીભાઇને ઘેર બિરાજતા હતા અને ત્યાંથી જેઠી ગંગારામને ઘેર જતા ત્યારે આપણું મંદિર (હાલનો સભા મંડપ છે ત્યાં આંબલીના વૃક્ષ તળે ઊભા રહેતા હતા. આ જગ્યાએ હાલ ચરણારવિંદ પધરાવ્યાં છે) ને ક્યારેક વાગડદેશમાં ફરવા જતા ત્યારે ભીડવાલે દરવાજે થઇને અંજાર, ભચાઉ, ધમડકા, ચાંદ્રાણી, દુધઈ, ચોબારી, કંથકોટ, આધોઇ, લાકડીયા, વાંઢીયા, માથક, તૂણા, કુંભારીયા, બંધરા, મુંદ્રા, આદિ જે ગામોમાં ઘણીવાર વિચરીને અનંત લીલા કરી હરિભક્તોને સુખ આપતા હતા. ને રામાનંદ સ્વામી પણ આ સર્વે ગામોમાં વિચરેલ છે. ને આ સ્થાનકે શ્રીહરિ સંત હરિજન સહિત વારંવાર બિરાજતા હતા. માટે બહુ પ્રસાદીનું જાણીને સર્વેને શ્રીહરિની સ્મૃતિ થાય તે અર્થે આ શિલાલેખ કરીને પધરાવ્યો છે. સ્વામી અચ્યુતદાસજીની આજ્ઞાથી સાધુ ભક્તિવલ્લભદાસજીએ આ પ્રસાદીનું સ્થાન સુધરાવ્યું છે. રાવ શ્રી ખેંગારજીના વખતમાં.

લેખક સાધુ પુરાણી નંદકિશોરદાસજી

આ શિલાલેખવાળા મકાન નજીક જે ચરણારવિંદની છત્રી છે તે સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ભક્તિવલ્લભદાસજીના પ્રયાસથી તૈયાર થયેલ છે. છત્રી પર લેખ નથી. એ છત્રીની સામે આંબલીનું વૃક્ષ શ્રીજી મહારાજના સમયનું એ પ્રસાદીનું છે.

: બગીચાના દખણાદિ કોરના બાગમાં જે છત્રી છે તેનો લેખઃ

લેખ ત્રીજો

શ્રી અક્ષરાતીત સહજાનંદ સ્વામી સંવત્‌ ૧૮૬૧ કાર્તિક સુદી ૧૧ના ભુજ પધાર્યા તે સંવત્‌ ૧૮૬૮ના વૈશાખ સુધી રહ્યા. ફરતાં ગામ જે માનકુવા, તેરા, માંડવી વગેરે ગામડામાં ફરીને પાછા ભુજ આવી રહેતા એવી રીતે ૭ વર્ષ મહારાજ આ ગામમાં રહ્યા છે. તેમાં હમેશ આ ઠેકાણે આરો હતો માટે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક ઘણાક સંત તથા સત્સંગી તેમણે યુક્ત મહારાજ સ્નાન કરવા પધારતા અને આ ઠેકાણે એક વડ હતો ત્યાં વસ્ત્ર મૂકીને સાધુ સત્સંગી સહિત શ્રીજી મહારાજ તળાવમાં જળક્રીડા સહિત અનંતવાર સ્નાન કરીને આ ઠેકાણે મહારાજ બિરાજેલા છે. અને અહીંથી મહારાજ સાથે સ્નાન કરતાં સંતદાસજી બદ્રિકાશ્રમમાં ગયા હતા. આ સ્થાનક ઘણું પ્રસાદીનું જાણી ગામ કુંભારીયાના રહેવાસી મિસ્ત્રી જયરામભાઇ ગાંગાજીએ શ્રીજીમહારાજ તથા દેશાન્તરથી દર્શને આવેલ સાધુ તથા સત્સંગી સર્વેની પોતાની પર પ્રસન્નતા થાય તે સારુ આ છત્રી કરાવીને શ્રીહરિનાં ચરણારવિંદ પધરાવ્યાં છે. સંવત્‌ ૧૯૪૭ ના વૈશાખ વદ ૬ને શુક્રવાર.

(ભુજ નગરની બહારના પ્રસાદીનાં સ્થળો)

(૧) શ્રીજી મહારાજ માનકુવે જતાં આવતાં માર્ગમાં ‘રાવ’ લાખાની છત્રી પાસે રોકાઇ છત્રીના ઓટલા પર ઘણીવાર વિરાજમાન હતા. અને હરિભક્તો પણ વળાવવા કે સામૈયું કરવા આવતા ને મહારાજ તેમને પ્રસાદી આપતા. એક વખત ભુજનાં સુતારણ હરિબાઇએ સેવ ને બિરંજનો થાળ લઇ આવી મહારાજને ત્યાં ઉતરાદિ કોરની રૂપ ચોકીના પેલા પટ પર જમાડેલ હતા.

(૨) રા. લાખાની છતેડીથી પશ્ચિમ બાજુ (પડદાભીટ) હનુમાનજીની પ્રતિમા જે પ્રથમની જ છે પણ હાલ વિશેષ, પ્રસિદ્ધ થઇ છે તે પ્રસાદીની છે. અને તેની જ જોડમાં છત્રી ચરણારવિંદ શ્રી જેઠીમલ ત્રિકમજીએ બનાવેલ છે. આ છતેડી બંધાવ્યા પહેલાં મહારાજ શ્રી સંત હરિભક્તો સહિત ત્યાં બિરાજતા અને હાલ જ્યાં ધર્મશાળા છે તેની વાંસે કુવો છે તે પણ પ્રસાદીનો છે.

(૩) આ છત્રીથી આગળ ચાલતાં આથમણી બાજુએ ચઢાવ પર એક ઓટલો છે, તે પ્રસાદીનો છે. ત્યાં મહારાજ ઘણીવાર બિરાજતા અને માનકુવે જતાં આવતાં સંત હરિભક્તોને પ્રસાદી આપી પાછા વાળતા અને ક્યારેક સંઘાથે ભુજ પધારતા.

(૪) વળી આગળ ચાલતાં દાંતાની એક ધાર આવે છે, તે પણ પ્રસાદીની છે. ત્યાં ઓટલો છે ત્યાં મહારાજ બિરાજતા. ત્યાં બકાલી એક સમયે આવી ચઢ્યો. તેને પોતાના બળનો ગર્વ ઘણો હતો. મહારાજને ખભે બેસાડી દોડવા માંગતો હતો, પણ મહારાજે તેના પર એટલો ભાર મુક્યો કે તે ઊઠી શક્યો નહીં. આ પ્રમાણે તેના ગર્વનું ગંજન કર્યું આગળ ચાલતા એક વાવ છે. તેનું નામ ઓડાવાવ છે. તે પણ પ્રસાદીની છે.

(૫) આગળ ચાલતાં જણસારીઓની તળાવડી (નારાયણ તલાવડી) આવે છે. ત્યાં શ્રીજી મહારાજ ઘણી વખત નાહ્યા છે ને વિચર્યા છે ત્યાં છત્રી ચરણારવિંદ સહિતની છે તથા હનુમાનની પ્રતિમા છે તે પણ પ્રસાદીની છે. આ પ્રમાણે આ સ્થળ મહારાજે પાવન કરેલ છે. તેનું વિસ્તારપૂર્વક વર્ણન આ પુસ્તકમાં કરેલ છે.

(૬) મહાદેવને નાકે રામકુંડમાં ઘણીવાર સ્નાન કરી પ્રસાદીનો કરેલ છે. તેની સામેની મોટી વાવમાં મહારાજે સ્નાન કર્યું છે. તેમ ખાખચોકમાં પણ વિચર્યા છે. અને હાલની દેડકા વાવ પણ પ્રસાદીની છે.

(૭) ભીડને નાકે સલાટનો વાળો પ્રસાદીનો છે. કારણ કે અંજાર ભચાઉ જતાં શ્રીજી મહારાજ ત્યાં સંત હરિભક્તોએ સહિત ઘણીવાર વિરાજ્યા હતા. વળી શિવરા મંડપમાં પણ મહારાજે પગલાં કર્યાં છે. અને શિવરા મંડપની જોડમાં દખણાદિકોરે એક વાડી બકાલીની છે. ત્યાં પણ મહારાજ વિરાજતા એટલે એ પણ પવિત્ર સ્થળ છે.

(ભુજ નગરની અંદર પ્રસાદીનાં સ્થળો)

(૧) સુતાર સુંદરજી ભાઇ તથા હીરજીભાઇને ઘેર શ્રીજી મહારાજ પ્રથમ પધારી ઉતર્યા હતા અને પછી પણ ત્યાં લાંબો વખત નિવાસ કર્યો હતો. એટલે એ મકાનો બધાં પ્રસાદીનાં હતાં. અને આ બધાં ઘર મંદિરના કબજામાં હતાં. સમય જતાં જ્યારે સંવત્‌ (૨૦૫૭) કચ્છમાં ભૂકંપ થયો ત્યારે તમામ મકાન તથા અક્ષર ઓરડી ધ્વસ્ત થયાં છે. હલમાં બન્ને ભાઇના ઘરના સ્થળે છત્રી બનાવી ચરણારવિંદ પધરાવેલ છે. જ્યાં ગંગાજળીઓ કુવો છે ત્યાં પણ છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે. તથા પાણીની પ્રસાદી લેવાની પણ વ્યવસ્થા કરી છે. વાલજીભાઇની રહેણાંકમાં શ્રીજી મહારાજ જ્યારે પ્રથમ પધાર્યા ત્યારે જે પથ્થરની પાળપર ઘોડેસ્વારીની જેમ પલાણી બેઠા હતા તે પથ્થર હાલ જુના મંદિરમાં છે.

(૨) જેઠી ગંગારામ મલ્લનાં ઘર ભુજની બજારમાં ગંગારામભાઇ મલ્લનું ઘર, નાનો અખાડો ત્યાં મહારાજે મલ્લકુસ્તી કરાવી મલ્લોને મિઠાઇ જમાડી હતી. આ બધાં સ્થાન ભૂકંપમાં ધ્વસ્ત થવાથી ત્યાં ચરણારવિંદ પધરાવેલ છે.

(૩) કાયસ્થ મહેતા શિવરામ તથા હરજીવન તથા લાધીબાઇના રહેણાંકના ઘરો નાગર ચકલો મૂકીને કાયસ્થ શેરી દક્ષિણ દિશાએ આવે છે તેમાં છેક છેવાડે છે. બીજા ખંડોમાં ફેરફાર થઇ ગયો છે પણ અક્ષર ઓરડી જેમ ને તેમ મોજુદ છે. અક્ષર ઓરડીમાં હાલ એક આરસનાં ચરણારવિંદ પધરાવ્યાં છે. અને તેની નીચે મુજબનો લેખ છે.

લેખ પાંચમો

શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૮૨ સુધી મહેતા નાથજીના પુત્ર શિવરામ તથા હરજીવન તથા નારણજી તથા તેમની બહેન લાધીબાઇની પ્રેમભક્તિને વશ થઇને ભુજમાં રહ્યા હતા. તેટલા દિવસ નિત્ય મુક્તો સહિત અહીં જમવા પધારતા. અન્નકોટનો ઉત્સવ અત્રે કરેલ છે. તથા અનંત લીલાઓ કરેલ છે. અને સ્વામી રામાનંદજી પણ અહીં રહેતા ને જમતા અને લાધીબાઇએ માતાજીને સ્વતંત્ર રીતે દેહત્યાગ કરાવીને પોતે પણ દેહત્યાગ કરી સાથેજ અક્ષરધામમાં ગયાં હતાં. લાધીબાઇ મહારાજને થાળ જમાડતાં તે ત્રાંબાનો ત્રાંસ તથા સાંઘાણના સુતારે બનાવેલ માળા તથા પ્રસાદીની ઝીણી ઝીણી બે વસ્તુઓની પેટી છે. વળી પ્રસાદીનો એક દાદરો પણ છે. કેટલીક પ્રસાદીની ચીજો ચાખડી આદિ મંદિરોમાં પણ આપી છે. શિવરામ મહેતાને ત્યાંનો ઢોલિયો માંડવીના મંદિરમાં શય્યા તરીકે ઉપયોગમાં લેવાયેલ છે.

(૪) જણસારીઓનું મંદિર : શ્રીજી મહારાજ જ્યારે ભુજમાં વિચરતા હતા ત્યારે એક સમયે જણસારીઓના મંદિરના પૂજારી નામે અખઇ જોષી જ્ઞાતે સારસ્વત બ્રાહ્મણ તે હીરજીભાઇને ઘેર દર્શને આવ્યો અને મહારાજશ્રીને મંદિરે પધારી થાળ જમવાનું આમંત્રણ આપ્યું તેથી શ્રીજી મહારાજે જોષી અખઇનો ભાવ જોઇને આમંત્રણ સ્વીકાર્યું અને સંવત્‌ ૧૮૬૭ના ભાદરવા સુદી ૧ ને દિવસે મંદિરમાં પધારીને થાળ જમ્યા અને જણસારી હરિભક્તોને બોધની વાતો કરી રાજી કર્યા. આ સંબંધી લેખ મંદિરમાં છે. તે નીચે આપ્યો છે. મંદિર ભુજની બજારમાં કંસારા શેરીમાં જતે જ આવે છે. અને લક્ષ્મીનારાયણ અને ચતુર્ભુજની મૂર્તિઓ પધરાવેલ છે. હાલ જીર્ણોધ્ધારથી મંદિર સારું દેખાય છે.

લેખ છઠ્ઠો

શ્રી સ્વામિનારાયણ ભગવાન સં.૧૮૬૭ના ભાદરવા સુદી ૧ ને દિવસે જણસારી હરિભક્તની નાતના લક્ષ્મીનારાયણના મંદિરમાં શ્રી ગણપતિના આરિઆ પાસે અખઇ જોષીએ પાર્ષદ સહિત થાળ જમાડ્યો છે. તથા શ્રીજી મહારાજ સંત સહિત બિરાજ્યા છે. માટે આ સ્થળ સર્વોત્તમ પવિત્ર જાણી ભક્ત લાધા સામજીએ શ્રીજી મહારાજ તથા સંત અને સત્સંગીઓની પ્રસન્નતાર્થે તથા પોતાના કલ્યાણને અર્થે સદ્‌ગુરુ સ્વામી અચ્યુતદાસજીના શિષ્ય સાધુ ભક્તિવલ્લભ દાસજીની મદદથી આ ચરણારવિંદ પધરાવ્યાં છે. મહારાઓશ્રી ખેંગારજીની વારમાં સંવત્‌ ૧૯૬૬ના આસો સુદ ૧૫ ગુરુવાર.

વળી ભીડના નાકા બહાર જુના રેલ્વે સ્ટેશ પાસે સડક પર ઉતરાદિ કોરની ધર્મશાળામાં જેઠીઘેલા ત્રીકમજીએ છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે. આ સ્થળે શ્રીજી મહારાજે નવા ‘૧૮’ પરમહંસની મંડળીને એક દંડવત્‌ પ્રણામ કર્યો હતો. તેથી તે સ્થળ પ્રસાદીનું છે.

લેખ ૧લો

(નરનારાયણદેવનાં ચાંદીનાં કમાડનો લેખ)

મહારાજાધિરાજ મહારાવોશ્રી ૭ પ્રાગમલજી બહાદુરનાં માતુશ્રી બાઇજીબા વાઘેલી શ્રી મછીયાવવાળી તે મહારાઓ શ્રી દેશળજી સ્વર્ગવાસનાં પાટરાણી તેઓએ શ્રી ભુજ નગર મધ્યે શ્રી નરનારાયણદેવના નીજ મંદિરનાં કમાડ ચાંદીનાં કરાવીને શ્રી કૃષ્ણાર્પણ કર્યાં છે. તિથિ અષાઢ સુદી ૧૧ સંવત્‌ ૧૯૨૨ વિક્રમાજીત.

લેખ ૨જો

શ્રીજી મહારાજની સુખ શય્યાનું ખર્ચ ગામ કુંભારીયાના કુંભાર સલાટ મિસ્ત્રી વાલજી રત્નાએ આપ્યું છે. ફાગણ વદ ૯ ગુરૂવાર સંવત્‌ ૧૯૩૩

લેખ ૩જો

(શય્યાનાં ચાંદીનાં કમાડનો લેખ)

ગામ શ્રી રવાપુરના શેઠ નથુભાઇ ઉકેડા સુત સુરજી તથા ખટાઉએ પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આ શુખશય્યાનાં કમાડ શ્રી કૃષ્ણાર્પણ કર્યાં છે. સંવત્‌ ૧૯૬૭ના ચૈત્ર વદી ૭

લેખ ૪થો

(રાધાકૃષ્ણના મંદિરના કમાડનો લેખ) કુંભારીયાના મિસ્ત્રી વસ્તારામભાઇ મૂળજીએ આ ચાંદીનાં કમાડ શ્રીજી મહારાજ તથા સંત તથા સત્સંગીઓની પ્રસન્નતાર્થે અને પોતાના આત્યંતિક કલ્યાણ માટે કરાવ્યાં છે. સંવત્‌ ૧૯૬૭ના પોષ સુદ ૨.

લેખ ૫મો

રાધાકૃષ્ણ મંદિરને લગતો

ગામ કુંભારીયાના રહીશ મિસ્ત્રી નારાયણભાઇ કાનજી તથા સુત વસ્તાભાઇ તથા રામજીભાઇ તથા મેઘજીભાઇ તેમણે પોતાના જીવના મોક્ષાર્થે તથા શ્રીજી મહારાજ તથા હરિજનોની પ્રસન્નતાર્થે આ ચાંદીનું બારસાખ તુરિંગ સહીત કરાવી શ્રી કૃષ્ણાર્પણ કર્યું છે. સંવત્‌ ૧૯૬૭ના પોષ સુદ ૨

લેખ ૬ઠ્ઠો

(રાધાકૃષ્ણદેવનાં સિંહાસન પરનો લેખ)

ગામ સિનોગરાના રહીશ મિસ્ત્રી ડાહ્યાભાઇ ડોસાભાઇ સુત કાનજી તથા ગાંગજી તથા ત્રીકુ તથા હીરજી તથા દેવરાજ ડાહ્યા તેમણે આ સિંહાસન શ્રીજી મહારાજ તથા સંત તથા સત્સંગીની પ્રસન્નતા તથા પોતાના આત્યંતિક કલ્યાણ અર્થે કરાવી શ્રી કૃષ્ણાર્પણ કરાવ્યું છે. સંવત્‌ ૧૯૬૯ના શ્રાવણ વદ ૮ સોમવાર.

લેખ ૭મો

(શ્રી ઘનશ્યામ મહારાજના નિજ મંદિરનો)

ગામ શ્રી કુંભારીયાના રહીશ મિસ્ત્રી જેરામભાઇ રામજી તથા મનજી રામજી તથા ખીમજી મેઘજીએ શ્રીહરિ તથા સંત તથા હરિભક્તોની પ્રસન્નતા અર્થે તથા પોતાના આત્યંતિક મોક્ષાર્થે આ ચાંદીનું સિંહાસન સોનાનાં કામ સહિત તથા તુરિંગ સહિત બારસાખ તથા ચાંદીનાં કમાડ કરાવી શ્રી કૃષ્ણાર્પણ કરેલ છે. સંવત્‌ ૧૯૯૬ના ચૈત્ર વદ ૯ ભોમે.

(પ્રસ્તાવ :- ઉપર પ્રમાણેનાં દરવાજાનાં કમાળ, સિંહાસન વિગેરે આપણા જુના મંદિરમાં અગાઉ હતાં. સમય જતાં હરિભક્તો સુખિયા થયા તે પ્રમાણે સિંહાસન, દરવાજા વિગેરે સોનાના થયા છે. જે હાલ નવા મંદિરમાં પણ દર્શન થાય છે.)

 

(કચ્છ પ્રદેશ ભુજ સિવાય.)

(૧) શ્રીજી મહારાજનું કચ્છપ્રદેશમાં વિચરણ થયું તે દરમિયાન ભુજનગરને પોતાનું ધામ કરીને જુદાં જુદાં ગામોમાં વિચરતા અને ફરી પાછા ભુજનગર પધારતા તે તે ગામોનાં નામ તથા ત્યાં લીલાઓ કરી છે તેનું ટૂંકમાં વર્ણન નીચે આપવામાં આવેલ છે.

૧. ગામ માધાપર (બે વાસ) બન્ને વાસમાં સંપ્રદાયનાં મંદિરો છે. નવાવાસમાં તો ભાઇઓનું તેમજ બાઇઓનું એમ બે મોટાં મંદિરો છે. ભુજથી પૂર્વ દિશા તરફ આશરે દોઢેક ૪.૫ કી.મી. દૂર છે. આ ગામથી ઇશાન કોણમાં ૨ કી.મી. દૂર એક મેગજીરાઇ નામે તલાવ છે. શ્રીજી મહારાજે તેમાં સ્નાન કર્યું છે. ત્યાં છત્રી કરીને શ્રીજી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં છે. માધાપુરના સત્સંગીઓ ત્યાં દર વર્ષે મહોત્સવ ઉજવે છે.

૨. હરિપર ગામ : આ ગામ ભુજથી દક્ષિણમાં ૪ કી.મી. દૂર છે. ગામમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૩. ગામ મીરજાપુર : આ ગામ ભુજ તાલુકામાં ભુજથી દક્ષિણ બાજુ આશરે ૫ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનાં મોટાં મંદિરો બે છે.

૪. ગામ સુખપુર : આ ગામ ભુજ તાલુકામાં છે. તેના બે વાસ છે. નવાવાસનું નામ મદનપુર છે. બન્ને વાસમાં સંપ્રદાયનાં બે બે મંદિરો છે. તેમજ નરનારાયણ નગરમાં પણ બે મંદિર છે. ભુજથી આશરે ૭ કી.મી. છે. જુના વાસના મંદિરનો સભામંડપ બહુ જ મોટો છે. આમ આ ગામમાં કુલ છ મંદિરો છે. આ ગામથી પૂર્વમાં ૨ કી.મી. પર નારાયણ તલાવડી નામે તીર્થસ્થળ છે. ત્યાં શ્રીજી મહારાજનાં ચરણારવિંદ છત્રી કરીને પધરાવેલાં છે. છત્રી નીચે હનુમાનજી છે તે પ્રસાદીના છે. શ્રીજી મહારાજે તળાવમાં ઘણીવાર સ્નાન કર્યું છે.

૫. ગામ માનકૂવા : આ ગામ ભુજથી આશરે ૧૧ કી.મી. દૂર પશ્ચિમ દિશા તરફ છે. આ ગામમાં શ્રીજી મહારાજ પંદરથી વીશ વાર પધાર્યા છે. એકી વખતે એક મહીના સુધીની લાંબી મુદત પર્યંત પણ રહ્યા હતા. આ ગામથી ઉત્તરે વિચેન્દ્રસર તળાવ પ્રસાદીનું છે. ત્યાં છત્રી કરીને શ્રીજી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં છે. સધુરાઇ તળાવમાં પણ શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. મારવાડ વાડી પણ પ્રસાદીની છે. ત્યાં છત્રી છે. મીઠીવાડી પણ પ્રસાદીની છે. ગામમાં અદાભાઇનો દરબાર પ્રસાદીનો છે. દરવાજા નજીક લીંબડો છે તે પ્રસાદીનો છે. ગાંગજી પટેલના ઘરમાં ઓટલા પર ચરણારવિંદ પધરાવેલ છે. શિયાણી દેવશી ખોડાની જગ્યામાં ઓટા પર ચરણારવિંદ પધરાવેલાં છે. બન્ને સ્થળે શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. વળી ઉત્તરાદિ સીમમાં શિયાણીની વાડીમાં ઓટા પર ચરણારવિંદ પધરાવ્યાં છે. એજ વાડીમાં શંકરનું મંદિર છે તેની મહારાજે પૂજા કરી છે. માનકૂવાથી ઉગમણી તરફ મહાદેવની દેરી નાગથડાની બાજુમાં છે. તે પ્રસાદીની છે ત્યાં છત્રી કરી ચરણારવિંદ પધરાવ્યાં છે. નાગથડો ડુંગર તથા તેની નીચે તળાવડી એ પ્રસાદીના છે. માનકૂવા ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે ત્યાં બન્ને મંદિરમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવ્યા છે. બાઇઓનું મંદિર પણ છે. માનકૂવા નવાવાસમાં પણ બે મંદિરો છે. તેનું નામ ભક્તિનગર છે. આ ગામ ભુજ તાલુકાનું છે.

૬. ભવાનીપુર (કોડકી) : આ ગામ ભુજ તાલુકાનું છે. માનકૂવાથી ઉત્તર તરફ ૨ કી.મી. દૂર છે. માનકૂવા અને ભવાનીપુરની વચ્ચે ગંગાજીનું સ્થળ છે. ત્યાં ચરણારવિંદ સહિત છત્રી છે. શ્રીજી મહારાજે ગંગાજીમાં સ્નાન કરીને મહાદેવજીનું પૂજન કરેલ છે માટે તે સ્થળ પ્રસાદીનું છે. ગંગાજીથી દક્ષિણ બાજુ માનકુવા તરફ મહારાજે વિશ્રાન્તી લીધેલ ત્યાં પથ્થર તથા છત્રી છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૭. ભારાસર : આ ગામ ભુજ તાલુકામાં માનકૂવાથી આશરે એક માઇલ દક્ષિણ તરફ છે. એની નજીકની પાંચા તલાવડી પ્રસાદીની છે. ત્યાં છત્રી કરી ચરણારવિંદ પધરાવેલાં છે. ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે.

૮. ગામ ફોટડી : આ ગામ પ્રસાદીનું છે. અને ભુજ તાલુકામાં છે. સામત્રાથી ઉત્તર તરફ ૩ કી.મી. આશરે દૂર છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૯. ગામ સામત્રા : આ ગામ ભુજ તાલુકામાં છે. સામત્રામાં ત્રણ વાડીઓ પ્રસાદીની છે. સાતકોશી વાડીમાં નગદનું ઝાડ તથા ચરણારવિંદ પધરાવેલ છે. ગામની નજીક સડકની બાજુમાં વાડી છે ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવ્યાં છે. ગામમાં દક્ષિણ તરફ તળાવ છે તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. એક ખીજડાનું વૃક્ષ પ્રસાદીનું છે. ગામમાં એક ઘર પ્રસાદીનું છે. આપણા સંપ્રદાયનાં બે મંદિર છે.

૧૧. સુખપુર : (રોહાવાળું) આ ગામ નખત્રાણા તાલુકામાં ભુજથી પશ્ચિમ દિશામાં આશરે ૪૦ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનાં બે મંદિર છે.

૧૦. વંગડીયા : રામપુરથી ઉત્તર તરફ આશરે ૩ કી.મી. દૂર છે. ત્યાં તળાવ પ્રસાદીનું છે. શ્રીજી મહારાજે સતીઓના ઓટલા પર બેસીને ઘોડીને પાણી પાવા જતાં નાથા સુતાર પાણીમાં ડૂબતા હતા તેને મહારાજે ઘોડી સહિત બહાર પોતાની પાસે લઇ લીધા હતા તેમજ બીજી લીલા પણ કરેલી છે.

૧૫. વાડાસર ગામ : આ ગામ રામપુરથી પશ્ચિમ તરફ એક ગાઉ દૂર છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૧૨. રામપુર : આ ગામ માંડવી તાલુકાનું ગણાય છે. ત્યાંની મેરાઇ વાડી પ્રસાદી છે ત્યાં ચરણારવિંદ પધરાવેલ છે. રામપુરનું માહાત્મ્ય બહુ છે. ત્યાં ગંગાજી છે. શ્રીજી મહારાજે પંદર-વીશ દિવસ સુધી રહીને પુરુષોત્તમગીતા મુકુંદાનંદ વર્ણી પ્રત્યે કહેલી છે. ત્યાં શંકરનું મંદિર છે. શ્રીજી મહારાજે તેનું પૂજન કરેલું છે. ત્યાં જુદા જુદા સ્થાનમાં પાંચ છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલ છે. ગામમાં આપણા સંપ્રદાયનાં ચાર મંદિરો છે. મંદિરની પૂર્વ તરફ હનુમાનજીની દહેરી નજીક ઓટો કરીને ચરણારવિંદ પધરાવેલ છે. મંદિરમાં પણ છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે. અહીં મહારાજ થાળ જમ્યા હતા. આ ગામમાં ધનબાઇ નામે સાંખ્યજોગી બાઇ ભુજવાળાં વિસનગરાં સૂરજબાઇનાં શિષ્ય હતાં. તેમના પર શ્રીજી મહારાજની પરમ કૃપા હતી. એમણે પોતાની હયાતિમાં અનેક યજ્ઞો કથા પારાયણો સહિત કર્યા હતા. રામપુર એ ધનબાઇનું વતન હતું. તેમજ શ્રીજી મહારાજ અનેકવાર આવેલા હોવાથી તીર્થરૂપ છે.

૧૪. વેકરા ગામ : રામપુરની પાડોશમાં જ છે. ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે. આ ગામ પ્રસાદીનું છે. મંદિરમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવ્યાં છે.

૧૬. સરલી ગામ : આ ગામ ભુજ તાલુકાનું છે. દહીસરાથી આશરે ૫ કી.મી. દૂર છે. આ ગામે વાડીપીપરી અને વાડીવડુમાં શ્રીજી મહારાજે સભા ભરીને ઘણીક જ્ઞાન વાર્તાઓ કરી છે. વડુવાડીમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. ત્યાંનાં ગંગાજી પણ પ્રસાદીનાં છે. શ્રીજી મહારાજે તેમાં સ્નાન કરેલું છે. ત્યાં ચરણારવિંદ પધરાવેલ છે. આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે. બાઇઓનાં મંદિરમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે તે સ્થળે ઉદેરામ ચારણનું ઘર હતું.

૧૭. દહીંસરા ગામ : આ ગામના હરિસરોવર તળાવમાં શ્રીજી મહારાજે સ્નાન કરીને તેને પાવન કરેલ છે. તળાવ પર છત્રી સહિત ચરણારવિંદ છે. તળાવની પશ્ચિમે છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલ છે. ગામમાં ગોવર્ધનદાસ વ્યાસ મોટા હરિભક્ત હતા. તેમને ઘેર શ્રીજી મહારાજ થાળ જમ્યા હતા. ત્યાં ઓટા પર ચરણારવિંદ પધરાવ્યાં છે. ગામની ભાગોળે સડકથી પશ્ચિમ દિશા તરફ એક વાડી છે ત્યાં ઓટા પર ચરણારવિંદ પધરાવ્યાં છે. એજ દિશા તરફ કચરા ભગતની વાડી છે તેનું નામ ફૂઇવાડી છે તેનો કુવો પ્રસાદીનો છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલ છે. કચરા ભગતની ફૂઇવાડીનું વર્ણન આ પુસ્તકમાં આવે છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો વિશાળ છે.

૧૮. ગોડપુર ગામ : આ ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે. ગામથી ઇશાનકોણમાં ઝામોરા તળાવ પ્રસાદીનું છે તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે.

૧૯. મેઘપુર ગામ : આ ગામ ભુજ તાલુકાનું છે. ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે.

૨૦. નારાયણપુર - નીચલોવાસ : આ ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે. મંદિરમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવ્યાં છે. ગામની ભાગોળે શંકરનું મંદિર છે. તેની મહારાજે પૂજા કરી છે. ત્યાં ઓટો કરી ચરણારવિંદ પધરાવ્યાં છે. તેની પાછળના ભાગમાં એક સેલોર પ્રસાદિની છે.

૨૧. નારાયણપુર - ઉપલોવાસ : ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે. મંદિરમાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવ્યાં છે. ત્યાં શ્રીજી મહારાજ બિરાજેલા હતા. ત્યાંનું ઠાકોર મંદિર પ્રસાદિનું છે. તેની સમીપમાં શંકર પણ પ્રસાદિના છે. તેની પાછળના ભાગમાં શ્રીજી મહારાજ બેઠેલા હતા. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. ગામની પશ્ચિમ બાજુ લોદરવો પ્રસાદિનો છે. તેના કાંઠે ગંગાજી છે ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલ છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે.

૨૨. કુંદનપુર : આ ગામ કેરાની બાજુમાં છે. ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે. ગામની નદી પ્રસાદિની છે.

૨૩. કેરાગઢ : આ ગામ ભુજ તાલુકામાં ભુજથી આશરે સાત ગાઉ દૂર છે. ત્યાંના સજીવન કુંડ તથા બે નદીઓનો સંગમ તથા ફુલેશ્વર મહાદેવ વિગેરે પ્રસાદિનાં સ્થળો છે. સજીવન કુંડની બાજુમાં નારાયણ ધરો પ્રસાદિનો છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. ગામમાં સદાબાનું ઘર પ્રસાદિનું છે. ત્યાં ચરણારવિંદ પધરાવેલ છે.

૨૪. કેરા ગામ : આ ગામમાં સંપ્રદાયનાં બે મંદિરો છે.

૨૫. ગામ બળદીયા : આ ગામમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધાર્યા છે. ઠાકોર મંદિર પ્રસાદિનું છે. ગામથી ઉત્તરમાં કાળી તળાવ પ્રસાદીનું છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. કિનારા પર છત્રી કરીને શ્રીજીનાં ચરણારવિંદ પધરાવ્યાં છે. પટેલ ગંગદાસ ભાઇનું ઘર પણ પ્રસાદિનું છે. ત્યાં મહારાજ થાળ જમ્યા હતા. ત્યાં વેદી ઉપર ચરણારવિંદ પધરાવ્યાં છે. ગામની ઉત્તર બાજુએ બળદેશ્વર મહાદેવ પ્રસાદિના છે. શ્રીજીમહારાજે તેની પૂજા કરી છે. તેની નજીકમાં જ ગંગાજી પ્રસાદિનાં છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. બળદેશ્વર મહાદેવની પશ્ચિમ બાજુ થોડે દૂર કુવો બે ટંડાવાળો પ્રસાદીનો છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. ગામમાં સંપ્રદાયનાં ચાર મંદિર છે.

૨૬. બંધરા (મોટા) : આ ગામ ભુજ તાલુકામાં છે.

૨૭. ટપર ગામ : આ ગામ ભુજ તાલુકામાં ભુજથી આશરે આઠેક ગાઉ દૂર છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૨૮. સુરજપુર ગામ : આ ગામ પ્રસાદિનું છે. ભુજથી દક્ષિણ તરફ આશરે ૧૨ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૨૯. ગામ ગજોડ : આ ગામ આશરે ૨૬ કી.મી. દૂર છે. ત્યાંનું ઠાકોર મંદિર પ્રસાદિનું છે. તેમજ નદી પણ પ્રસાદિની છે. શ્રીજી મહારાજે તેમાં સ્નાન કરેલ છે.

૩૦. ગામ ધુણઇ : આ ગામ માંડવી તાલુકાનું છે. આ ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા છે માટે પ્રસાદીનું છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલ છે.

૩૧. ગામ પુનડી : આ ગામ માંડવી તાલુકામાં માંડવીથી આશરે ૨૪ કી.મી. ઉત્તરાદુ છે. ત્યાંની નદીમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. અને ગામમાં એક હરિ ભક્તને ઘેર ઉતર્યા હતા અને સંતો સહિત થાળ જમ્યા હતા માટે પ્રસાદીનું છે. ત્યાં નાનું મંદિર કરીને ચરણારવિંદ પધરાવેલ છે.

૩૨. નાના આસંબીયા : આ ગામ માંડવીથી આશરે ૨૦ કી.મી. ઉત્તર તરફ છે. ગામમાં શ્રીજીમહારાજ પધારી થાળ જમ્યા છે માટે પ્રસાદીનું છે. ગામથી પૂર્વમાં તળાવ પ્રસાદીનું છે. તેના કિનારે મહાદેવજી મંદિરમાં ચરણારવિંદ છે.

૩૩. ગામ મઉ : આ ગામ માંડવી તાલુકામાં માંડવીથી આશરે ૨૮ કી.મી. ઉત્તર તરફ છે. ગામમાંથી શ્રીજી મહારાજે કેરીઓનાં ગાડાં મંગાવ્યાં હતાં અને તે કેરીઓ સંતો અને હરિભક્તોને કાળાતળાવ ગામે વહેંચી આપી હતી.

૩૪. ગામ માંડવી બંદર : આ શહેર સમુદ્ર કિનારે છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં ત્રણ મંદિરો છે. ભાઇઓનું મંદિર શિખરબંધ છે. તેમાં વૃંદાવનવિહારી મહારાજ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધિકાજીની ધાતુની ત્રિમૂર્તિ છે. ઘનશ્યામ મહારાજ શ્વેત આરસના છે. આ ગામમાં શ્રીજી મહારાજ અનેકવાર પધારેલા છે. અને અનેકવિધ લીલાઓ કરી છે. ખૈયા ખત્રીના કારખાનાવાળું મકાન લાખાસર ચોકમાં છે. ઉપરાંત સોનાવાળા નાકા બહાર એક ખારોવાડો છે. તે પ્રસાદીનો છે ત્યાં ચરણારવિંદ સહિત છત્રી છે. સમુદ્રમાં સંતોએ સહિત શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. ત્યાં ખૈયા ખત્રીને તૃષા લાગવાથી મહારાજે વીડી ખોદીને ખૈયા ખત્રીને પાણી પાયું હતું તે આજે પણ હયાત છે. તે મીઠી વીરડી તરીકે ઓળખાય છે. તળાવના કિનારે એક વાવ છે તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરીને તેનાથી પશ્ચિમમાં એક મહાદેવનું મંદિર છે. તે મહાદેવની શ્રીજી મહારાજે પૂજા કરી છે. ટંકશાળા પ્રસાદીની છે. ત્યાં ચરણારવિંદ પધરાવ્યાં છે. શાસ્ત્રીનો વાડો પણ પ્રસાદીનો છે. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા. ભક્ત ડોસાભાઇ વિપ્રની વાત આ પુસ્તકમાં આવે છે. તે પણ આ જ ગામના હતા. ભુજમાં શ્રીજી મહારાજ જે ઢોલીઆ પર શિવરામ મહેતાને ઘેર બિરાજતા તે ઢોલીયો માંડવી મંદિરમાં છે. માંડવીના વ્યાસ લક્ષ્મીરામભાઇ મુક્તરાજ હતા. સત્સંગમાં તેની ખ્યાતિ સારી છે.

૩૫. ગામ પીયાવા : આ માંડવીથી આશરે ૯ કી.મી. દૂર વાડી વિસ્તારમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૩૫-૦. ગામ નાગલપર : આ ગામ માંડવીથી આશરે ૫ કી.મી. દૂર વાડી વિસ્તારમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૩૬. ડોણ : આ ગામ માંડવી તાલુકામાં છે. માંડવીથી આશરે ૧૨ કી.મી. ઉત્તર તરફ છે ત્યાં સુતારનાં ઘર પ્રસાદીનાં છે. અને તળાવમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. માટે તે પ્રસાદીનું છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૧. ગામ ભારાપર : આ ગામ માંડવીથી આશરે ૬ કી.મી. દૂર વાડી વિસ્તારમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૨. ગામ ગોધરા : આ ગામ માંડવીથી આશરે ૯ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૩૭. ભાડઇ : આ ગામ માંડવી તાલુકામાં છે. માંડવીથી આશરે ૧૫ કી.મી. દૂર છે. અને માંડવીથી ઉત્તર તરફ છે. આ ગામમાં શ્રીજી મહારાજ એક લુહાણા હરિભક્તને ઘેર રાત્રિ રહ્યા હતા અને થાળ જમ્યા હતા.

૩૯. તેરા : આ ગામ અબડાસા તાલુકામાં ભુજથી આશરે ૭૫ કી.મી. પશ્ચિમ તરફ છે. શ્રીજી મહારાજ આ ગામમાં ઘણીવાર પધાર્યા છે. પ્રાગજી દવેને ભાગવતના કથાકાર તરીકે શ્રીજી મહારાજે તેરામાં સ્થાપ્યા હતા. સંતદાસજી સ્વામી એક સુતારની કોડમાં છ માસ સુધી સમાધીમાં રહ્યા હતા. તેરામાં સુતારની કોડ તે પ્રસાદીની હજુ વિદ્યમાન છે, ત્યાં ઓટો કરીને ચરણારવિંદ છે. તેરાનાં ત્રણે તળાવો પ્રસાદીનાં છે, તળાવના કિનારે હનુમાનજીના મંદિરમાં ચરણારવિંદ પધરાવેલાં છે. તથા દરવાજા વગેરે પ્રસાદીના છે.

૪૦. કાળાતળાવ : આ ગામ અબડાસા તાલુકામાં તેરાથી આશરે ૫ કી.મી. દૂર છે. આ ગામમાં શ્રીજી મહારાજ ઘણીવાર પધારીને વિચરણ કરેલ છે. રામાનંદ સ્વામીએ પણ આ ગામમાં સદાવ્રત સ્થાપ્યું હતું. આ ગામમાં એક મોટું તળાવ છે. તેના કિનારે પાંચસો પરમહંસો રહેતા. ગામમાં સુતારોનાં ઘર પ્રસાદીનાં છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. તળાવ વચ્ચે ઓટો, તળાવની બાજુમાં એક કુવો પ્રસાદીનો છે. શ્રીજી મહારાજ પોતાનાં ચરણ કુવામાં લાંબા કરી રાખતા ત્યારે કુવાનું પાણી ઉપર આવતું અને સંતો તુંબડાં પાણીથી ભરી લેતા. પછી ગામનાં માણસો પણ ભરી લેતાં એવો એ પ્રસાદીનો કુવો છે. તળાવને પશ્ચિમ કિનારે એક છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવેલાં છે. સમેજાના ખેતરમાં ઓટો. આસપાસના હરિભક્તો વર્ષમાં એકવાર સાથે મળીને ત્યાં દર્શને જાય છે.

૪૨. સાંધાણ : આ ગામ અબડાસા તાલુકામાં છે. ભુજથી પશ્ચિમ તરફ આશરે ૬૦ કી.મી. દૂર છે. સંતો આ ગામમાં ભિક્ષા માગવા જતા.

૪૩. જખૌ બંદર : શ્રીજી મહારાજ એક વખત તેરાથી કાળાતળાવ જતા હતા ત્યારે બે ગામની વચ્ચે ખેતરમાં ડુંગરજી પાળા તથા મુકુંદાનંદ બ્રહ્મચારીને સુતા મુકીને સિંધ જવાના સંકલ્પથી થોડે સુધી સમુદ્રમાં પણ ગયા પણ પ્રેમીહરિભક્તોના  વિરહાલાપથી પાછા કાળાતળાવ પધાર્યા હતા. આ જખૌ બંદર છેક પશ્ચિમમાં છે.

૪૪. ધુફી : આ ગામ અબડાસા તાલુકામાં ભુજથી પશ્ચિમ તરફ આશરે ૬૦ કી.મી. દૂર છે. આ ગામમાં સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી ગયા હતા અને આ પુસ્તકના લેખકને મલ્યા હતા. આ ગામ આ ગ્રંથ બનાવનારનું મૂળ વતનનું છે.

૪૫. કોઠારા ગામ : આ ગામ અબડાસા તાલુકામાં ભુજથી આશરે ૬૦ કી.મી. પશ્ચિમ તરફ છે. આ ગામમાં સંતો ભિક્ષા માગવા માટે જતા.

૪૬. નારાયણ સરોવર : આ ગામ લખપત તાલુકામાં છે. કચ્છ પ્રદેશમાં છેક પશ્ચિમે છે. પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન તીર્થક્ષેત્ર તરીકે હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે. શ્રીજી મહારાજ આ છેત્રમાં પધાર્યા હતા અને વિદ્વાનોની સાથે સભા કરીને સંવાદો કર્યા હતા. સરોવરમાં તથા સમુદ્રમાં સ્નાન કરીને તીર્થક્ષેત્રને પાવન કર્યું છે. ગામમાં પ્રવેશતાં સરોવર બાજુ જગ્યામાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૪૭. કોટેશ્વર : આ ગામ લખપત તાલુકામાં નારાયણસરથી આશરે ૧.૫ કી.મી. દૂર છે. ત્યાં મહાદેવજીનું પુરાતન મંદિર છે. રાવણ આ લિંગ લંકા લઇ જતો હતો પરંતુ બ્રહ્મા અને શંકરે ગાયનું રૂપ ધારણ કરી રાવણના હાથથી આ લિંગ અહીંજ મુકાવ્યું જેથી આ લિંગ જ્યોર્તિલિંગ તરીકે પ્રખ્યાત છે. શ્રીજી મહારાજે આ મહાદેવજીની પૂજા કરી છે. ત્યાંથી કુંડ તરફ જતાં રસ્તામાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૪૮. દોલતપુર ગામ : લખપત તાલુકામાં ભુજથી પશ્ચિમમાં આશરે ૯૮ કી.મી. દૂર છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૪૯. દયાપુર ગામ : આ ગામ લખપત તાલુકામાં ભુજથી પશ્ચિમમાં આશરે ૧૦૫ કી.મી. દૂર છે. આ પણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૫૦. રવાપુર ગામ : આ ગામ પ્રસાદીનું છે નખત્રાણા તાલુકામાં ભુજથી આશરે ૮૦ કી.મી. પશ્ચિમમાં છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૫૧. ઘરાણી : આ ગામ નખત્રાણા તાલુકામાં ભુજથી આશરે ૮૫ કી.મી. દૂર પશ્ચિમ દિશા તરફ છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૫૨. અંબાળા : આ ગામ નખત્રાણા તાલુકામાં ભુજથી પશ્ચિમ તરફ આશરે ૭૫ કી.મી. દૂર છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૫૩. નેત્રા : આ ગામ પ્રસાદીનું છે. નખત્રાણા તાલુકામાં ભુજથી પશ્ચિમ તરફ આશરે ૭૨ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે. ૫૪. અંગીઆ નાના : આ ગામ નખત્રાણા તાલુકામાં ભુજથી પશ્ચિમમાં આશરે ૫૦ કી.મી. દૂર છે. આ ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૫૫. વિથોણ : આ ગામ નખત્રાણા તાલુકામાં ભુજથી પશ્ચિમ તરફ આશરે ૪૦ કી.મી. દૂર છે. શ્રીજી મહારાજ આ ગામમાં માનકુવેથી જાન ગઇ હતી તે ભેળા પધાર્યા હતા. ત્યાં વાડીમાં વડની નીચે બેઠા હતા તથા તેની પાસે કુવામાં સ્નાન કર્યું છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. તે ગામ પ્રસાદીનું છે.

૫૬. અંજાર : આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે. શિખરબધ મંદિરમાં શ્વેત ઘનશ્યામ મહારાજ છે. ત્યાંની ગંગા તથા આંબલીનાં ઝાડ પ્રસાદીનાં સ્થળો છે. વળી સવાસરને નાકે આપણા મંદિરનો વંડો છે. તે પણ પ્રસાદીનો છે. અને ત્યાં ચરણારવિંદ સહિત છત્રી છે. માધવરાયની વાડી તથા ત્યાંની શંકરની દહેરી પણ પ્રસાદીની છે. તે મહાદેવની શ્રીજી મહારાજે પૂજા કરી છે. ત્યાં પણ ચરણારવિંદ પધરાવ્યાં છે.

૫૭. ખોખરા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૫ કી.મી. દૂર ઉત્તરાદું છે. ગામમાં પ્રસાદિની જગ્યામાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે. ત્યાંનો એક કુવો પ્રસાદીનો છે. ચંદ્રનગરમાં આપણું એક મંદિર છે.

૫૮. ભીમાસર : આ ગામ અંજાર તાલુકામાં આશરે ૧૨ કી.મી. દૂર ઉગમણું છે. ત્યાંનું ચકાસર તળાવ પ્રસાદીનું છે. બાજુમાં મહાદેવ મંદિરના વાડામાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. આપણું એક મંદિર છે.

૬૦. ધમડકા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૩૦ કી.મી. ઉતરાદું છે. આ ગામની સારણ નદીનો ઘાટ પ્રસાદીનો છે. કરણીબા અહીં પણ નિવાસ કરતાં તે ઘર પ્રસાદીનું છે. ગામ નજીક એક ત્રિપંખો ખીજડો અદ્યાપિ છે ને ત્યાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલાં છે. ગામમાં આપણા સંપ્રદાયનું મંદિર છે. અને ત્યાં પણ છત્રી કરી ચરણારવિંદ પધરાવેલ હતાં.

૬૧. દુધઇ : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૨૬ કી.મી. ઉત્તરાદું છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિર છે. બાજુમાં નદીનો ધરો પ્રસાદીનો છે અને ત્યાં ઓટો કરીને ચરણારવિંદ પધરાવ્યાં છે.

૬૨. ચાંદ્રાણી : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૮ કી.મી. ઉત્તરાદું છે. તળાવને કાંઠે વરખડાનું ઝાડ પ્રસાદીનું છે. તેની ડાળખી પર શ્રીજી મહારાજ બિરાજ્યા હતા. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૬૩. માથક : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૫ કી.મી. આથમણું છે. ત્યાં શ્રીજી મહારાજ પધારેલા હતા.

૬૪. દેવળીયા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૧ કી.મી. આથમણું છે. આપણા સંપ્રદાયનાં બે મંદિરો હતાં.

૬૫. કુંભારીયા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૨ કી.મી. દૂર આથમણું છે. અહીંનું ઉગમણું તળાવ પ્રસાદીનું છે. અને પાળ પર હનુમાનજીની દહેરી છે. અને ચરણારવિંદ સહિતની છત્રી છે. ગામમાં આપણા સંપ્રદાયનાં બે મંદિરો હતાં.

૬૬. ખેડોઇ : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ત્રણેક ગાઉ દૂર આથમણું છે. આપણા સંપ્રદાયનું મંદિર હતું.

૬૭. ખંભરા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૯ કી.મી. આથમણું છે. આપણા સંપ્રદાયનું મંદિર હતું.

૬૮. નિંગાળ : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૧૨ કી.મી.  ઉત્તરાદું છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૬૯. સીનુગ્રા : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૬ કી.મી. આથમણું છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૭૧. નાગલપુર : આ ગામ અંજાર તાલુકામાં અંજારથી આશરે ૩ કી.મી. આથમણું છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૭૨. તુણા : આ ગામ બંદર છે. અંજારથી આશરે ૧૫ કી.મી. આથમણું છે. શ્રીજી મહારાજ ત્યાંથી વહાણમાં બેસીને કાઠિયાવાડ ગુજરાત સ્થળે પધારતા.

૭૩. મુંદ્રા : આ ગામ મુંદ્રા તાલુકાનું મુખ્ય ગામ છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૭૪. ભચાઉ : આ ગામ ભચાઉ તાલુકાનું મુખ્ય ગામ છે. ત્યાં આપણા સંપ્રદાયનું મંદિર છે. બટીયો કુવો ભચાઉથી થોડે દુર છે. તે પ્રસાદીનું સ્થળ છે. ત્યાંની એક શિલા ભુજના મંદિરમાં પધરાવી છે. રસ્તામાં મેટકીયું તળાવ આવેલું છે તે તળાવ પ્રસાદિનું છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૭૫. ચીરઇ મોટી : આ ગામ ભચાઉ તાલુકામાં ભચાઉથી આશરે ૧૦ કી.મી. આથમણું છે. આપણા સંપ્રદાયનું મંદિર છે ત્યાંનું કુંડવરસર તળાવ પ્રસાદિનું છે. તેના કિનારા પર છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૭૯. ચોબારી : આ ગામ ભચાઉ તાલુકામાં ભચાઉથી આશરે ૨૪ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૦. નવું ગામ : (દયાપુર) આ ગામ ભચાઉ તાલુકામાં ભચાઉ પાસે છે. ગામમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૩. મનફરા : આ ગામ ભચાઉ તાલુકાના ચોબારીથી ૩ કી.મી. દૂર છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૪. ખારોઇ : આ ગામ ભચાઉ તાલુકામાં છે. ભચાઉથી ૧૩ કી.મી. દૂર આવેલું છે. ત્યાં આપણા સંપ્રદાયનું મંદિર છે. \

૮૬. કંથકોટ : આ ગામ રાપરથી પશ્ચિમે આશરે ૨૫ કી.મી. દૂર છે. ત્યાંનું તળાવ પતાસર તથા પતેશ્વર મહાદેવનું મંદિર તથા ઠાકોર મંદિરની મૂર્તિઓ પ્રસાદીની છે. વળી બે કુવા પણ પ્રસાદીના છે. જ્યાં કચરા ભક્તનું ઘર હતું ત્યાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે. છાપરીમાં આપણા સંપ્રદાયનું મંદિર છે.

૭૮. આધોઇ : આ ગામ ભચાઉ તાલુકામાં સામખીયારીથી આશરે ૧૨ કી.મી. ઉગમણું છે. મોરબી રાજ્યને તાબે હતું ત્યાં બહુવાર શ્રીજી મહારાજ વિચર્યા છે. નદી, કુંડ તથા પાતાલેશ્વર મહાદેવ વગેરે પ્રસાદીનાં સ્થળો છે. જ્યાં નિષ્કુળાનંદસ્વામીનું સ્થાન છે ત્યાં ઓરડો કરીને ચરણારવિંદ પધરાવેલાં છે. ગામમાં આપણા સંપ્રદાયનું મંદિર છે. જ્યાં કરણીબાનાં ઘર હતાં ત્યાં ચરણારવિંદ સહિત છત્રી છે.

૯૨. લાકડીયા : આ ગામ ભચાઉ તાલુકામાં છે. શ્રીજીમહારાજ તળાવની પાળે બિરાજ્યા હતા. બ્રીજેશ્વર મહાદેવ મંદિર પાસે છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે. લાલજી સુતારને દિક્ષા આપી સાધુ કરી નિષ્કુળાનંદ નામ આપ્યું હતું.

૭૭. વાંઢીયું : આ ગામ સામખીયારીથી સત્તર કી.મી. દૂર આવેલું છે. ત્યાં છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે. તથા તળાવ પ્રસાદીનું છે.

૭૭. શિકારપુર : આ ગામ સામખીયારીથી આશરે ૧૩ કી.મી. દૂર આવેલું છે. શ્રીજી મહારાજ ત્યાં થાળ જમ્યા હતા. ભાવેશ્વર મહાદેવ મંદિર પાસે છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૭૭. કટારીયા : આ ગામ સામખીયારીથી આશરે ૧૩ કી.મી. દૂર આવેલું છે. શ્રીજી મહારાજ ત્યાં થાળ જમ્યા હતા. વૈજનાથ મહાદેવ મંદિર પાસે છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૭૭. જંગી : આ ગામ સામખીયારીથી આશરે ૧૨ કી.મી. દૂર આવેલું છે. તળાવના કિનારે છત્રી સહિત ચરણારવિંદ પધરાવેલાં છે.

૮૮. ગાગોદર : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે. ગોરાસર તળાવ પ્રસાદિનું છે. તળાવની પૂર્વે છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે.

૯૧. આડેસર : આ ગામ રાપર તાલુકામાં રણને કાંઠે છેક ઉગમણું આવેલ છે. ત્યાં શ્રીજી મહારાજ ચાલ્યા છે.

૮૭. ભીમાસર (ભૂટકીયા) : આ ગામ રાપર તાલુકામાં છે. ત્યાંનું તળાવ પ્રસાદિનું છે. તળાવ કાંઠે છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે.

૮૯. કીડીયાનગર : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૯. પદમપુર : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૯. ઉમૈયા : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૯. સેલારી : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનાં બે મંદિરો છે.

૮૯. કલ્યાણપર : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૯. રત્નેશ્વર : આ ગામ રાપર તાલુકામાં છે. આપણા સંપ્રદાયનું મંદિર છે.

૮૫. રાપર : આ ગામ રાપર તાલુકાનું મુખ્ય ગામ છે. ત્યાં નગાસર તળાવ પ્રસાદિનું છે. ત્યાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે. તથા અઢસર તળાવ પ્રસાદીનાં છે. ત્યાં આપણા સંપ્રદાયનાં બે મંદિર છે. ત્યાંનું ઠાકોર મંદિર ધીંગડમલનું પ્રસાદીનું છે. ત્યાં છત્રી કરીને ચરણારવિંદ પધરાવેલ છે.