પરિશિષ્ટ અ
રૂક્માવતી ગંગા
સંપાદકઃ મહંત સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી, ભુજ-કચ્છ નર્કુટ નગરમાં ઇધ્મધ્વજ નામે રાજા માઘ પ્રદેશમાં રાજ કરતો હતો. તેને પદ્માવતી એવા નામની રાણી હતી. એક વખતે તે રાજા પોતાની પત્ની સહિત રથમાં બેસી વનમાં ગયો. જતાં જતાં તે રૂકમસ્મશ્રુ નામના મુનિના આશ્રમ પાસેના વનમાં પોતાનો રથ છોડી પોતાની પત્નીને તે રથમાં જ રાખી પોતે એકલો તે વનમાં ફરવા લાગ્યો. તેના હાથમાં ધનુષ્ય બાણ હતાં. તે વનની નીચે એક નદી હતી તેના તટ પર એક ગાય ચાલી જતી હતી. તે ગાય ગર્ભવતી હતી. રાજા આસુરી સ્વભાવનો હતો. ગાય પર ધનુષ્ય ઉપર ચડાવેલું બાણ તાક્યું. ત્યાં તટ પર એક તપસ્વીની તપસ્યા કરતી હતી. તેણે આ દૃશ્ય જોયું. જોતાં વેંત જ તપસ્વિની બોલી, ઓ નરશાર્દુલ ! ઓ નરશાર્દુલ ! ગૌકું છોડ દો, મત મારો ગૌકું. ઇસકા પરિણામ બહુત બૂરા હોગા. આ શબ્દ સાંભળવા છતાં આસુરી સ્વભાવના તે ઇધ્મધ્વજે ધનુષ્ય પરનું બાણ છોડી મૂક્યું. બાણ સનસનાટ કરતું ગાયના શરીર પર ભોંકાઇ ગયું. ગાય પડી ગઇ. જોતજોતામાં મરણને શરણ થઇ. મરતી વખતે ગાયે નિસાસા નાખ્યા. તપસ્વિનીએ શાપ આપ્યો જે, મેં તને નરશાર્દુલ કહ્યો છતાં તેં આમ કર્યું, તેથી નરપદ કાઢી નાખતાં બાકી જે રહે તે તું થઇ જા. તપસ્વિનીના શાપથી તરતજ ઇધ્મધ્વજ સિંહ થઇ ગયો. તેની પત્નીએ ઘણી રાહ જોઇ, મોડું થવાથી પોતે અહીં આવી તો એક સિંહ તપસ્વિની આગળ ઊભો ઊભો અશ્રુપાત કરી રહેલો તેના જોવામાં આવ્યો. રાણી ડરી. તપસ્વિનીએ કહ્યું, બહેન, ડરવાનું કાંઇ પ્રયોજન નથી. અહીં આવ. પદ્માવતી પાસે જઇ તપસ્વિનીએ પૂછ્યું : અહીં કેમ પધારવું થયું ? રાણીએ હકીકત કહી.
તપસ્વિનીએ કહ્યું, આણે તો ગાયને મારી નાખી જેથી મારા શાપથી સિંહ થઇ ગયો છે, અત્યારે આજીજી કરી રહેલો છે. પણ એ શાપનું મારાથી નિવારણ નહીં થઇ શકે. તમો રુક્મસ્મશ્રુ નામના મુનિ પાસે જાઓ. તે તમોને ઉપાય બતાવશે. પદ્માવતી પોતાના સિંહ રૂપ પતિને સાથે લઇને મહર્ષિને આશ્રમે ગઇ. અને સઘળું વૃત્તાંત કહ્યું, ઋષિએ અંતર્દષ્ટિએ કરીને જોઇને કહ્યું જે, શ્રી ભગવાનની આજ્ઞાથી હિમાલયનંદિની અનંત જનોનાં કિલ્મિષ કાપવા ગુપ્તમાર્ગે અહીં આવવાનાં છે.
તેમને અહીં આવવાની આજ્ઞા થઇ ચુકી છે. માટે તું આ તારા સિંહરૂપ પતિની સાથે તે તપસ્વિનીના આશ્રમ પાસે નદીના તટ પર રહી ફળ, ફૂલ, પત્રાદિક ભક્ષણ કરી ગંગાની આરાધના કર. તારા પતિને પણ કંદમૂળ ફળાદિકનો આહાર કરાવજે. છૂટો મૂકીશ નહીં. જો હિંસા કરશે તો તે જ યોનિમાં રખડશે. આમ તમો બાર માસ સુધી કરશો એટલે ગંગાજી સાક્ષાત્ પ્રકટશે. પછી તું તેની ધારામાં સ્નાન કરી તારા પતિને તપસ્વિનીને પગે લગાડીને સ્નાન કરાવજે, એટલે તારો પતિ મૂળ રૂપમાં આવી જશે. માટે હાલ તું ત્યાં જા. અને તે નદીના તટપર યોગિનીનો વેષ રાખી બાર માસ પર્યંત ગંગાની આરાધનાપૂર્વક તપશ્ચર્યા કર.
આ સાંભળી તેણી ત્યાંથી તે તટ પર ગઇ. અને પોતાના માણસને રથ લઇ જઇને પ્રધાનને બોલાવી લાવવા કહ્યું. બીજે દિવસે પ્રધાન આવ્યો. રાણીએ બધી હકીકત પ્રધાનને કહી સમજાવી. સાથે ૧૨ માસ પર્યંત સારી રીતે રાજ્ય ચલાવી પ્રજાને સુખી રાખવા ભલામણ કરી. પ્રધાન ત્યાંથી નર્કુટનગર ગયો. આજ્ઞા પ્રમાણે રાજ્ય ચલાવવા લાગ્યો. રાણીની આજ્ઞાથી તેણે આ વાત પ્રસિધ્ધ ન કરી. રાણી તપશ્ચર્યા કરવા લાગી, પોતાના સિંહરૂપ પતિને હંમેશાં તપસ્વિનીને પગે વંદન કરાવતી. આમ કરતાં બાર માસ વિત્યા ત્યાં તો એક રાત્રિએ અચાનક ભેખડમાં ગંગાજી પાણીના ઝરા રૂપે, મોટા શબ્દપૂર્વક વહેવા લાગ્યાં. જોતજોતામાં નદીમાં પાણીનો ધરો ભરાઇ ગયો. પ્રાતઃકાળે પદ્માવતીએ પોતાના સિંહરૂપ પતિને તપસ્વિનીને ચરણે વંદન કરાવી તેમના આશીર્વાદ લઇને તે ધરામાં સ્નાન કરાવ્યું. સ્નાન કરતાં સિંહે ધરામાં ડૂબકી મારી. અંદર ડૂબીને બહાર નિકળતાં તત્કાળ તે મૂળ રૂપમાં આવી ગયો.
પછી રાણી સહિત તપસ્વિની પાસે ગયો. ઘણી પ્રાર્થના કરી અને તેનો મોટો ઉપકાર માની પોતાના પ્રદેશમાં ગયો. રુક્મસ્મશ્રુ મુનિના વચનથી ગંગાજી પ્રગટ્યાં તેથી તે ગંગાનું નામ રૂકમાવતી ગંગા પાડ્યું. અને તે ગંગાનું પાણી નીચેની નદીમાં પડીને વહેવા લાગ્યું, જેથી તે નદીનું નામ પણ રૂકમાવતી નદી પડ્યું.
રુકમસ્મશ્રુ મુનિ એક વખત ભગવાનનાં દર્શન માટે અતિશય આતુર થયા, જેથી પંચવટીમાં તપશ્ચર્યા કરતા શ્રીરામચંદ્ર ભગવાન સીતા અને લક્ષ્મણ સહિત તેમને આશ્રમે આવ્યા અને દર્શન દીધાં. ત્યાં થોડા દિવસ રહ્યા. તે ઋષિ ભગવાનને સાથે લઇને રૂકમાવતી ગંગા પર આવ્યા. ત્યાં ભગવાનને સીતા, લક્ષ્મણ અને મહર્ષિ સહ ગંગામાં સ્નાન કર્યું. પછી ભગવાન ત્યાં ગંગાના પૂર્વ તટ પર કેટલાંક કર્ષકોનાં ઝુંપડાં હતાં ત્યાં ગયા અને તેમને કહ્યું જે, તમો આ સ્થળે ગામ વસાવો અને આ જમીનને સારી રીતે ખેડીને વાવો અને અનાજ નિપજાવો. સારી નિપજ થશે. ભગવાન શ્રી રઘુનંદનની આજ્ઞાથી કર્ષકોએ ભગવાને દર્શાવેલા સ્થળે ગામ વસાવ્યું : અને તે ગામનું નામ રઘુનંદનપુરી પડ્યું. અત્યારે તે રામપુર (વેકરા) તરીકે ઓળખાય છે.
દ્વાપરયુગને અંતે મથુરામાં જરાસંઘની સાથેના છેલ્લા યુધ્ધમાં જ્યારે ભગવાન બળભદ્ર સહિત ભાગ્યા હતા ત્યારે જરાસંઘ લશ્કર સહિત તેમની પાછળ થયો. ભગવાન દોડતા દોડતા ગોમાન નામના પર્વતે પહોંચ્યા. ત્યાં જઇને તેના પ્રવર્ષણ નામના શિખર પર ચડી ગયા. તે પર્વત ૧૧ યોજન ઊંચો હતો. આગળ પગલું ન જોવાથી આ પર્વતની અંદર સંતાયેલા હશે એમ જાણીને તે બન્નેને મારવા માટે પર્વતને બાળી નાખવાની તૈયારી કરી. ચાર ચાર ગાઉમાં ફરતી કાષ્ટની ચિતા કરી પર્વતને બાળ્યો. પર્વત બળવા લાગ્યો ત્યારે ભગવાન તથા બલભદ્ર ઊંચેથી છલાંગ મારી જરાસંઘને તથા તેના સૈનિકોને ખબર ન પડે તેમ ત્યાંથી ચાલ્યા ગયા. ફરતાં ફરતાં કચ્છ પ્રદેશમાં જ્યાં રૂકમાવતી નદી છે ત્યાં આવ્યા. તેઓ ત્યાં આશ્રમો જોઇને બહુ પ્રસન્ન થયા અને ગંગાજીમાં સ્નાન કરી સંધ્યાવંદન આદિક નિત્યકર્મ કર્યું. પછીથી તે તટ પર એક દિવસ રોકાઇને દ્વારિકા ગયા. પછીથી પણ ક્યારેક ક્યારેક આ સ્થળે ભગવાન પધારતા અને સ્નાનાદિક વિધિ કરી ગંગાને પવિત્ર કરતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ રઘુનંદનપુરીના ભક્તજનો સહિત અહીં આવેલા હતા અને સ્નાનાદિક નિત્યકર્મ પણ કરેલું છે. ભાગવતનું સપ્તાહ પારાયણ પણ પોતે કરાવેલ છે. ત્યાર પછીના સમયમાં પણ ક્યારેક ક્યારેક આવી સ્નાનાદિક વિધિ કરી ગંગાને પવિત્ર કરીને તે સભામાં મુકુંદાનંદ વર્ણીને પંદર અધ્યાયાત્મક શ્રી પુરુષોત્તમગીતા કહેલી હતી. તેનો અનુવાદ શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર અધ્યાય ૪૧ થી ૫૫ સુધીમાં છે. આ પ્રમાણે આ ગંગાજી અતિ પુણ્ય તીર્થ સ્થળ છે. અહીં સ્નાન શ્રાધ્ધાદિક કરનારાઓની ઇષ્ટસિધ્ધિ થાય છે. કિલ્બિષિઓનાં કિલ્બિષ ધોવાઇ જાય છે. જળજંતુ પશુ પક્ષ્યાદિકની પણ સદ્ગતિ થાય છે. આનો મહિમા બહુ મોટો છે.
આ ગંગાના જળનું પાન કરનારાઓનું અંતઃકરણ નિર્મલ બને છે. આ ગંગામાં શ્રી રામચંદ્રજી ભગવાને તથા શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને તથા શેષના અવતાર શ્રી બલભદ્ર ભગવાને તથા અક્ષરધામના અધિપતિ શ્રી પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને અનંત વાર સ્નાન કરેલું હોવાથી અતિ પવિત્ર જળવાળી આ રુકમાવતી ગંગા સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. એમ જાણીને આ ગંગામાં અક્ષરધામના મુક્તો તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વિપ, બદ્રિકાશ્રમ વગેરે ધામોના નિવાસી મુક્તો તેમજ અનેક ઋષુમુનિઓ પણ અદૃશ્યપણે સ્નાન કરવા માટે આવે છે તેમજ આ ગંગાના નિર્મલ જળનું પાન પણ કરે છે. અને આ ગંગાના તટ પર જે પિતૃઓનું શ્રાધ્ધ કરાવે છે તેમના અસદ્ગતિને પામેલા પૂર્વજો સદ્ગતિને પામે છે. તેમજ આ ગંગાના તટ પર બેસીને મહામુનિઓ ઇશ્વરપ્રણિધાન પણ કરે છે. તેથી આ ગંગાનું માહાત્મ્ય જાણીને પોતાના મુખથી તેની પ્રશંસા કરેલ છે તે પણ ભવસાગરથી તરીને પાર થાય છે.
આ ગંગાના તટ પર રહીને જે કંઇ પુણ્યકર્મ કરાય છે તે પુણ્યકર્મનું ફળ સહસ્રગણું થાય છે. આ ગંગાજીને કિનારે પુણ્ય કરનાર જનો પોતે પોતાના કુળકુટુંબ સહિત દિવ્ય ગતિને પામે છે. આ ગંગાજીના જળનું જેઓ ભાવપૂર્વક પાન કરે છે તથા સ્નાન કરે છે તેમનું આત્યંતિક કલ્યાણ થાય છે. રૂકમાવતી ગંગાનો મોટો મહિમા શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતજનો પ્રતિ સ્વમુખે સંપૂર્ણપણે વર્ણવેલો છે. આ ગંગાજીના ઉપરથી કોઇ પક્ષી ગતિ કરીને જાય છે તેનું પણ કલ્યાણ થાય છે. આ ગંગામાં જેમણે સ્નાન કરેલું છે એવા જનનો બીજો કોઇ સ્પર્શ કરે છે તેનું પણ કલ્યાણ થાય છે, આવો ગંગાજીનો મોટો મહિમા છે. માટે આ ગંગાજીમાં જે સ્નાન કરશે અથવા ગંગાજીના યશોગાન કરશે અથવા ગંગાજીના જળનું પાન કરશે તેઓ અતિ નિર્મળ અને પવિત્ર થશે. માટે આ ગંગાતીર્થ અવશ્ય કરવું. આ ગંગાજીના સેવનથી સંસૃતિનું ભ્રમણ પણ નિવૃત થાય છે. આ ગંગાના જળને સ્પર્શેલા વાયુનો જેમને સ્પર્શ થાય છે એવા વૃક્ષાદિકો પણ સત્સંગમાં જન્મ ધારણ કરીને એકાંતિક ધર્મનું સંપાદન કરીને દેહાવસાને અક્ષરધામને પામે છે. બહુ શું કહેવું ? આ ગંગાના સેવનથી સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત તદ્દન સત્ય છે, એમાં કંઇ પણ અસત્ય નથી. એમ મોટા મુનિઓ અને મહર્ષિઓ કહી ગયા છે. શારીરિક શૌચક્રિયા ગંગાના તટથી દૂર પ્રદેશમાં જઇને કરવી. દાતણ પણ ગંગાજળ પાત્રમાં ભરીને થોડે છેટે જઇને કરવું. ત્યાર પછી ‘‘ગંગાસ્નાનમહં કરિષ્યે’’ એ મંત્રથી સંકલ્પ કરીને દરેક તીર્થો આ ગંગામાં રહેલાં છે એવી ભાવના કરીને અનંત મુક્તો સહિત શ્રીહરિ આ ગંગાજીમાં સ્નાન કરે છે અને હું પણતેમની સાથે સ્નાન કરું છું આવી ભાવના રાખીને સ્નાન કરવું.
આ ગંગાજીના કુંડમાં યમુનાજીના કુંડમાં અસ્થિ, નખ કે કેશ નાખવા નહિ. અસ્થિ તારવા આવનાર આસ્તિક જનોએ અસ્થિ તો ગંગાજીથી નીચેના ભાગમાં કે રુકમાવતી નદીનો ધરો છે તેમાં નાખવાં પરંતુ ગંગાજી કે યમુનાજીના કુંડમાં ન નાખવાં. આ ગંગાજળમાં તો ભાવથી સ્નાન કરવું અને તેના જળનું પાન કરવું. આ ગંગાના જળથી રસોઇ કરીને ત્યાર પછી ઠાકોરજીને જમાડીને શેષ પ્રસાદ લેવો ગંગાના તટ પર પ્રસાદી જમવાથી અનંત યજ્ઞનો પ્રસાદ જમવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઇતિહાસ સહિત આ ગંગાજીનું માહાત્મ્ય યથોપલબ્ધ લખ્યું છે.
આ ગંગાજીનું સમારકામ ત્રણથી ચાર વાર શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરની સંસ્થાએ કરાવેલ છે, તેમજ દહીંસરાથી કરીને રામપુર સુધી તથા ત્યાંથી ગંગાજી સુધીનું સડકનું બધું કામ તથા બે મોટા પૂલો પણ શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિર તરફથી કરાવવામાં આવેલ છે, જેની માહિતી ગંગાજી ઉપર શિલાલેખ ચોંટાડેલ છે તેથી જાણી લેવી ; તે શિલાલેખનું લખાણ આથી નીચે છાપેલું છે તેથી જાણવી એજ. સુજ્ઞેષુ કિં બહુના ?
આ પુણ્ય યાત્રાસ્થળ અતિશય પુરાતન છે. કૌશલ્યાનંદન શ્રી રામચંદ્રજી ભગવાને આ તીર્થ સ્થળને પોતાના પરમ પુનિત ચરણોથી પવિત્ર કરેલું છે. અને અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સંવત્ ૧૮૬૧ થી ૧૮૬૮ સુધીમાં અવાન-નવાર પધારીને આ પુણ્ય યાત્રાસ્થળને અતિશય પુનિત કર્યું છે. આ સ્થળે એક સમયે શ્રીજી મહારાજે શ્રીમદ્ભાગવતનું સપ્તાહ પારાયણ કરાવેલું હતું તેમજ અનંતસંતો અને હરિભક્તોને સાથે લાવીને આ ગંગાજીમાં સ્નાન કરીને તેના પરમ તટપ્રદેશ ઉપર મોટી સભા ભરીને શ્રીહરિએ બ્રહ્મનિરુપણની અધ્યાત્મજ્ઞાન સંબંધી અનેક વાર્તાઓ કરીને અનંત જીવોને આ સંસારસાગરથી ઉધ્ધારીને પરમ સુખીયા કર્યા છે. આ સ્થળે પ્રથમ બાંધેલ ઘાટ કે સ્નાનાદિક વિધિ કરવા માટેનું સરખું સ્થળ ન હતું. સંવત ૧૯૪૮ની સાલમાં રામપુરના પરમ મુક્ત સાંખ્યયોગી બાઇ ધનબાઇ ફઇને શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું કે, આ ગંગાજીના તટપ્રદેશની પશ્ચિમમાં જે મોટું વન છે ત્યાં કેટલાએક ઋષિઓ અદૃશ્યપણે રહે છે. તેઓ ગંગાજીમાં સ્નાન કરવા માટે આવે છે. સ્નાન કરી નદીતટે યોગ-સંધ્યાવંદનાદિક ક્રિયા કરે છે. અમોએ પણ આ ગંગાજીમાં ઘણીવાર સ્નાન કરેલું છે. તેમજ તેના તટ પર સભાઓ કરી બ્રહ્મનિરુપણ સંબંધી ઘણી વાર્તાઓ કરી છે. તેથી આ સ્થળનો અતિશય મહિમા જાણીને બ્રહ્મપુરાદિક ધામના મુક્તજનો પણ આ સ્થળે અવાન-નવાર સ્નાન કરવા આવે છે. સ્નાન કરીને નદીને કિનારે ધ્યાન કરવા બેસે છે. આ અતિશય પવિત્ર યાત્રાસ્થળ છે.
આ શ્રી ગંગાજીનો મહિમા બહુ મોટો છે. આમાં સ્નાન કરનાર પાપીજનોનાં પાપ બળીને ભસ્મ થાય છે. આ સ્થળે શ્રાધ્ધ કરવાથી પિતૃઓની સદ્ગતિ થાય છે. આ સ્થળમાં મૃત્યુ પામેલાં જીવ-જંતુ, પશુ-પક્ષીઓ વિગેરે પણ દિવ્ય ગતિને પામે છે. શ્રી ગંગાજીનું જળપાન કરવાથી અંતઃકરણ નિર્મલ થાય છે. આવું આ અતિ પરમ રમણીય પવિત્ર યાત્રાસ્થળ છે. માટે તે સ્થળને વિષે ઘાટ વગેરે કરાવી સુશોભિત કરાવો. ત્યાં તીર્થસ્થળમાં પંચદેવને પણ પધરાવવા જોઇએ. માટે તે કાર્ય પણ તમો કરાવો. આ તીર્થનો મહિમા આગળ જતાં ઘણો વધશે.
આવી શ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રી ફઇબાએ આ શ્રી ગંગાજીનો ગૌમુખી સહિત ઘાટ બંધાવીને પંચદેવની સ્થાપના કરવા રૂપ પુનિત કાર્ય કર્યું તે વખતે તે કાર્ય નિમિત્તે તેમણે સપ્તાહ પારાયણ કરાવીને મોટો ઉત્સવ કરાવ્યો હતો. ત્યારબાદ સંવત ૧૯૬૬ની સાલમાં આ ગંગાજીના કુંડની દક્ષિણ બાજુ એક યમુનાજીનો કુંડ છે. તે સ્થળે નદીનો તટપ્રદેશ હતો, તે તટમાં શ્રી યમુનાજી ગુપ્તપણે રહેતાં હતાં. તે વખત શ્રી ફુઇબા બીજાં બાઇઓની સાથે જ્યારે શ્રી ગંગાજીમાં સ્નાન કરવા જતાં, તે વખતે તે સ્થળે ઊભાં રહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધુન્ય કરતાં, તે વખતે અંદરના ભાગમાંથી પાણી નીકળવાનો ગુપ્ત અવાજ સંભળાતો હતો. તેથી શ્રી ફઇબાએ પ્રાર્થના કરી જે, તમો ગુપ્તપણે ઘણો વખત રહ્યાં, હવે તો તમો સર્વેને પ્રત્યક્ષ દર્શન આપો. આ પ્રમાણે પ્રાર્થના કરીને ગામમાં ગયાં. તે જ રાત્રિએ શ્રી યમુનાજીએ ફુઇબાને દર્શન આપ્યાં અને કહ્યું જે, તમારી વિનંતીથી આજે હું ધોધરૂપે પ્રત્યક્ષ થયેલી છું. માટે તે સ્થળે તમો કુંડ વગેરે કરાવજો. આટલું કહી શ્રી યમુનાજી અદ્રશ્ય થઇ ગયાં. આ વાત શ્રી ફઇબાએ સૌને કહી જેથી સૌ સવારમાં વહેલાં દર્શન કરવા માટે ગયાં ત્યાં તો ગંગાજીથી દક્ષિણ બાજુના તટમાંથી ધોધરૂપે નીકળતાં શ્રી યમુનાજીનાં તે સર્વને દર્શન થયાં. ત્યાર પછી શ્રી ફઇબાએ તે શ્રી યમુનાજીનો કુંડ કરાવ્યો અને શ્રી યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવને મોટું પારાયણ કરાવીને ઉજવ્યો.
આ પ્રમાણે આ અતિ પવિત્ર સ્થળ છે. આ પવિત્ર સ્થળે આવવા જવાનો માર્ગ અતિ વિકટ હોવાથી તેની સુગમતા માટે શ્રી ભુજ નરનારાયણ દેવની કાર્યવાહી કમિટિના સભ્યો મહંત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી તથા સ્વામી શ્રી યોગેશ્વરદાસજી તથા સ્વામી શ્રી નીલકંઠદાસજી અને સ્વામી શ્રી શ્રીવલ્લભદાસજી તથા કોઠારી વેલજી જાદવજી એ સંવત્ ૧૯૯૮ની સાલમાં ગામ દહીંસરાથી શ્રી ગંગાજી સુધીની સડક બંધાવવારૂપ પુણ્ય કાર્ય કરવાનો ઠરાવ કર્યો. તેને અનુસરીને તે ઠરાવને અમલમાં લાવવા માટે કચ્છ દરબારશ્રીની પરવાનગી મેળવવા માટે કોઠારી વેલજીભાઇ જાદવજી તથા મેતા માવજીભાઇ કાનજી તરફથી પ્રયાસો ચાલુ થયા. કેટલોક સમય વિત્યા બાદ તે પરવાનગી મેળવી કોઠારી શ્રી જેરામભાઇ રામજીએ દહીંસરાથી વેકરા લગીની સડક તૈયાર કરાવી, સંવત્ ૨૦૦૨માં પૂરી કરાવી, પરંતુ ગંગાજી સુધી તે સડક પુલ વિના પહોંચી શકે તેમ ન હતું તેથી છેવટે સંવત્ ૨૦૦૭ની સાલમાં મહંત સ્વામી શ્રી વલ્લભદાસજી તથા શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી આદિ સંતોની સતત પ્રેરણાથી કચ્છ દેશના સંતો તથા સત્સંગીઓ સમસ્તની સંમતિથી આ પુલ મંદિર તરફથી બંધાવી ગંગાજી સુધીની દીવાલ તથા શ્રી ગંગાજી ઉપર તેમજ બન્ને બાજુનું ઢંકાઉ કામ તથા તેની ઉપરની જમીનની ફરસબંધીનું આ પુણ્યકાર્ય સંવત્ ૨૦૦૭માં પૂર્ણ કર્યું છે.
આ પુલનું પૂર્તકર્મ કચ્છ દેશના ચીફ કમિશનર સી.કે.દેસાઇ સાહેબના શુભ હસ્તે સંવત્ ૨૦૦૭ના માગસર સુધી ૭ના રોજ કરવામાં આવ્યું છે. અને આ પુલ સંવત્ ૨૦૦૮ના શ્રાવણ માસમાં તૈયાર થતાં સંવત્ ૨૦૦૮ના આસો સુદ નોમના રોજે આ પુલની ઉદ્ઘાટન વિધિ કચ્છ દેશના ચીફ કમિશ્નર એસ.એ.ઘાટગે સાહેબના શુભ હસ્તે કરવામાં આવેલી છે. આ શ્રી સ્વામિનારાયણ બ્રિજ તૈયાર કરવામાં કચ્છ દેશના કલેક્ટર સાહેબ ટી.એમ. શેઠે બહુ જ રસભર્યો સહકાર અને પોતાનો અમૂલ્ય સમયનો ભોગ આપી ઘણી જ ખંતથી શ્રી નરનારાયણ દેવ મંદિરની કાર્યવાહી કમિટિના કોઠારી હરિરામ વાગજી તથા મેતા મનહરરાય માવજીને દોરવણી આપી તૈયાર કરાવી નામદાર ચીફ કમિશનર સાહેબના શુભ હસ્તે ખુલ્લો મુકવામાં પોતાનો સમય આપ્યો છે.
આ પુલ તૈયાર કરવામાં કાર્યવાહી કમિટિના મેમ્બરો સામજીભાઇ માયા અને શીવજીભાઇ ભીમજીએ અતિશય જાતમહેનત લઇને થોડા જ સમયમાં પોતાની દેખરેખ નીચે તૈયાર કરાવી આ પુણ્યકાર્યમાં ભાગ લીધો છે. આ પુલ વગેરે કામોનું ખર્ચ આશરે રૂ।.૩,૦૦,૦૦૦ ત્રણ લાખનું થયું છે. સંવત્ ૨૦૦૮ના આસો સુધી પુનમ રવેઉ તા.૧૪,૧૦,૫૧.
લી. કાર્યવાહી કમિટિની વતી, કોઠારી હરિરામ વાગજી