અધ્યાય ૧૦૦
ત્યાર પછી શ્રીજી મહારાજ ગઢડામાં થાળ જમવા બિરાજ્યા હતા તે સમયે બ્રહ્માનંદ સ્વામી ઝાલાવાડમાં મૂળીથી આવ્યા. અને તેઓ મંદિરમાં સામાન મેલીને મહારાજ પાસે આવ્યા. અને દંડવત્ કરીને સર્વે સત્સંગીના નારાયણ કહ્યા. પછી મહારાજે મૂળીની વાત પૂછી. તે વાત સ્વામીએ રૂડી રીતે કહી. ત્યારે મહારાજે થાળ આપ્યો. પછી જળપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજમાન થયા. પછી મોડેથી જાગીને નિત્યવિધિ કરીને વસ્ત્ર તથા મોજડી પહેરીને ચાલ્યા તે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સંતમંડળ, બ્રહ્મચારી અને હરિભક્તો સર્વે પગે લાગીને મહારાજની સન્મુખ બેઠા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે તમો સંતનું મંડળ લઇને જુનાગઢ જાઓ શિખર અને મંદિરના ઓટા કરાવીને આવો, ગોપાળાનંદ સ્વામી ! તમો અહીંના મંદિરનો ઘુમટ કરાવજો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! ગામ મૂળીમાં મંદિરનું કામ કરવાનું છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમો જુનાગઢ જઇ આવીને પછી મૂળી જજો. પછી થાળ જમવા બિરાજ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ચરણ ધોવરાવ્યાં અને મહારાજે જળના કોગળા કરીને થાળ જમ્યા. પ્રસાદી બ્રહ્માનંદ સ્વામીને આપીને જળપાન કરી મુખવાસ લઇને પછી ઢોલિયે પોઢ્યા.
પછી જાગીને ઢોલિયે બિરાજમાન થયા. ત્યારે લાડુબાએ કહ્યું જે, હે મહારાજ ! અમો તમારા માટે જરા જમવાનું લાવ્યાં છીએ, તે થોડુંક જમો. ત્યારે મહારાજ જમીને બેઠા. પછી ગંગામાં થાળ લઇને મહારાજ પાસે આવ્યાં. ત્યારે મહારાજે કહ્યું, હમણાં જમીને બેઠા છીએ. ત્યારે ગંગામાએ કહ્યું જે, તમે જમ્યા તે અમે ભાળ્યું...માટે ઊઠીને જમો. પછી ઢોલિયેથી ઉતરીને જમતા જાય અને વાત કરતા જાય. પછી ચળુ કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજમાન થયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને ગગોભાઇ એ બે જણા મહારાજ સંગાથે વાત કરવા આવ્યા. તે વાત કરી રહ્યા પછી બ્રહ્માનંદ સ્વામી પોતાનું મંડળ લઇને ચાલ્યા પણ સૌના અંતર શૂન્ય જેવાં લાગ્યાં. પછી ગામ રલીયાણે ગયા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે, મને તો બહુજ અપશુકન થાય છે, જેથી હું તો પાછો ગઢડા જઇશ, તમો આગળ જજો. એમ કહીને પોતે પાછા મહારાજ પાસે આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું, કેમ પાછા આવ્યા ? ત્યારે સ્વામી કહે, મહારાજ ! કામ છે. પછી મહારાજે રાબ પીને સ્વામીને આપી અને જળપાન કરી, મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીના નેત્રમાંથી જળની ધારાઓ પડવા લાગી. તે જોઇને મહારાજ મુખારવિંદ ઉપર વસ્ત્ર ઓઢી ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા અને પોતાના મંડળ ભેગા થયા. મહારાજ વહેલા જાગીને, નિત્ય વિધિ કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકમુનિ અને આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી તથા મુકુંદાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી, કેશવાનંદ બ્રહ્મચારી, પાર્ષદ ભગુજી અને ભક્ત દેવોજી, જોરોજી, દાદાખાચર, ડુંગરજી, સુરાખાચર અને પર્વતભાઇ એ આદિ સંતો, બ્રહ્મચારીઓ, આચાર્યો અને હરિભક્તો સર્વેની સભા ભરાઈને બેઠી હતી.
તેમના પ્રતિ શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે જે કાર્ય કરવાનું ધારીને આવ્યા છીએ તે સર્વે પુરું થયું છે, હવે અમારે કશું પણ કરવાનું રહ્યું નથી. એમ કહીને મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, તમો આ બધાની આગળ અમારી મૂર્તિનું ધ્યાન કરવાની વાતો કરો. એમ કહીને શ્રીજી મહારાજ પોતે ધ્યાન મુદ્રાથી યુક્ત થઇને પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા.
ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, ‘હે સંતો ! ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું ધ્યાન કેવી રીતે કરવું તે હું તમોને કહું છું. ભગવાનના બે ચરણકમળનાં તળીયાં ગુલાબની પાંખડી સરખાં શોભાયમાન છે. તેનું ધ્યાન કરનાર ભક્તને મહાત્મ્ય જ્ઞાને યુક્ત એકાંતિક ભક્તિનો રંગ ચડે છે. ચરણની બે ઉર્ધ્વરેખાનું ધ્યાન કરનારને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. તેમજ જમણા ચરણમાં જે અષ્ટકોણનું ચિહ્ન છે તેનું ધ્યાન કરનારને અષ્ટાવરણ ભેદાય છે. અને પોતાના આત્માનું ઉજ્જવળ પ્રકાશમાન દર્શન થાય છે અને બ્રહ્મસતાને પામે છે. સ્વસ્તિકનું ધ્યાન કરવાથી પુરુષોત્તમની દિવ્ય સાકાર મૂર્તિનું પોતાના આત્મામાં દર્શન થાય છે. વજ્રનું ધ્યાન કરનારને તે વજ્ર અંતરશત્રુઓનું આવરણ ભેદીને તથા કાળ, માયા અને કર્મના આવરણોને ભેદીને અક્ષરધામના સાધર્મ્યપણાને પમાડે છે.
અંકુશનું ધ્યાન કરનારને ભગવાનનું નાનું મોટું વચન પળાય છે, અને અનુવૃત્તિમાં રહીને શ્રીહરિનું કૃપાપાત્ર થવાય છે. અને કેતુ એટલે ધ્વજનું ધ્યાન કરનારને દેહ મૂકીને બ્રહ્મમય તનુની પ્રાપ્તિ થાય છે. અને પદ્મનું તથા કળશનું ધ્યાન કરનારને ભગવાનની મૂર્તિના પરમાનંદ સુખની પ્રાપ્તિ થાય છે. અને જવનું ધ્યાન કરનારને ભગવાનનો મહિમા વિજ્ઞાને યુક્ત સમજાય છે. તેથી નિરાવરણ સ્થિતિ થઇ જાય છે. અને મૂર્તિનું સ્વામી સેવકભાવે સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. અને ડાબા ચરણમાં ફણામાં એક વ્યોમનું ચિન્હ છે. તેનું ધ્યાન કરનારને મૂર્તિનો પરમાનંદ પ્રાપ્ત થાય છે.અને ત્રિકોણનું ધ્યાન કરનારને ત્રિવિધ તાપ નિવૃત થાય છે. તથા સિધ્ધિઓનો ભય થતો નથી. અને મીનનું ધ્યાન કરનારને નખશિખા પર્યંત મૂર્તિમાં રમણ કરવાનું સુખ પ્રાપ્ત થાય છે. અને ગોપદનું ધ્યાન કરનારને માયારૂપી વૈતરણી ભેદીને સ્થાવર જંગમમાં પુરુષોત્તમની મૂર્તિનું દિવ્ય સાક્ષાત્કાર દર્શન થાય છે.
અને ધનુષ્યનું ધ્યાન કરનારને તેના ધ્યાને કરીને તથા દર્શને કરીને અંતરશત્રુઓ ભેદાય છે. અને અર્ધચંદ્રનું ધ્યાન કરનાર મૂર્તિના સાધર્મ્યપણાને પામે છે. અને અંગુઠાની તથા તેની પાસેની બે આંગળીઓ ઉપર જે ચાખડીઓનાં ઘસારાનાં ચિહ્ન છે તેનું ધ્યાન કરનાર પરમ શાન્તિને પામે છે. અને ડાબા પગની નળી ઉપરના તિલનું ધ્યાન કરનાર ભક્ત ભગવાન શ્રીહરિને સાક્ષાત્ દિવ્ય સાવયવ આનંદના સાગર અને પૂર્ણકામ પરબ્રહ્મ પરમતત્વ તથા પરમાનંદમૂર્તિ સર્વાવિર્ભાવનું કારણ સમજીને તેમના પરમાનંદમાં ગુલતાન રહે છે. અને તે ભક્ત અત્યંત નિર્ગુણ ભાવને પામે છે. ઢીંચણના બહારના પડખે જે ચિહ્ન છે તે ધ્યાતાની ત્રિવિધ તાપની ચિંતાને ટાળે છે. અને ધોતિયું પહેર્યાનાં ઘસારાનાં ચિન્હ છે તે ધ્યાતાનાં સર્વે કષ્ટને નિવારણ કરે છે.
અને ઉદરની ત્રિવળી તે ધ્યાતાના ત્રણે તાપને ટાળે છે. અને શ્રી વત્સનું ચિન્હ ધ્યાતાને લક્ષ્મીજીના જેવી સ્થિતિને પમાડે છે. અને હૃદયને વિષે જે પાંચ તસુ પહોળું જે રાતું ચિન્હ છે તે ધ્યાતાને અક્ષરબ્રહ્મના સાધર્મ્ય પણાને પમાડે છે. અને વક્ષઃસ્થળનું ધ્યાન કરનાર ભક્ત સર્વોપરી મહિમા સમજે છે, અને બે પડખાંનું ધ્યાન કરનારને આજ્ઞા તથા ઉપાસના રૂપ એ બે પાંખો પ્રાપ્ત થાય છે. અને નાસિકાનું ધ્યાન કરનાર ધ્યાતા માયાથી નિર્લેપ રહે છે. અને નેત્રકમળનું ધ્યાન કરનાર ભક્ત પોતાના આત્માનો તથા અક્ષરધામ તથા અક્ષરધામસ્થ મુક્તોને અને પુરુષોત્તમની સાક્ષાત્ સાકાર દિવ્ય મૂર્તિને અખંડ દેખે છે. અને વદનકમળનું ધ્યાન કરનારને પુરુષોત્તમ ભગવાન વશ થઇ જાય છે. અને ચિબુકનું ધ્યાન કરનાર ભક્તનાં વિષયરૂપ શલ્ય નીકળી જાય છે. અને વાંસો તથા ખભાનું ધ્યાન કરનાર ભક્ત એકાંતિક ધર્મયુક્ત થાય છે.
અને કરોડનું ધ્યાન કરનાર ભક્ત નિષ્કલંક બને છે. દાઢનું શ્યામ ચિન્હ ધ્યાતાને પ્રસન્નતારૂપ મહાપ્રસાદ આપે છે, અને દંતકળીનું ધ્યાન કરનારને ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને જીહ્વાનું ધ્યાન કરનાર પરાવાણીને પામે છે. આવી રીતે અંગોઅંગનું ધ્યાન કરવું તે સાંગ ધ્યાન કહેવાય છે. તે ધ્યાન ઉત્તમ છે. વસ્ત્ર-ઘરેણાંઓ સહિત ભગવાનની મૂર્તિને ધારવી તે ઉપાંગ ધ્યાન કહેવાય છે. અને અનંત મુક્તોએ સહિત પુરુષોત્તમનું ધ્યાન કરવું તે સપાર્ષદ ધ્યાન કહેવાય છે. અને ભક્તોની સંગાથે હાસ્ય વિનોદે સહિત ભગવાનની મૂર્તિને ધારવી તે સલીલ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન કરવાની જે રીત કહી છે તે પ્રમાણે ધ્યાન કરનારની કારણ શરીરની વાસના બળીને ભસ્મ થઇ જાય છે. તે વિના કોટી ઉપાયે કારણ શરીરની વાસના ટળતી નથી. આ પ્રમાણે શ્રીજી મહારાજનું તથા સત્શાસ્ત્રોનું રહસ્ય છે તે સહુ તમો અંતરમાં ધારણ કરજો. હવે શ્રીજી મહારાજ આપણ સહુને જેમ કહે તે પ્રમાણે આપણને વર્તવાનું છે.’ એટલું બોલી સ્વામીશ્રી મૌન રહ્યા.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, હવે અમારે તમારી દ્રષ્ટિથી અળગું થવાનો વિચાર છે. અમોએ જે કળ ચડાવી છે તેથી બધું કાર્ય ચાલ્યા કરશે. તમો અમારા વચન પ્રમાણે રહેશો તો અંતકાળે અમો તમોને તેડવા આવશું, જગતના જીવની પેઠે જો રોકકળ કરશો તો અમારે અને તમારે બનશે નહિ અને ઘણું છેટું થઇ જશે. માટે અમારા કહ્યા પ્રમાણે રહેજો. એમ કહીને ઢોલિયેથી ઉતરીને થાળ જમવા બિરાજ્યા. જળપાન કરીને મુખવાસ લીધો. પછી પોઢ્યા. પછી જાગીને જળના કોગળા કર્યા. જળપાન કરીને મોજડી પહેરીને ચાલ્યા તે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયે બિરાજ્યા. સર્વે સંતો તથા અયોધ્યાવાસી અને પાળાઓ તથા હરિભક્તો સર્વે પગે લાગીને બેઠા. તે સમયે વાયુ કઠોર વાવા લાગ્યો. વાદળાં અને વિજળી પડ્યાં તેણે કરીને મોટાં મોટાં વૃક્ષો અને ગઢ અને તામસ દેવનાં મંદિરોનાં શિખરો પણ પડ્યાં. એવી રીતે આકાશમાં ઉત્પાત થવા લાગ્યો.
વળી સર્વ હરિભક્તો તથા સંતો તેમને પૃથ્વી ઉપર ઘણા ઉત્પાતો જણાવા લાગ્યા. સંતો તથા હરિભક્તો સર્વેને અપશુકન થવા લાગ્યાં અને એવાં સ્વપ્નાં આવ્યાં જે, જાણે ધર્મ-ભક્તિની મૂર્તિઓ રુદન કરે છે અને બીજી મૂર્તિઓ જાણે મંદિરથી બહાર જતી હોય ને શું ? સૂર્ય પણ તેજ રહિત અને મહા ભયંકર જણાવા લાગ્યો. અને ચંદ્ર તથા સૂર્ય અને નવ ગ્રહો જાણે કે પૃથ્વી ઉપર પડ્યા હોય ને શું ? એવું જણાયું. એવી રીતે સહુને વિષમકાળ જણાતો હતો. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને ઢોલિયે પોઢ્યા. ત્યારે સંતોએ અને સત્સંગીઓએ કહ્યું જે, હે મહારાજ ! એક વખતે તમે જાળીયે માંદા થયા હતા ત્યારે અમારા ઉપર દયા કરીને દેહ રાખ્યો હતો. એક વખત પંચાળામાં માંદા થયા હતા ત્યારે પણ અમારા ઉપર દયા કરીને દેહ રાખ્યો હતો. એક વખત આંહીં ગઢડામાં માંદા થયા હતા ત્યારે પણ અમારા ઉપર કરુણા કરીને દેહ રાખ્યો અને આ વખતે તમો કેમ દયા નથી લાવતા ? એવી રીતે બોલ્યા.
પછી સંવત્ ૧૮૮૬ના જેઠ સુદી ૧૦ને મંગળવારે સવારમાં મહારાજ જાગી દંત ધાવન કરીને જળના કોગળા કર્યા. પછી મુખારવિંદને ધોઇને ઢોલિયે બિરાજ્યા. તે વખતે મોટા સંતો અને બ્રહ્મચારીઓ, પાળાઓ અને અયોધ્યાવાસી અને સર્વ હરિભક્તોને તેડાવ્યા. પછી તેઓ આવીને પગે લાગીને બેઠા. અને બાઇઓ પણ છેટેથી પગે લાગીને બેઠાં. ત્યારે તેમની આગળ શ્રીજી મહારાજ બોલ્યા જે, અક્ષરધામમાંથી જે કામ ધારીને અહીં આવ્યા છીએ તે કામ પુરું કર્યું છે. ધર્મની મર્યાદા કોટી વર્ષ ચાલે એવી બાંધી છે, આચાર્યોને પણ અમારી ગાદી ઉપર બેસાડ્યા છે. હવે અમારે કાંઇ કરવાનું નથી રહ્યું, માટે અમે અમારા ધામમાં જાશું. તમો બધા રાજી થઇને અમને રજા આપો. ત્યારે તે વચન સાંભળીને સર્વેના નેત્રમાંથી જળની ધારાઓ ચાલી. સર્વે હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! આવું વજ્ર જેવું કઠણ વચન કેમ મનાશે ? ત્યારે મહારાજ કહે જુવો, અમારા વચનમાં રહેશો તો સદાય અમે તમારી પાસે છીએ; ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! હું એક વખત તમારી પાસે માગું છું. ત્યારે મહારાજ કહે માગો. ત્યારે સ્વામી કહે, જ્યારે રામચંદ્રજી સ્વધામમાં ગયા ત્યારે તે સર્વે અયોધ્યાની વસ્તીને સાથે તેડી ગયા. તેમ તમો પણ મને એકને સાથે તેડી જાઓ. આવાં દીનતાનાં ભરેલાં વચનો સાંભળીને મહાદયાળુ કરુણારસમય છે મૂર્તિ જેમની એવા અક્ષરધામના પતિ સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ એવા જે શ્રીજી મહારાજ તે બોલ્યા જે, સ્વામી ! તમે તો સદાય અમારી પાસે છો. પણ આપણે શિક્ષાપત્રી કરી છે તેમાં લખેલી અમારી આજ્ઞા તૂટી જાય અને તમને દોઢ માસ પછી તેડી જાશું. તમે અમારી નાડી જુવો. ત્યારે સ્વામીએ નાડી જોઇને કહ્યું જે, હે મહારાજ ! નાડી તો હજી સુધી સારી વહે છે.
પછી મહારાજે પોતાની ધીરજ-શક્તિ મેલી તે સર્વ સંતો અને બાઇ ભાઇ સર્વે હરિભક્તોનાં અંતઃકરણ વજ્ર જેવાં થયાં, તેમને શ્રીજી મહારાજે ઘણીક ધીરજની વાત કહી. પછી સર્વેને રજા આપી, પોતાના દત્તપુત્રો તેમને કહ્યું જે, તમે નાહીને અબોટીયાં પહેરીને આવો. ત્યારે તે સ્નાન કરીને આવ્યા, મહારાજ સ્નાન કરવા બિરાજ્યા. બ્રહ્મચારીએ ગરમ પાણી કરીને સર્વ શરીર ચોળીને નવડાવ્યા.
ત્યાર પછી શરીર લૂઇને પીતાંબર પહેરી, ઉપરણી ઓઢીને ગોપાળાનંદ સ્વામીનો હાથ ઝાલીને ઓરડામાં પધાર્યા ત્યાં ગાયના છાણ વડે પૃથ્વી લિપાવી અને દર્ભની પથારી કરાવી તેના ઉપર સિધ્ધ આસને બેઠા. તે વખતે પોતાના બન્ને દત્તપુત્રો પડખે ઊભા રહ્યા. નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આગળ ઊભા રહ્યા. પછી મહારાજે પોતાના સ્વરૂપનું ધ્યાન કરીને પ્રાણાયામ કર્યો. તે વખતે અક્ષરધામના સર્વ મુક્તો વિમાન લઇને આવ્યા. તે મહારાજને તેડીને વિમાનમાં બેસાડ્યા. દિવ્ય ચંદન-પુષ્પાદિક ઉપચારોથી પૂજન કર્યું. તે વખતે અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિઓ શિવ બ્રહ્માદિક દેવો આવ્યા. તેમણે પણ મહારાજનાં દર્શન કરીને ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકારના શબ્દ કર્યા. અને નાના પ્રકારનાં વાજીંત્રો વગાડ્યાં. એવી રીતે શ્રીજી મહારાજ અક્ષરધામમાં પધાર્યા. તે વખતે મહારાજના દત્તપુત્રો મહારાજની પાસે બેઠા અને ગોપાળાનંદ સ્વામીએ તે વખતે વિમાન કરીને શ્રીજીમહારાજના પાર્થિવ દેહને તેમાં પધરાવ્યો અને વસ્ત્ર પહેરાવ્યાં. સુંદર શ્વેત પાઘ બંધાવી ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો. ફૂલના હાર પહેરાવ્યા, પાઘમાં તોરા ધરાવ્યા, બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધરાવ્યા, પુષ્પના બાજુબંધ અને ગજરા ધરાવ્યા. પછી વિમાન બહાર લાવ્યા, સર્વે સંતો, બ્રહ્મચારીઓ, પાળાઓ, અયોધ્યાવાસી અને બાઇભાઇઓ સર્વ હરિભક્તોને દર્શન કરાવ્યાં. પછી પૂજા કરીને આરતી ઉતારી. પછી સર્વ સંતો ઉત્સવ કરવા લાગ્યા. તે ગાવવામાં રુદન થવા લાગ્યું. તે સાંભળીને ગોપાળાનંદ સ્વામી સર્વને ના પાડવા લાગ્યા જે ખબરદાર, કોઇ રોશો નહીં. કારણકે મહારાજની આજ્ઞા નથી.
પછી વિમાન ઉપાડ્યું. આગળ ઉત્સવ થાય છે. સર્વ સંતો, હરિભક્તો બાઇ-ભાઇઓ સર્વે નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. એવી રીતે ગાજતે-વાજતે લક્ષ્મીવાડીએ આવીને વિમાન ઉતાર્યું. ત્યારે મહારાજના પુત્રો જે અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી તેમણે અગ્નિસંસ્કારાદિક સર્વ ક્રિયા કરી. પછી ઘેલામાં નાહીને સર્વ આવ્યા. દેશો દેશમાં કંકોતરીઓ લખી. તે વાત જુનાગઢમાં સાંભળીને ત્યાંથી બ્રહ્માનંદ સ્વામી છડી સવારીએ આવીને દ્વાદશાહાદિક ક્રિયાઓ વિસ્તારપૂર્વક બન્ને આચાર્યો પાસે કરાવી. બે જોડ સુખશય્યાઓ પણ અપાવી, ભારે બ્રહ્મભોજન કર્યાં, તથા ગૌદાન અને શય્યાદાન પણ કર્યાં. બ્રાહ્મણોને મનમાની દક્ષિણાઓ આપી. સંતો, પાર્ષદો, બ્રહ્મચારી અને બાઇ-ભાઇ સર્વે સત્સંગીઓને સારી રીતે જમાડ્યા. સત્સંગના આશ્રિતો સર્વને સચ્છાસ્ત્રનો ઉપદેશ કરીને બન્ને ભાઇઓ પ્રત્યે સમભાવના કરાવી. પોતપોતાના ધર્મ પ્રમાણે રખાવીને ગૃહસ્થ હરિભક્તો પાસે પોતપોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વાહન અને ઘરેણાં, તે વડે બે ભાઇઓની પૂજા કરાવી. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે અક્ષરધામના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ તે આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોનો ઉધ્ધાર કરીને પાછા અક્ષરધામમાં પધાર્યા. તેમના ચરિત્રો તો અનંત અપાર છે. તેમાંથી આ કિંચિંતમાત્ર મેં મારી બુધ્ધિને અનુસારે લખ્યાં છે.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા એ નામે સોમો અધ્યાય. ૧૦૦.
।। ઇતિ શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર સમ્પૂર્ણમ્ ।।