રાગ સામેરી-
પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ ।
કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ ।।૧।।
દિયે આનંદ દાસને, અતિહાસ વિલાસ હરિ કરી ।
સુંદર મનોહર મૂરતિ, જન નિરખે નયણાં ભરી ।।૨।।
નાવા જાય નિત્યે નીરમાં, સખા સવેર્સંગ લઇ ।
સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઇ ।।૩।।
ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી ।
એકકોરે અલબેલો થઇ, વધારે રમત્ય વળી ।।૪।।
કરે ક્રીડા જળમાંહિ, સખા સંગે શ્યામ રે ।
અનેક જીવ જીવન જોઇ, થાય પૂરણકામ રે ।।૫।।
નાહિ નિસર્યા નાથજી, જળમાંહિથી વળી બહાર ।
વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર ।।૬।।
આવી બેઠા ઓસરિયે, સુંદર ઢળાવી ઢોલિયો ।
શોભે સમૂહ સંતનો, તેતો નવ જાય બોલિયો ।।૭।।
પ્રશ્ન ઉત્તર અતિ ઘણા, માંહોમાંહિ મળી કરે ।
પછી પ્રશ્ન લઇ પોતે, અલબેલોજી ઓચરે ।।૮।।
કરે અલૌકિક ઉત્તર આપે, સુણ્યો નોય કેદિ શ્રવણે ।
સાંભળી જન મગન થાય, ધન્ય ધન્ય સહુ ભણે ।।૯।।
નિત્ય નવી કરે વારતા, વળી નાય નિત્ય નીરમાં ।
શ્વેત વસ્ત્ર સુમનહારે, શોભે ઘણું શરીરમાં ।।૧૦।।
એમ લીળા બહુ કરતા, શ્રાવણ ભાદ્ર વહી ગયા ।
આવ્યો આસો આનંદકારી, દિવાળીના દિન થયા ।।૧૧।।
કર્યો ઉત્સવ અન્નકોટનો, સંત સહુ ત્યાં આવિયા ।
વિવિધભાત્યે ભોજન કરી, નાથે હાથે જમાવિયા ।।૧૨।।
પુરી માળા ત્યાં દીપની, તે અતિશે શોભે ઘણી ।
શ્વેતદ્વીપ સરખી દિસે, શોભા એ સદનતણી ।।૧૩।।
સુંદર સિંહાસન ઉપરે, અલબેલો બેઠા વળી ।
ધૂપ દીપ ને આરતી, મુનિજને કરી મળી ।।૧૪।।
જયજય શબ્દે કરી, સહુ નરનારી ઓચરે ।
એવી અલૌકિક લીળા, જન કારણે જીવન કરે ।।૧૫।।
પછી આપી આગન્યા, મુનિ જાઓ તમે ગુજરાત ।
અમે પણ ત્યાં આવશું, તમે સત્ય માનજો વાત ।।૧૬।।
સંત સર્વે સધાવિયા, હરિમૂરતિ ધારી ઉર ।
તે કેડ્યે આવ્યો કળજુગી, એક અજબ ગેબી અસુર ।।૧૭।।
કપટબુધ્ધિ મતિ ઉંધી, સુધી વાત સમજે નહિ ।
પૂરણ પાપી માંસસુરાપી, નકટી નાર્યો સંગે સહિ ।।૧૮।।
એના કુળના કઇક બીજા, જે ગામમાં ગેબ હતા ।
તે પણ તેને જઇ મળ્યા,છેડો નાખી થયા છતા ।।૧૯।।
ગેબિયે ગેબનાં ડિંગ દિધાં, તે સાચાં માન્યાં સાંભળી ।
સ્વામી જાશે જયાં સબકી, તિયાં કેડ્યે જાઇશ વળી ।।૨૦।।
જો જાય એ જળમાં, વળી નભ પયાલે પરવરે ।
કેડે કેડે હું જાઉં તિયાં, આજ એ નવ્વ ઉગરે ।।૨૧।।
આપે પરચો અમને, દિયે ડેરી ઉપાડી આ તટે ।
એમ મુરખ આગળે, દિધાં ડિંગ દોવટે ।।૨૨।।
બોલે બે કાંટા બોરડી, એક વાંકો ને સુધો સહિ ।
પોથી પુરાણ પાર વાતો, બાપલા સમજો નહિ ।।૨૩।।
બહુ દિન ચયોર્એ બોરડિયે, આજ મળ્યા શિંગાળા સ્વામીને ।
આજતો એ ઉગરે જો, મળે મને કરભામીને ।।૨૪।।
હલાં કરીને હાલો હવે, શું રહ્યા છો જોઇને ।
બંધુક એની બંધ કરૂં, કરવાલ ન કાપે કોઇને ।।૨૫।।
સતસંગી એવું સાંભળી, સહુ સામા ચાલિયા સજી ।
પાપી પાછા ભાગિયા, આ વાત મુવાની નિપજી ।।૨૬।।
અન્ય જન આડાં ફરી, સતસંગી પાછા વાળિયા ।
અસુરે એમ જાણિયું જે, થયા અમારા પાળિયા ।।૨૭।।
પછી ઉતારે એકાંત કીધી, ભાંગતિ રાત્યે ભાગિયો ।
જો સવારે સૂરજ ઉગશે તો, જરૂર જાણે જીવ ગયો ।।૨૮।।
એમ અસુરનું વિઘન ટાળી, શ્યામળિયોજી સજજ થયા ।
દરશન દેવા દાસને, દયાળે કરી દયા ।।૨૯।।
પછી પ્રભુજી પધારિયા, જેતલપુરે જીવન ।
તિયાં સંત તેડાવિયા, સહુ આવિયા મુનિજન ।।૩૦।।
અમદાવાદથી આવિયા, મોટેરા મુક્તાનંદજી ।
સામા જઇ શ્રીહરિયે, આપિયું આનંદજી ।।૩૧।।
દિધાં દરશન દાસને, સંત નિરખી સુખિયા થયા ।
દિવસ દોય તિયાં રહી, પછી શ્યામ શ્રીનગર ગયા ।।૩૨।।
હેત જોઇ હરિજનનાં, ભુવન તેને પધારીયા ।
રેણિ રહી સુખ દઇ, નવલા નેહ વધારીયા ।।૩૩।।
પછી દિવસ વળતે, જોયાં ડેરાં દેવને ।
અનંત જીવ ઓધારવા, તે કેમ તજે ટેવને ।।૩૪।।
શહેર ફરી મહેર કરી, દીધાં તે દરશન દાન ।
અભય કરી આવ્યા હરિ, ભયભંજન ભગવાન ।।૩૫।।
ત્યાંથી પાછા પધારિયા, જેતલપુરને માંય ।
સંતને સુખ આપવા, રહ્યા દન દોય ત્યાંય ।।૩૬।।
પછી ત્યાંથી આવિયા, મોહન મેમદાવાદ ।
પુર બાહેર ઉતર્યા, ત્યાં કર્યો જ્ઞાનસંવાદ ।।૩૭।।
જનપ્રત્યે જીવન કહે, જેને જેટલો સતસંગ ।
તેને તેટલા પાપનો, થાય બાહેર ભિતર ભંગ ।।૩૮।।
તમે જાણો અમે ત્યાગીયું, ખાન પાન સુખ સંસાર ।
શીત ઉષ્ણ સહિ શરીરે, ભજીયે છીએ મોરાર ।।૩૯।।
આગ્યે મોટા અધિપતિ, જેનાં અતિ કોમળ અંગ ।
એક તનની જતનમાં, જન રહેતા બહુબહુ સંગ ।।૪૦।।
તેણે પણ પ્રભુ કારણે, કર્યાં તન મન સુખ ત્યાગ ।
સહ્યાં કષ્ટ શરીરમાં, ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય ।।૪૧।।
એના જેટલું આપણે, કાંઇ ત્યાગ્યું નથી તનથી ।
માટે સંશય સુખ દુઃખનો, મેલી દેવો તનમનથી ।।૪૨।।
અમે જોને આવિયા, તમ કારણે તનધરી ।
મનવાણી પહોંચે નહિ, રહે નેતિનેતિ નિગમ કરી ।।૪૩।।
માટે અમારા દાખડા, સામું જોજયો સહુ મળી ।
અન્ય વાસના અંતરે, કોઇ રાખશો માં કહું વળી ।।૪૪।।
નરને નારી નારીને નરની, વળી પુત્રની પ્યાસ રહિ ।
તો બહોળા પુત્ર પુરૂષ મળશે, થાશે ફજેતિ બહુ સહી ।।૪૫।।
મારો મુકી આશરો, જે વિષય સુખને વાંછશે ।
તે સુખ નહિ પામે સ્વપને, સામું પડ્યા દુઃખમાં પચશે ।।૪૬।।
એટલી વાત કરી હરિ, પછી પુરમાં પધારિયા ।
ભોજન બહુ ભવન કરી, જનમન મોદ વધારિયા ।।૪૭।।
પછી જમાડી સંતને, ત્યાંથી ચાલિયા તતકાળ ।
દેગામે દર્શન દઇ, આવ્યા ડભાણે દયાળ ।।૪૮।।
ત્યાં રાત્ય રહી સુખ દઇ, રસોઇ રૂડી જમ્યા ।
પછી આવી વરતાલ્યમાં, દિન સાત સુધી ખમ્યા ।।૪૯।।
એક વૃધ્ધ સાધુ વિકાર વિના, નાથની નજરે આવિયો ।
પ્રસન્ન થઇ પોતે પછી, સુંદર સ્વાં ગ પહેરાવિયો ।।૫૦।।
બહુ વાત કરી હરિ, સંતને સુખિયા કર્યા ।
અનેક જન જીવન જોઇને, ભવસાગરનો ભય તર્યા ।।૫૧।।
પછી ત્યાંથી પધારિયા, આવિયાબુધેજ ગામ ।
જેજે જને નાથ નિરખ્યા, તે થયા પૂરણકામ ।।૫૨।।
ત્યાંથી હયે ચડી હરિ, જમ્યા ગોરાડ્યે ગોરસ ઘણાં ।
હેત જોઇ હરિ જનનું, જમતાં નવ રાખી મણા ।।૫૩।।
પછી પછમે પધારિયા, ત્યાં રહ્યા હરિ એક રાત્ય ।
ત્યાંથી તરત ચાલિયા, પોતે પ્રભુજી પરભાત્ય ।।૫૪।।
ધન્ય ધોલેરા ગામમાં, વસે ભક્ત પુંજોભાઇ એક ।
જેને સનેહ ઘણો શ્યામશું, અતિ ઉરમાંહિ વિવેક ।।૫૫।।
તેને ભુવન ભાવશું, પધારિયા પોતે હરિ ।
જન મન મગન થયા, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૫૬।।
સુંદર ભોજન વ્યંજન કરાવિયાં, જમાડિયા જીવનને ।
હેત જોઇ હરિજનનું, જમ્યા ભાવે તેનાં ભોજનને ।।૫૭।।
આપી સુખ અતિઘણાં, પછી આવિયા ગઢડે હરિ ।
પોતે પ્રેમે પધારિયા, માગશર સુદી ચોથે ફરી ।।૫૮।।
ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળાનંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિએ ગઢડે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે ચોરાશિમું પ્રકરણમ્ ।।૮૪।।