શ્રાવણી પૂર્ણિમા એટલે ત્રણ તહેવારોનો સંગમ. ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકનો ભક્તિપ્રધાન ઉત્સવ, જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને જનોઇ બદલવાનો ઉત્સવ અને કર્મવીર વેપારીઓનો સમુદ્રપૂજનનો ઉત્સવ.
આ ત્રણ ઉત્સવોમાં રક્ષાબંધન પર્વ લોકહૈયાને વિશેષ સ્પર્શો છે.
આ પર્વની કથા બળીરાજા સાથે જોડાયેલી હોવાથી ‘બળેવ' પણ કહેવામાં આવે છે.
રક્ષાબંધન પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે. પરાક્રમી ભાઇની રક્ષા માટે બહેન પોતાના ભક્તિભીના હૃદયથી વણાયેલા પ્રેમના તાંતણાથી ભાઇના હાથે રક્ષાસૂત્રબાંધે છે.
પુરાણોમાં ઇન્દ્રપત્ની શચીએ યુદ્ધમાં હારી ગયેલા પોતાના પતિના હાથે રાખડી બાંધી દેવતાઓને વિજયમાર્ગ દેખાડચાનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતના યુદ્ધમાં સંજોગોને આધીન થયેલા અભિમન્યુના હાથે માતા કુંતી રક્ષા બાંધે છે અને એમની કીર્તિ દિગંતમાં પ્રસરાવ્યાનો ઉલ્લેખ છે. રાક્ષસકુળમાં જન્મેલા ભક્તરાજ બળીના હાથે લક્ષ્મીજીએ રક્ષા બાંધી હતી, તેવી કથા પણ પ્રચલિત છે.
બલિના દરબારમાં ભગવાન વિષ્ણુ બંધાઇ ગયા. વૈકુંઠમાં ભગવાનના વિરહમાં ઝૂરતા લક્ષ્મીજી ભગવાનનને છોડાવવાના ઉપાય શોધતા હતા. એકદિવસ લક્ષ્મીજી પાતાળમાં પહોંચી ગયા. બિલ મહારાજાએ દેવીનું સ્વાગત કર્યું. એ સમયે લક્ષ્મીજીએ બલિના હાથે રક્ષા બાંધી, તેથી લક્ષ્મીજી બળના બહેન થયા. હવે બિળરાજાએ બહેનને કંઇક માંગવા કહ્યું અને લક્ષ્મીજીને જે જોઇતું હતું તે ભગવાનને માગી લીધા.
આ બધી જ કથાઓમાં આપણને સ્નેહના વહેતા ઝરણાઓના દર્શન થાય છે. ભોગ અને સ્વાર્થના પડછાયામાં ઓગળી ગયેલા જગતભરના સંબંધોની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર એવી ભાઇ બહેનની પ્રેમસગાઇ જાણે ખારા સમુદ્ર વચ્ચે મીઠી વીરડી જેવી લાગે છે. ભારતીય સંસ્કૃતિના પ્રવર્તક ઋષિઓનો ‘રક્ષાબંધન’ પર્વની ઉજવણી કરવા પાછળનો હેતુ ભાઇ-બહેનના આ સંબંધની નિસ્પૃહતા અને પવિત્રતાનું મહિમાગાન કરવાનો જ હોવો જોઇએ.
રક્ષાબંધનના પવિત્ર દિવસે પ્રત્યેક બહેન હર્ષઘેલી બને છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ બહેનને પોતાના જીવનનો અનેરો લ્હાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હાથનો નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ ગુંથેલો હોય છે. બહેનની રક્ષાનું બંધન જગતના અનેક બંધનોથી ભાઇની રક્ષા કરે છે. લોખંડની બેડીઓને તોડવા સમર્થ એવો ભાઇ બે-પાંચ તાંતણાઓથી બનેલી અને બહેને બાંધેલી રાખડી તોડવા સમર્થ થતો નથી, તેમજ તેની મર્યાદા પણ લોપી શકતો નથી.
રક્ષા એ કેવળ સૂતરનો દોરો નથી, એ છે શીલ અને સ્નેહનું રક્ષણ કરતું, જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન. બહેને હૃદયની ભાવનાથી બાંધેલા દોરાના એ તંતુઓનું મૂલ્ય લાખો-કરોડો રૂપિયા કરતા પણ ઊંચુ છે. રાખડીમાં બહેનનો અતૂટ વિશ્વાસ ગૂંથાયેલો હોય છે. જન્મથી જે સાથે રહ્યા, સાથે રમ્યા, સાથે મોટા થયા બાદ વિખૂટા પડ્યા ત્યારે રાખડીના માધ્યમથી બાઇ-બહેન એકબાજા સાથે મરણપયંત જોડાયેલા રહે છે.
બહેનનું અનિષ્ટ તત્ત્વોથી રક્ષણ કરતો ભાઇ આજના દિવસે બહેનના હસ્તે રક્ષાસૂત્ર બંધાવી બહેનને વધારે નિશ્ચિત બનાવે છે. ભાઇને રાખડીની સાથે કપાળે કુંકુનો ચાદલો કરી ચોખા ચોડતી બહેન ભાઇનું પૂજન તો કરે જ છે, સાથે સાથે ભાઇની વિશુદ્ધ બુદ્ધિ, નિર્મળ દૃષ્ટિ અને અણિશુદ્ધ વર્તનનું પણ પૂજન કરે છે. કંકુનો ચાંદલો અને ચોડેલા ચોખાથી શોભતું ભાઇનું કપાળ ત્રિલોચન શિવની યાદ અપાવે છે, કે જે લોચન દ્વારા શિવે કામદેવનું દહન કર્યું હતું. માત્ર દૃષ્ટિ પરિવર્તનનું નહીં, વૃત્તિ પરિવર્તનનું આ રક્ષાબંધન પર્વ સમાજને પવિત્રતા અને શુદ્ધતાનું દર્શન કરાવે છે.
રક્ષાબંધનના પર્વે શિષ્યો પોતાના ગુરુ પાસે પણ રક્ષાનું બંધન કરાવે છે. આ વિધિ એમના અનુશાસનમાં રહેવાનું સૂચવે છે. ગુરુના અનુશાસન પ્રમાણે જીવન જીવવાથી શિષ્યો પોતાના કર્તવ્ય પાલન પાછળ દેઢ રહેવાની પ્રેરણા મળે છે.
ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક સદ્ગુરુ રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને રાંખડી બાંધી ત્રણ ગુણોથી પર કરી દીધા હતા. આ ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ ઘણા ભક્તો રાખડી બાંધતા હોય તેવા પ્રસંગો સત્સંગમાં નોંધાયેલા છે. આજે પણ સંતો ભક્તોના હાથે રાખડી બાંધી એમના કલ્યાણની ભાવના સેવે છે.
Add new comment