૮૮. શ્રીહરિએ પંચાળા પધારી સંતો સાથે રાસોત્સવ કર્યો ને રંગે રમ્યા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:19pm

પૂર્વછાયો-

એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા સુંદર શ્યામ ।

ફુલદોલઉત્સવઉપરે,ચાલ્યાપંચાળેગામ ।।૧।।

સંત સહુને જણાવિયું, ધીરેધીરે આવજયો ત્યાંય ।

એમ કહી રથ ઉપર બેસી, પધાર્યા સોરઠમાંય ।।૨।।

ચોપાઇ-

આવે વાટમાંહિ પુર ગામ, સુભાગી નર નિરખે શ્યામ ।

પ્રથમ પિપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા ।।૩।।

રૂડી કરાવી તર્ત રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ ।

પછી જમાડિયા મુનિજન, ઘૃત પીરશું પોતે જીવન ।।૪।।

એમ રાજી કરી નિજદાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।

આવ્યા હાથસણિ રહ્યા રાત, ત્યાંથી પ્રભુ ચાલ્યા પરભાત ।।૫।।

આવ્યા જસદણમાં જીવન, દીધું પુરપતિને દર્શન ।

રહી મુહૂર્ત એક મુરારી, પછી તર્ત કરી અસવારી ।।૬।।

આવી અરણ્યે નદી નિર્મળી, બેસી જમ્યા ત્યાં સુખડીગળી ।

ત્યાંથી આવ્યા છે બંધીયે ગામ, સુખસાગર સુંદરશ્યામ ।।૭।।

રહ્યા રાત્ય ત્યાં દોય દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ ।

આવ્યા ગોંડળમાંહિ ગોવિંદ, સંગે હરિજનનું છે વૃંદ ।।૮।।

આવી ઉતરીયા ઉપવન, તિયાં જમ્યા હરિ હરિજન ।

સાત ભાત્યની હતી સુખડી, શાક વૃંતાક ખીચડી રૂડી ।।૯।।

પોતે પીરસી જમાડ્યા જન, એમ સહુને કર્યા પ્રસન્ન ।

પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, કરી અસવારી ન કરી વેલ ।।૧૦।।

ડયા ગામમાં આવ્યા દયાળ, પોતાકારણે કરાવ્યો થાળ ।

આપ્યા મુનિને મોદક હાથ, બહુ લીળા કરી ઇયાં નાથ ।।૧૧।।

રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા જનને દર્શન દાન ।

આવી સીમમાં સરિતા સારી, તિયાં જમ્યા છે પોતે મુરારી ।।૧૨।।

પછી જમાડિયા નિજજન, અતિ પ્રભુજી થઇ પ્રસન્ન ।

ત્યાંથી આવ્યા કંડોરડે ગામ, દિધાં દાસને દર્શન શ્યામ ।।૧૩।।

રહ્યા રાત્ય ઝાંઝમેર આવી, નિજકરે રસોઇ બનાવી ।

પોતે પીરશ્યું પ્રેમે અધિક, કરી ચોકી ટાળી વળી બીક ।।૧૪।।

ત્યાંથી ચાલ્યા છે ઘોડલે ચડી, રહ્યા ઉપલેટે એક ઘડી ।

પછી જાળિયે આવ્યા જીવન, ભક્ત હીરાભાઇને ભવન ।।૧૫।।

રહી રાત્ય જમ્યા જગવંદ, ત્યાંથી આવિયા ગામ ગણોદ ।

દેખી ઉપવન આંબાછાંય, રહ્યા રાત્ય પોતે એક ત્યાંય ।।૧૬।।

પુર પતિને કરી પ્રસન્ન, આવ્યા માણાવદરે મોહન ।

રહ્યા તિયાં પોતે ઘડી ચાર, પછી આવ્યા પંચાળા મોઝાર ।।૧૭।।

ધન્ય ધન્ય પંચાળાના જન, જેનાં નિર્મળ ઉદાર મન ।

પ્રભુ પધરાવ્યા સારૂ ભવને, નિયમ રાખ્યાંતાં નરનારી જને ।।૧૮।।

તેને વીતિ ગયા કઇ કાળ, ત્યારે પધાર્યા દીનદયાળ ।

નિરખી હરખિયાં નરનારી, ઘેરે પધાર્યા દેવ મુરારી ।।૧૯।।

બહુ પ્રેમેશું લાગિયા પાય, હેતે આવ્યાં છે હૈયાં ભરાય ।

બોલે ગદ્ગદ્ ગીરા વયણે, હાલ્યાં હેતનાં આંસુ નયણે ।।૨૦।।

વળી ભૂલિયાં તનભાનને, એમ ભેટિયા ભગવાનને ।

પછી હરિ કરી કરૂણાદષ્ટિ, જેમ મૃત્યુપર અમૃતવૃષ્ટિ ।।૨૧।।

ત્યારે સર્વે થયા સચેત, બોલ્યા હરિ સાથે કરી હેત ।

કહે આજ થયાં કૃતારથ, પ્રભુ આવ્યે સર્યા સવેર્અર્થ ।।૨૨।।

આજ ધન્ય ઘડી ધન્ય વાર, તમે પધાર્યા પ્રાણ આધાર ।

પુણ્ય અમારાનો નહિ પાર, જાગ્યાં ભાગ્ય અતિશે અપાર ।।૨૩।।

આજ બહુ દિનનાં દુઃખ ભાગ્યાં, એમ કહી સહુ પાયે લાગ્યાં ।

પછી આપી સુંદર આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન ।।૨૪।।

બહુ હેતે જમાડ્યા જીવન, પછી પૂછ્યું પ્રભુને પ્રશન ।

ક્યારે આવશે બાઇયોનો સંઘ, આજ રાખ્યો ભલો તમે રંગ ।।૨૫।।

ક્યારે આવશે મુનિનો સાથ, એવું સાંભળીને બોલ્યા નાથ ।

સંઘ સરવે આવશે કાલ્ય, વણ તેડ્યા નહિ આવે મરાલ ।।૨૬।।

ત્યારે જન બોલ્યા જોડી હાથ, સર્વે તેડાવો મુનિનો સાથ ।

કોઇ વાતની નહિ આવે ખામી, તેહ તમારે પ્રતાપે સ્વામી ।।૨૭।।

પછી મહારાજે મુનિ બોલાવ્યા, સર્વે સંત તર્ત તિયાં આવ્યા ।

આવ્યા સંઘને આપ્યા ઉતારા, મુનિ ઉતરિયા પુરબારા ।।૨૮।।

કરી ચાલતી રૂડી રસોયું, પાછું વાળી વાવરતાં ન જોયું ।

માગે જળ તિયાં આપે ઘૃત, જેવું જોઇએ તેવું મળે તરત ।।૨૯।।

કોઇ વાતની ખોટ્ય ન આવે, જમે જન જેને જેવું ભાવે ।

જેમ જેમ જમે મુનિજન, તેમ તેમ રાજી થાય મન ।।૩૦।।

સંત સર્વે થયા સુખાળા, નાથ નિર્ખિ મગન મરાળા ।

થાય આખો દિવસ દર્શન, હોય અતિ ઉત્તર પ્રશન ।।૩૧।।

કરે વાલો વાત અતિ ભારી, સુણી મગન થાય નરનારી ।

એમ વીતિ ગયા દિન સોળ, આવ્યો નજીક ઉત્સવ ફુલદોળ ।।૩૨।।

આવ્યા દેશ પ્રદેશના સંઘ, કરવા દર્શન મને ઉમંગ ।

મનુષ્ય ન માયાં ગામ મોઝાર, સર્વે ઉતરીયાં પુરબાર ।।૩૩।।

તિયાં મોટો કર્યો એક મંચ, બહુ મંગાવ્યો રમવા સંચ ।

કેશુ કેશર ગુલાલ ઘણો, કાઢ્યો રંગ તે પતંગતણો ।।૩૪।।

પછી મુનિને કહે મહારાજ, ગાઓ ગરબી ઉભા થઇ આજ ।

ત્યારે મુનિ થયા છે હુલાસ, રચ્યો રંગભર સુંદર રાસ ।।૩૫।।

જોયા રમતાં જીવને જન, પોતે કયુર્ં રમવાનું મન ।

સુંદર પહેરી સારો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।।૩૬।।

શીશ બાંધી છે પાઘ સોનેરી, ઉઠ્યા આપે કમર કશી કરી ।

આવ્યા સખામાં સુંદર શ્યામ, રમે રંગભર પૂરણકામ ।।૩૭।।

કરે લટકાં વજાડે તાળી, શોભે સંત મધ્યે વનમાળી ।

વાજે વાજીંત્ર ઢોલ નગારાં, પુરે સ્વર શરણાઇ સારાં ।।૩૮।।

રમે રસિયોજી રંગ રેલ, છોગાંવાળો છબીલોજી છેલ ।

જોઇ જન કરે જેજેકાર, નિર્ખે નભે અમર અપાર ।।૩૯।।

ખેલ અલૌકિક ખૂબ મચાવ્યો, જોઇ જનને આનંદ આવ્યો ।

રમે નાથ સાથે નવ હારે, કોયે વચ્ચમાં પડી ન વારે ।।૪૦।।

જાણું અખંડ ખેલ મંડાણો, નહિ આળશે એમ જણાણો ।

ત્યારે વાલ્યમે વાત વિચારી, આજ સવેર્જાશે જન હારી ।।૪૧।।

ત્યારે કેમ રમશે એ કાલ્ય, એવું જાણી વાલે કરી વાલ્ય ।

સંતો આળસો આજ રમત્ય, કાલ્યે રમવાની રાખો હીમત્ય ।।૪૨।।

કરી એટલી લીળા એ દને, જન પોતાના સાથે જીવને ।

એમ રંગે વહી ગઇ રાત, પોઢી પ્રભુ જાગ્યા પરભાત ।।૪૩।।

આવી ઢોલિયે બેઠા ગોવિંદ, કહે લાવો પૂજા મુનિવૃંદ ।

પછી સંત લાવ્યા પૂજા સારી, અત્તર કેશર ચંદન ઉતારી ।।૪૪।।

આવી ચરચ્યું વાલાને અંગે, ચરચ્યાં ચરણ અતિ ઉમંગે ।

તિયાં મંગાવ્યો રંગ સોરંગ, નાખ્યો અલબેલે સખાને અંગ ।।૪૫।।

બહુ મચાવી રંગની ઝડી, નાખે ગુલાલ ભરે આંખડી ।

પછી સખે લીધો રંગ હાથે, નાખ્યો અલબેલાજીને માથે ।।૪૬।।

ત્યારે ઘાંઘા થયા ગિરિધારી, કરી તર્ત ઘોડે અસવારી ।

પછી પધારિયા પુરબાર, સંગે સખા હજારો હજાર ।।૪૭।।

આવી બેઠા છે મંચે મહારાજ, કહે સાંભળો સહુ મુનિરાજ ।

લાવો રંગ છાંટું મારે હાથે, જેજે જન રહ્યા તેને માથે ।।૪૮।।

પછી રંગ લઇ અલબેલે, છાંટ્યો સહુને ઉપર છેલે ।

પછી ભરી ગુલાલની ઝોળી, નાખી નાથે રંગી સંતટોળી ।।૪૯।।

ઉડે ગુલાલ અંબર છાયો, ચડી ગર્દમાં સુર છપાયો ।

પછી મહારાજ કહે મુનિરાય, હવે રમો પરસ્પર માંય ।।૫૦।।

સારો રંગ ભરાવ્યો છે હોજે, બેઉ ટોડાં કરી રમો મોજે ।

પછી સખા થયા સાવધાન, મચ્યો ખેલ જુવે ભગવાન ।।૫૧।।

ચાલે પરસ્પર પીચકારી, ઉડે રંગ સોરંગનાં વારી ।

જાણું આવિયો મેઘ અષાડે, ચાલ્યાં પૂર ભર્યાં નીર ખાડે ।।૫૨।।

મચી ઝડી ચાલ્યો રંગ રેલી, થયો કીચ રચી જાણું એલી ।

એમ રમે મુનિ માંહોમાંય, વાજે બહુ વાજિંતર ત્યાંય ।।૫૩।।

હોડાહોડમાં કોઇ ન હારે, જીત્યા જીત્યા ત્યાં શબ્દ ઉચ્ચારે ।

એમ ખુબ મચાવિયો ખેલ, જોઇ એમ બોલ્યા અલબેલ ।।૫૪।।

સંતો રાખો રાખો રમવાનું, થાય છે અવેર જમવાનું ।

ચાલો નાવાને સરવે સાથ, એમ કહ્યું વજાડીને હાથ ।।૫૫।।

પછી આપે કરી અસવારી, ચાલ્યા સખા સંગે સુખકારી ।

પોતે પહેર્યાં હતાં વસ્ત્ર અંગે, તેતો સર્વે રંગાણાંતાં રંગે ।।૫૬।।

આપ્યાં ઉતારી ઝીણાભાઇને, એમ આવિયા નાથ નાઇને ।

પછી જને કરાવ્યાં ભોજન, ઘડી પોઢીને જમ્યા જીવન ।।૫૭।।

મુનિ કાજે મોદક મોતૈયા, કરી રાખ્યાતા સારા સેવૈયા ।

તે પીરશ્યા પંગત્યમાં નાથ, જન જમાડિયા નિજહાથ ।।૫૮।।

અતિ આનંદે જમિયા જન, તોય ખાતાં ખુટ્યું નહિ અન્ન ।

પછી મોદક લઇ મુરારી, આપ્યા સર્વે સંઘને સંભારી ।।૫૯।।

એમ લીળા કરી અલબેલે, કરાવી ઝીણેભાયે એકિલે ।

આપ્યાં સહુને સુખ અનેક, કરી લીળા તે કહી કાંયેક ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વાુમિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીજીમહારાજે ફુલદોલનો ઉત્સવ કર્યો એ નામે અઠયાશિમું પ્રકરણમ્ ।।૮૮।।