૮૭. ગઢડે હુતાશનીનો, સારગંપરુ માં જન્માષ્ટમીનો અને કારીયાણીમાં અન્નકટૂ નો ઉત્સવ કર્યો, લોયામાં શ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:18pm

પૂર્વછાયો-

કહું લીળા વળી લાલની, જે કરી હરિ અવિનાશ ।

સંત સમીપે રાખિયા, રાજી થઇ ષટમાસ ।।૧।।

તેહમાંહિ જેજે કર્યું, તે કહું સાંભળજયો જન ।

ચરિત્ર સુણતાં શ્યામનાં, વળી થાય પરમ પાવન ।।૨।।

ચોપાઇ-

ઘણું રહ્યા છે ગઢડામાંઇ, કરી હુતાશની વળી ત્યાંઇ ।

ઉષ્ણઋતુ વીતિ એહ ઠામ, બહુ રાજી છે સુંદરશ્યામ ।।૩।।

પછી આવિયું ચાતુરમાસું, દુષ્ટે દુષ્ટપણું પરકાશું ।

પછી ત્યાંથી ચાલિયા મોરાર, આવ્યા સારંગપુર મોઝાર ।।૪।।

સાથે હતું સંતનું મંડળ, મહામુક્ત અંતરે અમળ ।

તે સહિત સારંગપુર આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।।૫।।

ભક્ત ભાવિક જીવો ખાચર, હરિ ઉતરિયા તેને ઘેર ।

સુંદર ભોજન કરી રસાળ, જમ્યા નાથ જમાડ્યા મરાળ ।।૬।।

વળતો આવ્યો અષ્ટમીનો દન, સવેર્વ્રત રહ્યા મુનિજન ।

પછી પોતે પધારિયા બાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।।૭।।

સુંદર ગાડલે પલંગ ઢાળી, તે ઉપર બેઠા વનમાળી ।

કરે ઉત્તર પ્રશ્ન ત્યાં અતિ, શ્વેત વસ્ત્રે શોભે છે મૂરતિ ।।૮।।

દિયે દર્શન પ્રસન્ન ઘણું, નિર્ખિ હષેર્મન જનતણું ।

એમ અષ્ટમી ઉત્સવ કીધો, જને લાવ અલૌકિક લીધો ।।૯।।

જને રાખ્યાતાં નિયમ જુજવાં, ઉપવાસ અલુણાં જમવાં ।

તેને પ્રભુજીએ કહ્યું કથી, તમે વાલા છો મને આજથી ।।૧૦।।

પછી પરમહંસને કાજે, કરી રસોઇ સુંદર સાજે ।

પોતે પીરશ્યું પંગત્યમાંઇ, કરી વાત તે હેતની ત્યાંઇ ।।૧૧।।

સવેર્સંતે એ વાત સાંભળી, ગયા ફરવા બાંધી મંડળી ।

બીજા આવ્યા હતા હરિજન, તે પણ ગયા પોતાને ભવન ।।૧૨।।

પોતે રહ્યા સારંગપુર ગામ, સંત ગયા કાંઇ રહ્યા એ ઠામ ।

જોઇ મરજી મહારાજ કેરી, સંત આવે જાય વારિફેરી ।।૧૩।।

વીતિ ગયો તિયાં દોઢ માસ, નિત્ય દર્શન કરતાં દાસ ।

કર્યો સમૈયો સારો મોહને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૧૪।।

પછી પધાર્યા ગઢડે નાથ, સંત લીધા છે સરવે સાથ ।

રહ્યા દન દશ એહ ઠામે, પછી આવ્યા કારિયાણી ગામે ।।૧૫।।

સુણી સતસંગી સહુ આવ્યા, પાયે લાગી ઘેરે પધરાવ્યા ।

આપી આસન કરાવી રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ ।।૧૬।।

પછી જમાડીયા મુનિજન, એમ આનંદે વિત્યો એ દન ।

નિત્ય નાથ દિયે દરશન, થાય ઉત્તર ને પરશન ।।૧૭।।

એમ કરતાં વીત્યા કાંઇ દન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન ।

આસુના દિન કેટલા ગયા, ક્યારે આવશે દશમી વિજયા ।।૧૮।।

ત્યારે બોલિયા વસતો ખાચર, છે નજીક કહી જોડ્યા કર ।

નાથ માગું છું એક વચન, આપો આગન્યા થઇ પ્રસન્ન ।।૧૯।।

કરો ઉત્સવ દશરાતણો, તેડો સંત તો હું રાજી ઘણો ।

એવું સુણીને બોલિયા નાથ, સારૂં તેડાવો સંતનો સાથ ।।૨૦।।

પછી સંત આવ્યા સહુ મળી, હતી દેશોદેશ જે મંડળી ।

આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખી હર્ષ હૈયામાં ન માય ।।૨૧।।

પછી નાથે જોયું સંત સામું, પુરી નિજ સેવકની હામું ।

પછી બોલિયા જગજીવન, સંતો આજ ઉત્સવનો દન ।।૨૨।।

ગાઓ ગરબી ઉત્સવ કરો, આજ અંગમાં આનંદ ભરો ।

પછી સંતે ઉત્સવ આદર્યો, સારો સમૈયો સુંદર કર્યો ।।૨૩।।

પછી રૂડી કરાવી રસોઇ, જમ્યા જીવન ને જન સોઇ ।

પછી સંત રાખ્યા નિજસાથ, દિયે દરશન પ્રસન્ન નાથ ।।૨૪।।

ત્યાં આવ્યા દિવના હરિજન, વણિક પ્રેમબાઇ પાવન ।

લાવ્યાં પોશાગ પ્રભુને કાજે, પહેર્યો પાસે જઇને મહારાજે ।।૨૫।।

સુરવાળ જામો ને પાઘડી, રેંટો ફેંટો ચકમો ચાખડી ।

ધર્યું છત્ર છબિલાને શીશ, ઘણે પ્રેમે પૂજયા જગદીશ ।।૨૬।।

પછી પ્રભુજી થયા પ્રસન્ન, આવી બેઠા પોતાને આસન ।

ભટ્ટ દીનાનાથ બડભાગ્ય, આપ્યો વાલે તેને એ સુવાગ્ય ।।૨૭।।

એમ કરતાં આવી દિવાળી, ત્યારે બોલ્યા વાલો વનમાળી ।

આતો આવ્યો ઉત્સવ અન્નકૂટ, કરવો સારો ન રાખવી ખોટ ।।૨૮।।

જાઓ લાવો સુખડિયા આ ઘડી, કરાવો બહુ ભાત્યે સુખડી ।

જેમ કહ્યું છે જગજીવન, જોઇ મરજી કર્યું તેમ જન ।।૨૯।।

કરી દીપમાળા બહુ સારી, મધ્યે બેઠા છે પોતે મુરારી ।

પહેરી સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૩૦।।

કંઠે પહેર્યા છે ફુલના હાર, જુવે જન કરી મન પ્યાર ।

હસિહસિ જુવે હરિ સામું, પૂરે જનના મનની હામું ।।૩૧।।

પછી બોલિયા શ્રીમહારાજ, સંતો ગાઓ ને ગરબી આજ ।

પછી સંત થયા સાવધાન, રચ્યો રાસ કર્યું બહુ ગાન ।।૩૨।।

પછી રિઝી બોલ્યા અલબેલ, સંતો ખૂબ કરો આજ ખેલ ।

એમ કહીને ખેલ ખમાડ્યો, જનને મન મોદ પમાડ્યો ।।૩૩।।

એમ કરતાં વિતિ મધ્ય રાત, વાલે કરી બહુ બહુ વાત ।

પછી પોઢીયા પ્રાણજીવન, સંત ગયા આપણે આસન ।।૩૪।।

એમ કરતાં થયું સવાર, પોઢી જાગીયા પ્રાણઆધાર ।

દીધાં સંતને દર્શન દાન, બેસી પર્યંક પર ભગવાન ।।૩૫।।

પછી કરાવિયો અન્નકોટ, શાક પાક ને અન્ન અબોટ ।

ભાત્ય ભાત્યની સુખડી સારી, બહુભાત્યે તળી તરકારી ।।૩૬।।

જમ્યા પ્રેમેશું પોતે જીવન, પછી જમાડીયા સવેર્જન ।

પોતે પિરશ્યું પંગત્યમાંય, કર્યા સંત રાજી બહુ ત્યાંય ।।૩૭।।

એમ કર્યો ઉત્સવ આનંદે, લીધું સુખ બહુ સંત વૃંદે ।

થાય રસોઇ નિત્ય નવલી, એકએક થકી ઘણું ભલી ।।૩૮।।

એમ વીતિ ગયા ત્રણ માસ, રાખ્યા સંત સરવેને પાસ ।

પછી એક દિવસે મહારાજે, મૂળા મંગાવ્યા સંતને કાજે ।।૩૯।।

કૈક સંતને આપિયા હાથે, બીજા ઉછાળી નાખિયા નાથે ।

લીધા જને જાણી પરસાદી, ઉઠ્યા સંત મોટા મરજાદી ।।૪૦।।

કર્યો ઉત્સવ અનુપમ જાણો, આસોવદી દિવાળી પ્રમાણો ।

કર્યો કારિયાણી માંહી સંતે, કરાવ્યો ભાવે ભક્ત વસતે ।।૪૧।।

બહુ લીળા કરી એહ ઠામ, પછી ત્યાંથી ચાલ્યા સંત શ્યામ ।

બહુ સત્સંગી બોટાદમાંય, રહ્યા રાત્ય એક હરિ ત્યાંય ।।૪૨।।

જમી જીવને જમાડ્યા જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।

મોટા ભક્ત છે સુરોખાચર, આવ્યા ગામ લોયે તેને ઘેર ।।૪૩।।

થયા રાજી બહુ સહુ જન, કરી પ્રભુજીનાં દર્શન ।

અતિ હેતેશું આપ્યા ઉતારા, જેને જેમ ઘટે તેમ સારા ।।૪૪।।

કરી ચાલતી રૂડી રસોયું, દેતાં પાછું વાળી નવ જોયું ।

થાય વૃંતાકનાં શાક ઘણાં, કરેલ શ્રીહરિ હાથતણાં ।।૪૫।।

કરે એકલા ઘૃતમાં શાક, જમે સંત તજી પરો પાક ।

નિજકરે પીરસે છે નાથ, જોરે જોરે જમે સંત સાથ ।।૪૬।।

નિત્ય કરે છે નવલી લીળા, સવેર્સંતને રાખ્યા છે ભેળા ।

એમ કરતાં વીત્યા ઘણા દન, દિધાં જનને બહુ દર્શન ।।૪૭।।

પછી બોલિયા શ્રીમહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ ।

જે દિનાં આવ્યાં અયોધ્યાવાસી, થયું સારૂં મેં જોયું તપાસી ।।૪૮।।

સતસંગનું જામિયું મૂળ, જયારે આવ્યું એ ધર્મનું કુળ ।

એમ કહી બોલાવ્યા બે ભાઇ, આપ્યાં વસ્ત્ર સારાં સુખદાયી ।।૪૯।।

પછી સંત બોલ્યા જોડી હાથ, અતિ સારૂં થયું કૃપાનાથ ।

એહ આવતાં હરખ્યા છું અમે, તેતો જાણો છો સરવે તમે ।।૫૦।।

ભાઇ આવતાં થઇ ભલાઇ, દુષ્ટ બોલતા રહ્યા લજાઇ ।

હરિજનને હર્ષ ન માય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૫૧।।

એમ કરતાં આવ્યો વસંત, આવ્યા દર્શને જન અનંત ।

પ્રેમે લાગ્યાં પ્રભુજીને પાય, નાથ નિર્ખિ તૃપ્ત ન થાય ।।૫૨।।

વાલે જાણી ઉત્સવનો દન, પોતે થયા અતિશે પ્રસન્ન ।

પહેરી વસંતી વસન લાલ, લીધો ફાંટમાં ભરી ગુલાલ ।।૫૩।।

નાખ્યોે નાથે હાથે જનમાથે, જોઇ લટકાં લીધું સુખસાથે ।

ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટું બાંય જામાની ફાટી ।।૫૪।।

એમ ઉત્સવ કર્યો આનંદે, જોઇ લાવો લીધો જનવૃંદે ।

પછી મંગાવી પ્રસાદી ઘણી, તર્ત તાજા ગોળ તલતણી ।।૫૫।।

દિધી દાસને દોવટ નાથે, દયા કરી હરિ દોય હાથે ।

એમ કરતા લીળા અપાર, પછી બોલિયા જગદાધાર ।।૫૬।।

બહુ સારો થયો આ સમૈયો, હવે સહુ સંતને શીખ દિયો ।

પછી સંત ગયા આસપાસ, હુતાશનીના ઉત્સવની આશ ।।૫૭।।

પછી આવી છે પૂરણમાસી, લીધી રાકેશ રાહુએ ગ્રાસી ।

મોટું ગ્રહણ થયું મહાભારી, થઇ નિશા અતિશે અંધારી ।।૫૮।।

જયારે શુધ્ધ થયો શશિ અંગે, ત્યારે નાવા ચાલ્યા નાથ સંગે ।

ગાડાં ઘોડલાંનો નહિ પાર, ચાલ્યા જન હજારો હજાર ।।૫૯।।

ગાતાં વાતાં નાયા ભદ્રાવતી, પછી આવ્યા આસન પ્રાણપતિ ।

એમ કરે લીળા નિત્ય નાથ, જોઇ સુખી થયા જન સાથ ।।૬૦।।

કર્યો ઉત્સવ આનંદે તે કૈયો, મહાશુદી પંચમી સમૈયો ।

કર્યોગામ લોયે રૂડી પેર, ભક્ત સુરાખાચરને ઘેર ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્રે શ્રીહરિએ લોયે વસંતપંચમીનો સમૈયો કર્યો એ નામે સત્યાશિમું પ્રકરણમ્ ।।૮૭।।