પૂર્વછાયો- આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતાં આવે અતિ આનંદ ।
ભક્તની ભીડ્ય ભાંગવા, છે સમર્થ સહજાનંદ ।।૧।।
જળે સ્થળે જવાળાથકી, જે કરી જનની જતન ।
ભાખું તે હવે ભાવશું, સહુ સાંભળજયો દઇ મન ।।૨।।
લૌકિકમાં અલૌકિકની, વળી વર્ણવીને કહું વાત ।
હરિ હરિજનના, જે સુજશ છે સાક્ષાત ।।૩।।
સાંભળતાં સંકટ ટળે, વળી કહેતાં કલિમળ જાય ।
ર્દિદ સંભારે જે દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય ।।૪।।
ચોપાઇ- એક રુડું રાજાુલું છે ગામ, તિયાં સોનીભક્ત નાગ નામ ।
ખરો વિશવાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો ।।૫।।
એકે સ્વામીનો સત્ય આધાર, બીજા કોઇનો ન ગણે ભાર ।
સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ ।।૬।।
એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચળે મત્ય ।
એક દિવસ ઉદ્યમકાજે, ગયો વિદેશ બેસીને ઝાઝે ।।૭।।
કરી કાજ વળ્યો બેસી વાણે, કળ વકળ કાંઇ ન જાણે ।
બેઠો વાણકિનારે બફોમ, પડ્યો પાણીમાં ન રહી વ્યોમ ।।૮।।
તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાણ વેગ કરી ।
અતિકષ્ટ આવિયો અલેખે, જીવવાની તો રીત્ય ન દેખે ।।૯।।
પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતરજામી ।
હવે નથી ઇચ્છા મારે અન્ય, નાથ આવી તજાવિયે તન ।।૧૦।।
જયારે દાસ બોલ્યો દીન વાણી, ત્યારે આવિયા સારંગપાણી ।
હેઠ્યે આવી નાથ હાથે દીધો, જળથી જન ઉંચેરો કીધો ।।૧૧।।
કહે ભય મ રાખીશ કાંઇ, નહિ બુડ્ય આ અર્ણવમાંઇ ।
ત્યાં તો ખેવટે ખબર લીધિ, ભાઇઓ આપણે ભુંડિજ કીધિ ।।૧૨।।
એક પુરૂષ પડ્યો પાણીમાંઇ, તેની ગમ રહી નહિ કાંઇ ।
માટે વાણ વાળો એને કાજે, હોય જીવતો તો લૈયે ઝાઝે ।।૧૩।।
વાળ્યું વાણ આવ્યું જીયાં એહ, જાણી જીવતો લીધો છે તેહ ।
પછી ખેવટ પૂછે છે મળી, કેમ રહ્યું તન તારૂં વળી ।।૧૪।।
કહે ભક્ત કરી મારી સાય, સ્વામી સહજાનંદે જળમાંય ।
કહે ખેવટ વાત એ ખરી, તને રાખ્યો એ સાચા શ્રીહરિ ।।૧૫।।
પામ્યો પચોર્ તું નાગ નિદાન, તને રાખ્યો એ સાચા ભગવાન ।
માટે મેળવ્ય અમને એહ, તારી પાસે હું માગું છું તેહ ।।૧૬।।
પછી ભક્ત ભેળો લઇ તેને, ઓળખાવ્યા અલબેલો એને ।
તેહ નિશ્ચે કરી ઘેર ગયો, એમ એ ભક્તને પચોર્ થયો ।।૧૭।।
વળી વાત તેના સુત કેરી, નામ ભગો છે ભક્તિ ઘણેરી ।
કરે સોનીનું સરવે કામ, ભજે સ્વામિનારાયણ નામ ।।૧૮।।
ત્યારે યવન વદિયો વાદ, કહે મેલીદે તું વિખવાદ ।
સ્વામિનારાયણ તારા ખોટા, મારા અલ્લાથી એ નહિ મોટા ।।૧૯।।
કહે ભગો એહ વાત સાચી, અમે એવા જાણી રહ્યા રાચી ।
કહે યવન એમ ન થાય, એમ અમને તેં ન જીતાય ।।૨૦।।
આવ્ય ચઢિયે આ ઉંચે ભવન, ત્યાંથી પડતું મેલિયે તન ।
જો તું જીવતો રહે ત્યાંથી જન, તો હું કરૂં સ્વામીનું ભજન ।।૨૧।।
જો હું જીવતો રહું ભગલા, તો હું તને ભજાવીશ અલ્લા ।
એમ કહી ઉંચા બેઉ ચડ્યા, મુલાંજીતો મોરથકી પડ્યા ।।૨૨।।
ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહીલાણ થયું ।
વોરો હાય હાય કરે રહ્યો, ભગા તુંતો સાચો ભાઇ થયો ।।૨૩।।
આવ્યાં ગામનાં લોક સાંભળી, કહે માંહોમાંહિ એમ મળી ।
ભાઇ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે ।।૨૪।।
આપ્યો પરચો એને ભગવાને, હશે મૂરખ તે નહિ માને ।
વળી કહું એક વાત વખાણી, લેજયો હરિજન સત્ય જાણી ।।૨૫।।
એક ભાવનગર શહેરમાંઇ, રહે ક્ષત્રિ તિયાં રાજોભાઈ ।
એક રૂપોભાઈ હરિજન, ગયા પોત્યે તેહને ભુવન ।।૨૬।।
તિયાં બેઠા છે ઘડી બેચ્ચાર, કરે મને મૂરતિ વિચાર ।
વળી વૃત્તિ તે અંતરમાંઇ, દિઠો શ્વેતદ્વીપ વળી ત્યાંઇ ।।૨૭।।
દિઠીમૂર્તિ મહારાજતણી, શ્વેતદ્વીપના જે કોઇ ઘણી ।
દિઠા મુક્ત ત્યાં બીજા અપાર, દિઠા ઝીણોભાઈ તે મોઝાર ।।૨૮।।
અતિ તેજોમય જેહ ધામ, તેજોમય મુક્ત છે નિષ્કામ ।
અતિતેજ તેજ ઝળહળે, તેજ વિના તે બીજું ન મળે ।।૨૯।।
તેને જોતાંજોતાં રાજોભાઇ, ગઇ આંખ્યો પોતાની અંજાઇ ।
સુખસુખ અતિ જીયાં સુખ, તે ન કહેવાય વર્ણવી મુખ ।।૩૦।।
કહે નાથ સુણો રાજાભાઇ, તમે જાઓ પાછા હવે ત્યાંઇ ।
બોલ્યા રાજોભાઇ તે સાંભળી, હવે નહિ જાઉં પાછો વળી ।।૩૧।।
કહે નાથ ન રહેવાય આંઇ, જાઓ પાછા તમે તનમાંઇ ।
કહે ઝીણોભાઇ વળી અમે, જાશું કહેશો જરૂર જો તમે ।।૩૨।।
કહે નાથ તજયું એણે અંગ, એને તેડી લાવ્યા અમે સંગ ।
અમે ગયા હતા એને ઘેર, મેલ્યું દેહ તેહ રૂડીપેર ।।૩૩।।
રાખી આવ્યા છીએ સંત તિયાં, અયોધ્યાવાસી તો તિયાં રહ્યા ।
એમ કહી દેખાડ્યું મહારાજે, સુણ્યું સરવે તે ભાઇ રાજે ।।૩૪।।
પછી ત્યાંથી આવ્યા દેહ માંઇ, અહો અહો કહે રાજોભાઇ ।
પછી જોઇ આવ્યાતા જે ત્યાંઇ,તેની વાત કરી સર્વે આંઇ ।।૩૫।।
કહ્યું ઝીણાભાઇનું આગમ, સહુ સુણી ખાઇ રહ્યા ગમ ।
પછી વાત એ દિન દોચ્યારે, થઇ સાચી તે સર્વે પ્રકારે ।।૩૬।।
એવો દેખાડ્યો ચમત્કાર, સ્વામી સહજાનંદે નિરધાર ।
વળી વારતા છે એક સારી, સહુ લેજયો અંતરમાં ધારી ।।૩૭।।
એક પાણવી નામે છે ગામ, ક્ષત્રિભક્ત પુંજોભાઇ નામ ।
અતિ વૈરાગ્યવાન વિશેક, બીજો સમઝે નહિ વિવેક ।।૩૮।।
પાડી અંતરમાં આંટી એહ, મળે નાથ કાં તજું આ દેહ ।
પછી ગયો સમુદ્ર છે ત્યાંઇ, સુણ્યો મહાદેવ છે જળમાંઇ ।।૩૯।।
આવતી લેરે લિંગ ઢંકાય, વળે લેર તારે ત્યાં જવાય ।
પછી ગયો પૂંજો તેને પાસ, મળે પ્રભુ અંતરે એ આશ ।।૪૦।।
પોત્યે તિયાં આવ્યું પાછું પાણી, ભરી લિંગ સાથે બાથ તાણી ।
આવ્યું જળ બળે બહુ ત્યારે, ઠેલી કાઢ્યો ગાઉ પાછો આરે ।।૪૧।।
ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહિ મોત મારું ।
આતો આશ્ચર્ય વારતા જાણું, અતિ અગાધ જળમાં જીવાણું ।।૪૨।।
હવે મરવું મારે જરુર, પડું જઇ હું આવતે પૂર ।
એમ નિશ્ચે કરી ચાલ્યો જયારે, થઇ આકાશવાણી તે વારે ।।૪૩।।
કહે અમથો મરે શિદ આંઇ, પ્રભુ મળશે તુંજા ઘેર ત્યાંઇ ।
સ્વામી સહજાનંદજી છે જેહ, આજ પ્રકટ પ્રભુ છે તેહ ।।૪૪।।
તારે ગામ આવ્યા તેના જન, થાજે સત્સંગી માની વચન ।
એવી સુણી આકાશની વાણી, વળ્યો પુંજો તે વિશ્વાસ આણી ।।૪૫।।
દિઠા સંત આવ્યો જયારે ઘેર, મળી વાત રહ્યો નહિ ફેર ।
આવી લાગ્યો સંતને ચરણે, સાધો ! હું છઉં તમારે શરણે ।।૪૬।।
સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રીભગવંત ।
હું તો પરચો પામ્યો છું આજ, માની લેજયો તમે મહારાજ ।।૪૭।।
જેનું સ્વામી સહજાનંદ નામ, તેતો પોત્યે છે પૂરણકામ ।
તેનાં થાય મને દર્શન, એમ થાઓ તમે પરસન્ન ।।૪૮।।
પછી સંતે મેળ્યા ભગવાન, દીધાં પુંજાને દર્શનદાન ।
અતિ વાત અલૌકિક જાણી, કહી જાણીને તેને મેં વખાણી ।।૪૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણચાલિશમું પ્રકરણમ્ ।।૧૩૯।।