પૂર્વછાયો-
એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય ।
સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।।
કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ ।
મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।।
ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ ।
મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।।
આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ ।
દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।।
ચોપાઇ-
ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે ।
અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।।
સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે ।
મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।।
તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે ।
મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।।
ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે ।
હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।।
દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે ।
માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે જન રે ।।૯।।
થઇ ગયો છે ધર્મનો નાશ રે, તેને પાછો કરીશ પ્રકાશ રે ।
એકાંતિક ધર્મ રૂડી રીતે રે, સ્થાપન કરીશ હું તેહ પ્રીતે રે ।।૧૦।।
માટે નિઃશંક રહો નરનારી રે, સત્ય વાત માની તમે મારી રે ।
તમે પાઠ કર્યા જે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જેજે મંત્ર રે ।।૧૧।।
તેનો પાઠ જાપ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઉગરશે રે ।
દેહ છતાં નહિ થાય દુઃખ રે, અંત સમે તે પામશે સુખ રે ।।૧૨।।
શ્વેતદ્વિપાદિ ધામ છે જેહ રે, તિયાં આનંદ કરશે તેહ રે ।
એમ કૃપાનિધિ જે શ્રીકૃષ્ણ રે, થયા ભક્તિધર્મ પર પ્રસન્ન રે ।।૧૩।।
આપી એવો વર ભગવાન રે, પછી થયા છે અંતરધાન રે ।
ત્યારે ધર્મભક્તિ ઋષિરાય રે, અતિ હર્ષ પામ્યાં મનમાંય રે ।।૧૪।।
થયું વિષ્ણુયાગ વ્રત પુરૂં રે, મળ્યા કૃષ્ણ ન રહ્યું અધુરૂં રે ।
કરી પારણાં બેઠા એકાંત રે, કહે ગુપ્ત રાખવી આ વાત રે ।।૧૫।।
જયારે શ્રીકૃષ્ણ પ્રગટ થાશે રે, ત્યારે જેમ હશે તેમ જણાશે રે ।
એમ કરી મનમાં વિચાર રે, મળ્યા પરસ્પર કરી પ્યાર રે ।।૧૬।।
પછી પોતપોતાને આશ્રમ રે, ગયા ઋષિને ભક્તિ ધર્મ રે ।
ધર્મ પૂર્ણ મનોરથ પામ્યા રે, થયું સુખ દુઃખ સર્વે વામ્યા રે ।।૧૭।।
પછી ઘર પર ચાલ્યાં દોય રે, આવ્યાં નૈમિષારણ્યમાં સોય રે ।
સઘન વન ત્યાં વેલીની ઘાટ રે, તેણે કરી ઢંકાણી છે વાટ રે ।।।૧૮।।
ભુલ્યાં માર્ગ આથમ્યો દન રે, દૈત્યભયથી બિનાં છે મન રે ।
એવા સમામાં વનમોઝાર રે, મળી કુટુંબે સોતી એક નાર રે ।।૧૯।।
અતિ રાજી રમે વનમાંય રે, કેની બીક નથી મનમાંય રે ।
બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતાં બળ બીજા કેનું રે ।।૨૦।।
તેને ધર્મ કહે સુણ્ય નારી રે, કોણ છો તું કહે વાત તારી રે ।
કુટુંબ તારૂં છે સર્વે કુશળ રે, આવું કોણથી પામ્યાં છો બળ રે ।।૨૧।।
ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પુછ્યાનો એવો શો પ્યાર રે ।
ચાલ્યાં જાઓને પાધરી વાટ રે, પુછી તમે શું કરશો ખાટ રે ।।૨૨।।
મારો તાત કુસંગ કહેવાય રે, અઘવતી નામે મારી માય રે ।
મારૂં નામ છે અવિદ્યા અતિ રે, પ્રભુ વિમુખ છે મારો પતિ રે ।।૨૩।।
મારી પુત્રી મિથ્યા પરમાણો રે, આપી અધર્મને તમે જાણો રે ।
તેની પ્રજા છે અપરમપાર રે, શું જાણ્ય તું વાતનો વિચાર રે ।।૨૪।।
કામ ક્રોધ લોભ વળી મોહ રે, દંભાદિક દીકરા સમૂહ રે ।
આશા તૃષ્ણા ઇર્ષ્યા અદયા રે, કુટિલ કુમતિ કુબુધિયા રે ।।૨૫।।
દુરુક્તિ તે એની છે દિકરી રે, એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે ।
નિંદા દ્રોહ નવરાં ન રહે રે, હર્ષ શોક વાત નિત્ય કહે રે ।।૨૬।।
શત્રુ મિત્ર શોધી જગમાંય રે, રાગ દ્વેષ રાખે નિત્ય ત્યાંય રે ।
ખળ છળ ક્ષમા નહિ લેશ રે, અનર્થ હિંસા કરે ઉપદેશ રે ।।૨૭।।
ભય વિગ્રહ વિપત્તિ ઘણી રે, એવી પ્રજા જાય નહિ ગણી રે ।
ઠઠા હાંસી મશ્કરી અતિ રે, કહીએ અવળાઇ કુમતિ રે ।।૨૮।।
અહંકાર અભિમાન આદિ રે, મમતામાં મરે સહુ વાદિ રે ।
એવું અપાર મારૂં કુટુંબ રે, તેની તમને ન પડે ગમ રે ।।૨૯।।
જાણે સર્વે લોકમાંઇ મને રે, સાંભળ વિપ્ર વાત કહું તને રે ।
જગમાં કોઇ ન શકે જીતિ રે, એવી જાણું છું હું રાજનીતિ રે ।।૩૦।।
ચાર સંપ્રદાય બાવન દ્વારા રે, વર્ણાશ્રમી સેવક છે મારા રે ।
આજ ચરાચરમાં હું વસું રે, ખેસવી હું કોઇની ન ખસું રે ।।૩૧।।
ભેખ પંડિત પિયર મારૂં રે, તિયાં રહેતાં લાગે મને પ્યારૂં રે ।
યોગી યતિ સંન્યાસી તપસી રે, તિયાં રહી છું અખંડ વસી રે ।।૩૨।।
અધો ઉર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે ।
જાવા ન દઉં મોક્ષ મારગે રે, તું કેવરાવીશ ક્યાં લગે રે ।।૩૩।।
એવું સાંભળી બોલીયા ધર્મ રે, સુણ્ય પાપણી નારી બેશર્મ રે ।
તેં તો તારી મોટ્યપને ગણી રે, ન જાણી મોટ્યપ કૃષ્ણ તણી રે ।।૩૪।।
રાધાપતિના તેજ પ્રતાપે રે, થાશે તારૂં કુટુંબ નાશ આપે રે ।
તારી પ્રજા તે પાછી પડશે રે, કામ ક્રોધ કોઇ ન નડશે રે ।।૩૫।।
અધર્મનું ઉખાડશે મૂળ રે, કરશે કૃષ્ણ નાશ તારૂં કુળ રે ।
પાપ પેખી નહિ શકે મહારાજ રે, પ્રભુ પ્રગટશે તારે કાજ રે ।।૩૬।।
એમ કહીને ચાલ્યાં ધર્મ ભક્તિરે, ત્યાંથી કરી છે આઘેરી ગતિ રે ।
રાત્ય મળી છે અંધારી ઘોર રે, કરે કરિ કેસરી બકોર રે ।।૩૭।।
વાઘ વારાહ વાનર બહુ રે, લડે માંહોમાંહે એમ સહુ રે ।
મહિષા નાર નોળ વળી નાગ રે, એવાં હિંસકનો નહિ તાગ રે ।।૩૮।।
લાગ્યા દવ બળે બહુ વન રે, પાડે કાળી રાડ્યું પશુ જન રે ।
ઉડે ઉપર ગીધ ને ગરજયું રે, જેથી દુઃખ થાય અણસરજયું રે ।।૩૯।।
બોલે ઘુવડ ફિયાવડાં ઘણાં રે, શબ્દ ભયંકર તેહ તણાં રે ।
એવા વનમાં ભૂલ્યાં છે વાટ રે, ન મળ્યું ગામ ઠામ કોઇ ઘાટ રે ।।૪૦।।
લાગ્યા કાંટા ને કાંકરા ઘણા રે, પડ્યું દુઃખ રહી નહિ મણા રે ।
લાગી ભુખ ને ન મળ્યું પાણી રે, સુકો કંઠ ને ન બોલાય વાણી રે ।।૪૧।।
એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઇ જાય ચિત્ત ખસી રે ।
ભુરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટિ લોચન લાલ રે ।।૪૨।।
અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રૂદ્ર જેવો હૃદાનો દયાળ રે ।
ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહિ જેને લેશ રે ।।૪૩।।
અઘોરી સિદ્ધ સરીખો લાગે રે, આવી ઉભો અચાનક આગે રે ।
તેને ધર્મે જોડ્યા જુગ પાણ રે, ત્યારે બોલિયો તપસી વાણ રે ।।૪૪।।
તમે કોણ છો પુરૂષ ને વામ રે, કિયાં રહો છો શું તારૂં નામ રે ।
ત્યારે બોલિયા ધર્મ આદરમાં રે, જાતિ દ્વિજ નામ દેવશર્મા રે ।।૪૫।।
પૂર્વ દેશમાંહિ અમે રહીએ રે, અતિ દીન દાલદરી છીએ રે ।
પીડ્યાં અમને દૈત્ય અપાર રે, નાશી આવ્યાં શ્રીવ્રજ મોઝાર રે ।।૪૬।।
તિયાં વિષ્ણુયાગ વ્રત કીધું રે, ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દીધું રે ।
પછી અમે અમારાં જે કષ્ટ રે, કહ્યાં તે સુણ્યાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ રે ।।૪૭।।
કહે કૃષ્ણ હું કરીશ સાર રે, લેઇ તમારે ઘેર અવતાર રે ।
કરીશ હું અસુરસંહાર રે, તમે જાણો નિશ્ચય નિર્ધાર રે ।।૪૮।।
એમ વર દઇ શ્રીકૃષ્ણ ગિયા રે, પછી અમે દો આંહિ આવિયાં રે ।
તિયાં તમે મળ્યા મહારાજ રે, તેણે રાજી થયાં અમે આજ રે ।।૪૯।।
એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે ।
એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વહાલો દુર્યોધન માર્યો રે ।।૫૦।।
માટે હું પણ છઉં અશ્વત્થામા રે, દઉં છું શાપ સુણો નર વામા રે ।
જેહ પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદિમાં ધારો રે ।।૫૧।।
શસ્ત્ર વિના શત્રુ ન મરશે રે, મારા શાપે શસ્ત્ર ન ધરશે રે ।
એમ કરતાં શસ્ત્ર લેશે હાથ રે, તે જીતશે નહિ વૈરી સાથ રે ।।૫૨।।
એમ કહી થયો અંતર્ધાન રે, થયાં ભક્તિધર્મ ચિંતાવાન રે ।
કરતાં ચિંતા મોટી મનમાંઇ રે, રહ્યાં રાત્ય ભક્તિ ધર્મ ત્યાંઇ રે ।।૫૩।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો એ નામે પંદરમું પ્રકરણમ્ ।।૧૫।।