૧૪. હનુમાનજીની પ્રેરણાથી વૃંદાવન જવું, ત્યાં અનુષ્ઠાન, કૃષ્ણદર્શન અને સ્તુતિ કરી તેનું વર્ણન.

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:37pm

પૂર્વછાયો-

પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર ।

તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।।

કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય ।

સંકટમાં સંભાળજયો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।।

માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય ।

દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।।

માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય ।

અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।।

ચોપાઇ-

પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે ।

મારૂત સુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।।

એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે ।

આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।।

હવે દુઃખ તમારૂં દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે ।

કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।।

તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે ।

તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારૂં તર્ત ટળશે રે ।।૮।।

એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે ।

પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।।

પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે ।

આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।।

પછી ત્યાંથી વૃન્દાવન આવી રે, નિર્ખિ કૃષ્ણ મૂર્તિ મન ભાવી રે ।

ફુલદોલે ઝુલતા શ્રીકૃષ્ણ રે, એવી મૂર્તિનાં કર્યાં દર્શન રે ।।૧૧।।

પછી ગોવર્ધન જેહ ગિરિ રે, તેને પ્રેમે પ્રદક્ષિણા કરી રે ।

દઇ પ્રદક્ષિણા બેઠાં દોય રે, તિયાં મળ્યા મુનિજન સોય રે ।।૧૨।।

મરીચ્યાદિ મોટા મોટા મુનિરે, મળ્યા નહિ ઓળખાણ આગુંનીરે।

બીજા જન વૃંદાવન રહેનાર રે, તેહ પણ ન જાણે લગાર રે ।।૧૩।।

પછી હરિ ઇચ્છા બળવાન રે, પડી એક બીજાની પિછાન રે ।

ઋષિ કહે આ ધર્મ ભક્તિ રે, ધર્મ કહે આ મુનિ સુમતિ રે ।।૧૪।।

પછી મળી બેઠાં છે એકાંત રે, કહ્યું એક બીજાનું વૃતાંત રે ।

કહે ઋષિ રહી નથી મણા રે, દીધાં અસુરે દુઃખ તે ઘણાં રે ।।૧૫।।

ભક્તિ ધર્મ કહે ન જાય કહ્યું રે, જે જે અમારે ઉપર થયું રે ।

પછી એક બીજાનું જે દુઃખ રે, સુંણી થયું અતિશે અસુખ રે ।।૧૬।।

કહે દુર્વાસા દઇને શાપ રે, પછી બોલ્યા દયા કરી આપ રે ।

કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહિ થાય મારો બોલ રે ।।૧૭।।

પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારૂં તે વાર રે ।

એહ વાતનો વાયદો થીયો રે, હવે કરીએ ઉપાય શીયો રે ।।૧૮।।

કહે ધર્મ એ ખોટું ન થાય રે, રાખો ધીરજ સહુ મનમાંય રે ।

કરો શ્રીકૃષ્ણનું આરાધન રે, જેણે રાજી થાય ભગવન રે ।।૧૯।।

હું પણ જપું છું કૃષ્ણનો જાપ રે, જેણે કરી ટળે દુઃખ તાપ રે ।

તમે પણ તેના અંગના જેહ રે, કરો પાઠ સહુ મળી તેહ રે ।।૨૦।।

પછી સહુ ઋષિએ વિચારી રે, વાત ધર્મની ઉરમાં ધારી રે ।

કોઇ ભાગવત પાઠ કરે રે, કોઇ ગીતાનો પાઠ ઓચરે રે ।।૨૧।।

કોઇ વાસુદેવ માહાત્મ્ય જેહ રે, કોઇ વિષ્ણુ સહસ્રનામ તેહ રે ।

કરે વિષ્ણુ ગાયત્રીનો જાપ રે, કોઇ નારાયણ વર્મ આપ રે ।।૨૨।।

કોઇ જપે શ્રીકૃષ્ણનું નામ રે, એમ જાપ કરે આઠુંજામ રે ।

રાસપંચાધ્યાય વળી જેહ રે, ભક્તિ પાઠ કરે નિત્ય તેહ રે ।।૨૩।।

એમ ભક્તિ ધર્મ ઋષિરાય રે, કરે દિવસમાં એ ઉપાય રે ।

રાત્રિ માંહિ તાલ ને મૃદંગ રે, ગાય ગીતગોવિંદ ઉમંગ રે ।।૨૪।।

ભક્તિધર્મ ઋષિ બડભાગ્ય રે, એમ આદર્યો છે વિષ્ણુયાગ રે ।

પછી વૈશાખસુદી એકાદશી રે, કર્યું જાગરણ સહુએ હુલશી રે ।।૨૫।।

ગઇ રાત્ય થયું બ્રહ્મમુહૂર્ત રે, દીઠું બ્રહ્મતેજ તિયાં તર્ત રે ।

તેમાં દીઠા નંદ ને યશોદા રે, જોઇ ગોપી ગોપ પામ્યાં મુદા રે ।।૨૬।।

વળી દીઠી અષ્ટ પટરાણી રે, રાધિકા રમા ને રૂકિમણી રે ।

સત્યા સત્યભામા જાંબુવતી રે, લક્ષમણા ને વળી નાગ્નજીતી રે ।।૨૭।।

વળી ધેનુએ શોભે એ ધામ રે, જેનું કહીએ તે ગોલોક નામ રે ।

તેમાં મૂર્તિ સુંદર શ્યામ રે, દીઠા શ્રીકૃષ્ણ પૂરણકામ રે ।।૨૮।।

સુવર્ણ વસ્ત્રે શોભે છે વળી રે, મુખે રૂડી વજાડે વાંસળી રે ।

સુંદર શોભે નટવર વેષે રે, રત્ન જડિત મુકુટ છે શીષે રે ।।૨૯।।

મકરાકાર કુંડળ કાને શોભે રે, ઝીણા વક્ર કેશે મન લોભે રે ।

ભાલે શોભા રહી છે ભલકી રે, તેપર તોરા રહ્યા લલકી રે ।।૩૦।।

મુખ પૂરણશશિ સમાન રે, નયણાં કમળદળ નિદાન રે ।

મોટાં મોતીની માળા તે લેકે રે, બીજાં સુગંધી પુષ્પની બેકે રે ।।૩૧।।

એવી અંગો અંગ શોભા અતિ રે, રસરૂપ રસિક મૂરતિ રે ।

સામુદ્રિકે શોભા કહી જેવી રે, દીઠી મૂર્તિ મનોહર તેવી રે ।।૩૨।।

શોભા સાગર સુંદર શ્યામ રે, સારી પ્યારી છબી સુખધામ રે ।

કોટી કામદેવ દેખી લાજે રે, એવી છબી છબિલાની છાજે રે ।।૩૩।।

એવું રૂપ જોઇ ઋષિરાય રે, પડ્યાં ભક્તિધર્મ સહુ પાય રે ।

હાથ જોડી ઉભાં એક પગે રે, કોઇ મટકું ન ભરે દ્રગે રે ।।૩૪।।

જેમ કાષ્ટનાં હોય પુતળાં રે, એમ ઉભા આગળ સઘળાં રે ।

દોય ઘડી રહ્યાં એમ જન રે, પછી સર્વે થયા સચેતન રે ।।૩૫।।

કરી સ્તુતિ પછી જોડી હાથ રે, કહે જય જય મારા નાથ રે ।

જય જય તેજ પુંજરાશી રે, જય અકળરૂપ અવિનાશી રે ।।૩૬।।

ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળ રે, કરવા સમર્થ તમે દયાળ રે ।

ક્ષર અક્ષરપર અકળ રે, રહો તેજપુંજને મંડળ રે ।।૩૭।।

ધર્મ રક્ષા કરવા મુરાર રે, ધાર્યા મત્સ્યાદિક અવતાર રે ।

જનહિતે એ જુજવાં તન રે, ધરી કરો જનની જતન રે ।।૩૮।।

જય ગોલોકપતિ ગોવિંદ રે, જય નિજજન સુખકંદ રે ।

જય રાધાપતિ રસરૂપ રે, જય સુંદર શ્યામસ્વરૂપ રે ।।૩૯।।

જય મનોહર મહારાજ રે, જય વ્રજજન સુખસાજ રે ।

જય નિજજન મનરંજન રે, જય મહાદુઃખ ભયભંજન રે ।।૪૦।।

જય દુષ્ટદમન દયાળ રે, જય કુકર્મી જીવના કાળ રે ।

જય ભક્ત ભવદુઃખહારી રે, તમે સંતના છો સુખકારી રે ।।૪૧।।

જય અનાથના નાથ આપ રે, સ્વામી હરો અમારા સંતાપ રે ।

જય દીનના બંધુ દયાળ રે, જય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે ।।૪૨।।

તમે ગરીબના છો નિવાજ રે, દુઃખસાગરમાં સુખઝાજ રે ।

અમે બુડ્યા દુઃખોદધિમાંય રે, તમ વિના ઝાલે કોણ બાંય રે ।।૪૩।।

તમે સમર્થ છો મારા નાથ રે, માટે કહીએ છીએ જોડી હાથ રે ।

જે જે આવ્યા છે શરણ તમારી રે, તેની રક્ષા કરી છે મુરારી રે ।।૪૪।।

માટે અમે છીએ તમારે શરણ રે, કરો સુખ મહાદુઃખહરણ રે ।

એમ સ્તુતિ કરી ધર્મ મુનિ રે, પછી પાય લાગ્યાં સૌ પ્રભુની રે ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસાશાપ નામે ચૌદમું પ્રકરણમ્ ।।૧૪।।