પૂર્વછાયો-
સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત ।
શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।।
ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર ।
તમે રહેજયો રખાવજયો, જયારે જાઓ તમારે ઘેર ।।૨।।
ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજયો નરનાર ।
અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।।
શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ ।
જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।।
ચોપાઇ-
કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે ।
એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।।
શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે ।
યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।।
સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારૂંએ ન કરવી ચોરી રે ।
પરત્રિયાનો સંગ ન કીજે રે, કેદિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।।
ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે ।
વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।।
તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે ।
એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।।
કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે ।
હરિપ્રસાદી માહાત્મ્યે અન્ન રે, ન ખપે તેનું ન ખાવું જન રે ।।૧૦।।
મિથ્યા અપવાદ કોઇ શીર રે, દેવો નહિ કહું ધર્મ ધીર રે ।
કોઇ વિષયી વ્યસની જન રે, તેનો ન કરો સંગ કોઇ દન રે ।।૧૧।।
વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે ।
તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગી ને લોભ ન ટાળે રે ।।૧૨।।
ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે વર્તાવે અજાણ રે ।
જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્ ખળને ધિક્કાર રે ।।૧૩।।
એહ ષટ્ ખળ નર જેહ રે, તજવા મુમુક્ષુ જને તેહ રે ।
દેવ તીર્થ વેદને ગાય રે, બ્રાહ્મણ સાધુ ધર્મી કહેવાય રે ।।૧૪।।
તેની નિંદા ન કરવી મુખે રે, ધર્મ મેલવો નહિ દર્દ દુઃખે રે ।
વળી જેહ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ રે, કહ્યા નિરાકાર અજ્ઞ જન રે ।।૧૫।।
તે ન સાંભળવું સુણો ધર્મ રે, એહ સમજી લેવો મને મર્મ રે ।
આયુધ વિષ ન દેવી જાળ રે, જેથી જન દુઃખ પામે તે કાળ રે ।।૧૬।।
વળી આ મતે મોટા બ્રહ્મન રે, તે ન રાખે શસ્ત્ર કોઇ દન રે ।
ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું રે, મધ્યે કુંકુમનું બિંદુ ધરવું રે ।।૧૭।।
રાધાકૃષ્ણ પ્રસાદી જે હોય રે, કરે સધવા બિંદુ ભાલે સોય રે ।
ન કરે વિધવા બિંદુ પુનિત રે, એવી આપણા મતની રીત રે ।।૧૮।।
જેની જે રીત તે ચિત્ત ધરવી રે, ભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરવી રે ।
કરવો રાસ પંચાધ્યાય પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે ।।૧૯।।
ગળે માળા ધરાવજો દોય રે, તુલસી ને ચંદનની સોય રે ।
એવી વાત ગુરુજીએ કરી રે, ભક્તિ ધર્મે તે હૃદયે ધરી રે ।।૨૦।।
પછી અનન્ય ભક્તિની રીત રે, કહી ઉદ્ધવે કરીને પ્રીત રે ।
કહે બ્રાહ્મણ તમે છો શ્રેષ્ઠ રે, જેને કૃષ્ણ છે ઇષ્ટ અભીષ્ટ રે ।।૨૧।।
મારા શિષ્યમાં મોટા છો તમેરે, રૂડા ગુણવાળા જાણ્યા અમે રે ।
હવે ઘેર જાઓ નરનારી રે, રાધાકૃષ્ણને હૃદયે સંભારી રે ।।૨૨।।
આવે મુમુક્ષુ જીવ કોઇ પાસ રે, આપી ઉપદેશ ટાળજયો ત્રાસ રે ।
એને મહામંત્રનો જે જાપ રે, તમે કહેજયો નિરંતર આપ રે ।।૨૩।।
વળી શ્રીકૃષ્ણના જે બે મંત્ર રે, જોઇ મુમુક્ષુ કહેજયો નિરંતર રે ।
બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જેહ રે, સતશુદ્ર ને સ્ત્રિયો તેહ રે ।।૨૪।।
કહેજયો મંત્ર પ્રથમનો તેને રે, ભવસાગર તરવા એને રે ।
કરતાં એહ મંત્ર નિત્ય જાપ રે, થાય અધિકારી નર આપ રે ।।૨૫।।
ત્યારે બીજો મંત્ર તેને કહેજયો રે, એવી રીતે ઉપદેશ દેજયો રે ।
પડે તમારે જો કાંઇ દુઃખ રે, તો થાશે મહામંત્રથી સુખ રે ।।૨૬।।
કરશો જાપ તો શ્રીકૃષ્ણદેવ રે, દેશે ઇષ્ટ સિદ્ધિ તતખેવ રે ।
રામાનુજના ગ્રંથ છે જેહ રે, તમે સર્વે ભણજયો તેહ રે ।।૨૭।।
ગીતાભાષ્ય આદિ ગ્રંથ તેમાં રે, શ્રીકૃષ્ણનું માહાત્મ્ય છે જેમાં રે ।
કરજયો કથા તેની અહોનિશ રે, એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે ।।૨૮।।
પછી ભક્તિ ધર્મ આવ્યાં ઘેર રે, કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે ।
સ્થુળ સૂક્ષ્મ ને કારણ દેહ રે, તેથી પર આત્મા છે જેહ રે ।।૨૯।।
વળી વ્યાપે એ ત્રણ ઠેકાણે રે, તેને શ્રીકૃષ્ણનો દાસ જાણે રે ।
સર્વોપરી છે શ્રીકૃષ્ણ એક રે, જીવ ઇશ્વર માયા પ્રેરક રે ।।૩૦।।
એમ નિશ્ચય કર્યો ધર્મે જયારેરે, જગત મિથ્યા મનાણું છે ત્યારે રે ।
ગુરુ આજ્ઞાએ કરી ગ્રંથ જેહ રે, રામાનુજના વાંચે નિત્ય તેહ રે ।।૩૧।।
એવા શુદ્ધ હૃદયવાળા જાણી રે, દૈવી જીવ બોલે એમ વાણી રે ।
આતો ધર્મ દેવ છે સાક્ષાત રે, તેહ વિના નોય આવી વાત રે ।।૩૨।।
પછી અસુર ગુરુને ત્યાગી રે, થયા ધર્મપદ અનુરાગી રે ।
જેને દૈત્યગુરુમાં છે હેત રે, થયા દૈત્ય તે કુળે સમેત રે ।।૩૩।।
માન્યાં ધર્મનાં જેણે વચન રે, શોભ્યા દેવસમાન તે જન રે ।
પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજયા ધર્મને શિષ્યે તે વાર રે ।।૩૪।।
તેણે કરી થઇ છે સંપત્તિ રે, ગયાં દુઃખ દારિદ્ર્ય વિપત્તિ રે ।
એમ કરતાં વિત્યા દિન સોઇ રે, આપી સુતને સમે જનોઇ રે ।।૩૫।।
કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખીને દૈત્યે કરી ખિજ રે ।
પછી અસુર નર ભેળા થઇ રે, ગયા ઘરની સંપત્તિ લઇ રે ।।૩૬।।
અન્ન ધન મહિષી ને ગાય રે, તેમાં રહેવા દીધું નહિ કાંય રે ।
એહ આદિ જે આપિયાં દુઃખ રે, તેતો કહ્યાં જાય નહિ મુખ રે ।।૩૭।।
થયાં નિર્ધન નહિ ખાવા અન્ન રે, ન મળે નવું પેરવા વસન રે ।
પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે ।।૩૮।।
કહે જુવો આ ધર્મને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે ।
એતો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાયે એના મેમાન રે ।।૩૯।।
આવે એમ દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઉંડું રે ।
તેને ઉછિ ઉધારૂં કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે ।।૪૦।।
ન મળે અન્ન પોતાને ખાવા રે, પણ ન દિયે પત્યને જાવા રે ।
એમ બહુ દિન દુઃખ સહ્યું રે, ત્યારે એક દિન ભક્તિએ કહ્યું રે ।।૪૧।।
કહે પ્રેમવતી સુણો સ્વામી રે, પામ્યાં દુઃખ રહી નહિ ખામી રે ।
તમે જાણો છો સર્વે ઉપાય રે, મટાડો તો વાર નથી કાંય રે ।।૪૨।।
અન્ન વસ્ત્રનું દુઃખ આપણે રે, નથી મટતા મેમાન આંગણે રે ।
આપણે તો ફળ ફુલ જમું રે, ભાજી ખાઇને દિન નિગમું રે ।।૪૩।।
પણ મેમાન તે કેમ જમે રે, કહું છું એમ પણ જેમ ગમે રે ।
એવું સુણી બોલ્યા ધર્મવાણી રે, કહું સાંભળો તમે કલ્યાણી રે ।।૪૪।।
સુખ દુઃખ જે લખ્યું શરીર રે, ટાળ્યું ન ટળે રાખવી ધીર રે ।
જોને કરાવ્યા મહારૂદ્ર જેહ રે, થાવા સુખ કરાવિયા તેહ રે ।।૪૫।।
તેણે દુઃખ મટ્યું નહિ અણું રે, સામું કષ્ટ થયું કોટિઘણું રે ।
માટે સુખ દુઃખ લખ્યું જે ભાલ રે, મટે ઘટે નહિ એક વાલ રે ।।૪૬।।
દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે ।
જોને ઇંદ્ર અંગે થયો ભંગ રે, પામી શચી દુઃખ એ પ્રસંગ રે ।।૪૭।।
વસિષ્ઠ ને અરુંધતી જેહ રે, શત્રુ થકી દુઃખ પામ્યાં તેહ રે ।
રાજા નળ વળી દમયંતી રે, તેહપણ પામ્યાં દુઃખ અતિ રે ।।૪૮।।
એવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઇ આગળ્ય ન કહ્યું રે ।
એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રૂદન કરવા અતિ રે ।।૪૯।।
હુંતો તમને શા વડે સેવું રે, નથી ઘરમાં પદારથ એવું રે ।
મારી હોંશ રહી મન માંઇ રે, તમને સેવી શકી નહિ કાંઇ રે ।।૫૦।।
ન મળે ઘરમાં જમવા અન્ન રે, શિયો કરૂં મનોરથ મન રે ।
ત્યારે બોલિયા ધર્મ દયાળ રે, ભક્તિ દુઃખ ન રહે સદા કાળ રે ।।૫૧।।
માટે ધીરજયે ધર્મમાં રહેવું રે, મુખે કાયર વેણ ન કહેવું રે ।
ભક્તિ મુકવી નહિ શિર સાટેરે, કહું સત્યવાદી છો તે માટે રે ।।૫૨।।
સુખ દુઃખમાં રહેવું અડગ રે, પરઠ્યો પાછો ન મેલવો પગ રે ।
એમ ટેક રાખો મનમાંય રે, કરવી ચિંતા ઘટે નહિ કાંય રે ।।૫૩।।
જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજે બણીને રે ।
કરીશ એનો હવે હું ઉપાય રે, રહેજયો રાજી તમે મનમાંય રે ।।૫૪।।
કરીશું તેમ થાશે જેમ સુખ રે, હવે નહિ રહે ઘણા દિન દુઃખ રે ।
એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે ।।૫૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને મળીને ભક્તિધર્મ ઘેર આવ્યાં એ નામે તેરમું પ્રકરણમ્ ।।૧૩।।