૧૨. ધર્મોપદેશ, રામપ્રતાપનો જન્મ,અસુરો દ્વારા હેરાનગતિ, પ્રયાગમાં રામાનંદસ્વામીનો મેળાપ અને મહા

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:32pm

પૂર્વછાયો-

પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત ।

પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।।

એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજયો સુંદરી ।

ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।।

સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા ।

રહેજયો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।।

દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજયો ।

કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજયો ।।૪।।

ચોપાઇ-

રહેજયો સર્વે એકાદશી વ્રત રે, કરજયો ઉત્સવ જેવી સામર્થ રે ।

વળી સતપુરૂષનો સંગ રે, કરજયો ઉરે આણી ઉછરંગ રે ।।૫।।

દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે ।

ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।।

કહે સુતપ્રત્યે બાળશર્મા રે, તમે જાજયો અયોધ્યા નગ્રમાં રે ।

એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।।

જયારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે ।

કહે સુખી રહેજયો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।।

એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે ।

તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજયું ત્યાં તન રે ।।૯।।

પછી સાંભળજયો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે ।

જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।।

રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ કીર્તન હુલશી રે ।

ધર્મ ન ત્યાગે આપતકાળ રે, કહે લોક આ ધર્મ દયાળ રે ।।૧૧।।

પછી આવી ત્યાં દ્વાદશ નારી રે, સેવે શ્રદ્ધાદિ પ્રેમ વધારી રે ।

દેખે ધર્મ ને ભક્તિ દોય રે, બીજા દેખે નહિ જન કોય રે ।।૧૨।।

કરે સંધ્યા તર્પણ કર્મ નિત્ય રે, સત્ય શાસ્ત્ર માંહિ ઘણી પ્રીત્ય રે ।

એવા ધર્મદેવ ધુરંધર રે, કરે ભક્તિ પ્રભુની સુંદર રે ।।૧૩।।

એમ કરતાં દંપતિ આપ રે, જન્મ્યા સુત શ્રીરામપ્રતાપ રે ।

ગુણે સંકર્ષણ સમાન રે, દાતાર શૂર ભક્ત નિદાન રે ।।૧૪।।

હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેળો સહ્યો જેણે શાપ રે ।

તેહ ઋષિએ ધર્યાં છે તન રે, જોઇ દ્વિજનાં કુળ પાવન રે ।।૧૫।।

જિયાં જિયાં રહ્યાતા એ મુનિ રે, કરતા ભક્તિ પ્રેમેશું પ્રભુની રે ।

દિનદિન પ્રત્યે અતિ ઘણી રે, કરતા કથા શ્રીકૃષ્ણજી તણી રે ।।૧૬।।

ત્યારે અભક્ત નર જે અભાગીરે, તેને વાત એ વસમી લાગીરે ।

પછી જિયાં તિયાંથી અદેવ રે, વૈર આદરિયું તતખેવ રે ।।૧૭।।

ધર્મવાન ભક્તિવાન જન રે, તેને આદર્યું કરવા વિઘન રે ।

વળી ભક્તિ ધર્મ ઋષિ જેહ રે, તેને સમઝે સાચા શત્રુ તેહ રે ।।૧૮।।

જેમ જેમ પીડા પામે ધર્મ રે, એવાં કરે તે કુકર્મી કર્મ રે ।

જેમ જેમ પીડા પામે ભક્તિ રે, એવાં કષ્ટ ઉપજાવે કુમતિ રે ।।૧૯।।

જેમ જેમ દુઃખી થાય મુનિ રે, એવી મતિ છે સહુ અસુરની રે ।

પરઠે ગુણમાં અવગુણ અતિ રે, મહા પાપમય જેની મતિ રે ।।૨૦।।

પુર ગ્રામ દેશમાં જે દૈત્ય રે, પીડે છે ભક્તિ ધર્મને નિત્ય રે ।

તેને દુઃખે ભક્તિ ધર્મદેવ રે, આવ્યાં અયોધ્યામાં તતખેવ રે ।।૨૧।।

તોય કુકર્મી કેડ ન મુકે રે, દેતાં દુઃખ ઘડીએ ન ચુકે રે ।

પછી એ દુઃખ ટાળવા કાજ રે, ગયા કાશીમાંહિ ધર્મરાજ રે ।।૨૨।।

જાણી શિવની પુરી સુંદર રે, તિયાં કરાવિયો મહારૂદ્ર રે ।

કષ્ટ મટાડવા કર્યો ઉપાય રે, પણ કષ્ટ મટ્યું નહિ કાંય રે ।।૨૩।।

તિયાં પણ દનુજ સમૂહ રે, વેષ મનુષ્ય ને કરે દ્રોહ રે ।

પામ્યાં પીડા ત્રણે ત્યાં અતિ રે, પછી ગુપ્ત પણે કરી ગતિ રે ।।૨૪।।

કષ્ટ મટવા કરે છે ઉપાય રે, પણ કષ્ટ મટે નહિ કાંય રે ।

પછી ત્યાંથી આવિયા પ્રયાગે રે, અતિકૃશ છે તનમાં ત્યાગે રે ।।૨૫।।

કર્યું સંધ્યાતર્પણ ગંગા નાઇ રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાંઇ રે ।

રહ્યાં ઘણું એ સ્થળ મોઝાર રે, તિયાં મળ્યા શ્રીવૈષ્વાચાર રે ।।૨૬।।

નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદ્ગુરુ રૂપ મૂરતિ રે ।

મહા તપેશ્વર ત્યાગ તને રે, ધીર ગંભીર મોટા છે મને રે ।।૨૭।।

આપે મુમુક્ષુને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારીનો વેષ રે ।

ઊર્ધ્વપુંડ્ર કર્યું ત્યાં કેસરે રે, કુંકુમ ઇંદુ મધ્યે મન હરે રે ।।૨૮।।

કંઠે માળા તુલસીની દોય રે, જોઇ જનતણાં મન મોય રે ।

એવે વેષે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞાસુની રે ।।૨૯।।

બહુ શિષ્યે સહિત ફરે છે રે, સહુને જ્ઞાનોપદેશ કરેછે રે ।

શબ્દબ્રહ્મ પરબ્રહ્મ પ્રિછે રે, યથાર્થપણે જેમ ઇચ્છે રે ।।૩૦।।

એવા સ્વામી જેહ રામાનંદ રે, તેને મળીને પામ્યા આનંદ રે ।

બહુ હેતે કરી ધર્મદેવરે, કરે મોટા જાણી નિત્ય સેવરે ।।૩૧।।

એક દિવસ ચાંપતા ચરણ રે, આવી નિદ્રા ને ઢળિયા ધરણ રે ।

સુખે સુતા ત્યાં થયું સ્વપન રે, પામ્યા તેજમંડળનું દર્શન રે ।।૩૨।।

તેમાં શ્રીકૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।

પામ્યા અંતરે દર્શન એહ રે, જાણીકૃપા શ્રી સ્વામીની તેહ રે ।।૩૩।।

જાણ્યા સદ્ગુરુ એક આ સ્વામીરે, પામ્યા શરણ બેઉ શીષ નામીરે ।

પછી સ્તુતિ દંપતીએ કિધી રે, એથી ભાગવતી દીક્ષા લીધી રે ।।૩૪।।

આપી સ્વામીએ માળા તે દોય રે, બાંધી ધર્મે તુલસીની સોય રે ।

પછી શ્રીકૃષ્ણના મંત્ર જેહ રે, અષ્ટાક્ષરના કહાવે છે તેહ રે ।।૩૫।।

તેનો હેતે ઉપદેશ કીધો રે, પોતા શરણે ધર્મને લીધો રે ।

કહ્યો શરણમંત્ર તે સમાન રે, વિશેષ મહામંત્ર નિદાન રે ।।૩૬।।

એહ બેઉ મંત્ર સુખકારી રે, સુણી ધર્મ લીધા મને ધારી રે ।

પછી નર નારીનાં જે નિયમ રે, પુછ્યાં પાળવાનાં કરી પ્રેમ રે ।।૩૭।।

કહું સુણો સહુજન હવે રે, જેજે કહ્યું છે એના ગુરુવે રે ।

સર્વે સંપ્રદાયની જે રીત રે, કહી અતિપરમ પુનિત રે ।।૩૮।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મને રામાનંદ સ્વામી મળ્યા એ નામે બારમું પ્રકરણમ્ ।।૧૨।।