પૂર્વછાયો-
વડા ભક્ત વાકળમાં, અતિ મહાત્મી મન ઉદાર ।
હરિ હરિજન ઉપરે, જેના પ્રેમનો નહિ પાર ।।૧।।
મન કર્મ વચને કરી, હરિભક્તિ ઉપર ભાવ ।
તન મન ધન વડે, સંત સેવવા ઉચ્છાવ ।।૨।।
જેવા જન વાકળના, તેવા જ કાનમમાંઇ ।
વિશવાસી વિકાર વિના, કપટ છળ નહી કાંઇ ।।૩।।
સદા એ જન સુખીયા, જેને પ્રકટ પ્રભુશું પ્રીત ।
એવા જન અમળનાં, હવે લખું નામ કિંચિત ।।૪।।
ચોપાઇ-
વડાભક્ત વડોદરામાંઇ, જેને અતિહેત હરિમાંઇ ।
કણબી ભક્ત કહીએ વનમાળી, જેણે બીક જગતની ટાળી ।।૫।।
નાથજી ને વળી વનમાળી, પ્રભુદાસની ભાવના ભાળી ।
ભગવાનદાસ ને કેસુર, પીતાંબર ભુખણ જરૂર ।।૬।।
જગ જીવનને નારાયણ, પ્રભુ પુરૂષોત્તમ ઘેલો જાણ ।
એહઆદિ કણબી અપાર, ભજે નારાયણ નરનાર ।।૭।।
દ્વિજભક્ત નાનોભાઇ નામ, ભજે હરિ તજી મનકામ ।
રામચંદ્ર હરિચંદ્ર ભાઇ, શોભારામ કહીએ શાસ્ત્રીમાંઇ ।।૮।।
બાપુ જેઠો ને વ્રજજીવન, ભક્ત બ્રાહ્મણમાં ધન્ય ધન્ય ।
સદાશિવ ધનેશ્વર નામ, ભક્ત ખુશાલ લક્ષમીરામ ।।૯।।
એહ આદિ દ્વિજ અપ્રમિત, સરવેને શ્રીસ્વામીશું પ્રીત ।
શેઠ પ્રભુદાસ હરજીવન, બાપુભાઇ પ્રેમાનંદ જન ।।૧૦।।
વૃદાવન ગંગાદાસ વણિક, ભજયા હરિ તે કરી વિવેક ।
કાછિયો પુરૂષોત્તમ જન, જેણે નિજકુળ કર્યું પાવન ।।૧૧।।
ખુશાલ ભાઇજી રણછોડ, હરિ જેરામ ઇશ્વર જોડ ।
પ્રેમીભક્ત છે વામનજી ભાઇ, એહઆદિ છે કાછિયામાંઇ ।।૧૨।।
જન તંબોળી છે નાનબાઇ, તેના સુત નારાયણભાઇ ।
દક્ષણી ભક્ત નારાયણ રાઓ, ઢંઢુરાઓનો ઢળિયો દાવો ।।૧૩।।
ચિમનરાઓ પ્રભુ દ્વિજ એક, જાણે સાર અસાર વિવેક ।
દક્ષણી ભક્ત છે અંબાબાઇ, દ્વિજ દક્ષણી દાજીબાભાઇ ।।૧૪।।
શિલાટ ફતોજી તારાચંદ, મોતી હિરજી ને અમીચંદ ।
ખત્રિભક્ત નથુ અંબારામ, પુરૂષોત્તમ દયારામ જેરામ ।।૧૫।।
નંદલાલ તારાચંદ નામ, ભક્ત સોની સારો ગંગારામ ।
ભક્ત સુતાર છે ધર્મદાસ, જેને પ્રભુનો છે વિશવાસ ।।૧૬।।
ભક્ત લુવાર મુળજી નામ, હરિજન લુવાણો જેરામ ।
બેચર આદિ જણસાળી જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૧૭।।
એહાદિ બહુ બાઇ ભાઇ, વસે શહેર વડોદરામાંઇ ।
જોઇ અનંત પર્ચા ચમત્કાર, રહે મગન મને નરનાર ।।૧૮।।
કણબી ભક્ત પ્રાગજી દાજી, વસે ગામ શિશુવેરે રાજી ।
કોળી ભક્ત બાજીભાઇ કહીએ, એહ ગામ આંબોદરે લહીએ ।।૧૯।।
કણબી ભક્ત છે માવજીભાઇ, કાજુ જન રહે કપુરાઇ ।
કણબી ભક્ત પ્રભુદાસભાઇ, હરિજન એક લાડુબાઇ ।।૨૦।।
ભક્ત મેતર રામો છે નામ, એહ જન વસે છાંણી ગામ ।
કણબી ભક્ત ગણેશજી જાણો, કોળીભક્ત કરાર પ્રમાણો ।।૨૧।।
શેઠ ભક્ત મોરારજી ભાઇ, એહાદિ જન સાંકરદામાંઇ ।
કોળીભક્ત કાનજીભાઇ કહીએ, પ્રતાપસિંઘ અણઘડે લહીએ ।।૨૨।।
કણબી ભક્ત દયાળજીભાઇ, જાદવ રણછોડ વજો દેસાઇ ।
બાજી ઝવેર પુરૂષોત્તમ, બાઇ સાકર ને વળી પ્રેમ ।।૨૩।।
કોળી ભક્ત બાજી નારભાઇ, વસે ગામ એ ગોરવામાંઇ ।
કણબી ભક્ત રુગનાથ નામ, જીજી વિઠ્ઠલ લક્ષમીરામ ।।૨૪।।
ભક્ત નરહર ને કાશીભાઇ, હરિજન છે રળિયાતબાઇ ।
ભક્ત સુતાર ગિરધર ગણીયે, કોળી જોરો ઉમેદ ભણીયે ।।૨૫।।
કૃષ્ણ માળી ને મુળો મેતર, એનાં છે અટલાદરે ઘર ।
પટેલ ભક્ત કહીએ વ્રજભાઇ, ભક્ત અજુભાઇ ને દેસાઇ ।।૨૬।।
દાજી ગિરધર ભગવાનદાસ, જોરો રણછોડ જગથી ઉદાસ ।
હરિજન છે ગલાલ બાઇ, મોટીબાની પ્રીત પ્રભુમાંઇ ।।૨૭।।
એહઆદિ બાઇ ભાઇ લહીએ, વસે ભક્ત ઘણા કરાલીયે ।
કોળી ભક્ત પ્રતાપ નિદાન, સમિયાળે કણબી ભગવાન ।।૨૮।।
કણબી ભક્ત બાજી મોરારજી, વસે ડભાસામાં દંભ તજી ।
કણબી ભક્ત નારાયણ નામે, સારો જન સેજાકુંવે ગામે ।।૨૯।।
ક્ષત્રિભક્ત બાપુભાઇ વળી, કણબી લક્ષમણ રહે પિપળી ।
દ્વિજ હરિજન મનોહર, આમળે જન ગૌરીશંકર ।।૩૦।।
દ્વિજ રામચંદ્ર ને નાગજી, ત્રિકમજીએ તૃષણા તજી ।
શેઠ ભક્ત છે અંબાવીદાસ, ગિરધરભાઇ ભજે અવિનાશ ।।૩૧।।
દાજી ગિરધર કણબી જન, દ્વિજ બાઇ જીવી ને રતન ।
એહઆદિ જન બાઇ ભાઇ, વસે ગામ સરસવણીમાંઇ ।।૩૨।।
કણબી બાઇ છે ડાઇ કુંવર, ભજે હરિ રહે વિરપર ।
કણબી ભક્ત ઉધ્ધવ રેવાદાસ, ભવાનીદાસ પ્રભુને પાસ ।।૩૩।।
પુરૂષોત્તમ જીજીભાઇ જન, નરહર ગિરધર પાવન ।
ભક્ત દેવદાસ ને ત્રિકમ, પડી શંકરને સાચી ગમ ।।૩૪।।
ભગવાનદાસ વ્રજભાઇ, નારાયણ એક બેઉ ભાઇ ।
દ્વિજ ભક્ત બાપુભાઇ કહીએ, એહાદિ જન ઇંટોલે લહીએ ।।૩૫।।
કણબી ભક્ત માધોભાઇ નામે, ભજે હરિ રહે વરણામે ।
કણબી ભક્ત છે ગરીબદાસ, કેશવદાસે તજી જુઠી આશ ।।૩૬।।
દ્વિજ ભક્ત કહીએ કાશીરામ, જગજીવન સાપોર ગામ ।
ભક્ત વણિક હરજીવન, ખુશાલ તુલસી હરિજન ।।૩૭।।
નરોત્તમ આદિ છે વણિક, ભક્ત લુવાર બેચર એક ।
એહ આદિ જન જે કહેવાય, વસે ગામ રામનાથ માંય ।।૩૮।।
દ્વિજ ભક્ત છે રામશંકર, રતનેશ્વર ભક્ત બેચર ।
કણબી ભક્ત ગિરધર આદે, એહ ભક્ત રહે ગામ સંવાદે ।।૩૯।।
દ્વિજભક્ત એક ભગવાન, વસે ગામ સલાડ્યે નિદાન ।
કણબી ખુશાલ ગોવિંદભાઇ, પુરૂષોત્તમ મંડાળા માંઇ ।।૪૦।।
દ્વિજભક્ત શિવશંકર ભાઇ, ભક્ત કુબેર રહે ગામ પિસાઇ ।
ભક્ત ભગવાન છે કુંભાર, રહે અબીપર ગામ મોઝાર ।।૪૧।।
અલોચન ને કેવળ સોઇ, દ્વિજ કરૂણાશંકર રહે ડભોઇ ।
કણબી કુબેર મનોહર કહીયે, રૂડા ભક્ત એ વસે વસૈયે ।।૪૨।।
દ્વિજભક્ત કહીએ પ્રભુરામ, એહાદિ જન કરધરે ગામ ।
કણબી ભક્ત વેણીદાસ કાવે, એહાદિ જન રહે ઢોલાવ્યે ।।૪૩।।
દ્વિજભક્ત છે ભુદેવભાઇ, કહીએ જન એ કુંઠેલામાંઇ ।
કણબી ભક્ત મેઘજી જાણો, ગામ પારીખે જન પ્રમાણો ।।૪૪।।
દ્વિજ ભક્ત જાદવ હરિભાઇ, છતા ભક્ત છે છતરાલ્યમાંઇ ।
દ્વિજભક્ત છે લક્ષમીરામ, કાજુ ભક્ત રહે કારવણ ગામ ।।૪૫।।
કણબી ભક્ત છે રણછોડભાઇ, રાયજી નથુ વેરીભા દેસાઇ ।
ત્રિકમ ભક્ત કહીએ સખીદાસ, એહાદિ જન કરમાલે વાસ ।।૪૬।।
કણબી ભક્ત રણછોડ નાનોજી, ભીખો લાલો ને નારણ બાજી ।
ભક્ત બાઇ ભાઇ એહ આદ્યે, ભજે હરિ રહે ઉતરાદ્યે ।।૪૭।।
કણબી ભક્ત છે તુલજો તેહ, રહે ગામ દિવેરમાં એહ ।
કણબી ભક્ત પુરૂષોત્તમ કહીએ, શેઠ હીરો ને કુબેર લહીએ ।।૪૮।।
એહ રહે રણાપુરમાંઇ, ભજે શ્યામસુંદર સુખદાઇ ।
હરિભાઇ કણબી પાવન, વસતો હરખો હરિજન ।।૪૯।।
એહાદિ સતસંગીની ટોળી, ભજે હરિ રહે ગામ દેરોળી ।
કણબી ભક્ત કહીએ કાશીદાસ, એહાદિ જન પાણેથે વાસ ।।૫૦।।
કણબી ભક્ત જોરોભાઇ જન, પુરૂષોત્તમ ભીખો પાવન ।
વળી ભક્ત એક વણારશી, એહ જન રાજપરાવાસી ।।૫૧।।
દલો બાજી કેશવ જેરામ, કણબી ભક્ત રહે ગામ ભદામ ।
દ્વિજભક્ત કહીએ સુખરામ, કાજુ ભક્ત રહે કન્યાળી ગામ ।।૫૨।।
ભક્ત કણબી કહીએ રાયજી, વસે ગામ ઝાંઝર માંયજી ।
દ્વિજભક્ત છે ગોવિંદરામ, કણબી તુલજો નરોત્તમ નામ ।।૫૩।।
એહાદિ જન રહે સેણાપરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।
શેઠ ખુશાલ ભક્ત પાવન, તુલસી નારાયણ હરિજન ।।૫૪।।
દ્વિજ કૃષ્ણજીને સતસંગ, એહાદિ જન ગામ સારંગ ।
દ્વિજભક્ત માહેશ્વર નામ, ભજે હરિ રહે મિત્રજ ગામ ।।૫૫।।
કણબી ભક્ત પ્રભુદાસ જેહ, રણછોડ નરહર તેહ ।
ભક્ત શેખ વસતો હરિભાઇ, નથુ આદિક અલદરમાંઇ ।।૫૬।।
જન કણબી જેરામ દલા, ભક્ત હરિના બોરીયે ભલા ।
પ્રભુદાસ કણબી પાવન, ગામ સલાદરે હરિજન ।।૫૭।।
કણબી જન છે ભૂધર આદ્યે, વસે ભક્ત એ ગામ પિસાદે ।
કણબી ભક્ત છે ભગતિભાઇ, વસે જન ઝાડેસરમાંઇ ।।૫૮।।
જેને ઘેર પધાર્યા મોરાર, નિર્ખિ સુફળ કર્યો અવતાર ।
જેજે લખાણા છે આમાં જન, તેને છે શ્રીહરિનું દર્શન ।।૫૯।।
પૂર્વછાયો-
જેજે કહ્યાં જીભે કરી, જન વિચારીએ જેહ ।
કહેતાં લાજે કવિ મને, વળી એમાં નહિ સંદેહ ।।૬૦।।
રવિ શશિની કિરણને, કોણ લેખી લેશે પાર ।
એમ જન છે આજનાં, અગણિત ને અપાર ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વાકળદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને ચોવીશમું પ્રકરણમ્ ।।૧૨૪।।