પૂર્વછાયો- કહું જન બુદેલખંડી, સમજયા સાચી વાત ।
પરોક્ષપણે જે પ્રિછતા, તે જાણ્યા હરિ સાક્ષાત ।।૧।।
તેણે આનંદ આવિયો, વળી ભાવિયો સતસંગ ।
દર્શન કરી દયાળનાં, ચડી ગયો ચિત્તમાં રંગ ।।૨।।
રૂડે ભાવે રસોઇ કરાવી, હરિજને જમાડ્યા નાથ ।
અત્તર ચંદન હરિને અંગે, હરિજને ચરચ્યું હાથ ।।૩।।
પ્રેમેશું પૂજા કરી, વળી પહેરાવ્યો પોષાગ ।
ધુપ દીપ ને આરતી, કર્યાં દંડવત અષ્ટાંગ ।।૪।।
અલભ્ય લાભ લઇ કરી, થયા પૂરણકામ ।
એવા જન અનઘનાં, હવે કહું સાંભળો નામ ।।૫।।
ચોપાઇ- દ્વિજ ભક્ત છે ભાઇ વખત, જાનકી શ્રીરામ ને શ્રીપત ।
નથુ હઠીરામ છોટારામ, આશારામ દ્રુવારામ નામ ।।૬।।
માંડણ મુળચંદ મરાખન, ગણેશ પરમેસરી જન ।
રામદાસ ને કૃષ્ણ ઝુલારી, ભોલારામ દોલતિયા દુલારી ।।૭।।
વિહારીલાલ ને બંસીધર, મદનસિંઘ દો મોતી સુંદર ।
રાજારામ ને દો રતિનામ, કનહિરામ કહીએ દો નામ ।।૮।।
ખુમાનરામ નવનસિંગ, કેશરી રામતુલસી અનઘ ।
ઠાકુરદાસ દોય તુરત્યરામ, ગોવિંદદાસ ને ગુમાન નામ ।।૯।।
બાજી રાઓ ને ધરમપાળ, પેજા રામાદિ દ્વિજ દયાળ ।
એહ આદિ છે ભક્ત ભાઇ, હરિજન છે ઠકુરૂ બાઇ ।।૧૦।।
હવે કહું જાટ હરિજન, પ્રભુ ભજી જે થયા પાવન ।
દિલિપસિંઘ માધોસિંઘ નામ, પારસિંઘ ને લાલજીરામ ।।૧૧।।
ગિરધારી ગંગારામ કહીએ, સુખરામ સોનેસિંઘ લહીએ ।
બહોરનસિંઘ આદિ ભાઇ, ખરા ભક્ત એ ક્ષત્રિયમાંઇ ।।૧૨।।
હરિજન બાઇ બા વખતિ, ઉમેદિબાની અચળમતિ ।
એહ જન મોટાં જાટમાંઇ, હરિ ભજી ને કરી ભલાઇ ।।૧૩।।
ઘણા ભક્ત છે ગુજરમાંઇ, જેને પ્રભુ વહાલા ઉરમાંઇ ।
વૈશ્ય જાતિમાં મોટા ભગત, સુંણો તેનાં નામની વિગત ।।૧૪।।
ગોવિંદરામ ને હીરારામ, ભક્ત દુલારી દોયે અકામ ।
લુનેરામ બુધ્ધજી અમૃજી, સાહેબરામ માણક્ય માનજી ।।૧૫।।
દીપશા ઝવેર પ્રાનસુખ, રામલાલ હરિ સનમુખ ।
એહ ભક્ત કહ્યા વૈશ્ય જાતિ, હવે સાંભળજયો સોની નાતિ ।।૧૬।।
નથુ માનજુ ને સરૂરામ, ઠાકુરદાસ ભક્ત બંસીનામ ।
તેલિ ભક્ત ગોવિંદજી કહીએ, જન બુધ્ધજી આદિ તે લહીએ ।।૧૭।।
ભક્ત તંબોળી ફકીરા નામ, નાથુ હિરા કહીએ દેવીરામ ।
કણબી ભક્ત છે નામ પૂરણા, એહ આદિ છે ભક્ત તે ઘણા ।।૧૮।।
સર્વે વસે એ સાંખનીગામ, ભજી હરિ કર્યું નિજકામ ।
દ્વિજ લછમન ભોળા ભાઇ, વસે ગામ તે સાહનમાંઇ ।।૧૯।।
ધન્ય ગામ દવારાના દાસ, જેને એક હરિની છે આશ ।
ક્ષત્રિ ભકત છે રાઓત નામ, હરિસિંઘ ને બોવદરામ ।।૨૦।।
સુખપાલ માણ્ક્ય નથન, પ્રાણસિંઘ ભીમજી ઢુંઢન ।
હિંદુરામ હરિપાળ કહીએ, ઘાશીરામ ને દલિલ લહીએ ।।૨૧।।
છતુરામદાસ ઉમરાવ, હાથીરામ દેવજીને ભાવ ।
કમળજી ને ખુમાનસિંઘ, ઠાકુરરામ ઢાંકન અનઘ ।।૨૨।।
સુતાન આદિ સતસંગી ભાઇ, હવે કહું હરિજન બાઇ ।
બાઇ હરિકુંવર વચનાં, મરજાદ જેકુંવર ઢુંનાં ।।૨૩।।
કાયથ દિલીપસિંઘ કહીએ, દ્વિજ લછમનાદિ જન લહીએ ।
એહાદિ ભક્તિ પ્રભુની કરે, વસે દાસ હરિના દવારે ।।૨૪।।
ભક્ત કાયથ તે છોટેરામ, સોનેરામ ને લાલજી નામ ।
પવિત્ર ભક્ત પ્રપેટ ગામે, જેણે ભજયા હરિ નિષ્કામે ।।૨૫।।
ધન્ય ધન્ય દેશ પંચમહેલ, કહું જન જે તેમાં વસેલ ।
ગુજર ઠાકર છે હરિસિંઘ, કાશીરામ છે ભક્ત અનઘ ।।૨૬।।
રાજસિંઘ ચંદ્રહંસ નામ, અમરસિંઘ ને તુલસીરામ ।
બુધ્ધસિંઘ અખેસિંઘ અમલ, આનંદસિંઘ ને રામફલ ।।૨૭।।
પરશુરામ કરણસિંઘ કહીએ, સોબતસિંઘ જોધારામ લહીએ ।
રૂપસિંઘ કૃષ્ણદાસ જેહ, બાલચંદ્ર ઇંદ્રજીત તેહ ।।૨૮।।
એહ આદિ ગુજર અપાર, રહે જન ગામ ધ્રોરા મોઝાર ।
ભક્ત ગુજર છે રાજારામ, બુધ્ધસિંઘ ને લછમન નામ ।।૨૯।।
બાઇ સુમેદા વિચિત્ર ધનું, પાંચુ પિરાનું બાઇ રતનું ।
જન સુજાન આદિ છે બાઇ, રહે ગામ એ રજારીમાંઇ ।।૩૦।।
ભક્ત કાયથ ઝવેર નામ, ગોરેલાલ જન જોધારામ ।
દાસ દુલારી નામ ઉચરિયે, એહ આદિ રહે ગામ ખરીયે ।।૩૧।।
ગુજર ભક્ત કલ્યાણ કહેવાય, જન નવલ ને ગાજી સાય ।
એહ ભક્ત રહે ગામ જતતિ, ભજે હરિ ફરે નહિ મતિ ।।૩૨।।
દ્વિજ ભક્ત એક નથુરામ, રહે બરકીસરાયે ગામ ।
ભક્ત અજુર્ ન એક છે નાઇ, રહે ગામ ચિતોરા તે માંઇ ।।૩૩।।
વૈશ્ય ભવાની ને ભોલેરામ, છોટેરામ બાગબહિ ગામ ।
જાટ ભક્ત બુધ્ધસિંઘ જાણો, દરિયાઓ સિંઘ પરમાણો ।।૩૪।।
બાદરસિંઘ ને ઇશ્વરદાસ, ઠાકુરદાસ ભજે અવિનાશ ।
ધનસિંઘ ગણેશ ભવાની, ધર્મપાળ જ્ઞાનસિંઘ જ્ઞાની ।।૩૫।।
નાથુ ગોવિંદ ઇશ્વર ભાઇ, તુલસી રહે ગામ મેનામાંઇ ।
ગામ હરશિમાં હરિજન, કાયથ નંદલાલ પાવન ।।૩૬।।
મદારી રામસિંઘ અમાના, મંગળ ખુશિયાલ ભવાના ।
મનસુક મુલા ને નથુવા, દોલતિય કૃષ્ણાજુ કલુવા ।।૩૭।।
બુધા સિતા આદિ બહુ બાઇ, સ્વરૂપી ફુલિયા પંજોબાઇ ।
બાઇ નેનુ દિપુ આદિ જન, વસે ગામ હરશિયે પાવન ।।૩૮।।
ભક્ત લુવાર કૃષ્ણ નિદાન, વસતા બદના હરિજન ।
વૈશ્ય ગુલાબ ને કૃષ્ણદાસ, ભજી હરિ તજી જગત્રાસ ।।૩૯।।
ભાઇ ભક્ત મનિ રાજારામ, એહ પણ રહે હરશિ ગામ ।
ભક્ત લુવાર છે ઘાશીરામ, ક્યારી ને નારાયણ નામ ।।૪૦।।
રામફલ વલુવા ગણેશ, ગઢુબા હરિ ભજે હમેશ ।
ભોઇ ભક્ત ને કલુવા કહીએ, જન નાઇ ગંુગચિયા લહીએ ।।૪૧।।
એહ આદિ જેહ બાઇ ભાઇ, રહે ગામ મગરોનીમાંઇ ।
એહ આદિ જન બહુ જાણો, દેશ પંચમહેલે પરમાણો ।।૪૨।।
પામી અનેક પરચા આપ, જાણ્યા હરિ થયો મનથાપ ।
ઘણા જન રહે ગંગાપાર, ભજે નારાયણ નરનાર ।।૪૩।।
ધનહરા ને ધર્મના મોળા, એવા જીવ બીજા જીયાં બોળા ।
એવા દેશમાં કરી નિવાસ, ધન્ય જે જે કાવ્યા હરિદાસ ।।૪૪।।
એહ જનનાં સાંભળો નામ, હરિ મળી બેઠાં ઠરિઠામ ।
દ્વિજભક્ત કહીએ ચંદિલાલ, ભજી નારાયણ થયો નિહાલ ।।૪૫।।
હરિજન ખુશિયાલદાસ, રામદિનને થયો સમાસ ।
ઠાકુરદાસ ને ચુડામણ, રહે લથિપનગર બ્રાહ્મણ ।।૪૬।।
ભક્ત અગરવાલ વણિક, વેણીરામ નામે જન એક ।
લાવ્યો શ્રીહરિ સારૂં પોશાગ, ઝીણો જામો ને મુગલી પાઘ ।।૪૭।।
તે ધારી હરિએ હેત કરી, જને જોયા તે નયણાં ભરી ।
નિર્ખિ નાથ લીધો જેણે લાઉ, એહ જન રહે લખનાઉ ।।૪૮।।
કહું વછઘોશ દેશવાસી, અતિ ઉત્તમ ને વિશવાસી ।
સાધુ સ્વભાવ અંતરે અતિ, કેદિ ધર્મથી ન ચળે મતિ ।।૪૯।।
એવા જન નિરમળ જાણી, કહું નામ તેનાં હું વખાણી ।
દ્વિજભક્ત છે હરગોવિંદ, નિરખિ નાથ ને પામ્યો આનંદ ।।૫૦।।
તેનો છે પવિત્ર પરિવાર, સરવેને સ્વામીનો આધાર ।
ભાવે ભક્તિ પ્રભુજીની કરે, બહુ બાઇ ભાઇ રહે ડેહરે ।।૫૧।।
દેશ ગામ નામ લખી જાત્ય, છે અપાર કહું હું શી વાત ।
ભૂતકાળની મેં નથી ભાખી, નથી ભવિષ્યની લખી રાખી ।।૫૨।।
વ્રતમાન કાળની મેં કહી, તે પણ યથારથ નથી થઇ ।
જેમ ક્રપિ વાવરતાં ધન, પળે પળે સંકોચાય મન ।।૫૩।।
તેમ કહીછે થોડામાં વાત, સત્ય માની લેજયો મારા ભ્રાત ।
જેમ અર્ણવે લહરી અપાર, નવી નિપજે ન આવે પાર ।।૫૪।।
તેમ હરિ થકી હરિજન, નવા નિપજે છે નિશદન ।
તેને લેખીને લખવા જાય, એવું તો કેદિયે ન મનાય ।।૫૫।।
પૂર્વછાયો- કૂપદાદુર કૂપનો, ભાઇ કુદી પામે પાર ।
પણ સરે જાતાં સાહેરને, લાગે લગારેક વાર ।।૫૬।।
તેમ સતસંગ સાગર, ભર્યો છે ભરપૂર ।
તેનો જે જન પાર લેવા, જાય તે મતિ ભૂર ।।૫૭।।
એક જીભે જનનાં, નોય નામનો નિરધાર ।
સહસ્રજુગ જીભે શેષજી, નથી નથી પામતા પાર ।।૫૮।।
કોયક નર આકાશનો, વળી લેવા ઇચ્છે અંત ।
પણ અનળ તે ઓરાં રહે, જે બહુપાંખે બળવંત ।।૫૯।।
તેમ સતસંગ સરવે, છે જો અનંત અપાર ।
કવિ અંડજ ઉડે ઘણું, પણ અંત્યે પામે હાર ।।૬૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હિન્દુસ્થાનના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને સતાવિશમું પ્રકરણમ્ ।।૧૨૭।।