પૂર્વછાયો- દેશદેશના દાસનાં, લખિયાં ગામ ને નામ ।
હવે લખવા પરચા, મારા હૈયામાં ઘણી હામ ।।૧।।
પ્રભુ તિયાં પ્રભુતાઇની, આશ્ચર્ય ન મળે કાંઇ ।
પૂરણકામ પુરૂષોત્તમ, સરવે સામર્થી જે માંઇ ।।૨।।
તેહ પ્રભુજી પ્રકટી, કર્યાં બહુ બહુ કાજ ।
લૌકિકમાં અલૌકિક લીળા, દેખાડી મહારાજ ।।૩।।
સમૈયા સદાવ્રત માંહિ, અખૂટ રહ્યાં જે અન્ન ।
મહારૂદ્ર અતિરૂદ્ર આપે, કર્યા વિષ્ણુજગન ।।૪।।
તેહમાંહિ તલભારની, વળી નાવી ખરચતાં ખોટ્ય ।
વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડ્યા કોટ્ય ।।૫।।
ચોપાઇ- તેહ વિના જે પરચા અન્ય, કહું સાંભળજયો સહુ જન ।
પ્રથમ પર્વતભાઇની વાત, કહું વર્ણવી તેહ વિખ્યાત ।।૬।।
કણબી કુળમાં કારણરૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ ।
સ્વામી રામાનંદજીને મળી, જેની દેહદશા તેહ ટળી ।।૭।।
પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણબ્રહ્મ પ્રકટ્યા તેહ ।
તે પ્રભુ પ્રકટની મૂરતિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ ।।૮।।
તોય ઉપજયો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર ।
હતું અંતર એ વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત ।।૯।।
રાખી વૃત્તિ પ્રભુમાં એકતાર, સ્વામી સહજાનંદ મોઝાર ।
જોઇ મહારાજશ્રીની મૂરતિ, સુખસાગર સુંદર અતિ ।।૧૦।।
પછી જોયું તેને આસપાસ, દિઠો અતિ અતિ પરકાશ ।
તેમાં ચોવિશ જે અવતાર, દીઠા જુજવા રૂપ આકાર ।।૧૧।।
મત્સ્ય કચ્છ વારાહ નૃસિંઘ, વામન પરશુરામ અનઘ ।
રામ કૃષ્ણ બુધ્ધ ને કલંકી, પુરૂષઅવતાર અલૌકી ।।૧૨।।
સુયજ્ઞપુરૂષ જે અનુપ, કપિલ દત્તાત્રેયસ્વરૂપ ।
સનકાદિક ને બદ્રિપતિ, મહાધ્રુવ વરદેણ મૂરતિ ।।૧૩।।
પૃથુ રૂષભદેવ રાજન, હયગ્રીવ હરિ ધારી તન ।
હંસમૂરતિ ધનવંતરી, આવ્યા વ્યાસ નારદ તન ધરી ।।૧૪।।
એવાં ચોવિશે હરિનાં રૂપ, એકએકથી અતિ અનૂપ ।
દિઠાં પર્વત ભાઇએ પોતે, આવ્યો અતિ આનંદ તે જોતે ।।૧૫।।
હૈયે હરખ મુખ બોલે વાણી, દિધાં દરશન નાથ દયા આણી ।
પછી પ્રેમેશું લાગ્યા છે પાય, અતિ આનંદ ઉર ન માય ।।૧૬।।
જોયાં ચોવિશે રૂપ ચિંતવી, તેણે અતિ સુખ શાંતિ હવી ।
પછી પ્રકટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાણાં સવેર્ સ્વરૂપ ।।૧૭।।
તે રૂપ રહ્યું હૃદામોઝાર, દેખે અંતર ભિતર બહાર ।
અર્ધ ઘડી તે અળગું ન રહે, તેથી સુખ જે ઇચ્છે તે લહે ।।૧૮।।
જેમ ચિંતામણિ હોય કને, જેહ ચાય થાય તેહ તને ।
લોક પ્રલોક અગમ ન રે, જે જે આપે ઇચ્છે તેહ કરે ।।૧૯।।
તેમ ચિંતામણિ હરિનું રૂપ, જેના અંતરમાં રહ્યું અનુપ ।
તેહ જન જે ચિંતવે તે થાય, લોક પરલોક ઇચ્છે ત્યાં જાય ।।૨૦।।
વૈકુંઠ ગોલોક શ્વેતદ્વિપ, તેહને દેખે જેમ સમીપ ।
અક્ષરધામ આદિ લોક જેહ, દેખે સાંભળે કહે વળી તેહ ।।૨૧।।
એમ પરવતભાઇની દ્રષ્ટે, નિરાવર્ણ આવર્ણ નહિ અષ્ટે ।
એતો વાત અલૌકિક અતિ, લોક પરલોકે જેની ગતિ ।।૨૨।।
એહ રીત્યે પરચા અગણિત, થાય પર્વતભાઇને નિત ।
એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।।૨૩।।
વળી વાત બીજી એક કહું, છે તો અપાર પાર કેમ લહું ।
ભક્ત એક અનુપમ જાણો, નામ મુળજી જાતિ લુવાણો ।।૨૪।।
હતો જનમાંતરે જીવ સારો, સત્યધર્મ લાગતો તે સારો ।
પછી જન્મ ધર્યો એણે જયારે, મળ્યો કુસંગ ન રહ્યો એવો ત્યારે ।।૨૫।।
કહું જન્મ ધરી જે જે કર્યું, થઇ ચોર પરધન હર્યું ।
મોટા ચોરમાંહિ તે મોવડી, હરે વસ્તુ જે નજરે પડી ।।૨૬।।
એવા બીજા અવગુણ બહુ, જાણે જન જગતમાં સહુ ।
ફરે હરવા વસ્તુ હમેશ, તેને અર્થે જાય દેશોદેશ ।।૨૭।।
એક દિન આવ્યો પ્રભુ પાસ, જીયાં હતા હરિ હરિદાસ ।
ભાવાભાવે થયાં દરશન, થઇ ધારણા ભૂલીયો તન ।।૨૮।।
વળી અંતરવરતિ પાછી, થઇ સહજમાં સમાધિ સાચી ।
દિઠાં બહુ લોક બહુ ધામ, માન્યો પોતાને પૂરણકામ ।।૨૯।।
પામ્યો સમાધિ સાર્મિથ અતિ, ઇચ્છા આવે તિયાં કરે ગતિ ।
જુવે સુરપુર ને કૈલાશ, સત્ય વૈકુંઠ ગોલોકે વાસ ।।૩૦।।
શ્વેતદ્વિપ ને અક્ષરધામ, દેખે બ્રહ્મનગર નિષ્કામ ।
આવે જાય તિયાં અહોનિશ, દેખે હરિનાં ધામ હમેશ ।।૩૧।।
તેની આવી કરે વાત વળી, પામે આશ્ચર્ય સહુ સાંભળી ।
માને પ્રતાપ મહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો ।।૩૨।।
તપ તીર્થ વ્રત કોટી કરે, દેહ દમિ ભમી ભમી મરે ।
તોય ન પામે સ્વપને સુખ, માટે મોટ્યપ શું કહીએ મુખ ।।૩૩।।
પણ કહેવાનું છે એ કારણ, જયારે મુળજીને થાય ધારણ ।
ત્યારે તન મન ભાન ટળે, જયારે બ્રહ્મમહોલમાં પળે ।।૩૪।।
ત્યારે વાટમાંઇ મળે વામ, રોકી રાખે બે ઘડી એ ઠામ ।
તે વાત કરી મહારાજ પાસ, સર્વે સુણી બોલ્યા અવિનાશ ।।૩૫।।
હવે જા જયારે ધારણામાંઇ, પળ એક ન રોકાવું ક્યાંઇ ।
મળે રૂદ્ર તો વાટ મુકાવી, કહેજયે થાય તેવું આંહિ આવી ।।૩૬।।
એવું સાંભળી મુળજી ચાલ્યો, જાતાં વાટે રૂદ્રે મળી ઝાલ્યો ।
કહે જા છ ઉતાવળો કિયાં, ઘડી બે લગી રોકીશ ઇયાં ।।૩૭।।
ત્યાર પછી તને જાવા દૈશ, જો તું અતિ ઉતાવળો હૈશ ।
ત્યારે મુળજી કહે મહારાજ, તમે રોકશો માં મને આજ ।।૩૮।।
આજ જાવું છે વહેલેરૂં વળી, તારો ખાળ્યો નહિ રહું ખળી ।
ત્યારે વામ કહે બોલ્ય વિચારી, જા તું જોરે તો નાખું હું મારી ।।૩૯।।
ત્યારે મુળજી કહે સુણ્ય મારી, આજ જટા હું ચૂંથીશ તારી ।
વદતાં વાદ આવ્યા બેઉબાથે, કરે યુધ્ધ જન જટિસાથે ।।૪૦।।
બેઉ જોધ બરોબર બળી, કોય કેને નાપે લેશ લળી ।
પછી મુળે મનમાં વિચાર્યું, બળ પ્રકટ પ્રભુનું સંભાળ્યું ।।૪૧।।
ત્યારે આવી સામર્થી અતિ અંગ, કર્યું કર્પિદનું અંગભંગ ।
પડ્યા કામારી કડાકો થયો, છુટી જટા છટા સુરશિયો ।।૪૨।।
આસ પાસ જુગલ જોજને, દીઠું સાંભળીયું સહુ જને ।
જીતી જન આવ્યો પ્રભુ પાસ, કહ્યું થયું જેહ તેહ દાસ ।।૪૩।।
સવેર્ સાંભળી આશ્ચર્ય પામ્યાં, વળતાં શ્રીજીચરણે શિશ નામ્યાં ।
કહે ધન્ય ધન્ય મહારાજ, થયો અલૌકીક પરચો આજ ।।૪૪।।
સુણી સત્સંગી થયા રળિયાત, કુસંગીને કહી નહીં વાત ।
એમ પરચા નિરંતર ઘણા, કહીએ કેટલા મુળજીતણા ।।૪૫।।
પ્રકટ પ્રભુથી પરચા થાય, તેતો લખતાં કેમ લખાય ।
કહેતાં સુણતાં આવે આનંદ, માટે કહું છું સુણો જનવૃંદ ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પર્વતભાઇ તથા મુળજીને પરચા પુર્યા એ નામે એકસો ને અઠ્ઠાવિશમું પ્રકરણમ્ ।।૧૨૮।।