ચોપાઇ-
થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત ।
ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।।
એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન ।
કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।।
અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી ।
ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।।
ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી ।
પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।।
જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ ।
દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજયા સુજાણ ।।૫।।
માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે ।
એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।।
કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર ।
કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।।
જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી ।
ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।।
જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત ।
સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।।
જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ ।
પ્રભુ પોતે છે દીનદયાળ,જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।।
સંત શુભગુણે અતિ ઓપે, કામ ક્રોધ ને લોભ ન લોપે ।
સાધુ સર્વે વળી હરિજન, તેનું હરિએ હર્યું વિઘન ।।૧૧।।
અતોલ સુખ સંતને આપ્યું, સર્વે શત્રુતણું મૂળ કાપ્યું ।
સાધુ સરવે રહેજયો આનંદે, હવે નહિ પડો કોઇ ફંદે ।।૧૨।।
તમ જેવા નથી કોઇ આજ, એમ શ્રીમુખે કહે મહારાજ ।
શીદ જોઇએ તમારે પ્રવૃત્તિ, તમે ગ્રહિ રહોને નિવૃત્તિ ।।૧૩।।
સદાવ્રતમાં શીદ બંધાવો, તમે ગુણ ગોવિંદના ગાવો ।
સદાવ્રત મેલશું સંકેલી, ઠાલા ફાંસનું ખાય છે ફેલી ।।૧૪।।
એને અર્થે જે ખરચતા અન્ન, તેનો કરશું હવે જગન ।
એવી સાંભળી વાલાની વાણી, સર્વે સંતે સત્ય કરી જાણી ।।૧૫।।
કહે સંત સુણો મહારાજ, સર્વે જણાણું અમને આજ ।
હવે જેમ કહો તેમ કરીએ, આપો આજ્ઞા તે શિર ધરીએ ।।૧૬।।
ત્યારે નાથ કહે સુણો સંત, મેલી સોરઠ ફરો નચિંત ।
પછી જયાં કહ્યું ત્યાં સંત ગયા, પ્રભુ પોતે સોરઠમાં રહ્યા ।।૧૭।।
પછી સતસંગી લઇ સાથ, ફર્યા ગામગામ વળી નાથ ।
પાણ ખાણ્ય લોજ માંગરોળે, મળે હરિજન હેતબોળે ।।૧૮।।
ત્યાંથી આવિયા કાણક ગામ, ભક્ત જેઠાસગરને ધામ ।
પછી આવ્યા છે કાલવાણીએ, વસે ભક્ત નાથો ત્યાં જાણીએ ।।૧૯।।
ત્યાંથી આવ્યા મઢડે મુરાર, તિયાં કરી છે લીલા અપાર ।
જેઠો જોઇને પામ્યો આનંદ, જેને મળેલ સ્વામી રામાનંદ ।।૨૦।।
પછી ત્યાંથી આવ્યા અગત્રાયે, રાખ્યા પ્રીત્યે શું પર્વત ભાયે ।
તિયાં આવ્યો છે કાઠીનો સાથ, તેને સંગે ચાલ્યા પોતે નાથ ।।૨૧।।
આખું પિપલાણું મેઘપર, તિયાં આવિયા શ્યામસુંદર ।
રહ્યા દિન દશપાંચ ત્યાંઇ, પાછા આવ્યા પિપલાણામાંઇ ।।૨૨।।
રહ્યા તિયાં દિન દોયચાર, પછી બોલિયા પ્રાણઆધાર ।
જોને કેવો ઉગ્યો છે આ સુર, જાણું રૂધિરમાં ભરપુર ।।૨૩।।
કહે મુળજીને મહારાજ, કર્ય જે જે કરવું હોય આજ ।
એમ કહીને ચાલિયા નાથ, સખા સર્વે હતા પોતા સાથ ।।૨૪।।
આવ્યા મેઘપુરે મહારાજ, કહે નહિ રહીએ આંહિ આજ ।
એવું જાણી જને તાણ્ય કરી, શ્યો અપરાધ અમારો હરિ ।।૨૫।।
રહો રાજી થઇ આજ રાત્ય, વહેલા ચાલજયો સહુ પ્રભાત્ય ।
એમ અજાણ્યે અતિશે તાણ્યું, પણ થાવાનું છે તે ન જાણ્યું ।।૨૬।।
પછી આવ્યા છે ગામમાં નાથ, ધાયો મારવા અસુરસાથ ।
મુક્યા મૂળજીએ તિયાં પ્રાણ, આવ્યા પ્રભુ પાસે અસુરાણ ।।૨૭।।
દગેભર્યા હથિયાર હાથ,તેને જોઇને ચાલિયા નાથ ।
પછી આવિયા મુળજી પાસ, જાણી પ્રભુજી પોતાનો દાસ ।।૨૮।।
રાખી રહ્યો તો આંખ્યમાં જીવ, જોવા પરમ હિતકારી પિવ ।
જયારે જોયા નયણે ભરી નાથ, મુક્યું તન ચેતન ચાલ્યું સાથ ।।૨૯।।
કરી ક્ષમા બોલ્યા નહિ શ્યામ, પછી આવ્યા છે ભાડેર ગામ ।
ત્યાંથી પધારીયા છે ધોરાજી, આવ્યા ખાંડાધારે બેસી વાજી ।।૩૦।।
પછી ગોંડલ બંધીએ ગયા, બેઉ રાત્ય નાથ તિયાં રહ્યા ।
મોટા ભક્ત જીયાં મુળુભાઇ, જેને હેત ઘણું હરિમાંઇ ।।૩૧।।
તેને ઘેર રહ્યા પોતે રાજ, પછી સરધારે આવ્યા મહારાજ ।
તિયાં કાઠીને શિખજ કરી, પોતે પધાર્યા હાલારે હરિ ।।૩૨।।
એક રાત્ય રાજકોટ રહ્યા, ત્યાંથી પછી ખિરસરે ગયા ।
તિયાં ભક્ત વસે લાખોભાઇ, રહ્યા રાત્ય એક સુખદાઇ ।।૩૩।।
પછી મોડે આવ્યા ભક્ત માટ્યે, ત્યાંથી અલૈયે ને શેખપાટ્યે ।
હરિ કરી ઘણી મોટી મહેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર ।।૩૪।।
ત્યાંથી પધાર્યા ભાદરામાંઇ, માસ એક રહ્યા પોતે ત્યાંઇ ।
પછી બોલિયા પ્રાણજીવન, કરીએ જેતલપુરે જગન ।।૩૫।।
જઇ ગોવિંદ સ્વામીને કહેજયો, તમે યજ્ઞના કામમાં રહેજયો ।
બીજો કાગળ લખિયો લઇ, વર્ણ થોડે વાત ઘણી કઇ ।।૩૬।।
માંચા સુરા સોમલા અલૈયા, મુળુ નાંજા માતરા મામૈયા ।
અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળશિ મળી ।।૩૭।।
એહ સર્વે તજી ઘરબાર, થાજયો પરમહંસ નિરધાર ।
જેમ મોટા મોટા ઘર મેલી, ભજયા હરિ તજી જગજેલી ।।૩૮।।
માટે માનજયો આજ્ઞા અમારી, મુકજયો સહુ મનમાં વિચારી ।
એટલી એને આગન્યા કરી, પોતે રહ્યા કાંઇક ત્યાં હરિ ।।૩૯।।
એમ કરતાં આવી છે દિવાળી, પ્રેમે પૂજયા જને વનમાળી ।
સુંદર ભોજન સારાં કરીને, હેતે જમાડીયા છે હરિને ।।૪૦।।
જેણે જોયાછે શ્યામ સુજાણ, થઇ સમાધિ ન રહ્યા પ્રાણ ।
તેને જગાડી જગજીવન, પછી પ્રભુએ કર્યું ભોજન ।।૪૧।।
થયાં સુખી જન લીલા ભાળી, આસો વદી અમાસ દિવાળી ।
તેદિ ગયાતા ભાદરે રાજ, મેર કરીને પોતે મહારાજ ।।૪૨।।
દીધાં દાસને દર્શન બહુ, નિર્ખિ નાથ સુખી થયાં સહુ ।
ધન્ય દેશ ગામને ભુવન, જીયાં રમિયા પ્રાણ જીવન ।।૪૩।।
ધન્ય ધન્ય એ નર ને નાર, જેણે નયણે નિરખ્યા મોરાર ।
નથી વાત જેવડી એ વાત, જાણે છે મોટા સંત સાક્ષાત ।।૪૪।।
પૂર્વછાયો-
જે જે ચરિત્ર મેં ચવ્યું, છે સર્વે અલૌકિક એહ ।
તેને લૌકિક જે લેખશે, મહા મૂઢશિરોમણિ તેહ ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્ર એ નામે ચોપનમું પ્રકરણમ્ ।।૫૪।।