૯૫. સરુતમાં સખુ પાલમાં શ્રીહરિની ભવ્ય સવારી, રાજા તથા અરદશેરને ત્યાં પધરામણી, અરદશે રને પાઘ આપી, શ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:29pm

પૂર્વછાયો-

સુંદર શહેર સુરતના, સતસંગી સર્વ સુજાણ ।

પ્રભુજી ત્યાં પધારિયા, જનહેતે જીવન પ્રાણ ।।૧।।

ચોપાઇ-

પછી ત્યાંથી ચાલિયા દયાળ, દીઠી વાટે વાટિકા વિશાળ ।

જોઇ જાયગા સુંદર સારી, વહે પાસે નિરમળ વારી ।।૨।।

તિયાં વિવિધ્યનાં વેલી વન, બીજાં જનને રહેવા ભવન ।

તિયાં ઉતરીયા અવિનાશ, આવ્યા દરશને બહુ દાસ ।।૩।।

લાવ્યા હાર પૂજા બહુ પેર, આવ્યા જન જેમ સિંધુલેર ।

કરી પૂજા લાગે સહુ પાય, વાલા આવા રહેજયો ઉરમાંય ।।૪।।

એમ સ્તવન કરે બહુ જન, કહે ભલે આવ્યા ભગવન ।

આજ અમપર અઢળ ઢળ્યા, બહુ દનના વાયદા વળ્યા ।।૫।।

એવી સાંભળી દાસની વાણી, હેતે બોલાવ્યા પોતાના જાણી ।

પછી જને કરાવ્યાં ભોજન, જમ્યા ભાવ જોઇ ભગવન ।।૬।।

જમ્યા સખા બહુ મુનિજન, પછી થઇ સંધ્યા વીત્યો દન ।

રહ્યા રાત્ય સુખે એહ ઠામે, પછી શું શું કયુર્ં સુખધામે ।।૭।।

પોઢી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।

કર્યો નિત્ય વિધિ તે દયાળે, દયાસિંધુ દીનપ્રતિપાળે ।।૮।।

ત્યાંથી ઉઠ્યા પોતે ભગવાન, દિધાં દાસને દર્શન દાન ।

પછી જન લાવ્યા સુખપાલ, સુંદર દર્પણે દિશે વિશાલ ।।૯।।

તેણે બેઠા પછી બહુનામી, અલબેલોજી અંતરજામી ।

વાજે વાજીંત્ર આગે અપાર, ધાયાં દરશને સહુ નરનાર ।।૧૦।।

ધીરે ધીરે ધરે પગ ભોઇ, જન મગન થયા નાથ જોઇ ।

પછી શિવાલય ગયા સુજાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।।૧૧।।

ત્યાંથી વળ્યા છે દીનદયાળ, કહ્યું જન થયો પ્રભુ થાળ ।

હતી રસોઇ નજીક પાસ, જને જમાડિયા અવિનાશ ।।૧૨।।

પછી પ્રેમેશું પૂજીયા નાથ, સુંદર વસ્ત્ર પહેરાવિયાં હાથ ।

ચર્ચ્યાં ચંદન અત્તર ભારી, ર્અિપ હાર આરતી ઉતારી ।।૧૩।।

પછી આગે ઉભા જોડી હાથ, જયજય બોલે મુખે ગાથ ।

પૂજી નાથ લીધો લાવો ભારે, પછી પ્રભુજી આવ્યા ઉતારે ।।૧૪।।

તિયાં શોભે સુંદર આંબલી, ઘણી ઘાટિ છે છાંયા જો ભલી ।

તિયાં બેઠા આવી બહુનામી, અલબેલો જે અંતરજામી ।।૧૫।।

કહે મુનિ પ્રત્યે ભગવંત, જમી સજજ થાઓ સહુ સંત ।

આજ જાવું છે શહેરમાં સહુને, દેવા દર્શન જન બહુને ।।૧૬।।

એવી વાત કરી જયારે વાલે, માની લીધી તે સહુ મરાલે ।

ત્યાંતો ત્યાર થયાંતાં ભોજન, જમી સજજ થયા મુનિજન ।।૧૭।।

એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યો સામો શહેર સરદાર ।

તેનું નામ અર્દેશરજી છે, અતિ ડાહ્યો જાતે પારશી છે ।।૧૮।।

મોટા પુરાણી પંડિત સંગે, આવ્યો તેડવા અતિ ઉમંગે ।

રથ વેલ્ય પાલખી પેદળ, બહુ વાજીંત્ર સંગે સબળ ।।૧૯।।

આવી લાગ્યો પ્રભુજીને પાય, નિર્ખિ હરખ્યો અતિ મનમાંય ।

પછી અલબેલો અઢળ ઢળ્યા, નાથ બાથ ભરી તેને મળ્યા ।।૨૦।।

નાથ કહે સુખી છો તન મને, કહે સુખી હું આજ દર્શને ।

બહુ દિનની જોતોતો વાટ, વાલા તમારાં દર્શન માટ ।।૨૧।।

બહુ તાણ્યું તમે અમસાથે, આજ મહેર કરી મુજ માથે ।

જેમ આવ્યા છો આજ લહેરમાં, તેમ નાથ પધારો શહેરમાં ।।૨૨।।

કરે દર્શન સહુ નરનાર, થાય બહુ જીવ ભવપાર ।

નાથ કહે સારૂં ચાલશું ત્યાંઇ, પણ રહેવા રૂડું બહુ આંઇ ।।૨૩।।

પછી તર્ત થયા અસવાર, ચાલ્યા સુરત શહેર મોઝાર ।

આગે પલટણ પાળા અપાર, બીજાં મનુષ્ય હજારો હજાર ।।૨૪।।

વાજે વિવિધનાં વાજાં વળી, ઢોલ ત્રાંસા કાંસાં ને વાંસળી ।

ભેરી ભુંગળ રણશિંગાં તૂરી, રૂડી શરણાયું સ્વર પૂરી ।।૨૫।।

થાય ઘોર નગારાંની ઘણી, બહુ શોભે અસવારી બણી ।

ચાલે ધીરે ધીરે પગ ધરે, જુવે જન તેનાં મન હરે ।।૨૬।।

શોભે શ્યામળો સુંદર ઘોડે, સારા સખા બીજા બહુ જોડ્યે ।

શોભે સુરવાળ શ્વેત અંગી, શિશે રેંટો કસુંબી સોરંગી ।।૨૭।।

ઢોળે ચમર તે પર દાસ, શોભે અતિરૂડા અવિનાશ ।

કેડે રથ વેલ ગાડી ઘણી, બહુ શોભા પાલખીની બણી ।।૨૮।।

એમ શોભે છે બહુ સમાજ, ચાલ્યા મુનિ સંગે મહારાજ ।

બીજાં બહુ જન સંગે સુજાણ, ચાલ્યા જેમ ઉલટ્યો મેરાણ ।।૨૯।।

ચડી ગર્દ ઢંકાણો ગગન, જેમ ઘટા કાઢી ચડ્યો ઘન ।

એવી રીત્યે પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૩૦।।

આવ્યા શહેરમાં સુંદર શ્યામ, ધાયાં દર્શને પુરૂષ ને વામ ।

આવી ઉભા છે બહુ બજારે, લેખું ન થાય લાખ હજારે ।।૩૧।।

કૈક ચડ્યાં અટારી ઝરુખે, કૈક ગઢ ઘર વળી ગોખે ।

પહેરી નીલી પીળી લાલ સાડી, શ્વેત શોભે જેમ ફુલવાડી ।।૩૨।।

જેમ વ્યોમે વિમાનની હાર, એમ ઉંચાં ચડ્યાં નરનાર ।

હાથ જોડી બોલે એમ જન, જયજય નાથ ધન્ય ધન્ય ।।૩૩।।

ભલે પધારિયા તમે નાથ, આજ સહુ અમે થયાં સનાથ ।

તેની વંદના માની મોરાર, આવ્યા ઉતારે વાડી મોઝાર ।।૩૪।।

પછી બેઠા અગાશિએ આપ, નિર્ખિ બહુ જન થયા નિષ્પાપ ।

દેતાં દર્શન આથમ્યો દન,પછી ભૂધરે કર્યાં ભોજન ।।૩૫।।

જમી પોઢીયા પ્રાણ આધાર, વીતી રજની થયું સવાર ।

ત્યારે જાગિયા જગજીવન, દીધાં સહુ જનને દર્શન ।।૩૬।।

પછી હિંડોળો સુંદર સાર, લાવ્યો ભાવે ભગત સુતાર ।

તે ઉપર બેઠા અવિનાશ, નિર્ખિ મગન થયાં નિજદાસ ।।૩૭।।

તિયાં વાજે વાજીંત્ર અપાર, જેજે શબ્દ બોલે નરનાર ।

ગાન તાને ગાય ગુણિજન, કરે મુનિજન કીરતન ।।૩૮।।

આવે લોક હજારે હજાર, કરે દરશન નરનાર ।

થાય રસોઇ સુંદર સારી, જમાડે જન પંક્તિ બેસારી ।।૩૯।।

અતિ આનંદ ઉત્સવ થાય, બહુ હર્ષ ભર્યા દિન જાય ।

એમ કરતાં વીત્યા દિન દોઇ, બોલ્યો પુરપતિ રાજી હોઇ ।।૪૦।।

બહુ મતપંથ છે સંસાર, તેતો દામ ને વામના યાર ।

આતો ધન ત્રિયા દોય ત્યાગી, જેની લગની સાહેબશું લાગી ।।૪૧।।

આવા સંત નથી જગમાંય, એનાં દરશન કહો કેમ થાય ।

મહેર કરી એ આંહિ પધારે, નહિ તો અવશ્ય જાવું ત્યાં મારે ।।૪૨।।

એવો ભાવ ભૂપતિનો જાણી, પોતે પધાર્યા સારંગપાણી ।

અતિ આદર દઇ રાજન, પૂછ્યા પૂછવા જેવા જે પ્રશ્ન ।।૪૩।।

તેનો ઉત્તર દીધો દયાળ, સુણી રાજી થયો છે ભૂપાળ ।

કહી સંપ્રદાય ઉધ્ધવી રીત્ય, લખી લીધી રાયે કરી પ્રીત્ય ।।૪૪।।

પછી બહુ કરી સનમાન, પધરાવ્યા પાછા ભગવાન ।

બીજા રાજા રહે પુરમાંઇ, પ્રભુ પધારિયા વળી ત્યાંઇ ।।૪૫।।

તેણે અતિ કયુર્ં સનમાન, ભાવે ભરી પૂજયા ભગવાન ।

ચુવા ચંદન ગુલાબ વારી, આણ્યું અત્તર સુગંધી ભારી ।।૪૬।।

તેણે પૂજી પછી જોડ્યા હાથ, કરી સ્તવન નામિયું માથ ।

કહે ભલે પધાર્યા મહારાજ, થયા પાવન સહુ અમે આજ ।।૪૭।।

એમ કરી વિનતિ ભૂપાળ, પાછા પધરાવિયા દયાળ ।

પછી શિરપાવ છાબ ભરીને, લાવ્યા ઉતારે આપ્યા હરિને ।।૪૮।।

વળતે દિવસ અરદેશરે, પ્રભુ પધરાવ્યા નિજઘેરે ।

સર્વે મુનિ સહિત મહારાજ, પધરાવ્યા સમારી સમાજ ।।૪૯।।

દીપ મશાલો મેતાબુ વાશી, બહુ કાંચ હાંડિયો પ્રકાશી ।

મધ્યે ઢોલિયો સુંદર ઢાળી, તેપર પધરાવ્યા વનમાળી ।।૫૦।।

પછી પૂજીયા દીનદયાળ, ત્યાર પછી પૂજીયા મરાળ ।

પછી થયા ઉત્તર ને પ્રશ્ન, કર્યાં સંતે પછી કીરતન ।।૫૧।।

સુણી રાજી થયા સહુ જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।

આવી ઉતારે રજની રહ્યા, જમી સવારે સાબદા થયા ।।૫૨।।

આવ્યા વળાવવા સહુ મળી, બહુ ગાજતે વાજતે વળી ।

ધીરે ધીરે દેતા દરશન, આવ્યા પુર બહારા ભગવન ।।૫૩।।

બેઠા બાગ મસ્તુમાં બે ઘડી, આપી અર્દેશરને પાઘડી ।

પછી તર્ત થયા અસવાર, આવ્યા ગામ કોશાલ મોઝાર ।।૫૪।।

રહી રાત્ય બેઠા રથે રાજ, ખાંતે ખેડવા સારૂં મહારાજ ।

આપે સારથી થઇ સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૫૫।।

ત્યાંથી નર્મદા ઉતરિયા નાથ, પછી વેરિયો મુનિનો સાથ ।

પોતે આવિયા કેલોદ ગામ, રહી રાત્ય ત્યાં ચાલિયા શ્યામ ।।૫૬।।

આવ્યા આમોદમાં દયા કરી, જમ્યા સખા સહિત શ્રીહરિ ।

પછી તર્ત કરી છે તૈયારી, ચાલ્યા જનતણા હિતકારી ।।૫૭।।

આવ્યા કારેલી ગામે કૃપાળુ, મહી સહિ ઉતર્યા દયાળુ ।

પછી રહ્યા બદલપુરે રાત, ત્યાંથી પધારિયા પરભાત ।।૫૮।।

આવ્યાં આડાં ખંભાતનાં જન, તેને દઇ ચાલ્યા દરશન ।

ત્યાંથી આવ્યા ગુડેલે ગોપાળ, કર્યાં આપે ત્યાં શાક રસાળ ।।૫૯।।

જમી જમાડિયા નિજજન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।

આવી રાત્ય ધોલેરામાં રહ્યા, ત્યાંથી કારીયાણિયે આવિયા ।।૬૦।।

એમ કરી બહુનાં કલ્યાણ, આવ્યા ગઢડે શ્યામ સુજાણ ।

સારા વરષમાં સુખરાશી, માગશર શુદી એકાદશી ।।૬૧।।

તેદિ આવિયા સુરત જઇ, જન બહુને અભયદાન દઇ ।

કર્યો દિગ્વિજય જગમાંઇ, ખોટા ગુરુ રહ્યા ખત્તા ખાઇ ।।૬૨।।

ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળાનંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ સુરત પધાર્યા ને અર્દેશરને પાઘ આપી એ નામે પંચાણુંમું પ્રકરણમ્ ।।૯૫।।