રાગ સામેરી-
પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ ।
દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।।
બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન ।
ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।।
આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા ।
જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।।
માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી ।
ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।।
પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી ।
દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।।
દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજયો તમે ।
સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।।
પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર ।
સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।।
પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે ।
સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।।
ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે ।
આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।।
દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ ।
અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।।
આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી ।
તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।।
ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સવેર્શહેર ।
દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।।
વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે ।
સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।।
નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ ભાગીયા ।
દિલ ઉદારે દાન દિધાં, જે જે મુખે માગીયાં ।।૧૪।।
જયજય શબ્દે જન બોલે, મનમાં મગન ઘણું ।
પછી પોતે પ્રેમે કરી, કર્યું દર્શન દામોદરતણું ।।૧૫।।
પછી પધાર્યા શહેરમાં, આવ્યા હાટકેશ્વર પોતે હરિ ।
દરશન કરી દેવનાં, તિયાં બિરાજયા દયા કરી ।।૧૬।।
શિવસેવક પાય લાગી, માગી માયા મુખ દુઃખ કઇ ।
તેનું દારિદ્ર કાપીયું, મહોર શત પાંચ દઇ ।।૧૭।।
પછી પધાર્યા પુરબજારે, જોવા નારી જરૂખે ચડી ।
નાથ નિર્ખિ હૈયે હરખી, ધન્યધન્ય માની ઘડી ।।૧૮।।
પછી હાર અપાર ફુલના, પ્રભુને પહેરાવીયા ।
જેવા નયણે નિરખિયા, તેવા અંતરે ઉતારીયા ।।૧૯।।
ત્યાંથી ઉતારે આવિયા, પુછી સીધાની સામગરી ।
વિપ્રને જમાડવાને, તેડાવિયા ભાવે કરી ।।૨૦।।
જમવાનું જાણી બ્રાહ્મણ, રાજી થયા મનમાં ।
અસુર જને વિઘન કિધું, બ્રાહ્મણના ભોજનમાં ।।૨૧।।
સીધું જમાડ્યું સંઘને, પછી પોતે પણ પધારીયા ।
એવી લીલા કરી આપે, શહેર બારા આવી રીયા ।।૨૨ ।।
પછી સંતને શીખ આપી, ફરો કરો હરિવારતા ।
જેજે વચન કહ્યાં અમે, તેહ રખે વિસારતા ।।૨૩।।
પ્રગટ પ્રમાણ વાત કરજ્યો, આસ્તિક જનને આગળે ।
અમે પણ આ સંઘ વળાવી, આવશું તમપાસળે ।।૨૪।।
પછી સંત સધાવિયા, ફરીયા તે દેશોદેશ ।
અનેક જીવને આગળ્યે, કરે હિતનો ઉપદેશ ।।૨૫।।
દામ વામથી દુર વરતે, તજી રસ રસનાતણો ।
તેને દેખી દુષ્ટ દાજયા, માંડ્યો દ્વેષ અતિ ઘણો ।।૨૬।।
જીયાં તિયાંથીજાુલમી જોરે, ઉઠે અસુર મારવા ।
નર નરેશ નજરે દેખે, કોઇ ન આવે વારવા ।।૨૭।।
એક અસુર આવે આપે, સંતાપે સંત સોયને ।
કદ્રજની પેઠે કષ્ટ સહે, કહે નહિ તોય કોયને ।।૨૮।।
વળતી તેની વારતા, સાંભળી શ્રી ભગવાન ।
અતિ દુઃખાણા દિલમાં, ભાવ્યું નહિ ભોજન પાન ।।૨૯।।
પછી સંત પાસળે, પધારીયા પોતે હરિ ।
દેઇ દર્શન મળી વળી, સાધુ શું વાત કરી ।।૩૦।।
સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુબહુ સહ્યું ।
જેમજેમ આપણે ક્ષમા કરી, તેમતેમ દુષ્ટે દુઃખ દયું ।।૩૧।।
આજ પછી એક મારૂં, વચન રૂદીયે ધારવું ।
દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું ।।૩૨।।
ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહિ કહો એમ ।
ભૂંડા ભૂંડાઇ નહિ તજે તો, ભલા ભલાઇ તજે કેમ ।।૩૩।।
ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય ધન્ય સંત તમે ।
જડભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે ।।૩૪।।
જયદેવ જેવા મેં જાણિયા, ક્ષમાવંત તમે ખરા ।
તમતુલ્ય ત્રિલોકમાં, માનો નથી મુનિવરા ।।૩૫।।
તમારી ક્ષમા વડે, થાશે નાશ અસુર જનનો ।
વણમારે એ મરશે, તમે ત્રાસ તજજયો તનનો ।।૩૬।।
ક્ષમાસમ ખડગ નહિ, જરણાસમ નહિ જાપ રે ।
ધીરજસમ ઢાલ નહિ, મૌનસમ નહિ શાપ રે ।।૩૭।।
ક્ષમાવાન જનનો, જો અસુર સુર દ્રોહ કરે ।
દેવ દાનવ માનવ મુનિ તે, એહ પાપે આપે મરે ।।૩૮।।
માટે તમે માનજયો, આવ્યો અસુરનો અંત આજથી ।
સુખે ભજો શ્રીકૃષ્ણને, એ ખરૂં કહું ખોટું નથી ।।૩૯।।
તમ જેવા નિરમાનિનો, જેણે જેણે દ્રોહ કર્યો ।
જાુવો વિચારીઆ જગતમાં, આજ મોર્યે કોણ ઠર્યો ।।૪૦।।
માટે એનો વેષ ઉતારીને, અલક્ષ્યપણે રહો તમે ।
પછી માળા પહેરજયો, જયારે આગન્યા કરૂં અમે ।।૪૧।।
ત્યારે સંત કહે સારૂ સ્વામી, જેમ કહો તમે કરશું ।
માળા તિલક મુકી અમે, અલક્ષ્યપણે ફરશું ।।૪૨।।
પછી કાપી ચોટી કંઠીયો, મુખસામું જોઇ હરિ હસ્યા ।
ઉતારી માળા મુદ્રિકા, ગ્રહી નિરમાની દશા ।।૪૩।।
કહું ગામ કાલવાણિએ, હતા પરમહંસ પાંચશે ।
પંચ વ્રતે પુરા શૂરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિષે ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુને શ્રીજીમહારાજે કંઠીતિલકનો ત્યાગ કરાવીને પરમહંસ કર્યા એ નામે એકાવનમું પ્રકરણમ્ ।।૫૧।।