પૂર્વછાયો-
શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર ।
જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।।
આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન ।
એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।।
ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ ।
મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।।
અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન ।
પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।।
ચોપાઇ-
પછી રામાનંદ રાજી થઇ રે, કર્યોમંત્ર જાપ મૌન રઇ રે ।
બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।।
ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે ।
દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।।
તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।
અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।।
તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે ।
થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।।
જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે ।
આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।।
જાગ્યા સમાધિથી સ્વામી જયારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે ।
કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી થઇ મારી હામ રે ।।૧૦।।
પછી વચન ગુરૂનાં સંભારી રે, રહી ધર્મમાં ભક્તિ વધારી રે ।
રાખી શીલ શાંતિ દયા દલે રે, ક્રોધ કરે નહિ કોઇ પળે રે ।।૧૧।।
લોભ મોહ માન નહિ લેશ રે, કરે મુમુક્ષુને ઉપદેશ રે ।
કહે મંત્ર દોય તેને કાન રે, વળી કરાવે કૃષ્ણનું ધ્યાન રે ।।૧૨।।
થાય તેને દ્રષ્ણ કૃષ્ણતણું રે, તેણે મગન થયા મને ઘણું રે ।
થયા શિષ્ય આવી બહુ જન રે, સહુ માની સ્વામીનું વચન રે ।।૧૩।।
જુની જાયગાના જે રહેનાર રે, તેતો માને નહિ નરનાર રે ।
ત્યારે શ્રીવૈષ્ણવને રીસ ચડી રે, આવ્યા સ્વામી પાસળ તે ઘડી રે ।।૧૪।।
કહ્યું આજ કાલનો તું આવ્યો રે, આંહિ આવીને તું ઘણો ફાવ્યો રે ।
સર્વે લોકોને લીધા તેં વાળી રે, એવા રાંકશું અમને ભાળી રે ।।૧૫।।
માટે જીવ્યાનો ખપ હોય તારે રે, ભાગી જાજયે સમઝી સવારે રે ।
એમ કહી ઉત્તરાદિ ગિયા રે, ત્યારે સ્વામી મને વિચારિયા રે ।।૧૬।।
થાય ઉપાધિ આપણે માટ્ય રે, ત્યારે ઇયાં રહ્યામાં શું ખાટ્ય રે ।
કૃષ્ણપ્રિય જેહ વૃંદાવન રે, જાઇ તિયાં કરીએ આનંદ રે ।।૧૭
પછી ત્યાં થકી ચાલ્યા ઉમંગે રે, ચાલ્યા બીજા શિષ્ય બહુ સંગે રે ।
આવ્યા વૃંદાવન તેહ વાર રે, નિરખ્યા ગોવિંદજી કરી પ્યાર રે ।।૧૮।।
જોઇ મૂરતિ એ સુખખાણ રે, જાણ્યું કૃષ્ણ પ્રત્યક્ષ પ્રમાણ રે ।
પામ્યા આશ્ચર્ય વરણિ મન રે, વાધ્યો આનંદ થયા મગન રે ।।૧૯।।
પછી તે સ્થળે વાળી આસન રે, બેઠા સરલ રાખી સ્વામી તન રે ।
ગુરૂએ કહ્યા મહાનિધિ મંત્ર રે, જપે મનમાંઇ તે નિરંત્ર રે ।।૨૦।।
એકાગ્ર કરી મન આપ રે, કર્યો શ્રીકૃષ્ણ મંત્રનો જાપ રે ।
ત્યાંતો તર્ત સ્ફુર્યું તેજ અતિ રે, તેમાં દીઠા રમારાધા પતિ રે ।।૨૧।।
મનોહર મૂરતિ જે કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।
મુખ મોરલી ને ભુજા દોય રે, શ્યામ સુંદર નટવર સોય રે ।।૨૨।।
શોભે ભૂષણ મુગટ શિશે રે, ગળે વૈજયંતી માળા દિસે રે ।
એવા શ્રીકૃષ્ણ સ્વામીએ નિરખ્યા રે, નિરખી હૈયામાંહિ હરખ્યા રે ।।૨૩।।
દીઠી મૂરતિ તેજ દિનેશ રે, પછી બોલ્યા સ્વામી નામી શીશ રે ।
કહે ધન્ય આ રૂપ રસાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૪।।
કરે સ્તવન મને થઇ દીન રે, ઉભા આગળે થઇ આધીન રે ।
કહે લીધી અમારી સંભાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૫।।
તમે સંતની કરો છો સાય રે, વળી બહુનામી ગ્રહો છો બાંય રે ।
તેને મુકો નહિ કોઇ કાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૬।।
તમે સંત હિતે ધરી તન રે, કરી નિજજનની જતન રે ।
એવા કરૂણાનિધિ કૃપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૭।।
તમે દાસતણાં દુઃખ કાપી રે, કરો પ્રસન્ન દર્શન આપી રે ।
નિજજનના છો પ્રતિપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૮।।
તમે વ્રજજન હેત કાજ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજરાજ રે ।
કર્યાં સુખિયાં ગોપી ગોવાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૯।।
એમ કયુર્ં સ્વામીએ સ્તવન રે, સુણી પ્રભુજી થયા પ્રસન્ન રે ।
માગો રામાનંદ મુજ પાસ રે, જેહ માગો તે પુરૂં હું આશ રે ।।૩૦।।
ત્યારે સ્વામી કહે દ્રષ્ણ તમારૂં રે, થાય મને હું જયારે સંભારૂં રે ।
વળી પૂજાની સામગ્રી લીજે રે, એવી કૃપા અમ પર કીજે રે ।।૩૧।।
વળી જેમ રાખો તેમ રહું રે, હું તો તમારે આશરે છઉં રે ।
કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે રે, ઇયાં શાપે આવ્યા તમે અમે રે ।।૩૨।।
માટે કાઢો સંપ્રદાય નવી રે, આજ થકી કહું છું ઉદ્ધવી રે ।
એમ કહી અંતર્ધાન થયા રે, સ્વામી જાગી બહુ હરખિયા રે ।।૩૩।।
પુરૂષોત્તમ કૃષ્ણને પામી રે, થયા પૂરણકામ તે સ્વામી રે ।
પછી જયારે જયારે કરે ધ્યાન રે, ત્યારે દેખે કૃષ્ણ ભગવાન રે ।।૩૪।।
વળી પૂજતા પ્રેમે પ્રતિમા રે, દેખે શ્રીકૃષ્ણને નિત્ય તેમાં રે ।
પૂજા હાર આપે જે જે પ્રીત્યે રે, લીયે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ નિત્યે રે ।।૩૫।।
તેણે પરમસુખ શાંતિ પામી રે, થયા મગન મનમાં સ્વામી રે ।
રહ્યા માસ એક વૃંદાવન રે, થયા શિષ્ય ત્યાં મુમુક્ષુ જન રે ।।૩૬।।
પછી ગુરૂની આજ્ઞા સંભારી રે, કૃષ્ણ ભક્તિ ભૂમિએ વધારી રે ।
ત્યાંથી બહુ શિષ્ય લઇ સંગે રે, ગયા પ્રયાગમાં ઉછરંગે રે ।।૩૭।।
તિયાં પણ કીધા શિષ્ય બહુ રે, જીત્યા આપે મતવાદી સહુ રે ।
રહ્યા કેટલાક માસ તિયાં રે, ભક્તિ ધર્મ દોય શિષ્ય થયાં રે ।।૩૮।।
એતો કથા મેં કહી છે આગે રે, તેતો સુણી સૌવે અનુરાગે રે ।
પછી જક્તગુરૂ સ્વામી જેહ રે, ફર્યા તીરથ સર્વે તેહ રે ।।૩૯।।
ત્યાંથી આવ્યા એ રૈવતાચળ રે, કૃષ્ણે ક્રીડા કરી છે જે સ્થળ રે ।
વર્ષ એક રહ્યા એણે ઠામ રે, કર્યાં મુમુક્ષુ જીવનાં કામ રે ।।૪૦।।
ત્યાગી ગૃહી વળી નરનાર રે, તે સ્વામીએ ઓધાર્યા અપાર રે ।
થયા શિષ્ય તે સવેર્આવી રે, તેને કૃષ્ણની ભક્તિ કરાવી રે ।।૪૧।।
સંપ્રદાયના મારગમાંઇ રે, રહ્યો તો જે અધર્મ છપાઇ રે ।
કાપી જડ તે અધર્મતણી રે, કૃષ્ણ ભક્તિ વિસ્તારી છે ઘણી રે ।।૪૨।।
એવા રામાનંદ સ્વામી જેહ રે, છે તો રામાનુજજીના તેહ રે ।
પણ રામાનુજના આશ્રિત રે, જાણી અવર ન કરી પ્રીત રે ।।૪૩।।
કહે રામાનુજના આ નહિ રે, એમ મનમાં માનિયું સહિ રે ।
એવું સ્વામીનું ચરિત્ર જેહ રે, કહ્યું પવિત્ર સહુને તેહ રે ।।૪૪।।
તે સ્વામીના સાધુ જે પંચાસ રે, નિવૃત્તિવાળા જગથી ઉદાસ રે ।
રામાનંદજીની આગન્યાયે રે, રહ્યા હતા ગામ લોજમાંયે રે ।।૪૫।।
તેમાં સુખાનંદ એક સંત રે, આવ્યા નાવા વાવ્યે ગુણવંત રે ।
નિરખ્યા નીલકંઠ ને ત્યાંઇ રે, થયા મગન અતિ મનમાંઇ રે ।।૪૬।।
તે દેખતાં દ્રગ ઠર્યાં દોય રે, કહે આવા મેં ન દીઠા કોય રે ।
પછી નમ્યા તે નમ્રતા આણી રે, અતિ દીનતાએ બોલ્યા વાણી રે ।।૪૭।।
ધન્ય વર્ણી કિયાંથી આવિયા રે, હવે જાવાનું ધાર્યું છે કિયાં રે ।
મોટાં ભાગ્ય થયાં દર્શન રે, તમને નિરખી હું થયો પાવન રે ।।૪૮।।
તમ જેવાનાં દર્શન ક્યાંથી રે, થોડે પુણ્યે કરી થાતાં નથી રે ।
કોઇ પૂરવ જન્મને પુણ્યે રે, થયાં દર્શન તમારાં મને રે ।।૪૯।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદમુનિનું આખ્યાન કહ્યું એ નામે આડત્રિશમું પ્રકરણમ્ ।।૩૮।।