૩૯. વર્ણી અને મુક્તાનંદસ્વામીનું મિલન તથા પાંચ ભેદના લક્ષણ.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 7:19pm

પૂર્વછાયો-

અતિ ઉત્તમ આખ્યાનની, કહી વણપુછી મેં વાત ।

હવે શ્રીહરિની કથા,કહું સુણો સહુ સાક્ષાત ।।૧।।

મહા મનોહર મૂરતિ, શોભે વરણિને વેશ ।

શિખાસૂત્ર સોયામણું, શિશે તે સુંદર કેશ ।।૨।।

નાસાગ્રે વૃત્તિ રહે, અને દષ્ટિ તે અનિમેશ ।

એવા થકા ત્યાં આવિયા, બહુનામી કૃષ્ણ દિનેશ ।।૩।।

આવી નાહિ એ વાવ્યમાં, પછી બેઠા કાંઠે નાથ ।

એવે સમે સુખાનંદ આવ્યા, નિરખી થયા સનાથ ।।૪।।

ચોપાઇ-

નિરખી નાથને પામ્યા આશ્ચર્ય, અંગે ત્યાગ અતિ તપશ્ચર્ય ।

શીલ સંતોષ ને ક્ષમા અતિ, જાણું ધરી વૈરાગ્યે મૂરતિ ।।૫।।

આવા સાધુ મેં ન દીઠા ક્યાંઇ, જાગે ભાગ્ય રહે એ જો આંઇ ।

પછી પ્રીત્યે શું પુછવા લાગ્યા, કોણ ગુરૂ ક્યાં તમારી જાગ્યા ।।૬।।

કહે હરિ સુણો સાધુ વાત, નહિ ગુરૂ સ્વજન માત તાત ।

જેથી છુટીએ સર્વે સંતાપ, તેજ ગુરુ સ્વજન માઇ બાપ ।।૭।।

ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એજ છે સિદ્ધાંત ।

પણ પુછવાની એક રીત્ય, માટે પુછું છું હું કરી પ્રીત્ય ।।૮।।

ત્યારે કહે નિલકંઠ કથી, આવ્યા ઉત્તર કોશળ દેશથી ।

સર્વ તીર્થ ફરતા જોતા ધામ, અમે આવ્યા છઉં આણે ગામ ।।૯।।

અમે કહ્યું અમારૂં વૃતાંત, તમે કોણના શિષ્ય છો સંત ।

પછી બોલ્યા સુખાનંદ તૈયે, અમે રામાનંદજીના છૈયે ।।૧૦।।

અમમાંહિ મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું ર્વિણઇંદ ।

આવ્યો આ વાવ્યે નાવા હું આજ, ત્યાં તો તમે મળ્યા મહારાજ ।।૧૧।।

મોટું ભાગ્ય માન્યું આજ મારૂં, મને દર્શન થયું તમારૂં ।

એમ કહીને લાગ્યા છે પાય, આવો અમારી જાયગા માંય ।।૧૨।।

ઇયાં વસે છે સંત સુજાણ, વતેર્છે પંચવ્રત પ્રમાણ ।

પ્રભુ તિયાં લગી પધારીજે, દયા કરીને દરશન દીજે ।।૧૩।।

મુક્તાનંદજી જે ઇયાં રહે છે, તે તમ જેવાને મળવા ઇચ્છે છે ।

ગુરૂ આજ્ઞાએ અમે રહું છું, તમ જેવાની સેવા કરૂં છું ।।૧૪।।

મુક્તાનંદજી સંત છે એવા, સહુને દર્શન કરવા જેવા ।

માટે તમે પધારોને ત્યાંઇ, નહિ તો નિશ્ચે એ આવશે આંઇ ।।૧૫।।

ત્યારે વર્ણી બોલ્યા એમ વાણ, તમે સાંભળો સંત સુજાણ ।

શહેર પુર નગર ને ગામ, અમે જાતા નથી કેને ધામ ।।૧૬।।

ફર્યા વિષમ વન સઘળે, રહેતા નિત્ય નવા તરૂ તળે ।

પણ એવાનાં દર્શન સારૂં, ચાલો માનીશ વચન તમારૂં ।।૧૭।।

પછી સંત સાથે ર્વિણરાય, આવ્યા આપે ધર્મશાળામાંય ।

ઉઠી સંતે કર્યો નમસ્કાર, નમ્યા હરિ સહુને તે વાર ।।૧૮।।

પછી બેઠા ઘટે તેમ સહુ, શોભી સભા તે સમામાં બહુ ।

સર્વે ર્વિણ સામું જોઇ રીયા, દેખી હરિ આશ્ચર્ય પામિયા ।।૧૯।।

તપ તેજ તને શાંતપણું, દેખી મન નેણ લોભ્યાં ઘણું ।

કહે આવા ન દીઠા સાંભળ્યા, આજ મોરે પણ નથી મળ્યા ।।૨૦।।

બાળપણામાં આવા છે શુદ્ધ, માટે મનુષ્ય નહિ છે વિબુદ્ધ ।

કાંતો ચંદ્ર કાંતો છે આ અર્ક, કાંતો અગ્નિ કે સ્વામી ર્કાિતક ।।૨૧।।

કાંતો નિરન્નમુક્ત આ નિદાન, કાંતો તપ છે મૂરતિમાન ।

કાંતો બદ્રિપતિ છે આપ, જુવો એના આવ્યાનો પ્રતાપ ।।૨૨।।

આપણાં નેણ ન લોભે ક્યાંઇ, તેતો રીયાં છે એમાં લોભાઇ ।

માટે આપણાં મોટાં છે ભાગ્ય, મળ્યા મૂર્તિમાન આ વૈરાગ્ય ।।૨૩।।

આની સેવા કરો કર ભામી, તો રીઝશે રામાનંદ સ્વામી ।

પછી સંત સેવામાંહિ રીયા, મુક્તાનંદે ભોજન કરાવિયાં ।।૨૪।।

પછી જીતેંદ્રિય સાધુને જાણી, રાજી થઇ હરિ બોલ્યા વાણી ।

કહે અમે રહેશું તમ પાસ, કરશું ટેલ્ય કરે જેમ દાસ ।।૨૫।।

પછી સંતમાં રહ્યા મહારાજ, પુછ્યું પ્રશ્ન પરીક્ષાને કાજ ।

કહે નીલકંઠ સુણો સંત, તમે જાણો છો સર્વે સિદ્ધાંત ।।૨૬।।

માટે કરૂં છું પ્રશ્ન મહારાજ, ઉત્તર સુણવા ઇચ્છું છું આજ ।

જીવ ઇશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહો તેહ ।।૨૭।।

કહેજયો જુજવા વિગત્ય પાડી, જેમ છે તેમ દેજયો દેખાડી ।

એવા સૂક્ષ્મ પ્રશ્નને સાંભળી, બોલ્યા મુક્તાનંદજી ત્યાં વળી ।।૨૮।।

કહે સુણ્યું ગુરુ મુખે અમે, કહું તે વરણિ સુણો તમે ।

સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, તેમાં વ્યાપ્યો નખ શિખા તેહ ।।૨૯।।

ઇંદ્રિ અંતઃકરણ એ આધારે, કરે ક્રિયા નાના પ્રકારે ।

વળી જાણો અજન્મા છે એહ, નિત્ય નિરંશ અખંડ તેહ ।।૩૦।।

છે પ્રકાશક ને ન છેદાય, ન બળે ન સડે સુકાય ।

એવું જાણજયો જીવનું રૂપ, હવે કહું ઇશ્વરનું સ્વરૂપ ।।૩૧।।

વિરાટ સૂત્રાત્મા દેહ જાણો, અવ્યાકૃતમાં વ્યાપ્યા પ્રમાણો ।

ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેહ, કરે સર્વે જગતનો તેહ ।।૩૨।।

એહ કહ્યું ઇશ્વરનું રૂપ, હવે કહું માયાનું સ્વરૂપ ।

જક્ત માંહિ કહીએ જીવ જેહ, તેના ઉદ્ભવનું ક્ષેત્ર તેહ ।।૩૩।।

અનાદિ તમમય તે કહીએ, જડચિદાત્મક એ લહીએ ।

કાર્ય કારણ રૂપ એ જાણો, ભગવાનની શક્તિ પ્રમાણો ।।૩૪।।

ત્રણ ગુણાત્મક એ કહીએ, અજન્મા અજ્ઞાનરૂપ લહીએ ।

એવું માયાનું રૂપ સરે છે, હરિ આશ્રિત એને તરે છે ।।૩૫।।

હવે સુણો બ્રહ્મ નિરૂપણ,સત્ય જ્ઞાન અનંત પૂરણ ।

અખંડ ને અક્ષર એનું નામ, પુરૂષોત્તમને રહેવાનું ધામ ।।૩૬।।

મૂર્તિમાન અમૃત કહેવાય, શુદ્ધ નિત્ય વિકાર વિનાય ।

માયા ઇશ્વર જીવ તત્ત્વ જેહ, તેનું પ્રકાશક જાણો તેહ ।।૩૭।।

વળી સર્વાધાર એહ બ્રહ્મ, જાણો ર્વિણરાટ એહ મર્મ ।

હવે પરબ્રહ્મને કહીએ છીએ, જેનો કહેતાં તે પાર ન લઇએ ।।૩૮।।

નારાયણ વાસુદેવ કહેવાય, સ્વતંત્ર પ્રકાશક લેવાય ।

આનંદમય દિવ્યમૂરત, વિષ્ણુ કૃષ્ણને કહીએ અચ્યુત ।।૩૯।।

વળી કહીએ અવ્યય ભગવાન, અક્ષર માયા કાળ જે નિદાન ।

તેમાં શક્તિએ અન્વય થયા, વળી મૂર્તિમાન જુદા રહ્યા ।।૪૦।।

કાળ માયાના નિયંતા જેહ, સર્વ કારણના કારણ તેહ ।

એહ પરમાત્મા પરબ્રહ્મ, મુમુક્ષુ જીવોને લેવો મર્મ ।।૪૧।।

એ છે સર્વને ઉપાસ્યા જેવા, સુણો ર્વિણ પરબ્રહ્મ એવા ।

કર્યો ઉત્તર મેં સુણ્યા પ્રમાણે, યથારથ તો સદ્ગુરુ જાણે ।।૪૨।।

તેતો દેખે હસ્તામલક વળી, દેખાડે છે મુમુક્ષુને મળી ।

એમ કર્યા ઉત્તર મુક્તાનંદ, સુણી ર્વિણ પામ્યા છે આનંદ ।।૪૩।।

સાધુ સ્વભાવ ને સરલ ચિત્ત, જાણી હરિ બોલ્યા કરી પ્રીત ।

હે મુનિ કર્યો ઉત્તર તમે, થયો યથારથ જાણ્યો અમે ।।૪૪।।

એ પ્રશ્ન મેં પુછ્યો છે બહુને, કહેતાં કઠણ થયા છે સહુને ।

તેની તમને લાગી નહિ વાર, માટે તમે મોટા નિરધાર ।।૪૫।।

કરી મુનિ તમારાં દર્શન, મારા મનમાં થયો મગન ।

ત્યારે મુક્તાનંદ કહે મહારાજ, મેં દિઠા છે બહુ તપીરાજ ।।૪૬।।

પણ તમ જેવા એક તમે, શું કહીએ મુખથી ઘણું અમે ।

પ્રશ્ન કરી સમજવો ઉત્તર, એવા પણ નોય ઝાઝા નર ।।૪૭।।

એમ કહેતાં સાંભળતાં ગાથ, વાધ્યું હેત રહ્યા સંત સાથ ।

નિત્ય પ્રશ્નના ઉત્તર થાય, સુણી સાધુને હર્ષ ન માય ।।૪૮।।

સંસ્કૃત ને પ્રાકૃત પ્રશ્ન જે, કરે ઉત્તર ન થાય બીજે ।

પછી ડાહ્યા શિયાણા જે હતા, મનુષ્ય બુદ્ધિ તેમાં ન કરતા ।।૪૯।।

છે અકળ આપ ભગવન, એમ જાણી સવેર્સંતજન ।

થાય કૃષ્ણ કથા તિયાં નિત્ય, સુણે નાથ પોતે દઇ ચિત્ત ।।૫૦।।

રાખ્યા નિમ તેમાં નવ ચુકે, કરે તપ તે પણ ન મુકે ।

દેખી દષ્ટિ શ્રીહરિની સંત, માને આતો મોટા છે અત્યંત ।।૫૧।।

ત્યારે સાધુ કહે ભગવાન, સ્થિર દષ્ટિ કરો કેનું ધ્યાન ।

ત્યારે બોલીયા વરણિરાજ, સુણો મુક્તાનંદજી મહારાજ ।।૫૨।।

રાધાઆદિ જે સર્વેના સ્વામી, તે ઇષ્ટ મારા અંતરજામી ।

બ્રહ્મા વિષ્ણુ શિવના જે દેવ, તેની કરૂં છું હું નિત્ય સેવ ।।૫૩।।

વારાહ આદિ જે અવતાર, તે સરવેના જે ધરનાર ।

એવા કૃષ્ણ પરબ્રહ્મ જાણો, મારે તેનું ધ્યાન પરમાણો ।।૫૪।।

વળી કરૂં હું સેવા પૂજન, નિત્ય સ્મરણ ને કીરતન ।

તે વિના નથી જીવોને ગતિ, મારે પણ નથી બીજે મતિ ।।૫૫।।

એમ બોલીયા છે બહુનામી, છેતો પોતેજ શ્રીકૃષ્ણ સ્વામી ।

પણ બોલવાની એહ રીત, તેમ બોલે છે કરૂણાનિકેત ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ઓગણચાલીસમું પ્રકરણમ્ ।।૩૯।।