પૂર્વછાયો-
શુભમતિ સહુ સાંભળો, એમ બોલ્યા ભાવે ભગવંત ।
તે સુણી મુક્તાનંદજીએ, કહ્યું પોતાનું વરતંત ।।૧।।
અમે પણ શ્રીકૃષ્ણને, ભાવે ભજું છું ભગવાન ।
ગુરુની કૃપાએ કરી, વળી દેખું છું મૂર્તિમાન ।।૨।।
તે ગુરુ રામાનંદજી, ઉદ્ધવનો અવતાર ।
મુમુક્ષુને આશરવા, યોગ્ય નિશ્ચે નિરધાર ।।૩।।
તેની કૃપાએ કરી જન, દેખે ગોલોકાદિક ધામ ।
મોરલીધર શ્રીકૃષ્ણ જે, તે દેખે સમાધિએ શ્યામ ।।૪।।
ચોપાઇ-
એતો કહી મેં બીજાની વાત, તમે તો દેખોછો સાક્ષાત ।
તેતો એમને વશ છે એહ, નથી એ વાતમાંહી સંદેહ ।।૫।।
વળી રામાનંદજીને શ્રીકૃષ્ણ, તેનાં પૃથક મ જાણજયો દ્રષ્ણ ।
એતો જીવોના કલ્યાણ કાજ, પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ ।।૬।।
ગુરુ ઉદ્ધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન ।
ઇચ્છ્યા આલોક તજવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે ।।૭।।
મારૂં જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપીશ ।
જોતાં દીઠા ઉદ્ધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક ।।૮।।
ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યુન એ અણું ।
એમ કહિ ઉદ્ધવને જ્ઞાન, આપી થયા છે અંતરધાન ।।૯।।
તે ઉદ્ધવ તે જ રામાનંદ, તેના અમે છીએ ર્વિણઇંદ ।
કરીએ છીએ શ્રીકૃષ્ણ ભજન, એવાં સુણ્યાં ર્વિણએ વચન ।।૧૦।।
પછી સાંભળી આવી એ વાત, જે કહી હતી પોતાને તાત ।
જાણ્યા ઉદ્ધવ તે રામાનંદ, ક્યારે મળે ને પામું આનંદ ।।૧૧।।
મળે તો સેવાએ કરૂં પ્રશ્ન, તો મળે પ્રત્યક્ષ મને કૃષ્ણ ।
કહે મુક્તાનંદ પ્રત્યે હરિ, મને જાણજયો તમારો કરી ।।૧૨।।
જેજે હોય હેતનાં વચન, કહેજયો મને થઇ ને પ્રસન્ન ।
તેતે તમે કરજયો ઉપાય, જેણે સદ્ય સ્વામીને મળાય ।।૧૩।।
એમ કહી કહ્યું નિજવ્રતંત, તેને સાંભળી બોલીયા સંત ।
જાણ્યું છે બ્રાહ્મણમાં જનમ, કર્યાં છે અતિ તપ વિષમ ।।૧૪।।
પછી સૌવે કહ્યું ધન્ય ધન્ય, તમને થાશે સ્વામીનાં દર્શન ।
હમણાં સ્વામી છે ભુજનગર, સુંદર મૂર્તિ જે મનોહર ।।૧૫।।
તે આવશે જયારે દેશ આણે, થાશે દર્શન સૌને તે ટાણે ।
હમણાં ન કરો જાવાનો ઘાટ, માનો વચન જુવો તમે વાટ ।।૧૬।।
એવાં સુણી સાધુનાં વચન, રહ્યા તિયાં સ્થિર કરી મન ।
કરે સાધુની સેવા અપાર, નિત્ય પ્રત્યે કરી બહુ પ્યાર ।।૧૭।।
જોઇ સેવાવૃત્તિ તે અત્યંત, કરે હેત સહુ મળી સંત ।
પોતાને તો ભક્તિ અતિ રજે, આપતકાળે ધર્મ ન તજે ।।૧૮।।
શીત ઉષ્ણ વરસાતનાં દુઃખ, સહે શરીરે પ્યાસ ને ભૂખ ।
તેને જોઇને સરવે જન, પામે વિસ્મય પોતાને મન ।।૧૯।।
એમ કરતાં ચૈત્રમાસ ગીયો, સંદેશો સ્વામીનો ન આવિયો ।
ત્યારે થયા અતિશે ઉદાસ, ન થયું દ્રષ્ણ મેલે નિશ્વાસ ।।૨૦।।
સવેર્સંતને કહે શિશ નામી, ક્યારે મળશે રામાનંદ સ્વામી ।
વિત્યો વાયદો નાવ્યા દયાળ, મારાં ભાગ્ય કઠણ આ કાળ ।।૨૧।।
એમ કહી ભરે નયણે નીર, દર્શન વિના દિલે દિલગીર ।
એમ કરતાં વિતે દિનરાત, કરે વૈરાગ્ય ત્યાગની વાત ।।૨૨।।
સર્વે સંત કરેછે વિચાર, કેમ રહેશે આ જાગ્ય મોઝાર ।
આવા વૈરાગ્યવાન ન કોઇ, આવે લાજ એની દશા જોઇ ।।૨૩।।
જાય સ્નાન કરવાને જયારે, પાછું મંદિર ન અવાય ત્યારે ।
વાટે કાંટા કાંકરા ને ઠેસ, ન દેખાય દષ્ટિ અનિમેષ ।।૨૪।।
ન રહે નિજદેહ સંભાળ, તોય બોલે દયાએ દયાળ ।
કહે મન જીવેશ્વર એને, દેખું છું હું માયા બ્રહ્મ તેને ।।૨૫।।
નથી કોઇ મુજથી અકળ,જાણું જેમ હથેળીનું જળ ।
જયાં જયાં જાય છે મન તમારૂં, તે પણ નથી અજાણ્યું અમારૂં ।।૨૬।।
એવી વાત કરે હરિ જયારે, સર્વે સંત સત્ય કહે ત્યારે ।
રહે પોતાને સહજ સ્વભાવ, અતિ નારી તણો તે અભાવ ।।૨૭।।
આવે નારી તણો ગંધ જયારે, રહે નહિ પેટે અન્ન ત્યારે ।
અતિ દ્રવ્ય ત્રિય તન ત્યાગ, વળી અંગે અત્યંત વૈરાગ્ય ।।૨૮।।
વળી વળી કરે એમ વાતું, દ્રષ્ણ સ્વામીનું કેમ નથી થાતું ।
જયારે મળશે સ્વામી રામાનંદ, ત્યારે મનમાં માનીશ આનંદ ।।૨૯।।
કહે મુક્તાનંદને ભગવાન, તમે કરોને સ્વામીનું ધ્યાન ।
તમારી વૃત્તિમાં મેલી વૃત્તિ, જોઉં સ્વામી શ્રીજીની મૂરતિ ।।૩૦।।
પછી સંતે ધર્યું જયારે ધ્યાન, તેને ભેળું જોયું ભગવાન ।
ત્યારે દીઠા રામાનંદ સ્વામી, થયા રાજી રહિ નહિ ખામી ।।૩૧।।
દીઠા કંજ અરૂણવર્ણ પાય, રૂડી ઉર્ધ્વરેખા છે તેમાંય ।
જમણા અંગોઠાને નખે રેખ, તેતો શોભે છે વળી વિશેખ ।।૩૨।।
કરભ સરખી શોભા ઉરતણી, વળી નાભી ગંભીર છે ઘણી ।
મૂર્તિ પુષ્ટ છે મહારાજ કેરી, વળી શ્વેત ધોતી દીઠી પહેરી ।।૩૩।।
ગૌરવાન છે મૂરતિ સારી, મોટી ફાંદે શોભે સુખકારી ।
પડે વળ ત્રણ ત્યાં વિશાળ, ઉર ઓપે છે તરૂતમાલ ।।૩૪।।
તિયાં શોભે સુંદર રોમરાજી, કંઠે કમળમાળા રહી વિરાજી ।
ભુજ ગજસુંઢસમ શોભે, ઓપે અરૂણ પંકજ પોંચા ઉભે ।।૩૫।।
જેમ કંજની શોભે કળિયો, તેમ શોભે છે હાથઆંગળીયો ।
થડે જાડી ઉપર પાતળી, એવી દીઠી મેં દશે આંગળી ।।૩૬।।
નખ આવલી શોભે છે ઘણી, જાણ્યું હાર બણી મણિતણી ।
કંઠ કંબુસમાન છે એવું, મુખ શોભે પૂરણ શશિ જેવું ।।૩૭।।
તિયાં દીઠા અધર પ્રવાળ, દંત દાડ્યમકળિ રસાળ ।
સઈ કહું તે શોભા મુખની, શોભે નાસિકા ચંચુ શુકની ।।૩૮।।
નયણાં કમળદળ વિશાળ, ભર્યાં કરૂણારસે રસાળ ।
અતિ ભ્રકુટિ ભાલ વિરાજે, ત્યાં ઉર્ધ્વપુંડ્ર તિલક રાજે ।।૩૯।।
રહ્યા છોટાછોટા શ્રવણ શોભી, દીઠી શિશપર શિખા ઉભી ।
માથે ઓઢી છે ધોળી પછેડી, કરૂણારસ રહ્યા છે રેડી ।।૪૦।।
કૃપાએ જોઈ રહ્યા છે સામું, પુરે છે નિજજનની હામું ।
હસતાં ખાડા પડે છે બે ગાલે, વળી ચાલે છે સુંદર ચાલે ।।૪૧।।
ચરણે ચાલતાં ચમકે ચાખડી, હાથે છે નીલા રંગની છડી ।
એવી મૂર્તિ દીઠી મનોહર, શોભાસાગર સુખ સુંદર ।।૪૨।।
ત્યારે સંત કહે સત્ય વાત, એતો સ્વામી શ્રીજી છે સાક્ષાત ।
તમે આપો છો જે જે એંધાણ, તેમજ છે પ્રત્યક્ષ પ્રમાણ ।।૪૩।।
જેવું છે રામાનંદજીનું રૂપ, તેવું તમેજ કહ્યું સ્વરૂપ ।
તમે દીઠી છે જેવી મૂરતિ, તેમાં ફેર નથી એક રતિ ।।૪૪।।
યથારથ મૂરતિ છે જેવી, તમે પણ દિઠી પ્રભુ તેવી ।
ત્યારે બોલ્યા હરિ એમ વળી, તમે સુણો સંત સહુ મળી ।।૪૫।।
સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું છું ધ્યાને અખંડ ।
પણમળશેપ્રત્યક્ષપ્રમાણ,ત્યારેટળશેઅંતરેતાણ।।૪૬।।
એમ કહી થાય દિલગીર, વળી ભરે નયણમાં નીર ।
એમ ચરિત્ર કરે અવિનાશી, જોઈ સંત રહે છે વિમાશી ।।૪૭।।
કહે આ છે કોઈક સમર્થ, એતો આવ્યા છે આપણે અર્થ ।
એને કરવું રહ્યું નથી લેશ, આપે છે આપણને ઉપદેશ ।।૪૮।।
આપણે કરીએ છીએ ધ્યાન, ત્યારે રહે છે મન તન ભાન ।
વળી જયાં ત્યાં મન દિયે દોટું, જઈ ગ્રહે છે પદાર્થ ખોટું ।।૪૯।।
તે એ જાણે છે મનની ઘાત, નથી એથી અજાણી કોઈ વાત ।
તમે જાુઓને સહુ વિચારી, આવા કોઈ દીઠા તન ધારી ।।૫૦।।
બ્રહ્માસૃષ્ટિમાં ન જડે ગોતે, આતો પૂરણબ્રહ્મ છે પોતે ।
સમઝી સંત રહે પરસન, હરે ફરે કરે દરશન ।।૫૧।।
એમ કરતાં વિત્યા નવ માસ, ત્યારે અતિશે થયા ઉદાસ ।
અહો આપણે આ શું જો થયું, કહો કેમ ન ફાટ્યું આ હૈયું ।।૫૨।।
જળ કાદવ જાુજવી જાતિ, પ્રિતમ વિયોગે ફાટે છે છાતિ ।
જળ મીનની પ્રીત પ્રમાણ, પિયુ વિયોગે પરહરે પ્રાણ ।।૫૩।।
કુંજિસુત વીતે ષટ્ માસ, તજે તન થઈને નિરાશ ।
આતો વીતિ ગયા નવ માસ, એમ કહીને થયા ઉદાસ ।।૫૪।।
કહે મુક્તાનંદને મહારાજ, આપો આજ્ઞા જાઉં દર્શન કાજ ।
તમે કર્યોતો વાયદો જેહ, વિચારોને વીતિ ગયો તેહ ।।૫૫।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ચાલીસમું પ્રકરણમ્ ।।૪૦।।