પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત ।
પૃથ્વીના તળ ઉપરે, થવા લાગ્યા મોટા ઉતપાત ।।૧।।
ચાલ્યા પ્રચંડ પવન અતિ, ગતિ ઘોર કઠોર ઘણી થઇ ।
ઝાડ પાડ બહુ પડિયાં, કોટ મંદિર ઘર કોઠા કઇ ।।૨।।
અતિ અચાનક અગનિ, વળી વુઠિ વેગે વ્યોમમાં ।
વન ભુવન કૈક ગામ પુર, બહુબહુ બાળ્યાં ભોમમાં ।।૩।।
પડ્યા પથર પૃથ્વી ઉપરે, અતિ ઘણા આકાશથી ।
નારી નર ડર પામિયાં, કહે નહિ ઉગરિયે નાશથી ।।૪।।
ચોપાઇ- થાય કઠણ કડાકા વ્યોમ રે, પડે તિખી તડિતો તે ભોમ રે ।
ત્રુટાં તામસ દેવનાં ધામરે, હતાં દેરાં ડુંગર ને ગામરે ।।૫।।
એવો થયો છે ઉલકાપાત રે, શું કહીએ એ સમાની વાત રે ।
વુઠાં નીર રૂધિરની ધારે રે, જોઇ ભય પામ્યાં સહુ તારે રે ।।૬।।
ગયાં સાધુનાં મન ડોળાઇ રે, થયો ઉદ્વેગ તે ઉરમાંઇ રે ।
ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઇ નિસ્તેજ પામી અશાંતિ રે ।।૭।।
હરિભક્ત પુરૂષનાં અંગ રે, ફરક્યાં ડાબાં તે પણ કુઢંગ રે ।
વળી બાઇ જેને સતસંગ રે, તેનાં ફરક્યાં જમણાં અંગ રે ।।૮।।
વળી સ્વપનાં લાધાં છે જેહ રે, અતિ અપશુકન માન્યાં તેહ રે ।
જાણું ધર્મ ભક્તિની મૂરતિ રે, શોકે રૂદન કરે છે અતિ રે ।।૯।।
રાધાકૃષ્ણની પ્રતિમા સોય રે, દ્રગ વિના દેખાણી છે દોય રે ।
વળી શ્વેતપટે ઢાંકી મુખ રે, અતિશોકમાં પામ્યાં છે દુઃખ રે ।।૧૦।।
જાણ્યું શશિ સૂરજ ને ઉડુ રે, પડ્યા ભૂમિયે તે પણ ભુંડું રે ।
એવા ઉતપાત જોઇ અપાર રે, સર્વે કરવા લાગ્યાં વિચાર રે ।।૧૧।।
જાણું પ્રભુજી પૃથ્વીમાંથી રે, થાશે અંતર્ધાન હવે યાંથી રે ।
પછી નાથે નિત્યકર્મ કીધું રે, ગઉ આદિક દાન બહુ દીધું રે ।।૧૨।।
પછી ગોમયે લિપિ ભૂમિ સારી રે, કરી કુશ તિલની પથારી રે ।
નાયા ઉષ્ણ જળે પ્રભુ તિયાં રે, પહેર્યાં ધોયેલ ધોળાં ધોતિયાં રે ।।૧૩।।
કરી તિલક ભાલ ચંદન રે, બેઠા પોત્યે તે સિદ્ધ આસન રે ।
રાખી સ્થિર દૃષ્ટિ અનિમેષ રે, નિજ આત્મામાંહિ અશેષ રે ।।૧૪।।
ધર્યું પોત્યે પોતાનું ધ્યાન રે, મેલ્યું વિસારી નિજતન ભાન રે ।
પાસે ગોપાળાનંદાદિ બહુ રે, નિત્યાનંદ ને શુકમુનિ સહુ રે ।।૧૫।।
દિઠાં આકાશ મગે તે વાર રે, કોટાંનકોટિ વિમાન અપાર રે ।
બહુ પાર્ષદ પોતા તણા રે, આવ્યા નાથને તેડવા ઘણા રે ।।૧૬।।
લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફુલ રે, બીજી દિવ્ય પૂજાઓ અમૂલ્ય રે ।
તેણે પ્રીત્યે પૂજયા ભગવાન રે, પછી તેડી બેસાર્યા વિમાન રે ।।૧૭।।
પોત્યે પોતાના પાર્ષદ સાથ રે, નિજધામમાં પધાર્યા નાથ રે ।
નભ મારગે અમર આવી રે, કરી સ્તુતિ વાજિંત્ર વજાવી રે ।।૧૮।।
લાવ્યા ચંદન પુષ્પના હાર રે, તેણે પૂજીયા પ્રાણ આધાર રે ।
વળી છાંટ્યાં ચંદન બહુ તને રે, કરી ઉપર વૃષ્ટિ સુમને રે ।।૧૯।।
તેહ પુષ્પ ચંદન વરસાત રે, દિઠા ભૂમિયે સહુએ સાક્ષાત રે ।
એમ પધારિયા નિજધામ રે, કરી અનેક જીવનાં કામ રે ।।૨૦।।
સંવત્ અઢાર છાશિ અઘન રે, જયેષ્ઠ શુદિ દશમીનો દન રે ।
મંગળવારે મધ્યાહ્ને મહારાજ રે, ચાલ્યા કરી અનેકનાં કાજ રે ।।૨૧।।
મોરે આવ્યાંતાં દુઃખ મહા અરિ રે, રાખ્યું તન તેમાંથી દયા કરી રે ।
સંવત્ અઢાર એકસઠ્યો જાણો રે, પોષ શુદિ પુન્યમ પ્રમાણો રે ।।૨૨।।
તેદિ અગત્રાઇમાંહિ અંગે રે, આવ્યું તું દુઃખ અશ્વ પ્રસંગે રે ।
તેમાંથી મોરે રાખીયું તન રે, તે પણ દયા આણી જીવન રે ।।૨૩।।
ત્યાર પછી સંવત્ અઢારે રે, શિત્તેરે આશુ પુન્યમ ત્યારે રે ।
ગામ જાળીયે મંદવાડમાંથી રે, રાખ્યું તન પોતાની દયાથી રે ।।૨૪।।
સંવત્ અઢારના સત્યોતેરે રે, વૈશાખ શુક્લ બારશ તે વેરે રે ।
રાખ્યું દુઃખમાંથી ગઢડે દેહ રે, તે પણ હરિજનને સનેહ રે ।।૨૫।।
વળી સંવત્ અઢાર અઠ્યોતેરે રે, ફાગણ શુક્લાદિ અષ્ટમી કેરે રે ।
તેદિ ગણેશ ધોળકે ગોપાળે રે, રાખ્યું દુઃખમાંથી દેહ દયાળે રે ।।૨૬।।
વળી સંવત્ અઢાર ઓગણાશિ રે, ચૈત્ર શુદિ નોમ્ય દુઃખરાશિ રે ।
તેદિ પંચાળે પોત્યે મહારાજ રે, રાખ્યું દેહ તે હરિજન કાજ રે ।।૨૭।।
પછી સંવત્ અઢાર છાશિના રે, પોષ શુદિ તે બીજ તેદિના રે ।
થયા માંદા પોત્યે મહારાજ રે, નિજધામે પધારવા કાજ રે ।।૨૮।।
જયેષ્ઠ શુદિ દશમીને દન રે, ચાલ્યા દયા ઉતારી જીવન રે ।
રહેવા ધાર્યુંતું જેટલું નાથે રે, રહ્યા એટલા દિ ભૂમિ માથે રે ।।૨૯।।
એક ઉણે વરષ પચાસ રે, એક દિવસ ને દોય માસ રે ।
રાખ્યું એટલા દિવસ તન રે, જન હેતે તે પોત્યે જીવન રે ।।૩૦।।
પછી પાસે હતાં જન જેહ રે, નામસ્મરણ કરે છે તેહ રે ।
થયું સ્મરણમાંહિ રૂદન રે, સુણી આવિયાં સર્વે જન રે ।।૩૧।।
જોઈ નાથને કરે વિલાપ રે, પામ્યાં અંતરે અતિ ઉતાપ રે ।
એહ સમે પામ્યાં જન દુઃખ રે, તેતો કહેવાતું નથી મેં મુખ રે ।।૩૨।।
બાંધી રાખે બંધિવાન જેમ રે, રહ્યાં સહુનાં નાડી પ્રાણ એમ રે ।
એહ સમે વાવરી સામર્થી રે, અલબેલેજીયે આપે અતિ રે ।।૩૩।।
જો એમ ન કરત જીવન રે, થાત કેર મરત બહુ જનરે ।
જેને વાલા વિના પળ ઘડી રે, ન રહેવાતું જાતું તન પડી રે ।।૩૪।।
તેના રહ્યા પ્રાણ તન માંય રે, તેતો શ્રી મહારાજ ઇચ્છાય રે ।
પછી દત્તપુત્ર દોય ધીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।।૩૫।।
તેણે સુંદર શાસ્ત્રની વિધિ રે, જેમ કરવી ઘટે તેમ કિધિ રે ।
ચરચ્યું ચંદન તન નવરાવી રે, સુંદર વસ્ત્ર અમૂલ્ય પહેરાવી રે ।।૩૬।।
પુષ્પહાર તોરા ગુચ્છ ધરી રે, પછી એ સમે આરતી કરી રે ।
કહે હાથ જોડી સહુ એમ રે, પ્રભુ આવું કર્યું તમે કેમ રે ।।૩૭।।
સારૂં નાથ ઘટ્યું જે તમને રે, પણ વિસારશો માં અમને રે ।
એમ કહીને લાગીયા પાય રે, પછી બેસાર્યા વિમાન માંય રે ।।૩૮।।
ગાતાં વાતાં આવ્યા ફુલવાડી રે, જેહ ગમતી પોતાને ઝાડી રે ।
ત્યાં તુલસી ચંદને ચિત્તા રચી રે, તન પધરાવ્યું ઘીે ચરચી રે ।।૩૯।।
પછી કર્યો અગ્નિસંસ્કાર રે, જોઇ દુઃખ પામ્યા સહુ અપાર રે ।
બહુ ઘૃતે દેહ દાગ દીધો રે, સર્વે શાસ્ત્રવિધિ તિયાં કિધો રે ।।૪૦।।
પછી નાઇને આવ્યા ભવન રે, તેદિ ખાધું નહિ કેણે અન્ન રે ।
પછી બીજે દિ ચિતાને ઠારી રે, કરી ખરચ કરવા તૈયારી રે ।।૪૧।।
તેડ્યા બ્રાહ્મણ સત્સંગી સહુ રે, બીજાં પણ તેડાવિયાં બહુ રે ।
કર્યા મિશ્રિ મોદક વિપર રે, બીજા સાટા કરાવ્યા બહુપેર રે ।।૪૨।।
તેણે જમાડ્યા જન અપાર રે, સત્સંગી કુસંગી નરનાર રે ।
કરી શ્રવણિ ને શ્રાદ્ધવિધિ રે, તિયાં અશ્વ ગાઉં બહુ દિધિ રે ।।૪૩।।
અન્ન ધન વસન વાસણ રે, આપ્યાં પલંગ ગાદલાં આશણ રે ।
એમ વિધિ કિધિ બહુપેર રે, પછી જન ગયાં સહુ ઘેર રે ।।૪૪।।
કેડ્યે રહ્યા ઇયાં જેહ દાસ રે, તેતો સદા રહેતા પ્રભુ પાસ રે ।
પ્રભુ કરી ગયા એવો ખેલ રે, કળા એની કેણે ન કળેલ રે ।।૪૫।।
જેમ નટ નિજવિદ્યા વડે રે, લેવા લડાઇ આકાશે ચડે રે ।
થાય જાુદ્ધ ત્યાં જાુજવાં અંગ રે, તેની નારી બળે તેને સંગ રે ।।૪૬।।
સહુ સભા દેખે એમ સત્ય રે, ત્યાંતો ઉતરે કરી રમત્ય રે ।
આવી નારી પણ તિયાં વળી રે, જે કોઇ મુવા પુરૂષસંગે બળી રે ।।૪૭।।
પામે આશ્ચર્ય એવું જોઇ રે, પણ કળી શકે નહિ કોઇ રે ।
તેમ પ્રભુની રમત્ય માંઇ રે, જોઇ અસુર જાય મુંઝાઇ રે ।।૪૮।।
પણ આવે જાય એવા નથી રે, નિજજન જાણે છે મનથી રે ।
પણ અસુર મોહ પામ્યા કાજ રે, કરે એવાં ચરિત્ર મહારાજ રે ।।૪૯।।
જો એમ ન હોય એહ રીત રે, તમે ચિંતવી જાુવોને ચિત્ત રે ।
કૈક કરે છે આવીને કાજ રે, પરચા પૂરે છે જનને મહારાજ રે ।।૫૦।।
કેનાં જમે છે આવીને અન્ન રે, પ્રગટ પ્રમાણ નહિ સ્વપન રે ।
કેને આપે છે તોરા ને હાર રે, કેની કરે છે કષ્ટમાં વાર રે ।।૫૧।।
કેને વાટમાં ચાલે છે સંગે રે, કેને સામા મળે છે ઉમંગે રે ।
કેને સાત પાંચ અશ્વારે રે, થાય પ્રકટ દર્શન બારે રે ।।૫૨।।
કરે આરતીમાં ધુન્ય આવી રે, કેને બોલાવે છે હેત લાવી રે ।
કથા સભામાં આવી સાંભળે રે, પ્રકટ પ્રમાણ જનને મળે રે ।।૫૩।।
એવી રીત્યનાં અનેક કાજ રે, તેતો આપે કરે છે મહારાજ રે ।
એમ દર્શન દિયે દયાળ રે, નિજજનની કરે છે સંભાળ રે ।।૫૪।।
કોઇ ગામે લખાવે કાગળ રે, બેસી નિજજનને આગળ રે ।
કેનું પ્રેમેશું પીવે છે પાણી રે, આવે દર્શન દેવા દાસ જાણી રે ।।૫૫।।
કેને આપે ઝીણી જાડી માળા રે, એમ જનને કરે છે સુખાળા રે ।
કોઇને મળે છે મારગ માંય રે, મેલી ભેટ્ય ને લાગે છે પાય રે ।।૫૬।।
કોઇક સેજમાં સુતા દેખે છે રે, જોઇ જન્મ સુફળ લેખે છે રે ।
જેજે જન સંભારે છે જયારે રે, તેતે પામે છે દર્શન ત્યારે રે ।।૫૭।।
એમ અનેક પ્રકારે આજ રે, પ્રભુ કરે છે બહુબહુ કાજ રે ।
નિજજનથી અળગા નાથ રે, નથી જાતા રહે છે સદા સાથ રે ।।૫૮।।
તેતો વિમુખ વાત ન માને રે, જેને પૂર્ણ પાપ પડ્યું પાને રે ।
કહું સુણો સહુ રીત્ય એવી રે, કહ્યો બિભત્સ રસ વર્ણવી રે ।।૫૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે પોતાના અનંત પાર્ષદની સાથે વિમાનમાં બેસીને પોતાના ધામમાં પધાર્યા એ નામે એકસો ને એકસઠમું પ્રકરણમ્ ।।૧૬૧।।