ચોપાઇ-
હવે સાંભળો સંતની રીત, કહું અતિ પરમ પુનિત ।
જેને મળ્યા પ્રકટ પ્રમાણ, પુરૂષોત્તમ પરમ સુજાણ ।।૧।।
સુખસાગર સુંદરશ્યામ, જેને સુખે સુખી સહુ ધામ ।
તે પુરૂષોત્તમ જેહના પતિ, તેને ન રહે રંકપણું રતિ ।।૨।।
ચૌદ લોકમાં ન લોભે ચિત્ત, કીટબ્રહ્માદિ દેખે અનિત ।
અંતરમાંહિ અત્યંત વૈરાગ્ય, તન મન સુખ કીધાં ત્યાગ ।।૩।।
પંચ વિષયથી ઉતારી પ્રીત, અસત્ય સુખમાં ન આપે ચિત્ત ।
કામ ક્રોધ નહિ લોભ મોહ, એવા સંત તણો જે સમોહ ।।૪।।
તેહ કહે પરસ્પર મળી, જોજયો જીવ ભ્રમાણા છે વળી ।
મહાદુઃખતણી જેહ ખાણી, તેમાં જઇને પડ્યા સુખ જાણી ।।૫।।
એક આશ્ચર્ય વાત છે એહ, દુઃખમાં સુખ મનાણું જેહ ।
મહા નારી છે નરકનો કૂપ, કેમ સમજાય છે સુખરૂપ ।।૬।।
જે જે નર નરકમાં પડે, તેતો સર્વે નારી સંગ વડે ।
જમપુરીયે જાય છે જીવ, તેતો નારી થકી તતખેવ ।।૭।।
જન્મ મરણ સહે દુઃખ અંગે, તેતો નારીતણે પરસંગે ।
લખચોરાશી તન લહેછે, જેને નારીમાં પ્રીત્ય રહે છે ।।૮।।
સુણો વાત કહું એક વળી, બહુ દુઃખ પામ્યા એને મળી ।
મોટા મોટા થયા મન ભંગ, તેતો નારીનો કરતાં સંગ ।।૯।।
દેવ દાનવ મનુષ્ય માત્ર, નારી સ્નેહે કરે જમજાત્ર ।
પારકી ને પોતાની જે નાર, કાપે તન જેમ તરવાર ।।૧૦।।
વિષ વહ્નિ વ્યાળમાં જે ગુણ, તેને પોતાનું પારકું કુણ ।
મહાડાકણી શાકણી સરખી, સરવે સુર નર લીધા ભરખી ।।૧૧।।
જેવી વૃહવંતી હોય વાઘણી, ખાય ખીજવી જેમ નાગણી ।
એહ સાથે છે જેને સનેહ, તેતો હાર્યા છે મનુષ્ય દેહ ।।૧૨।।
જોઇ ઝેર કનક કટોરે, જોજયો પીવા ચડ્યા નર હોરે ।
સારી જોઇ સજી તરવાર, પેટ નાખવા કરે વિચાર ।।૧૩।।
તેમ રૂપવંતી નારી જોઇ, નર મરે છે મૂરખ મોઇ ।
જેમ મૃગને ઘંટ રવાલ, જેમ પતંગ પાવક ઝાળ ।।૧૪।।
જેમ કરિને કાગદ કરિણી, તેમ નરને એ પ્રાણ હરિણી ।
જેમ અમળ સમળ તોય, બોલે લાછ અલાછ નારી દોય ।।૧૫।।
પગ હાથ કટિ કોટ કસી, આંખ્યમાંય ભૂંશી કાળી મશી ।
કાન નાક ફાડિ બાંધ્યા કેશ, વળી બાંધી આંગળીયો વિશ ।।૧૬।।
તોય કાઢ્યાં કલેજાં નરનાં, તેણે રાતા છે નખ કરના ।
વળી ખાધું મુખે માંસ એણે, દાંત રાતા રંગાણાં છે તેણે ।।૧૭।।
એહ સાથે થઇ જેને પ્રીત્ય, તેને સુખ નહિ કોઇ રીત્ય ।
છે તો નિર્લજજ કાઢે છે લાજ, એતો પુરૂષને બોલાવા કાજ ।।૧૮।।
કાવે અબળા ને બળ છે બહુ, જેણે વશ કર્યા નર સહુ ।
ઝાઝી લાજમાં બોલે છે ઝીણું, તેતો પુરૂષનું કરવા હીણું ।।૧૯।।
ધીરી ધીરે જે પગ ભરે છે, તેણે નરના પ્રાણ હરે છે ।
હાવભાવ દેખાડે છે અંગ, તેતો નરતન કરવા ભંગ ।।૨૦।।
જેમ મુષી ફુંકી ફુંકી ખાય, તેની પીડા તને ન જણાય ।
તેમ નારી મીઠું મીઠું બોલી, ખાય નરનાં કલેજાં ફોલી ।।૨૧।।
એવો દગો જે દેખતા નથી, કહો સંતો સુખ તેને ક્યાંથી ।
નારી ઓછાયે અહિ અંધ થાય, નારી ઓછાયે ઘા ન રૂઝાય ।।૨૨।।
કોઇ કહેશો એવી કેમ કરી, તેની વાત સુણી લિયો ખરી ।
જેમ સિકંદરની પૂતળી, કરી વેગળાં રાખવા વળી ।।૨૩।।
તેને પાસે જોરે જોઇ જાય, ભાગે પોત મોત તેનું થાય ।
માટે દૂર રહ્યે દુઃખ નથી, જોઇ તજવી તન મનથી ।।૨૪।।
તેનો કરવા ઇચ્છે જે સંગ, તેતો મહાદુઃખ પામશે અંગ ।
એને નખ શિખા નિંદવા જેવી, કહિ કહિ કવિ કહે કેવી ।।૨૫।।
જેના ઘટમાં કામસિંહ ગર્જે, બીવે નહિ તે કરતાં વિપજેર્।
ચડ્યા નારી નયણની ચોટ, તેને મારી કર્યા લોટ પોટ ।।૨૬।।
એવી ખોટ ખાય છે અભાગી, તોય તેહને ન શકે ત્યાગી ।
આવી જેથી અજપર આળ્ય, બેઠી ગિરિજાપતિને ગાળ્ય ।।૨૭।।
એથી થયો ઇંદ્ર અંગે ભંગ, ગયું તપ સૌભરીનું એ સંગ ।
લીધો એકલશૃંગી લટપટ, ઝાલે છે નારી નરને ઝટ ।।૨૮।।
તેમાં લોભી રહ્યા જેહ જન, તેતો શું સમજ્યા હશે મન ।
નારી ઉપર અંગ ઉજવળે, માંહિ ભરી છે મૂત્ર ને મળે ।।૨૯।।
મજજા મેદ છે માંસનો પીંડો, થુંક લાળ કફ પિયાં શેડો ।
રગરગમાં ભર્યું રૂધિર, અસ્થિ ત્વચાએ મઢ્યું શરીર ।।૩૦।।
પરૂ પાચ ઉદરમાં ઓકાર, મુખમાંહિ હાડકાંની હાર ।
નખ કેશ શલેષમ સોઇ, એમાં કામની વસ્તુ છે કોઇ ।।૩૧।।
જે જે વસ્તુનાં લીધાં છે નામ, તેનું ભરી લૈયે એક ઠામ ।
તેને કરે ખાવા કોઇ ખાંત, તે કેમ કહેવાય મનુષ્ય જાત ।।૩૨।।
એમ જાણી કાં ન કરે અભાવ, ભૂલેલ કેમ કરે છે ભાવ ।
તજે નહિ કાં અષ્ટ પ્રકારે, મૂરખ શા સારૂં એને સંભારે ।।૩૩।।
શ્રવણ મનન કરે ગુહ્ય વાત, બોલે દર્શ પર્શ નારીગાત ।
મળી એકાંતે નારીશું વસે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૪।।
નારી કરે જયાં ક્રિયા તનની, તે સ્થળ જાવા ઇચ્છે વૃત્તિ મનની ।
વળી નર તે નારી સંગ રહેશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૫।।
નારી ન્હાતિ હોય જયાં નીરે, પહેરી અલ્પ વસ્ત્ર શરીરે ।
તેને જોવા ઇચ્છે ખોટે મશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૬।।
બેઠા હોય જન જયાં મળી, આવે વારતા નારી ત્યાં વળી ।
પછી ઉઠી યાંથી ન નિકસે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૭।।
પહેરી અંગે આભૂષણ નારી, સજી સુંદર વસ્ત્ર તે સારી ।
એનાં વસન ભૂષણ સ્પશેર્ , સંતો એવા પાપી કોણ હશે ।।૩૮।।
નારી ઉપરવાસે નીકળી, દિયે દેહની દુર્ગંધ વળી ।
તે ગંધે નહિ અંતર અકળાશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૯।।
વાટે ઘાટે એ હોય એકલી, તેને સંગે ચાલે લાજ મેલી ।
પાપે કરી જે નારી પેખશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૦।।
અતિ હોય જયાં અવકાશ, તોય નિસરે નારીને પાસ ।
પંચ હાથથી ઢુંકડા ધશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૧।।
કરે ચેષ્ટા કાંઇ વળી નારી, ભૂલ્યે દેખે ન મેલે વિસારી ।
વળી ભિંતર અંતરે જે વસે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૨।।
નારી વેષે જે વૃંદલ વર્તે, નારી વેષે જે નૃત્યક નરતે ।
જાય જોવા સારૂં એહ દશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૩।।
ધાતુ મૃત્તિકા કાષ્ઠ પાષાણ, લખી ચિત્રની ચિતારે જાણ ।
તેને પગે કરીને સ્પર્શે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૪।।
એહ આદિ જે નારી પ્રસંગ, કોઇ રીત્યે જો રાખશે અંગ ।
તેતો વારમવાર મરશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૫।।
જેમ કૂપ તરણે ઢાંકેલ, વળી કહીએ વિષની એ વેલ ।
તેને ઓછાયે જાણી ઉતરશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૬।।
નથી નથી નારી હેતુ નરની, એતો ભરીછે પ્રપંચ ભરની ।
સ્ત્રી ચરિત્ર હોય અપાર, માંહિ દગો ન દેખાડે બહાર ।।૪૭।।
એજ દોરડો દેખીને ડરે, એજ સર્પ ઉપર પગ ધરે ।
એજ ઉંદરથી ડરી ચાલે, એજ કેસરીના કાન ઝાલે ।।૪૮।।
એજ ડરે દેખીને અંધારૂં, એજ ફરે કાળી રાત્યે બારૂં ।
એજ પાણીમાં પગ દેતી ડરે, એજ સમુદ્ર સહજે ઉતરે ।।૪૯।।
કરે ચરિત્ર બોલતાં જોતાં, ઘણું આવડે હસતાં રોતાં ।
રીઝી નારી નરસંગ બળે, ખીજી છેદે શિશ તેનું છળે ।।૫૦।।
સહજ સ્વભાવે હોય અવળી, શીખ વાત ન લીયે સવળી ।
શુભગુણ ગ્રેવાની ચારણી, કલ્પના માત્રની કારણી ।।૫૧।।
મને મેલી ને અંગે અશુદ્ધ, તેનો સંગ રાખે કેમ બુધ્ધ ।
મળે નાગણી વાઘણી વળી, કૂપપતન જો પડે વીજળી ।।૫૨।।
વિષ વૈરી આગ્ય બલાખારી, એ મળજયો ન મળજયો નારી ।
નથી નથી બીજો નરક કૂપ, નરક નરને નારીનું રૂપ ।।૫૩।।
મેલી પુરૂષોત્તમની મૂરતિ, કરે છે નારી જોવા શું રતિ ।
તેને ચિંતવે વારમવાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૪।।
મેલી સુંદર શ્યામ સ્વરૂપ, જઇ જુવે છે નારીનું રૂપ ।
તેમાં થાય નર તદાકાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૫।।
મેલી મહાપ્રભુજીનું મુખ, દેખે નારીને નર વિમુખ ।
તેના સ્પર્શનો રાખે છે પ્યાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૬।।
મેલી મોહનમુખની વાત, નારી શબ્દ સુણે રળિયાત ।
નાવે અવગુણ તેનો લગાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૭।।
મેલી મુખે હરિગુણ ગાન, કહે નારીચરિત્ર નિદાન ।
તેણે ફુલે અંગમાં અપાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૮।।
મેલી કેશવ કમળ નેણ, સંભારે છે નારી દુઃખદેણ ।
નથી સમજતો સાર અસાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૯।।
નથી લોભાતો લાલને લટકે, મનમાન્યું માનિનીને મટકે ।
ખાધી ખોટ ને થયો ખુવાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૦।।
કૃષ્ણકથામાં ન દિયે કાન, સુણે નારીતણા ગુણગાન ।
તેમાં વૃત્તિ રાખે એકતાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૧।।
મેલી હરિ હરિજનનો સંગ, રાખે નારીસંગીનો પ્રસંગ ।
તેની લાજ ન આવે લગાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૨।।
એમ સમજયા જે સાર અસાર, તે તો ઉતરિયા ભવપાર ।
તેને કેમ પીડે વળી કામ, જેણે એ દશ કરી હરામ ।।૬૩।।
એમ થયા નર નિષ્કામી, જેને અંતર વેદના વામી ।
ઉપર તજતાં અંત ન આવે, જીયાં લગી ભિતરમાં ભાવે ।।૬૪।।
અંતરમાંથી ઉલટી થાય, ત્યારે તે પાછું નવ ખવાય ।
એ સુખ ઓકિ નાખ્યું સંતે આપે, સ્વામીસહજાનંદજી પ્રતાપે ।।૬૫।।
પૂર્વછાયો-
એમ સંત જન સર્વે, નર રહ્યા નિષ્કામ ।
જેને મળ્યા પ્રગટ પ્રભુ, સહજાનંદ સુખધામ ।।૬૬।।
જેવો અભાવ નારીનો, તેવો જ ધનનો ત્યાગ ।
દેખે નહિ સુખ દામમાં, જેના અંતરમાં વૈરાગ ।।૬૭।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિષ્કામીવ્રતમાન કહ્યું એ નામે એકસોને છઠ્ઠું પ્રકરણમ્ ।।૧૦૬।।