પૂર્વછાયો- ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ ।
દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટ્યે નોય અકાજ ।।૧।।
જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ ।
માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।।
દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર ।
વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।।
ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ ।
તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજયો સહુ તેહ ।।૪।।
ચોપાઇ- એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે ।
તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।।
તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે ।
શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।।
અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે ।
અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।।
એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે ।
જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।।
તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે ।
મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરૂ વેલ્યે મન લોભે રે ।।૯।।
બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જાુવે જાણુ નેણે રે ।
તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, હૃદે રાધાકૃષ્ણનું છે ધ્યાન રે ।।૧૦।।
કનક કળશે ભરે કઇ નીર રે, તેની ભિડ્ય બહુ વિરજા તીર રે ।
ગઉધણ પિવા આવે વારી રે, તેણે પણ ભિડ્ય રહે ભારી રે ।।૧૧।।
વળી તીરે શ્રીકૃષ્ણને કાજે રે, રમણ સ્થાનક દિવ્ય સમાજે રે ।
વિરજાપાર શતશૃંગ ગિરિ રે, રહ્યો ગોલોકને કોટ કરી રે ।।૧૨।।
ઉંચો કોટિ જોજન તે કહીએ રે, તેથી દશગણો પોળો લહીએ રે ।
પારિજાતકાદિ તરૂ બહુ રે, ઘણા ગોવાળ જયાં ઘણી ગઉ રે ।।૧૩।।
રાસમંડળ એ ગિરિપર રે, રમે શ્રીકૃષ્ણ જયાં રંગભર રે ।
રાસમંડળ દશ જોજનમાં રે, ચારે દ્વાર આપે મુદ મનમાં રે ।।૧૪।।
રાસમધ્યે ગાય ગોપી ગીત રે, અતિમનોહર ચોરે ચિત્ત રે ।
તિયાં સર કૂપ વાવ્ય ભરી રે, શોભે મણિમય પગથિયે કરી રે ।।૧૫।।
ગિરિઝરે કરે ભૃંગ ગાન રે, જાણ્યું ગુણી ગાય ત્રોડે તાન રે ।
ફુલવાડી ઉપવન સાર રે, રાસમંડપ પાસે અપાર રે ।।૧૬।।
રાસમંડળે મંડપ ઘણા રે, રચ્યા પંચરંગ મણિતણા રે ।
તેપર કળશ કનકના શોભે રે, ધ્વજા પતાકા જોઇ જન લોભે રે ।।૧૭।।
બાંધ્યાં તોરણ આશો આમ્રનાં રે, કર્યાં ખગ ને મૃગ ચિત્રનાં રે ।
તિયાં કેળના સ્તંભ કસ્તુરી રે, ચર્ચ્યાં અગરચંદન રહ્યાં સ્ફુરી રે ।।૧૮।।
ભર્યાં કુંભ અક્ષત અંકુર રે, કુંકુમ દુર્વાદિયે મુદ ઉર રે ।
એવાં રમવા ભુવન ઘણાં રે, શ્રીકૃષ્ણ ને ગોપીયો તણાં રે ।।૧૯।।
વસન ભૂષણ પહેર્યાં ગોપી ગોપે રે, નવ જોબને રાસમાં ઓપે રે ।
પુષ્પશય્યાઓ કુંજ કોટિ રે, ગિરિ વિંટ્યો વિરજાને નીરે રે ।।૨૦।।
ગિરિમાંહી શ્રીવૃંદાવન રે, રાધાકૃષ્ણને વાલું જે મન રે ।
બહુભાત્યનાં વૃક્ષ છે તિયાં રે, તેને શું કહું વર્ણવી ઇયાં રે ।।૨૧।।
ફુલ વેલી તિયાં બહુ ફુલી રે, સ્થળ કમળે રહ્યાં ભૃંગ ઝુલી રે ।
તિયાં મૃગગણ છે અપાર રે, કોઇ કેને ન આપે અજાર રે ।।૨૨।।
રત્ન ધૂપ દીપ ગેહગેહ રે, તેણે શોભે વૃંદાવન તેહ રે ।
વાવ્ય કુવા તળાવ ત્યાં બહુ રે, શોભે કમળ પોયણે સહુ રે ।।૨૩।।
તિયાં અતિસુગંધી સમાજે રે, એહ વૃંદાવન અતિ રાજે રે ।
તિયાં મીઠિ વાણ્યે પંખી બોલે રે, કૃષ્ણસ્તુતિ કરે મુનિતોલે રે ।।૨૪।।
ગાય ગોપીયો ગોપ વૃંદાવને રે, એ વન વાલું છે કૃષ્ણને મને રે ।
વત્સ વૃષભ ગઉ દોહન રે, બંશી ગાને શોભે વૃંદાવન રે ।।૨૫।।
તેહ મધ્યે છે બીજાં બત્રિશ રે, વન ફળ ફુલે શોભે હમેશ રે ।
એવું વૃંદાવન જે અશોક રે, તેહ મધ્યે છે શ્રીગોલોક રે ।।૨૬।।
કોટિ જોજન વિસ્તાર મોટે રે, રત્ન જડીત કનક કોટે રે ।
તેને ચારે દિશે ચાર દ્વારરે, વજ્રકપાટે શોભે અપાર રે ।।૨૭।।
તિયાં ગોપી ગોપનાં ઘર ઘણાં રે, શોભે ગોલોકમાં નહિ મણા રે ।
રત્નજડિત કનક ભવન રે, રથ વિમાન બહુ વાહન રે ।।૨૮।।
ધ્વજા પતાકા કળશ કંચન રે, શોભે એકથી એક ભવન રે ।
મઇ મથે કૃષ્ણગુણ ગાઇ રે, રવે રહ્યું છે ગોલોક છાઇ રે ।।૨૯।।
ચારે દ્વારે ચાર મારગ રે, તિયાં થાય બહુ રાગરંગ રે ।
બાંધ્યા મગ નંગ પંચ રંગને રે, હારે હવેલીયો અડી ગગને રે ।।૩૦।।
રત્ને જડ્યા જરુખા ને ઓટા રે, અગર ચંદને છાંટ્યા મગ મોટા રે ।
રંભાસ્તંભ મંગળિક સાજે રે, તેણે રાજમાર્ગ અતિરાજે રે ।।૩૧।।
ગોપ ગોપી લઇ પૂજા સમાજ રે, જાય કૃષ્ણ પૂજવાને કાજ રે ।
આવે જાય ગાય બહુ ગીત રે, તેણે કરી મારગ છે શોભિત રે ।।૩૨।।
વળી અનંત ભુવનપતિ જેહ રે, હરિ હર અજ ધર્મ તેહ રે ।
રમા ઉમા સાવિત્રી મૂરતિ રે, જાય દરશને પત્ની પતિ રે ।।૩૩।।
સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી રે, તેની ભિડ્યે રહ્યો મગ ઓપી રે ।
ગોપી રાધા રમા સમ નેમે રે, સેવે શ્રીકૃષ્ણસ્વામીને પ્રેમે રે ।।૩૪।।
એવા ગોલોકમધ્યે સુંદર રે, શોભે રાધાકૃષ્ણનું મંદિર રે ।
તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઇ અતોલ રે ।।૩૫।।
રાજગઢ જોજન ત્રણ્ય ઘોલે રે, ખાઇ છાઇ કલ્પતરુ બોલે રે ।
સોળે કોટ રતન કાંગરે રે, કનક કળશે શોભાને ધરે રે ।।૩૬।।
સોળે પોેળ્યને ઉલંઘિ દાસ રે, જાય દર્શને શ્રીકૃષ્ણને પાસ રે ।
તિયાં ચોક શોભા સઇ ભણિયે રે, બાંધ્યા પંચરંગની મણિયે રે ।।૩૭।।
તેજપુંજ તે મધ્યે અંબાર રે, કોટિ સૂર્ય શશિથી અપાર રે ।
તેનું અક્ષરબ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિ ધામ રે ।।૩૮।।
જક્તકારણ જોર જે વિશાળ રે, બહુ પ્રધાન પુરૂષ કાળ રે ।
એને આશ્રય રૂપ એ અનુપ રે, સતચિદ્ આનંદ સ્વરૂપ રે ।।૩૯।।
તેહ મધ્યે શ્રીકૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણિ અભિરામ રે ।
મણિસ્તંભ ઘણી ફુલમાળ રે, તેણે શોભે છે ધામ વિશાળ રે ।।૪૦।।
મણિમાળ મોતીમાળે કરી રે, મણિ ઘણિયે રહ્યું શોભા ધરી રે ।
શ્વેત ચમર મુક્ત કળશ કઇ રે, સારાં તોરણ રહ્યાં શોભા દઈ રે ।।૪૧।।
શતશૃંગથી ઉંચું છે એહ રે, પ્રકાશક કૃષ્ણધામ તેહ રે ।
અગર ચંદને ચર્ચ્યું એ ધામ રે, ધૂપ દીપ દ્રવ્યે અભિરામ રે ।।૪૨।।
ઘણે સમાજે શોભે સદન રે, કહેતાં પાર નાવે કોય દન રે ।
તેને આસપાસ હરિદાસ રે, કરી રહ્યા એકાંતિક વાસ રે ।।૪૩।।
સર્વે સેવા શ્રીકૃષ્ણની કરે રે, અતિઆનંદે સ્વછંદ ફરે રે ।
કૃષ્ણ ગુણ વાજીંત્રમાં ગાય રે, તેનો શબ્દ છાયો ધામ માંય રે ।।૪૪।।
એવા ધામમાંહિ સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે ।
રંગે ચિત્ર વિચિત્ર તે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપે રે ।।૪૫।।
એવું અતિ સુંદર સિંહાસન રે, તેપર બેઠા કૃષ્ણ ભગવન રે ।
ઘનશ્યામ ને વય કિશોર રે, પીતપટ બે કર વંશી સોર રે ।।૪૬।।
મંદહાસ ને માથે મુગટ રે, નિર્ખિ જન મગન અમટ રે ।
મૃગમદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે ।।૪૭।।
કૌસ્તુભ મણિ માળ કાંતિવાળી રે, શોભે શ્રીકૃષ્ણ કંઠે શોભાળી રે ।
મકરાકાર કુંડળ કાને શોભે રે, નંગ જડ્યાં કડાં કર ઉભે રે ।।૪૮।।
કર આંગળી મુદ્રિકા મણિ રે, કટિ કિંકિંણિ નુપૂર શોભા ઘણી રે ।
ચરણ અરૂણ નખ રક્ત શામ રે, રક્ત કમળ તળ શોભાધામ રે ।।૪૯।।
તિયાં સોળે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રતધારી રે ।
અષ્ટકોણ જવ જંબુ જેહ રે, સ્વસ્તિ ધ્વજ ને કુળિશ તેહ રે ।।૫૦।।
અંકુશ અંબુજ ઉર્ધ્વરેખ રે, શોભે જમણે પગે વિશેખ રે ।
મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૫૧।।
વામચરણે એ ચિંતવે દાસ રે, કામ ક્રોધ મોહ પામે નાશ રે ।
એવાં કૃષ્ણચરણાર્વિંદ જોઇ રે, મુનિ મધુપ રહ્યા તિયાં મોઇ રે ।।૫૨।।
રાધાઆદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લિયે ઉર ધરી રે ।
ગુલફ જંઘા જાનુ જાુગ જોઇ રે, બાહુ અજાન રહે મનમોઇ રે ।।૫૩।।
નાભી કટિ ઉદર અનુપ રે, તિયાં ત્રિવળી શોભે સુખરુપ રે ।
જમણે ઉરે શ્રીવત્સ ચિહ્ન રે, નિર્ખિ હરખે જન પાવન રે ।।૫૪।।
હાર મુગટ પુષ્પના શોભે રે, જોઇ જનતણાં મન લોભે રે ।
અરુણ કમળસમ કર દોય રે, બંશી સહિત શોભે છે સોય રે ।।૫૫।।
પૂર્ણ શશિસમ મુખ સારૂં રે, શોભે કંઠ કંબુ અનુસારું રે ।
તિયાં તુલસીમાળ વિશાળ રે, શોભે ચિબુક અધર પ્રવાળ રે ।।૫૬।।
મંદહાસે બોલે મિઠાં વેણ રે, દંત દાડ્યમકળિ સુખદેણ રે ।
નાસા દીપ કપોળે કાંતિ રે, કાને કુંડળ શોભા સુહાતિ રે ।।૫૭।।
તિયાં પુષ્પગુચ્છ બે ધરીયાં રે, ચંચળ લોચન હેતનાં ભરીયાં રે ।
રાતી રેખે નયણ રસાળ રે, શોભે ભ્રકુટી ભાલ વિશાળ રે ।।૫૮।।
કેશર તિલક તિયાં વિશેખ રે, હસતાં ભાલ વચ્ચે ઉઠે રેખ રે ।
સુંદર કેશ શિશે મુગટ રે, જડ્યો મણિરતને શું ઘટ રે ।।૫૯।।
નખશિખા શોભા ન કહેવાય રે, શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાય રે ।
એવા શ્રીકૃષ્ણ શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે ।।૬૦।।
ઘનશ્યામ ને તન પ્રકાશ રે, તેનો મર્મ જાણે કોઇ દાસ રે ।
સામુદ્રિકે કહ્યાં શુભ ચિહ્ન રે, તેણે જાુક્ત શ્રીકૃષ્ણ સુખયન રે ।।૬૧।।
તેને નિરાકાર કહે કુમતિ રે, હોયે આસુરી જીવ જે અતિ રે ।
સમજે સાકાર સંત તે સદા રે, પામે પાસ વાસ અતિમુદા રે ।।૬૨।।
કહીએ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ રે, વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે ।
હરિ નારાયણ અંતર્યામી રે, ભગવાન પ્રભુ બહુનામી રે ।।૬૩।।
તત્વજ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદ્ગ્રંથ ગાય રે ।
ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણમહિમા કહે ફરીફરી રે ।।૬૪।।
ગુણ પ્રાક્રમે કરી બહુ નામ રે, જપવા જોગ સર્વે સુખધામ રે ।
રાધા રમા રહે દોય પાસે રે, જાુવે શ્રીકૃષ્ણ હેતે કટાક્ષે રે ।।૬૫।।
બીજી લલિતાદિ સખી જેહ રે, રાધા રમાસમ વળી તેહ રે ।
સારી શીલે શુભ ગુણધામ રે, સુણો સહુ કહું તેનાં નામ રે ।।૬૬।।
જયા લલિતા ને શશિકલા રે, માધવી જમુના ને સુશિલા રે ।
રતિ કાંતિ ને ચંદ્રમુખી રે, કદંબ માલિકા સ્વયંપ્રભા સુખી રે ।।૬૭।।
પદ્મમુખી સુખા શુભા જેહ રે, મધુમતી સરસ્વતી તેહ રે ।
પદ્મા ગંગા ને સર્વમંગળા રે, સુમુખી ભારતી ને કમળા રે ।।૬૮।।
પારિજાતા કૃષ્ણપ્રિયા નંદા રે, નામ નંદિની સુંદરી સુખદા રે ।
એહઆદિ સુંદરી અપાર રે, સેવે શ્રીકૃષ્ણને કરી પ્યાર રે ।।૬૯।।
મૃગમદ ચંદન ને ફુલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે ।
વળી ષટ્ રસ સુભોજન રે, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજય અન્ન રે ।।૭૦।।
કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરિ રે ।
મેવા મિઠાઇ અમૃતફળ રે, રત્નજડિત ઝારીયે જળ રે ।।૭૧।।
પાય પાણી પાનબિડી આપે રે, કરી આરતી સ્તુતિ આલાપે રે ।
એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રીકૃષ્ણ મુરારી રે ।।૭૨।।
વળી પ્રભુના પારષદ જેહ રે, મુખ્ય મોટા નામ સુણો તેહ રે ।
વીરભાનુ ચંદ્રભાનુ કહીએ રે, સૂર્યભાનુ વસુભાનુ લહીએરે ।।૭૩।।
દેવભાનુ શક્રભાનુ જેહરે, રત્નભાનુ સુપાર્શ્વ છે તેહ રે ।
વિશાળ રૂષભ અંશુબળ રે, દેવપ્રસ્થ વરૂથ સુબળ રે ।।૭૪।।
શ્રીદામા આદિક એહ સોળ રે, તેને કેડ્યે બીજા છે અતોલ રે ।
સર્વે કરે શ્રીકૃષ્ણની સેવા રે, રૂપ ગુણે એક એક જેવા રે ।।૭૫।।
છત્તર ચમર સેવાનાં સાજ રે, તેણે સેવે રાજાધિરાજ રે ।
થાય તાને ગાન તિયાં ઘણાં રે, સર્વે દર્શન કરે કૃષ્ણ તણાં રે ।।૭૬।।
દેખી દાસની સેવા દયાળ રે, રીઝે કૃપાના નિધિ કૃપાળ રે ।
પરમાત્મા પરબ્રહ્મ જેહ રે, નિગમ નેતિ નેતિ કહે તેહ રે ।।૭૭।।
કાળ કર્મ ગુણ સિદ્ધ જાણો રે, તેના પ્રેરક કૃષ્ણ પ્રમાણો રે ।
સંકર્ષણને પ્રદ્યુમન કહીએ રે, અનિરુદ્ધ રૂપે કૃષ્ણ લહીએ રે ।।૭૮।।
અનંત કોટિ બ્રહ્માંડના નાથ રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હાથરે ।
વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવના કલ્યાણ કાજ રે ।।૭૯।।
નરનારાયણાદિ અનંત રે, દિવ્યરૂપે રહે ભગવંત રે ।
તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે ।।૮૦।।
દિવ્યરૂપે રહે પ્રભુ પાસ રે, સદા સુખ ભોગવે એ દાસ રે ।
બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે, તેને સંગે કરે એ આનંદ રે ।।૮૧।।
પામે મોટપ્ય કહે ન આવે રે, જેણે પ્રભુ ભજયા આંહિ ભાવે રે ।
હરિ ધરી પોતે અવતાર રે, એહ ધામનું ઉઘાડ્યું બાર રે ।।૮૨।।
જે કોઇ સત્સંગી નરનારી રે, કર્યાં એ ધામનાં અધિકારી રે ।
નથી વાત સરખી એ વાત રે, જાણે સંત મોટા સાક્ષાત રે ।।૮૩।।
જેને મળ્યા સ્વામી સુખરાશી રે, તેતો સર્વે આ ધામના વાસી રે ।
કહે કવિ સુણો શુભમતિ રે, કહિ સતસંગીની પ્રાપતિ રે ।।૮૪।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગોલોકધામનું વર્ણન કર્યું એ નામે એકસો ને ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૧૫૯।।