ચોપાઇ-
હવે કહું હરિજનની રીત, સહુ સાંભળજયો દઇ ચિત્ત ।
સાંખ્યયોગી બાઇયો હરિજન, જેનાં તપ પરાયણ તન ।।૧।।
સવેર્તજી સંસારની આશ, ભજે અંતરમાં અવિનાશ ।
પુરૂષોત્તમ પ્રગટ પેખી, બીજી સવેર્ઇચ્છાઓ ઉવેખી ।।૨।।
દેહ ગેહતણાં સુખ ત્યાગી, જેની લગની નાથશું લાગી ।
ખાનપાનથી ઉતારી મન, ભાવે કરે હરિનું ભજન ।।૩।।
વસન ભૂષણ ન ચાય ચિત્ત, જેને પૂરણબ્રહ્મશું પ્રીત ।
એવી મળે બાઇયોની મંડળી, કરે વાત માંહોમાંહિ મળી ।।૪।।
બાઇયો સાંભળજયો એક વાત, આજ મહારાજ છે રળિયાત ।
હસી બોલે છે હેતને વયણે, વળી જુવે છે અમૃતનયણે ।।૫।।
માટે મોટું ભાગ્ય છે આપણું, છીએ વાલ્યમને વહાલાં ઘણું ।
ભલે આવિયો આ અવતાર, જેમાં મળિયા પ્રાણઆધાર ।।૬।।
લીધો અલભ્ય લાભ તે આજ, સવેર્સર્યાં છે આપણાં કાજ ।
કોઇ વાતની ન રહી ખામી, આજ મળ્યા સહજાનંદ સ્વામી ।।૭।।
એવા તજી સુખદાયી શ્યામ, કોણ કરે મનખો હરામ ।
એવી કોણ અભાગણી હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે ।।૮।।
દેહસુખમાં રહ્યો સંસાર, દેહસુખમાં વિષયવિકાર ।
દેહમાંહિ માન્યું જેને આપ, તેને મળ્યાં છે પૂરણ પાપ ।।૯।।
એવી ગર્દભી નારી છે ઘણી, શું કહીએ બાઇ વાત તે તણી ।
નિત્ય કરીને નવલો રંગ, દેખાડે છે પુરૂષને અંગ ।।૧૦।।
વસ્ત્ર આભૂષણ પહેરી અંગ, નિત્ય ફરેછે નવલે રંગ ।
ગુંથે કેશ હમેશ હરાડી, ફરે શેરી બજારમાં દાડી ।।૧૧।।
તને ચોપડી તેલ ફુલેલ, આંજી આંખ્ય ને જુવે છે છેલ ।
રૂડો પુરૂષ દેખીને રીઝે, ગળે અંતર ભિંતર ભિંજે ।।૧૨।।
જે પુરૂષ માન્યા સુખરૂપ, તેનું સાંભળો કહું સ્વરૂપ ।
જેને જાણે છે રૂડો રૂપાળો, તેના ભિંતરનો માલ ભાળો ।।૧૩।।
માંહિ ભયોર્મજજા મેદ માંસ, તેની અભાગણી કરે આશ ।
પરુ પાચ પડે પિયા ઘણા, વહે લિંટ શેડા લજામણા ।।૧૪।।
કફ થુંક ને લાળની ખાડી, મુખે ઝરે તે મેઘ અષાડી ।
પડે બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૧૫।।
મળ મુતરે પૂરણ પેટ, તેની ભુંડણ્ય ચાય છે ભેટ ।
કુલટા મન રિઝી કરકે, જેણે કરીને જાશે નરકે ।।૧૬।।
માંહી ભરીયો આંતર કર્મે, ઉપર મઢ્યો છે આળે ચર્મે ।
ભર્યું રૂધિર તે રગરગે, એવો અશુધ્ધ નર છે અંગે ।।૧૭।।
સ્વેદ શુક્ર શલેષમ આમ, નખ કેશ એ દિસે નકામ ।
ગુંગા ગિડરે ભર્યો ભંડાર, તેનો પાપણી કરે છે પ્યાર ।।૧૮।।
નરકકુંડ જેવો નરદેહ, તેશું શંખણી કરે સ્નેહ ।
પુંજા કચરા નામ ઉકરડા, દિસે દુર્ગંધના ડુંગરડા ।।૧૯।।
દેખી નખશિખા વસ્તુ નકામ, ફુયે સમજીને પાડ્યાં છે નામ ।
નાગ વાઘ સિંહ નામ સરે, એથી અબળા કેમ ઉગરે ।।૨૦।।
ગુણે યુક્ત જાણો એહ નામ, જેને મળે તેનું ટાળે ઠામ ।
કદાપિ જો હોય નામ સારૂં, જેમ કાવે મીઠું ને છે ખારૂં ।।૨૧।।
વળી સાંભળો કહું સાહેલી, નર હોય ફોગટિયા ફેલી ।
ગાંજા ભાંગ્ય માજમ મફર, તાડી મદ્ય પીવે દાડી નર ।।૨૨।।
પીવે અમલ હોકા હમેશ, ગયે જોબને રંગાવે કેશ ।
ખાય કવસ્તુ કામના કાજ, પાપી પુરૂષને નહિ લાજ ।।૨૩।।
જેજે ભવમાંહિ છે ભુંડાઇ, તેતો સર્વે રહી નરમાંઇ ।
જેજે પૃથ્વી ઉપર પાપ, તેના કરનારા નર આપ ।।૨૪।।
ચોરી હિંસા કસાઇનાં કામ, કરે નર ન કરે એ વામ ।
યુધ્ધ વિરોધે વૈરમાં લડે, સામસામાં શિશ બહુ પડે ।।૨૫।।
ચાલે રૂધિરની તિયાં ધારૂં, મરે મનુષ્ય હજારે હજારૂં ।
એવે પાપે હોય નર પુરા, તેતો કહાવે જગતમાં શૂરા ।।૨૬।।
કઇ જીવ કરે કચ્ચરઘાણ, એવા પાપીનાં થાય વખાણ ।
એવા પાપી પુરૂષના દેહ, તેશું સ્વપ્ને કરે કોણ સ્નેહ ।।૨૭।।
એને ઇચ્છે અભાગણી નાર, જેને જાવું છે જમને દ્વાર ।
નારી નરકમાં જાય છે આપે, તે પુરૂષમાં પ્રીત્ય પ્રતાપે ।।૨૮।।
વળી કહું પુરૂષનાં પાપ, તમે સાંભળજયો સહુ આપ ।
નર વિકળ હોય વિશેક, જેના અંતરમાં નહિ ટેક ।।૨૯।।
કરે પરાણે નારી સ્પરશ, થાય વિકળ કામ વિવશ ।
જોને બ્રહ્મા સરવેના બાપ, તેણે કર્યો સુતાને સંતાપ ।।૩૦।।
જોને ઇંદ્ર અભાગીનાં કામ, કયુર્ં અહલ્યાનું જીવત હરામ ।
જોને વિધુનો ગયો વિચાર, હરી પરાણે ગુરુની નાર ।।૩૧।।
જોને સુરગુરૂ બૃહસ્પતિ, કર્યું અબળાનું અવળું અતિ ।
જોને નહુષ મૂરખ મરવા, જોરે ઇચ્છ્યો ઇંદ્રાણીને વરવા ।।૩૨।।
જોને યયાતિ મૂરખ જન, માગ્યું પુત્ર પાસળે જોબન ।
એહ આદિ મોટા મોટા જેહ, થયા વિકળ તનમાં તેહ ।।૩૩।।
હવે બીજા રહ્યા જેહ જન, તેનાં ક્યાંથી સ્થિર હોય મન ।
માટે પુરૂષતન જે પામ્યા, તેતો લાજ ધરમને વામ્યા ।।૩૪।।
પાપ મૂર્તિ પુરૂષપિંડ, નર મળે મળ્યો નરક કુંડ ।
તેમાં પડે છે પાપણી જઇ, લજજાવોણી અભાગણી થઇ ।।૩૫।।
હારી મનખો થઇ હેરાણ, જેના પુરૂષે હરાણા પ્રાણ ।
નથી સુખ છે દુઃખ અલેખે, તેમાં અભાગણી સુખ દેખે ।।૩૬।।
હવે કહું જે આપણી રીત્ય, પ્રભુ વિના ન રાખવી પ્રીત્ય ।
પંચ હાથ પુરૂષથી પરૂં, રહેવું ખબડદાર તે ખરૂં ।।૩૭।।
વાટે ઘાટે ન જાવું એકલું, જો ઇચ્છવું પોતાનું ભલું ।
નરસામાં ન જોડિયે નેણ, વળી ભૂલે ન બોલિયે વેણ ।।૩૮।।
સંભારીએ ન સુણિએ વાત, હાસરસે ન ર્સ્પિશએ ગાત ।
ગુહ્યવાર્તા ભૂલ્યે ન કરીએ, પુરૂષાકાર ચિત્ર પ્રહરિયે ।।૩૯।।
તાત ભ્રાત ને સુત સંગાતે, એશું વસિયે નહિ એકાંતે ।
પડે કામ અવશ્ય એ સંગ, ત્યારે બોલવાનો છે પ્રસંગ ।।૪૦।।
ત્યાગી ત્રિયાને તીર્થે જો જાવું, સંબંધિસંગે તીર્થમાં નાવું ।
દ્રવ્ય રાખવું નિર્વાહ કાજ, નહિતો આપણી ન રહે લાજ ।।૪૧।।
અન્ન વસ્ત્ર અંગને જોયે, જાય જાચવા તો ધર્મ ખોયે ।
જાડું મોટું મળે જેવું પટ, તેણે કરીને ઢાંકિયે ઘટ ।।૪૨।।
ખારૂં ખાટું મળે જેવું અન્ન, જમી કરીયે હરિભજન ।
આપણું છે અબળાનું તન, તેમાં રાખવી જોઇએ જતન ।।૪૩।।
ઘણું વરતવું ઠાવકું ઠીક, અતિ આણી અંતરમાં બીક ।
જેમ દોરે ચડે નટનારી, ચુકે નજરતો થાય ખુવારી ।।૪૪।।
માટે રહેવું સદાય સચેત, હરિ વિના ન રાખવું હેત ।
આણી અંતરમાંહિ વૈરાગ્ય, કરવાં તન મન સુખ ત્યાગ ।।૪૫।।
એવી સાંભળી શીખની વાત, સવેર્બાઇઓ થઇ રળિયાત ।
સત્ય વારતા છે એજ સાચી, એમ સમજયા વિના વાત કાચી ।।૪૬।।
પૂર્વછાયો-
એ રીત ત્યાગી ત્રિયાની, જેણે તજયો સર્વે સંસાર ।
હવે કહું રીત્ય ભાઇની, સાંખ્યયોગી ગૃહી ઉદાર ।।૪૭।।
ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળા-નંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે સાંખ્યયોગી બાઇયોનાં વ્રતમાન કહ્યાં એ નામે એકસો ને અગિયારમું પ્રકરણમ્ ।।૧૧૧।।