૫૬. કચ્છથી સરધાર થઇ કારીયાણીમાં ચાર માસ રહી તળાવ ગળાવીને યજ્ઞ કર્યો પછી ઉમરેઠ સુધી વિચરણ કરી જેતલ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:41pm

ચોપાઇ-

પછી કચ્છ દેશથી કૃપાળુ, આવ્યા પંચાળે દીનદયાળુ ।

સંગે લઇને સાધુ બેચાર, પ્રથમ આવીયા દેશ હાલાર ।।૧।।

ગામોગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કીધાં ।

પછી આવીયા સરધારમાંઇ, હરિભક્ત કાઠી આવ્યા ત્યાંઇ ।।૨।।

પછી ત્યાંથી ચાલીયા મહારાજ, આવી રહ્યા પિપરડીએ રાજ ।

બીજે દિવસે બોટાદ આવ્યા, અદે ભગે ભાવેશું જમાવ્યા ।।૩।।

રહ્યા દિવસ બે કરી મેર, સોમલા ને માંતરાને ઘેર ।

પછી ત્યાંથી આવ્યા કારીયાણી, વરસે મેઘ પડે બહુ પાણી ।।૪।।

વસે ભક્ત ત્યાં માંચો વીરદાસ, રહ્યા તિયાં હરિ ચાર માસ ।

આવ્યા ગઢડેથી હરિજન, જેનાં ત્યાગે સુકાણાં છે તન ।।૫।।

આવ્યા દેશદેશ થકી દાસ, નયણે નિરખવા અવિનાશ ।

આવ્યા વાગડ કચ્છ હાલારી, સોરઠ વાળાકનાં નરનારી ।।૬।।

આવ્યા પાંચાળી ને ઘોલવાડી, ભાલ ગુજરાત ઝાલાવાડી ।

આવ્યો સુરતથી સંઘ વળી, ઘણું રહ્યો છે રંગડો ઢળી ।।૭।।

આવે સહુ લાગે હરિપાય, નાથ નિરખી ત્રપત ન થાય ।

આવ્યા સંત તે સરવે મળી, હતી અમદાવાદે મંડળી ।।૮।।

પછી પ્રભુતણી પૂજા કરી, જમ્યા બહુ સરકરા હરિ ।

સુંદર વસ્ત્ર શામળિયો પહેરી, દિયે દર્શન દાસને લહેરી ।।૯।।

કરે વાત અલૌકિક આપે, સવેર્જનના સંશય કાપે ।

જાય નાથજી નિત્ય તળાવે, જન પાસળ સર ગળાવે ।।૧૦।।

ગાતાવાતા આવે પછી ઘેર, નિત્ય પ્રત્યે થાય લીલાલેર ।

સુંદર ઘોડે ચડે ગિરધારી, થાય ચમર જુવે નરનારી ।।૧૧।।

પછી યજ્ઞ કરાવ્યો મહારાજે, તેડ્યા બ્રાહ્મણ જમવા કાજે ।

થયા તળાવે ચોકા ચાળીશ, ચડી ઘોડે ફરે જગદીશ ।।૧૨।।

જમ્યા બ્રાહ્મણ દક્ષિણા દીધી, પછી સર્વેને શીખજ કીધી ।

સારા સુંદર વરસમાંય, આસોવદિ તેરશ કહેવાય ।।૧૩।।

તેદિ યજ્ઞ કર્યો ભગવાને,દીઠી નજરે નથી સંુણી કાને ।

પછી આવ્યો દિવાળીનો દન, જન પર હરિ છે પ્રસન્ન ।।૧૪।।

દિયે દર્શન દિવસ રાત, વળી ઘણી ઘણી કરે વાત ।

એમ આનંદ ઉત્સવ કરી, પછી સંતપ્રત્યે બોલ્યા હરિ ।।૧૫।।

સંત સાંભળોને સહુ મળી, તમે બાંધો હવે બે મંડળી ।

એક નવાનગરમાં જાઓ, બીજા સુરત શહેર જગાઓ ।।૧૬।।

પછી સંત ગયા બેઉ શહેર, રાખી મૂર્તિ હૃદે રૂડી પેર ।

લટકાળો છોગાળો છબીલો, રાખ્યો સંતે હૃદામાં રંગીલો ।।૧૭।।

તેનું ધરતા અંતરે ધ્યાન, ચાલ્યા સંત થઇ સાવધાન ।

પછી શ્યામળિએ શું શું કીધું, ફરી સહુને દર્શન દીધું ।।૧૮।।

ત્યાંથી વાલો ગયા વઢવાણ, દવે તુળસીનું કરવા કલ્યાણ ।

તુળસી બોલ્યોતો કરૂં જગન, પડ્યો ખોટો ન ખરચાણું ધન ।।૧૯।।

ત્યાંથી ચાલીયા સુંદર શ્યામ, વાલો આવ્યા રામગરી ગામ ।

દીધાં દાસને દર્શન ભાવે, આવ્યા દદુકેથી મછિયાવે ।।૨૦।।

વળી વિછિયાવ્ય મોડાસર, ત્યાંથી આવીયા જેતલપર ।

રહ્યા રાત્ય ત્યાં પૂરણકામ, પછી આવિયા ડભાણ ગામ ।।૨૧।।

વળી પીજ નડિયાદ ગયા, પછી ઉમરેઠે જઇ રહ્યા ।

તિયાં ભક્ત રહે રૂપરામ, પ્રભુ પધારીયા તેને ધામ ।।૨૨।।

રહ્યા સાત દિન સુધી તિયાં, બહુ પ્રતાપ જણાવ્યો ઇયાં ।

થાય ધ્યાન ધારણા અપાર, જોઇ નિશ્ચય કરે નરનાર ।।૨૩।।

પછી યાં થકી શ્યામ સધાવ્યા, આઘા જઇ પાછા વળી આવ્યા ।

કરી મુક્યાંતાં જને ભોજન, તેને ઘેર જમ્યા છે જીવન ।।૨૪।।

દઇ દર્શન ચાલ્યા દયાળ, આવ્યા ચાંગામાં નાથ કૃપાળ ।

ભક્ત નથુ લખે લીધો લાવ, ત્યાંથી આવ્યા રોણ્યગામે માવ ।।૨૫।।

પિરાણાની પિરાઇ વેરાવી, એના મેતને અલફી પહેરાવી ।

પછી મતિયાં મળ્યાં સહુ આવી, રોઇ કાકાની અલફી મુકાવી ।।૨૬।।

ત્યાંથી આવ્યા બોચાસણ ગામ, ભક્ત કાશીદાસજીને ધામ ।

ત્યાંથી વેલ્યે બેસી બહુનામી, આવ્યા બુધેજે અંતરજામી ।।૨૭।।

હવુંતું હઠીભાઇને સ્વપ્ન,થયું તેવા નું તેવું દર્શન ।

ત્યાંથી આવ્યા જેતલપુર વળી, આવ્યાં સહુ દર્શને સાંભળી ।।૨૮।।

બાળ વૃધ્ધ ને જોબન જેહ, આવ્યાં સહુ મળી દર્શને તેહ ।

જન કહે ભલે આવ્યા જીવન, કાલે છે ઉતરાયન દન ।।૨૯।।

તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મંગાવીએ ઘૃત મણ ।

પ્રથમ મંડાણ મણથી કયુર્ં, પછી પુછતાં પાંચસે ઠર્યું ।।૩૦।।

જેમ જેમ પુછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને ।

મોર્યે નોતરૂં ને પછી સીધું, એમ યજ્ઞનું પરિયાણ કીધું ।।૩૧।।

એતો છે અતિ પરચાની વાત, તેતો જાણે છે સંત સાક્ષાત ।

એમ નાથે કર્યો નિરધાર, માંડ્યો આરંભ ન કરી વાર ।।૩૨।।

લીધાં ઘી ગોળ ઘઉં દળાવ્યા, તળિયા મોદક મોટા વળાવ્યા ।

કરી લાડવા ભર્યા કોઠાર, બીજો આણ્યો સમાજ અપાર ।।૩૩।।

માંડ્યો જેતલપુરમાં જંગ, આવ્યા બ્રાહ્મણ તેડાવ્યા સંગ ।

રચ્યો મંડપ વેદવિધિએ, કર્યો કુંડ તે હોમવા ઘીએ ।।૩૪।।

ભણે બ્રાહ્મણ મંડપમાંઇ, દિયે આહૂતિ ઘૃતની ત્યાંઇ ।

જપે મંત્ર ને હોમે છે અન્ન, થાય વિધિએ યુક્ત જગન ।।૩૫।।

જમે બ્રાહ્મણ ન રાખે ખામી, જમો ભાયો જમાડે છે સ્વામી ।

જમ્યા જેવા છે મોદક મોટા, ખાઓ ખુબ કરી દેહ ખોટા ।।૩૬।।

જમતાં જમતાં જાય પ્રાણ, તેનાં આપણા કુળમાં વખાણ ।

જમે બ્રાહ્મણ જોરજોરાઇ, અતિમોદ ભર્યા મનમાંઇ ।।૩૭।।

બેસે પંગત્યો ન આવે પાર, જમે વિપ્ર હજારો હજાર ।

જમ્યા જોરે ન ખુટ્યું જમણ, ખાઇ ખાઇને કાયા બ્રાહ્મણ ।।૩૮।।

એમ જમ્યા અષ્ટાદશ દન, પછી પૂરો કરાવ્યો જગન ।

દીધાં દાન દક્ષિણા દયાળે, પાળી વેદવિધિ પ્રતિપાળે ।।૩૯।।

એમ પૂરો કર્યો અતિરૂદ્ર, જમ્યા દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર ।

કોઇ જમ્યા વિના નવ રહ્યું, આડિ વિના અન્ન બહુ દયું ।।૪૦।।

જમે જન બોલે જેજેકાર, ધન્ય ધન્ય થાય છે ઉચ્ચાર ।

દેશોદેશથી આવ્યાતા જન, નિર્ખિ નાથને થયા મગન ।।૪૧।।

તિયાં પુછ્યું તું પ્રશ્ન મહારાજે, કરતાં ઉત્તર વિપર લાજે ।

થયાં શ્યામ મુખ સાઇ ઢળી, બોલ્યા નહિ રહ્યા અંતરે બળી ।।૪૨।।

પછી સર્વેને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।

પોષ સુદી સપ્તમી છે સારી, હરિજન લેજયો હૈયે ધારી ।।૪૩।।

તેદિ પૂરો થયો છે જગન, સવેર્રાજી થયા સાધુ જન ।

દુષ્ટ જાણે નહિ થાય જગન, કર્યો નાથે તે નિરવિઘન ।।૪૪।।

કરી યજ્ઞને જીવન ચાલ્યા, પશ્ચિમદેશમાં દર્શન આલ્યાં ।

સર્વે જક્તમાં જણાણી વાત, કહે સ્વામી શ્રીહરિ સાક્ષાત ।।૪૫।।

એવું સુણી દાઝ્યાં દુરિજન, કહે અજાણે કર્યો જગન ।

નથી ભેખને ખબર ખરી, ત્યારે ગયો એ જગન કરી ।।૪૬।।

હવે ભેખ થાશું સવેર્ભેળા, કેમ કરી એ કરશે મેળા ।

જમરાણ આવશે જમાત્યો, તેદી છે એ સ્વામીજીની વાતો ।।૪૭।।

ખાશું રૂપૈયા એ સારૂં લાખો, પણ પંથ એનો નહિ રાખો ।

એમ પરસ્પર પરિયાણ્યું, એના મનનું મહારાજે જાણ્યું ।।૪૮।।

સર્વે સંત પ્રત્યે કહે હરિ, કરીએ જગન આપણે ફરી ।

પછી હરિજનને તેડાવ્યા, મળી જેતલપુરે તે આવ્યા ।।૪૯।।

રહ્યા દન દો ચાર એ ઠામ, પછી ગયા ખોખરાદ્ય ગામ ।

પરમહંસ સન્યાસી છે સંગે, વીતે દિન આનંદ ઉમંગે ।।૫૦।।

આવ્યા સતસંગી સહુ મળી, થાશે ઉત્સવ એવું સાંભળી ।

નાથ નિર્ખિ સુખી થયા સહુ, દીયે દર્શન પ્રસન્ન બહુ ।।૫૧।।

ગામમાંય તો સંઘ ન માય, ત્યારે બારે સુવા સંત જાય ।

ગાય કીર્તન થાય કિલોલ, આવે દર્શને જન હિલોલ ।।૫૨।।

એમ આનંદ ઉત્સવ થાય, નિત્ય નાવા કાંકરીએ જાય ।

ગાતાવાતા આવે વળી ઘેર, એમ થાય બહુ લીલાલેર ।।૫૩।।

કરે વાત પ્રભુ જયારે આપ, તેમાં જણાવે બહુ પ્રતાપ ।

કાંઈક ભૂત ભવિષ્યનું ભાખે, દીયે જણાવી કેડ્યે ન રાખે ।।૫૪।।

કહે જગન કરશું જરૂર, આવું બીજું નથી કોઈ પુર ।

ગામમાંય સંકોચ છે સરે, હોમ થાશે ગામને ગોંદરે ।।૫૫।।

તેતો જાણશે સરવે જન, કહેશે ભલો કર્યો એ જગન ।

એમ કરે હરિ જયારે વાત, સુણી જન થાય રળિયાત ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે જેતલપુરે યજ્ઞ કર્યો એ નામે છપનમું પ્રકરણમ્ ।।૫૬।।