ચોપાઈ :
જય જય ગાય મુનિ ગાથ, જય જય નરવીર નાથ ।।
જય જય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।। ૧ ।।
જય દીનબંધુ ૠષિદેવ, જય અકળ નાથ અભેવ ।।
જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।। ૨ ।।
જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ ।।
જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।। ૩ ।।
જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાનવિજ્ઞાન ગંભીર ।।
જય અતિઅજિત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।। ૪ ।।
જય સુખનિધિ સિદ્ધિ શ્યામ, જય સદા અક્રોધ અકામ ।।
જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।। ૫ ।।
જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ ।।
જય પાપઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।। ૬ ।।
જય ખલબલખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર ।।
જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।। ૭ ।।
જય અકળ બળ અવિનાશી, જય પિંડ બ્રહ્માંડ પ્રકાશી ।।
જય કાળતણા મહાકાળ, જય ભૂપતિપતિ ભૂપાળ ।। ૮ ।।
જય મહાદુષ્ટમોડણમાન, જય ભકતવત્સલ ભગવાન ।।
જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।। ૯ ।।
જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી ।।
જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।। ૧૦ ।।
જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ ।।
જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।। ૧૧ ।।
એવાં અનેક ધરી શરીર, બેસો બદ્રિતળે બેઉ વીર ।।
રહો તાપસ વેષે હંમેશ, જટા મુકુટ સુંદર શીશ ।। ૧૨।।
દંડ કમંડલું મૃગછાલા, ઊર્ધ્વપુંડ્ર ને અક્ષની માળા ।।
ઉપવીત પુનિતને ધારી, સદા ભાઇ બેઉ બ્રહ્મચારી ।। ૧૩ ।।
સુખસાગર શાંતિસ્વરૂપ, દયાળુ દીનબંધુ અનુપ ।।
જય નિજજન સુખદાતા, જય નરનારાયણ ભ્રાતા ।। ૧૪ ।।
જય અચ્છેદ્ય અભેદ્ય અતિ, જય બળ અકળ મૂરતિ ।।
જય તેજ અત્યંત મહંત, જય અજર અમર અનંત ।। ૧૫ ।।
જય ગુણસાગર ગોવિંદ, જય સુંદર શ્યામ સ્વછંદ ।।
જય દાસના પાશ વિનાશ, જય અમાયિક અવિનાશ ।। ૧૬ ।।
જય નિજજન જીવન પ્રાણ, જય મહા સુખ રૂપ મેરાણ ।।
મળી મુનિ કરે એ ઉચ્ચાર, વર્તિ રહ્યો ત્યાં જયજયકાર ।। ૧૭ ।।
એમ સ્તુતિ કરી મુનિવૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ ।।
કરી સ્તવન દંડપ્રણામ, પુરી કરી તે હૈયાની હામ ।। ૧૮ ।।
પછી હાથ જોડી બેઠા પાસ, થઇ અંતરદ્રષ્ટિ ઉજાસ ।।
શ્રીનારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।। ૧૯ ।।
દીઠું અક્ષરધામ અલોકિ, પામ્યા સુખ તેહને વિલોકી ।।
દીઠો તેજતણો ત્યાં અંબાર, તેહ મધ્યે સિંહાસન સાર ।। ૨૦ ।।
તિયાં બેઠા દીઠા બહુનામી, જેહ અક્ષરધામના ધામી ।।
અતિસુંદર મૂરતિ સારી, શોભાધામ શ્યામ સુખકારી ।। ૨૧ ।।
તેને નીરખીને પામ્યા આનંદ, ફુલ્યાં જેમ કુમોદની ચંદ ।।
પછી બારે જોયુ આવી જયારે, દીઠી તેની તે મૂરતિ ત્યારે ।। ૨૨ ।।
જેવા અક્ષરધામમાં દિઠા, તેવા દિઠા સનમુખ બેઠા ।।
તે તો નારાયણનું છે કૃત્ય, એમાં નહિ કાંઇ અચરત્ય ।। ૨૩ ।।
પછી પાયે લાગ્યા જોડી હાથ, ત્યારે મધુરી વાણ્યે બોલ્યાનાથ ।।
હે મુનિયો ભલે આવ્યા તમે, તમને જોઇ રાજી થયા અમે ।। ૨૪ ।।
તમારાં દરશનને કાજ, અમે ઇછતાતા મુનિરાજ ।।
મળવું તમારું દુર્લભ મને, થાય નહિ તે થોડેરે પુણ્યે ।। ૨૫ ।।
ગોલોકાદિ ધામ કહીએ જેહ, યોગસિદ્ધિઓ કા’વે છે તેહ ।।
તેથી વહાલા મુનિ તમે બહુ, સત્ય માનજયો વાત એ સહુ ।। ૨૬ ।।
વળી શિવ બ્રહ્માદિક જેવા, આપે બલિદાન કરે સેવા ।।
એહ તેહ મુજને છે પ્યારા, પણ તમે છો આત્મા મારા ।। ૨૭ ।।
તમે અહોનિશ ચિંતવો મને, જ્ઞાન બોધે તારો છો જીવોને ।।
જપ તપ ને યોગ યગન, વ્રતાદિક બીજાં જેહ પુણ્ય ।। ૨૮ ।।
તેહ સર્વે મળી જેહ કા’વે, જેના સોળમા અંશમાં નાવે ।।
માટે એનું નામ અભયદાન, બીજા નાવે તે એને સમાન ।। ૨૯ ।।
માટે પરમાર્થિ જાણ્યું અમે, મારા શુદ્ધ ભકત વળી તમે ।।
માટે તમ જેવા કોઇ નથી, ઘણું કહીએ શું મુનિ મુખથી ।। ૩૦ ।।
કહે કવિ સાંભળો સુજાણ, એમ બોલ્યા નારાયણ વાણ ।।
અતિભાવે હેતે ભર્યાં વેણ, બોલ્યા કૃપાએ કમળનેણ ।। ૩૧ ।।
પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ।।
ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર ।। ૩૨ ।।
ધન્ય પ્રકટ પૂરણચંદ, નિજ જનને દેવા આનંદ ।।
ધન્ય દીનબંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન ।। ૩૩ ।।
ધન્ય નરનારાયણ એક, તેનો જાણે વિરલા વિવેક ।।
ધન્ય અકળ કળા તમારી, બેઉ બાંધવની બલિહારી ।। ૩૪ ।।
ધન્ય સર્વ જન સુખકારી, દીનજન તણા દુઃખહારી ।।
સર્વે જીવની કરવા સાર, તમે રહ્યા આ ધામ મોઝાર ।। ૩૫ ।।
હવે નાથ કહીએ છીએ તમને, કહેવું ઘટે તે કહેજયો અમને ।।
એમ કહી જોડ્યા હાથ જયારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે ।। ૩૬ ।।
મુનિ તમે ત્રિલોકને માંય, આવો જાવો તે આપ ઇચ્છાય ।।
હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શી શી ખબર તમે લાવ્યા ।। ૩૭ ।।
ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભર્તખંડ જોઇ નાથ ।।
ત્યારે નારાયણ કહે ૠષિ, સરવે મારી પ્રજા છે ખુશી ।। ૩૮ ।।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ ।।
ભકિત ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય, એહ ઉપર કેવો અનુરાગ ।। ૩૯ ।।
જેમ હોય તેમ કહો મુનિ, ભર્તખંડનાં મનુષ્ય સહુનિ ।।
એવાં સુણી પ્રભુજીનાં વેણ, સર્વે ૠષિએ ઢાળિયાં નેણ ।। ૪૦ ।।
આવ્યાં નયણે નીર ભરાઇ, અતિશોક વ્યાપ્યો ઉરમાંઇ ।।
થઇ ગદગદ કંઠે ગિરા, પછી બોલિયા છે રહી ધિરા ।। ૪૧ ।।
સુણો નારાયણ નરભ્રાત, એની અમે ન કહેવાય વાત ।।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજધર્મ ।। ૪૨ ।।
અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી ।।
રાજા ઉન્મત્ત થઇ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર ।। ૪૩ ।।
આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખાદેખે ।।
નરનારી નિયમમાં નથી, કહીએ તેની ભુંડાઇ શું કથી ।। ૪૪ ।।
એને જોઇ અમે મુનિરાજ, સહુ દુઃખિયા છીએ મહારાજ ।।
એમ કહી આપે કર્યું રુદન, કહું સાંભળજયો સહુ જન ।। ૪૫ ।।
ઈતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભકતચિંતામણિ મધ્યે ૠષિસ્તુતિ નામે છઠ્ઠુ પ્રકરણમ્ ।।૬।।