૭૨. સંતોનો વૈરાગ્ય વખાણ્યો, જતેલપરુ પધારી છાના રહ્યા, શ્રીહરિએ રજા માગી પણ રામદાસજીની પ્રાર્થના

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:00pm

રાગ સામેરી-

એમ નિત્યે નવી નાથજી, કરે લીળા સુંદર શ્યામ ।

સંત રહ્યા ગુજરાત્યમાં, પોતે આવ્યા ગઢડે ગામ ।।૧।।

અતિરાજી અલબેલડો, કરે હસી હસીને વાતડી ।

સંતમંડળને શ્યામળો, ઘણું સરાય છે ઘડી ઘડી ।।૨।।

પરમહંસ જેવા પૃથ્વીમાં, આજ નથી કોઇ અંગે ।

તન મનનાં સુખ ત્યાગી, રાચ્યા છે પ્રભુને રંગે ।।૩।।

ત્યાગ વૈરાગ્યે ત્રણ્યે લોકમાં, નાવે જોડ્યે કોઇ જન ।

તેને જોઇ અંતર મારૂં, થાય છે પ્રરસન ।।૪।।

એમ કહે અલબેલડો, મોટ્યપ મુનિજનની ।

સુણી હરિજન મનમાં, ઇચ્છા કરી દર્શનની ।।૫।।

જને વહેલ્યું જોતરી, ચાલ્યા સવેર્સખા સાથજી ।

સંગે સુંદર શ્યામળો, પોતે પધાર્યા નાથજી ।।૬।।

વાટ માંહિ વિવિધ ભાત્યે, લીળા લાલ કરે ઘણી ।

જોઇ જન મન મોદ પામ્યા, સામર્થી શ્રીહરિતણી ।।૭।।

પછી જઇ જેતલપુરમાં, છબીલો છાના રહ્યા ।

દિન દો ચારેક ત્યાં રહી, પછી વાલમજી વળી આવિયા ।।૮।।

ત્યાર પછી પધારીયા તે, વળી વરતાલ ગામ ।

દેવા દર્શન દાસને, આવ્યા તે સુંદર શ્યામ ।।૯।।

સંત સવેર્સાંભળી વળી, આવ્યા અલબેલા કને ।

સુંદર શ્યામ સલુણી મૂર્તિ, નિર્ખિ નયણાં ભરી જને ।।૧૦।।

સંતને બહુ સુખ આપ્યાં, કરી હરિ વાત હિતની ।

સુણિ જન મન મગન થયાં, સ્થિર થઇ વૃત્તિ ચિત્તની ।।૧૧।।

પછી બીજે દિન બોલિયા, સંત સાંભળો સહુ વાત ।

અમે આંઇથી સધાવશું, આપો શિખ દઇ રળિયાત ।।૧૨।।

રાજી થઇ શિખ આપશો, તો રાખશું ખબર અમે ।

પણ સત્સંગમાં નહિ રહીએ, જો રાખશો તાણી તમે ।।૧૩।।

માટે આપો આગન્યા, કહું કરગરી તમ આગળે ।

પ્રસન્ન થઇ પધારશું, તો રહેશે મેળાપ કાગળે ।।૧૪।।

સુણી સંત શોકે પડિયા, રાજી નહિ રૂવે ઘણું ।

પ્રાણગતવત થયા, સુણી વચન જીવનતણું ।।૧૫।।

ટગ મગ જુવે રૂવે વળી, બોલી ન શકે વદને ।

અલબેલાની ઉદાસી જોઇ, રહી નહિ ધીરજ મને ।।૧૬।।

પછી સાધુ રામદાસજીયે, કરજોડી કહ્યું કરગરી ।

જેમ કહો તેમ કરશું, તમે રહો સતસંગમાં હરિ ।।૧૭।।

પછી પ્રભુજી પ્રસન્ન થઇ, કહી વાત સવેર્અંગની ।

મોટા સંત રાખજયો તમે, ખબર સતસંગની ।।૧૮।।

એમ કહીને પધારીયા, ગયા ગામ ડભાણ ।

સતસંગી ને સંત સવેર્ , સંગે ચાલ્યાસુજાણ ।।૧૯।।

તિયાં દિન એક રહીને, વળી આવિયા વરતાલ ।

ત્યાંથી આપી આગન્યા, આવો મોટા મોટા મરાલ ।।૨૦।।

ત્યાંથી પ્રભુજી પધારીયા, ગયા બોચાસણ ગામ ।

સુંદર વૃક્ષ જોઇને, કર્યો વાડીએ વિશ્રામ ।।૨૧।।

પછી ત્યાંથી ચાલિયા, વળી ગુવાસદ ગામે ગયા ।

આપી અંબર સોખડે, વળી ટંકારિયે રજની રહ્યા ।।૨૨।।

ત્યાંથી ચાલ્યા ચોપશું, નાથ નર્મદા ઉતર્યા ।

મનિપુરમાં મહારાજ રહી, સવારે ત્યાંથી સંચર્યા ।।૨૩।।

ચોકીમાં પહોર ચાર રહી, પ્રભાતે ત્યાંથી પધારીયા ।

સુરત શહેરને સમીપ ગામે, ઉધનામાં આવી રહ્યા ।।૨૪।।

શહેરમાં સંભળાવીયું, સતસંગી આવ્યા સહુ મળી ।

ભોજન વ્યંજન પૂજાવિધિ, લાવીયા લાખો વળી ।।૨૫।।

હાર અપાર પહેરાવીયા, કરે ધૂપ દીપ આરતી કઇ ।

ઉત્તમ વસ્તુ આગળ મુકી, સુખડીની સીમા નહિ ।।૨૬।।

સંધ્યાસુધી સતસંગીએ, લિધો લાવ લોચનભરી ।

પછી આપી આગન્યા, જાઓ ઘેર સહુ કહે હરિ ।।૨૭।।

ત્યાંથી નાથ પધારીયા, વળી રહ્યા રજની વનમાં ।

વાઘનું વિઘન ટાળી, ચાલ્યા ત્યાંથી મગનમાં ।।૨૮।।

ચિખલિયે પોર ચાર રહી, ધર્મપુર પોતે રહ્યા ।

નયણે નિર્ખિ નાથને, સહુ સંતજન સુખી થયા ।।૨૯।।

ગયાં હતાં બાઇ ગામ બીજે, નામ કુશળ કુંવરજી ।

તર્ત ત્યાંથી આવિયાં,સુણી પ્રભુ પધાર્યા ઘેરજી ।।૩૦।।

નયણે નિરખિ નાથને, સનાથ થઇ એમ જાણીયું ।

અહો મારાં ભાગ્ય મોટાં, એમ કહી આનંદ આણીયું ।।૩૧।।

પછી હાથજોડી કહ્યું નાથને, મહારાજ રાજ કરો તમે ।

તમે અમારા અધિપતિ, સહુ દાસ થઇ રહેશું અમે ।।૩૨।।

અજાણે દિન આટલા, અમે રહ્યાંતાં રાજા થઇ ।

હવે તમે તમારૂં સાચવો, આ સર્વ તમારૂં મારૂં નહિ ।।૩૩।।

પછી પ્રભુજી બોલિયા, નથી રાજય કરવા આવીયા ।

અનેક જીવ ઉદ્ધારવા, આ ભૂમિયે ભમિયે રીયા ।।૩૪।।

એ રાજય તમારૂં તમે કરો, પણ અંતરમાં રાખજયો હરિ ।

જો રહેશે ઉપાધિ અંતરે, તો ખોટ્ય મોટી જાશે ખરી ।।૩૫।।

બાઇ કહે હવે તમને મુકી, બીજી બલા કોણ રાખશે ।

સુધાસમ શ્યામ તમને, મુકી વિષ કોણ ચાખશે ।।૩૬।।

એવું સુણી પ્રભુ પ્રસન્ન થયા, પછી તેડ્યો સંઘ સુરતતણો ।

આવ્યા સર્વે સતસંગી, લાવ્યા પૂજવા સમાજ ઘણો ।।૩૭।।

સુંદર વસ્ત્ર પહેરાવિયાં, ધર્યો વડો મુગટ માથે વળી ।

ધૂપ દીપ કરી આરતી, પછી લાગ્યાં પાયે સહુ લળી ।।૩૮।।

પછી રાજન રાજી થઇ, કરી કરજોડીને વિનતિ ।

આજ કરો અસવારી હરિ, કૃપા કરો અમારીવતિ ।।૩૯।।

પછી આપી આગન્યા, સારૂં જાઓ અમે આવશું ।

પછી રાજા રાજી થઇ, શણગારી અસવારી ભાવશું ।।૪૦।।

સુંદર ગજ શણગારીયો, તે ઉપરે બેઠા હરિ ।

શહેર સર્વે સનાથ થયું, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૪૧।।

ત્યાં વાજે વાજાં અતિઘણાં, વળી બળે મશાલો બહોળિયું ।

એમ અનેક જીવને, આપિયું સુખ અણતોળિયું ।।૪૨।।

એમ અનંત કરી લીળા, પછી વાંસદે આવિયા ।

સામૈયે સુખપાલ લાવી, રાયે મોતીડે વધાવિયા ।।૪૩।।

પછી પ્રભુ પધરાવીયા, ભૂપે ભુવન પોતાતણે ।

ધૂપ દીપ કરી આરતી, પ્રભુ પૂજીયા પ્રેમે ઘણે ।।૪૪।।

પછી ચરણ ર્ચિચ ચંદને, વળી તેનાં પગલાં પડાવીયાં ।

પ્રીત્યે પોતાને પૂજવા, રાયસિંહે શિશ ચડાવીયાં ।।૪૫।।

પછી હતા દાસ પાસ હરિને, તેને કરી પહેરામણી ।

ત્રણ દિવસ ત્યાં રહી, પછી પધાર્યા ધર્મપુરભણી ।।૪૬।।

આવી ત્યાં ઉત્સવ કર્યો, વસંતપંચમીનો વળી ।

જોઇ લીળા જન મનમાં, મગન થયાં સહુ મળી ।।૪૭।।

પછી પ્રભુને પૂજીયા, બાઇએ બહુ પ્રેમે કરી ।

સુંદર વસ્ત્ર અરપિ અંગે, આપ્યા રૂપૈયા થાળ ભરી ।।૪૮।।

પછી હરિયે હાથશું, આપ્યા રૂપૈયા દીન દાસને ।

સંત પોતે ત્યાગી તને, કોણ રાખે એહ કાશને ।।૪૯।।

અનંત લીળા ત્યાં કરી, તે કહ્યે ન આવે વાતમાં ।

પછી ત્યાંથી ચાલ્યા હરિ, આવિયા ગુજરાતમાં ।।૫૦।।

સમૈયો સારો કર્યો, મહાશુદી પંચમીને દિને ।

ધર્મપુરે કુશળકુંવર, ત્યાં કરી લીળા જીવને ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે મહારાજ ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંતપંચમીનો ઉત્સવ કર્યો એ નામે બોંતેરમું પ્રકરણમ્ ।।૭૨।।