૧૭. બાળપ્રભુનો જન્મોત્સવ,જાતકર્મ,કૃત્યાઓને હનુમાનજી દ્વારા મેથીપાક, હનુમાનજીએ પ્રભુ માતાને આપ

Submitted by swaminarayanworld on Mon, 04/07/2011 - 8:11pm

પૂર્વછાયો-

સુતને શ્રીકૃષ્ણ જાણી, એમ સ્તુતિ કરી જે માત ।

તે શિશુરૂપે કૃષ્ણ સુણી, બોલીયા સાક્ષાત ।।૧।।

માતા ચિંતા માં કરો, થાશે તમારૂં ધાર્યું જેહ ।

વ્રજની વાત સંભારવા, મેં રૂપ દેખાડ્યું તેહ ।।૨।।

એમ કહી અર્ભકનાં, કર્યાં ચરિત્ર દીનદયાળ ।

અલૌકિકરૂપ ગોપ્ય કરીને, બાળ બન્યા તતકાળ ।।૩।।

ધર્મને ધીરજ આવી, દેખી એવા દિવ્ય બાળ ।

જાણ્યું સંકટ સર્વે ગયાં, થયો અસુરનો કાળ ।।૪।।

ચોપાઇ-

એવું જાણીને આનંદ પામ્યાં રે, દેખી બાળકને દુઃખ વામ્યાં રે ।

થયો સર્વે સુખનો સમાજ રે, જાણ્યંુ ગયું અધર્મનું રાજ રે ।।૫।।

કરે મહોત્સવ ઘેર ઘેર રે, અતિ થઇ રહી લીલા લેર રે ।

તેમ અમર લોકે અમર રે, કરે મોટા ઉત્સવ મુદભર રે ।।૬।।

બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી રે, શક્ર શચી શિવ શિવારાણી રે ।

બોલે જય જય શબ્દે અમર રે, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે ।।૭।।

ગાય ગાંધર્વ નાચે અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે ।

દેવે વજાડ્યાં દુંદુભિ બહુ રે, નભે આનંદ પામ્યા સહુ રે ।।૮।।

મંદ શીતળ સુગંધી વાયુ રે, વાય સર્વે જન સુખદાય રે ।

થયા ઉડુ તે નભે અમર રે, બોલે વ્યોમમાં જૈ જૈ સકળ રે ।।૯।।

મોટા ઋષિ દિયે છે આશિષ રે, પ્રભુ જીવજયો ક્રોડ વરષ રે ।

એમ હરખ્યા દેવ ઋષિરાય રે, જાણી પ્રભુ પ્રગટ મનમાંય રે ।।૧૦।।

બહુ વાજિંત્ર વાજે છે વ્યોમે રે, તેમ થાય છે ઉત્સવ ભોમે રે ।

જેમ ગેકી રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ જન મગન રે ।।૧૧।।

હુવા નિર્ધુમ હુતાશન રે, થયાં સાધુનાં નિર્મળ મન રે ।

શાંતિ દયાદિ દ્વાદશ નારી રે, આવી દર્શને દિવ્ય દેહ ધારી રે ।।૧૨।।

પછી નગર નારી આવી સહુ રે, લાવી માંગળિક સાજ બહુ રે ।

સુવર્ણ થાળ ભર્યા શગ્ય મોતી રે, આવી વધાવવા પુણ્યવતી રે ।।૧૩।।

કાજુ કુંકુમ કેસર ઉતારી રે, શ્રીફળ અક્ષત સારી સોપારી રે ।

પાનબીડાં લવિંગ એલચી રે, દધિ હલદી શરીરમાં ચર્ચી રે ।।૧૪।।

અતિહર્ષ ભરી મનમાંઇ રે, આવી ગાતી મંગળ વધાઇ રે ।

વધાવીને લીએ છે વારણાં રે, નિરખી મન હર્ખ્યાં નારીતણાં રે ।।૧૫।।

નિરખી તૃપ્ત ન થાય લોચન રે, વહાલું લાગે વાલાનું વદન રે ।

પછી ભાંમણાં લઇ ભામિની રે, બોલે આશિર્વચન કામિની રે ।।૧૬।।

બાળક તમે જીવો બહુ કાળ રે, કરો માબાપની પ્રતિપાળ રે ।

દિયે આશિષ નિરખે મુખ રે, લીએ અંતરે અલૌકિક સુખ રે ।।૧૭।।

હાસ વિલાસે મુખ છે સારૂં રે, નેણ કર ચરણ અતિ ચારૂં રે ।

વેષ મૂર્તિ તે મંગળકારી રે, કરો મંગળ અમારૂં મુરારી રે ।।૧૮।।

એમ કહી નારી ગઇ ઘેર રે, રાખી બાળ રૂદે રૂડી પેર રે ।

બાળશર્માના સુત એ દિન રે, પામ્યા અતિશે આનંદ મન રે ।।૧૯।।

વાજે વધાઇ નોબત્યું ઝડે રે, મોટાં દુંદુભિ નગારાં ગડે રે ।

ભેર ભુંગળાં ને શરણાઇ રે, ગાય ગાયક મંગળ વધાઇ રે ।।૨૦।।

સુણી સ્તુતિ ગાન તેહતણું રે, થયા ધર્મ મગન મને ઘણું રે ।

પછી તે સમાને વિષે ધર્મ રે, કર્યું વેદોક્ત જાતક કર્મ રે ।।૨૧।।

પછી આપ્યાં છે વિપ્રને દાન રે, કરી અતિ ઘણું સનમાન રે ।

અન્ન ધન અવની અંબર રે, ગજબાજ ને ગૌ સુંદર રે ।।૨૨।।

મગાવી છે મહિષી દુજણી રે, આપી વિપ્રને તે વળી ઘણી રે ।

ઘૃત પાત્ર વસ્ત્ર આપ્યાં ગેહ રે, આપ્યું જે જે માગ્યું તેને તેહ રે ।।૨૩।।

દીધાં ધર્મે દાન બહુ પેર રે, કરી રાજી વાળ્યા દ્વિજ ઘેર રે ।

થયાં રાજી સહુ નરનાર રે, બાંધ્યાં તરિયાં તોરણ બાર રે ।।૨૪।।

માતા પિતા ભુલી દિવ્ય ભાવરે, જાણ્યા પુત્રને સહજ સ્વભાવ રે ।

મનુષ્ય જાણી માત તાત તેહ રે, લાડ લડાવે સુતને સ્નેહ રે ।।૨૫।।

વળી ધર્મદેવ પ્રેમવતિ રે, ભુલ્યાં પૂર્વના જન્મની સ્મૃતિ રે ।

કાંઇ જાણે ન જાણે પોતાને રે, એમ વર્તે તાત માતાને રે ।।૨૬।।

થઇ સર્વે સુખની સંપત્તિ રે, પ્રભુ પ્રકટે ગઇ વિપત્તિ રે ।

સત્યવાદી જન પામ્યા સુખ રે, થયું દૈત્ય અસુરને દુઃખ રે ।।૨૭।।

કૌલ નાસ્તિક કુંડ કબીર રે, તેતો પામિયા દુઃખ અચિર રે ।

બીજા અસુર અવનિએ હતા રે, જે કોઇ અહોનિશ દ્વેષ કરતા રે ।।૨૮।।

તેનું નરસું થાવા નિરધાર રે, થાય અવળાં શકુન અપાર રે ।

ફરકે ડાબાં અંગ ડાબાં નેણ રે, લાધે ભુંડાં સ્વપ્ન દુઃખદેણ રે ।।૨૯।।

જાણે ધડ ઉપર શીષ નથી રે, ઉંટે બેસારી કાઢ્યા આહિંથી રે ।

લઇ જાય છે દક્ષિણ દેશ રે, એવાં સોણાં લાધે છે હમેશ રે ।।૩૦।।

ઘર સામાં આવી રુવે શ્વાન રે, રાત્યે રુવે સુરભિ નિદાન રે ।

ઘર પર કળેળે કાગડા રે, બોલે બપોરે બહુ ફિયાવડા રે ।।૩૧।।

ઘુડ હોલાં ઘુઘવે અપાર રે, થાય શબ્દ ભૂંડા ભયંકર રે ।

ગીધ ગજર્યું સમળા સમિત રે, ઉડે ઘરપર શકરા નિત્ય રે ।।૩૨।।

વળી અશુભ આકાશ માંય રે, નિત્ય દૈત્યને ચિત્ત જણાય રે ।

જાણું રવિ શશિ હતા વ્યોમે રે, પડ્યા ઉડુ સહિત તે ભોમે રે ।।૩૩।।

એવાં અવળાં શકુન જાણી રે, બોલ્યો અસુરનો ગુરુ વાણી રે ।

સુણો દૈત્ય કહે કાલિદત્ત રે, કહ્યું દેવીએ તે થયું સત્ય રે ।।૩૪।।

અસુરનો કરવા સંહાર રે, નિશ્ચે થયો હરિ અવતાર રે ।

માટે આપણે ઉપાય કરીએ રે, આવ્યા મૃત્યુમાંથી તો ઉગરીએ રે ।।૩૫।।

હમણાં હરિ હશે બાળ નાનો રે, મારો એને કરી કળ છાનો રે ।

મેલો કૃત્યાઓ કરી અપાર રે, કરે તર્ત હરિનો સંહાર રે ।।૩૬।।

પછી કર્યો છે મંત્રનો જાપ રે, ઉપજાવી છે કૃત્યાઓ આપ રે ।

અતિ કાળિયો ને છુટે કેશ રે, કર્યો સિંદુરનો લેપ શીષ રે ।।૩૭।।

છેદેલ છે નાસિકા ને કાન રે, અતિ વિરૂપ વરવે વાન રે ।

લાંબા હોઠ ને ફાડ્યાં છે મુખ રે, કાઢી જીભ દાંત દેવા દુઃખ રે ।।૩૮।।

લાંબા પેટ ને લોચન લાલ રે, ખરડ્યા રૂધિર માંહી બે ગાલ રે ।

માણસની ખોપરિયો છે કર રે, નાગિયો નથી પહેર્યાં વસ્તર રે ।।૩૯।।

ઉગામેલ આયુધ છે હાથ રે, એવો કીધો કૃત્યાઓનો સાથ રે ।

તેને આજ્ઞા આપી અસુરે રે, કહ્યું શત્રુ છે છપૈયે પુરે રે ।।૪૦।।

તેનો કરજયો તમે જઇ નાશ રે, કરી કામ આવો અમ પાસ રે ।

પછી કૃત્યાઓ ત્યાંથી ઉડિયો રે, ભૂખી ભમરાળિયો ભુંડિયો રે ।।૪૧।।

આવિયું હરિપ્રસાદ ઘેર રે, જેને બાળક સાથે છે વેર રે ।

હરિ હતા માતાજી ને પાસ રે, લીધા જોરે કરવાને નાશ રે ।।૪૨।।

કહે મારો મારો ખાઓ ખાઓરે, શત્રુ મળ્યો માં ભૂલશો દાવો રે ।

ફાડ્યાં મુખ ઉગામ્યાં આયુધ રે, હરિ ઉપર કરી બહુ ક્રોધ રે ।।૪૩।।

ઝાલી ગળે લઇ ગઇયો બાર રે, રુવે જનની કરી પોકાર રે ।

ભૂલી નિજ શરીર સંભાળ રે, ભોંયે ઢળી પડ્યાં તતકાળ રે ।।૪૪।।

માગે બાળક કરે પોકાર રે, જોઇ પરવશ પ્રાણ આધાર રે ।

સુણી બાળાનો કાયર સાદ રે, તિયાં આવિયા હરિપ્રસાદ રે ।।૪૫।।

હતા એકાદશીને જાગરણે રે, ત્યાંથી આવિયા ઘેર આપણે રે ।

આવી જોયું ત્યાં ન દીઠા બાળ રે, પામ્યા ધર્મ મૂરછા તે કાળ રે ।।૪૬।।

સુણી ભક્તિ ધર્મનો વિલાપ રે, આવ્યા હનુમાન ત્યાં આપ રે ।

કહે કેમ રુઓ છો દંપતિ રે, કહો ટાળું તમારી વિપત્તિ રે ।।૪૭।।

કહે ભક્તિ વીર સુત મારો રે, તેને લઇ ગઇયો કૃત્યાઓ બારો રે ।

એને મારી નાખશે એ તર્ત રે, મુકાવો જો તમે હો સમર્થ રે ।।૪૮।।

એવું સુણી બોલ્યા હનુમંત રે, બાળા ચિંતા માં કરશો ચિત્ત રે ।

હમણાં લાવીશ પુત્ર તમારો રે, તમે શ્રીકૃષ્ણ દેવ સંભારો રે ।।૪૯।।

તમે કર્યું પ્રીતે વ્રત મારૂં રે, રહેવા નહિ દઉં કષ્ટ તમારૂં રે ।

પછી હનુમાન તેહ કાળ રે, ચાલ્યા મુકાવવાને એહ બાળ રે ।।૫૦।।

ત્યાંતો કૃત્યાઓના કરમાંય રે, લાગ્યા બાળક સમર્થ ત્યાંય રે ।

જોયું વાંકી દ્રષ્ટિ કરી બાળે રે, બળી કૃત્યાઓ તે તતકાળે રે ।।૫૧।।

પછી નાખ્યા અવનિ ઉપર રે, મારો મારો કહે બહુ પેર રે ।

ત્યાં તો આવ્યા હનુમાન તર્ત રે, જોયું દુષ્ટ કૃત્યાઓનું કૃત્ય રે ।।૫૨।।

અંજનિસુત કહે ઉભી રેજયો રે, કૃત્ય તમારાંનું ફળ લેજયો રે ।

આજ ન રહો જીવતી કોઇ રે, નિશ્ચે જાણજયો મનમાં સોઇ રે ।।૫૩।।

એમ કહીને ઝટિએ ઝાલી રે, મારી કુટિ પૃથ્વીમાં ઘાલી રે ।

ત્યારે કૃત્યાઓ કહે કર જોડી રે, મેલો વીર કર્યા ગુના ક્રોડી રે ।।૫૪।।

આજ પછી ન લહું એનું નામ રે, પાછી આવું નહિ આણે ઠામ રે ।

આજ મેલો કહું પાય લાગી રે, નાવું નજરે જાઉં દૂર ભાગી રે ।।૫૫।।

એમ કહીને કૃત્યાઓ નાઠી રે, જાણી અસુરની દશા માઠી રે ।

જઇ કહ્યું કાલીદત્ત પાસ રે, ન થાય એ બાળકનો નાશ રે ।।૫૬।।

એતો છે કોઇ અતિ સમર્થ રે, એથી થાશે અસુરનું મૃત્ય રે ।

પછી મહાવીર બાળને લઇ રે, ભક્તિ ધર્મને પાસળ જઇ રે ।।૫૭।।

આપ્યા ભક્તિના હાથમાં બાળ રે, થયાં રાજી દંપતિ તે કાળ રે ।

કહે ભક્તિ સુણો હનુમાન રે, નોતિ સુતની આશા નિદાન રે ।।૫૮।।

ત્યારે હનુમાન કહે ભક્તિ રે, સુત તમારો સમર્થ અતિ રે ।

નથી પ્રાકૃત નર નિદાન રે, એ છે પોતે સ્વયં ભગવાન રે ।।૫૯।।

અક્ષર ગોલોક ધામના ધામી રે, એ છે કૃષ્ણ દેવ બહુનામી રે ।

ધર્મરક્ષા જીવનાં કલ્યાણ રે, આવ્યા કરવા શ્યામ સુજાણ રે ।।૬૦।।

તમે ધર્મ ભક્તિ છો દંપતિ રે, કરશે પુષ્ટ તમને એ અતિ રે ।

જ્ઞાન વૈરાગ્ય આદિ જે કહીએ રે, વંશ તમારો પવિત્ર લહીએ રે ।।૬૧।।

તેને વધારશે એહ બાળ રે, કરશે અસુર જનનો કાળ રે ।

મારો મહિમા અતિ વધારશે રે, શરણાગતનાં કાજ સુધારશે રે ।।૬૨।।

માટે આ બાળ છે અલૌકિક રે, કરો હેત પરહરો બીક રે ।

એમ કહ્યું હનુમાને જયારે રે, જોયું બાળકે એ સામું ત્યારે રે ।।૬૩।।

પછી હરિતણી ઇચ્છા જોઇ રે, થયા હનુમાન અદૃશ્ય સોઇ રે ।

તે જોઇ પ્રેમવતી પાવન રે, અતિ આશ્ચર્ય પામિયાં મન રે ।।૬૪।।

વળી જાણ્યું બાળક આવાર રે, આવ્યો નિશ્ચય નવે અવતાર રે ।

કહી વાત એ લોક સહુને રે, જીવ્યો બાળક કોઇક પુણ્યે રે ।।૬૫।।

પછી નરનારીએ નિયમ ધાર્યું રે, હનુમાનશું હેત વધાર્યું રે ।

જેથી ટળ્યું કૃત્યાઓનું વિઘ્ન રે, સહુ કહેવા લાગ્યાં ધન્ય ધન્ય રે ।।૬૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કૃત્યાઓ વિઘ્ન નામે સત્તરમું પ્રકરણમ્ ।।૧૭।।