૨૩. પ્રભુએ સર્વશાત્રનાં સારરુપ ગુટકો લખ્યો. અસુરોને મારવા વનમાં જવાનો સંકલ્પ કર્યો.

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:32pm

પૂર્વછાયો-

ઉપવીત ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન ।

ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૧।।

ધર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુદેવ ।

માતાપિતાની મહાત્મ્યે, કરે છે બહુપેર સેવ ।।૨।।

પણ અખંડ રહે છે અંતરે, ઘર ત્યાગ કરવા ઘાટ ।

ક્યારે મેલીશ આ ઘરને, હું ક્યારે લઇશ વનવાટ ।।૩।।

જે અર્થે આ અવતાર છે, તે કરીશ હું કૈયે કાજ ।

ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ ।।૪।।

ચોપાઇ-

અઘમઘના ચાલણ હાર રે, એવા અસુર જગે અપાર રે ।

તેને મોહ પમાડીને મારૂં રે, ધરાપર ધર્મને હું ધારૂં રે ।।૫।।

શુદ્ધ ધર્મે રાખું નરનાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।

પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે માબાપ મારે સનેહરે ।।૬।।

માટે બ્રાહ્મણનો છે જે શાપ રે, તેથી મુકાય દંપતિ આપ રે ।

તેદિ નિશ્ચે હું ત્યાગીશ ઘર રે, ગુઢ વિચાર એવો અંતર રે ।।૭।।

પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરિ રે ।

મોટી બુદ્ધિવાળા છે દયાળ રે, જેહ શિખે તે અચિર કાળ રે ।।૮।।

જોઇ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે ।

પછી ધર્મ તે ભણ્યાતા જેહ રે, સર્વે હરિને ભણાવ્યું તેહરે ।।૯।।

વેદ શાસ્ત્ર ને કાવ્ય પુરાણ રે, મહાભાષ્યાદિ ભણ્યા સુજાણ રે ।

પછી ધર્મ થઇ રળિયાત રે, કહી રામપ્રતાપને વાત રે ।।૧૦।।

સુણો જયેષ્ઠપુત્ર બડભાગી રે, આતો થાશે અતિશય ત્યાગી રે ।

જુવો આજથી એનાં એંધાણ રે, નથી કોઇ વાતની જો તાણ રે ।।૧૧।।

ખાન પાનમાંહિ નથી મન રે, નથી ઇચ્છતા વસન ભૂષણ રે ।

માન મોટપ્ય ને મારૂં તારૂં રે, નથી લાગતું એ એને સારૂં રે ।।૧૨।।

હર્ષ શોક વળી હાણ્ય વૃદ્ધિ રે, નથી ગમતી ઘરસમૃદ્ધિ રે ।

અતિ વૈરાગ્યવાન છે એહ રે, નથી સંભાળતા નિજ ગેહ રે ।।૧૩।।

અતિ ત્યાગ ગમે છે તનમાં રે, એમ મને જણાયછે મનમાં રે ।

માટે આથી નહિ થાય વેવાર રે, તમે ઉપાડો ઘરનો ભાર રે ।।૧૪।।

તમ પાસે એ નહિ માગે કાંઇ રે, નથી મન એનું ઘરમાંઇ રે ।

ખાવા પીવાનું પણ નહિ માગે રે, અતિ ઉદાસી છે વૈરાગે રે ।।૧૫।।

એમ જયેષ્ઠ પુત્ર જે જોખન રે, કહ્યાં તાતે તે માન્યું વચન રે ।

પછી સ્વસ્થ ચિત્તે થઇ તાત રે, અંતરમાંહિ વિચારી વાત રે ।।૧૬।।

હવે વૃદ્ધ થયો છે આ દેહ રે, માટે સહુશું તજું સનેહ રે ।

હવે સાંખ્યયોગને આશરૂં રે, શ્રીકૃષ્ણ સ્વામીનું ધ્યાન ધરૂં રે ।।૧૭।।

પણ પોતાને હરિ છે પ્રેહ રે, દેવા શિખામણ્ય છે સનેહ રે ।

સુણો સુત હરિ વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે ।।૧૮।।

કહું છું તમારા હિતને સારૂં રે, માટે માનજયો વચન મારૂં રે ।

કહું છું સ્વધર્મ ભક્તિ વૈરાગ્ય રે, તેનો કરશો માં કેદી ત્યાગ રે ।।૧૯।।

જાજયો રામાનંદ સ્વામી પાસ રે, જો થાઓ ઘરમાંથી ઉદાસ રે ।

રામાનંદ સ્વામીનો મહિમાય રે, નથી જાતો મેં કહ્યો જીભાય રે ।।૨૦।।

તેતો વસે છે સોરઠ દેશ રે, દિએ છે જીવોને ઉપદેશ રે ।

જાજયો ધીરે ધીરે પુછી વાટ રે, ઉતરી ઝાડી નદીના ઘાટ રે ।।૨૧।।

એવી સાંભળી તાતની વાણી રે, સર્વે અંતરે લખી એંધાણી રે ।

પોતે વિદ્યાએ છે ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન રે ।।૨૨।।

વળી સુણે છે તાત મુખેથી રે, સર્વે શાસ્ત્ર સુંદર સુખેથી રે ।

સુણિ સુણિ ને ગ્રહે છે સાર રે, નીર ક્ષીર નોખું નિરધાર રે ।।૨૩।।

જેજે કાઢ્યું એમાંથી અનુપ રે, સર્વે જીવને તે સુખરૂપ રે ।

શ્રીમદ્ભાગવત જે પુરાણ રે, તેનો સાર શોધીને સુજાણ રે ।।૨૪।।

કાઢ્યા સ્કંધ દોય દુઃખ હારી રે, પંચમસ્કંધ સદા સુખકારી રે ।

બીજો દશમસ્કંધ કહેવાય રે, શ્રીકૃષ્ણ ચરિત્ર છે જેમાંય રે ।।૨૫।।

એનું નામ છે ભાગવત સાર રે, લખી નોખું રાખ્યું નિરધાર રે ।

વળી ભારત સાર શોધીને રે, લખી લીધું વિચારે બુદ્ધિને રે ।।૨૬।।

ભગવદ્ગીતા ભવભય હરણીરે, લખી લીધી એ વિચારી વર્ણીરે ।

વિષ્ણુસહસ્ર નામ સુખરૂપ રે, લખી વિદુરની નીતિ અનુપ રે ।।૨૭।।

એટલું શ્રીભારત મોઝાર રે, શોધી કાઢી લીધું છે એ સાર રે ।

વળી ધર્મશાસ્ત્રનો જે સાર રે, પોતે લખ્યો છે કરીને પ્યાર રે ।।૨૮।।

યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે સારી રે, લખી પોતે તે પણ વિચારી રે ।

એહ ધર્મશાસ્ત્રનો છે સાર રે, સુખદાયક સહુને અપાર રે ।।૨૯।।

સ્કંદપુરાણનો સાર જેહ રે, લખ્યો સુંદર શોધીને તેહ રે ।

વાસુદેવમાહાત્મ્ય મહારાજે રે, લખ્યું સૌ જનના હિતકાજે રે ।।૩૦।।

એહ સાર છે સ્કંદ પુરાણ રે, શોધી લખી લીધું એ સુજાણ રે ।

એ જે ચારે ગ્રંથમાં છે સત્વ રે, શોધી કાઢી લીધું છે એ તત્વ રે ।।૩૧।।

પછી તેનો ગુટકો લખાવી રે, શોધી સુંદર સારો બનાવી રે ।

લાવ્યા તેતો પોતે તાત પાસ રે, તાતે જોઇને કર્યો તપાસ રે ।।૩૨।।

નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ઘણી રે ।

ધન્ય ધન્ય પુત્ર મહામતિ રે, તમે સર્વથી મોટા છો અતિ રે ।।૩૩।।

એમ કહીને વિચાર્યું જયારે રે, વાત પૂર્વની સાંભરી ત્યારે રે ।

કહ્યું માર્કંડેય તે મળ્યું રે, સર્વે પ્રકારે આજ મેં કળ્યું રે ।।૩૪।।

વળી વૃંદાવનની જે વાત રે, સાંભરી છે પોતાને સાક્ષાત રે ।

આવી મળીયાં સર્વે એંધાણ રે, જાણ્યા પુત્રને શ્યામ સુજાણ રે ।।૩૫।।

ત્યારે આશ્ચર્ય વાત એ નથી રે, એમ વિચાર્યું છે મનથી રે ।

પછી અતિ કરી સતકાર રે, વખાણ્યા ચારે શાસ્ત્રના સાર રે ।।૩૬।।

એમ તાતે કહ્યું તે સાંભળી રે, લખી રાખ્યા પોતા પાસે વળી રે ।

ધર્મશાસ્ત્ર ને સ્કંદપુરાણ રે, તેનું સાર કર્યું પરમાણ રે ।।૩૭।।

ભારત સાર ભાગવત સાર રે, વાંચે સુણે નિત્યે નિરધાર રે ।

જેણે કરી શ્રીકૃષ્ણમાં પ્રીત રે, થાય દઢ મતિ નિત્ય નિત્ય રે ।।૩૮।।

વળી શાસ્ત્ર યુક્ત ભક્તિ જેહ રે, કરવી કૃષ્ણની તાત કહે તેહ રે ।

સુણો મંત્ર હુંથી મહામતિ રે, અષ્ટાક્ષરનો તે શુભ અતિ રે ।।૩૯।।

વળી ત્રણ પ્રકારનો જેહ રે, કહ્યો પિતાએ કરી સનેહ રે ।

કહ્યું એ મંત્ર વહાલો છે મને રે, અતિ હેત કરી કહ્યો તને રે ।।૪૦।।

કરો જપ તેનો પૂજા નિત્ય રે, પાળજયો સ્વધર્મ રૂડી રીત્ય રે ।

એવી તાતે શિખામણ દીધી રે, માંડ્યું વર્તવા હરિએ વિધિ રે ।।૪૧।।

થયાં જન્મથી વર્ષ અગિયાર રે, તિયાં આવિયા અસુર અપાર રે ।

અતિ કાળા ને બહુ કરૂર રે, ભર્યા ક્રોધમાંહિ ભરપુર રે ।।૪૨।।

મોટી ડાઢ્યો ને માથે વાળ રે, ભુરા લંબુરા વડા વિક્રાળ રે ।

રાતી આંખ્યો ને આયુધ હાથ રે, આવ્યા જિયાં બેઠા હતા નાથ રે ।।૪૩।।

વેષ વૈષ્ણવી પણ અસુર રે, મનમાં છે માર્યાનું જરૂર રે ।

આવી ઉગામ્યાં આયુધ શઠે રે, ત્યાં તો નજર કરી નીલકંઠે રે ।।૪૪।।

પામ્યા મોહ પરસ્પર એહ રે, મુવા લડી માંહોમાંહી તેહ રે ।

મુવા અસુર ઉતર્યો ભાર રે, ત્યારે નાથે તે કર્યો વિચાર રે ।।૪૫।।

દેશ પ્રદેશ હશે વિમુખ રે, દેતા હશે મુનિયોને દુઃખ રે ।

માટે સર્વેનો ઉતારૂં ભાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।।૪૬।।

માટે કૈયે તજું હું આ ઘર રે, કૈયે જોઉં શોધી સર્વે ધર રે ।

કૈયે પમાડું પાપીને મોહ રે, મરે માંહોમાંહિ તે સમોહ રે ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર નામે ત્રેવીશમું પ્રકરણમ્ ।।૨૩।।