ચોપાઇ-
પછી પધાર્યા દેશ પંચાળ રે, જીયાં વસે છે દાસ દયાળ રે ।
સર્વે સંસારનાં સુખ ત્યાગી રે, એક પ્રભુપદ અનુરાગી રે ।।૧।।
પંચ વિષયથી પ્રીત ઉતારી રે, પંચવ્રત પ્રેમે રહ્યા ધારી રે ।
દીધાં દેહ તણાં સુખ નાખી રે, રહ્યાં અંતરે પ્રભુને રાખી રે ।।૨।।
એવા જન જક્તથી ઉદાસી રે, તિયાં આવ્યા આપે અવિનાશી રે ।
જોઇ જનના હૈયાનું હેત રે, આવ્યા પ્રભુજી સખા સમેત રે ।।૩।।
તેને દીધાં છે દર્શન દાન રે, બહુ ભાવે કરી ભગવાન રે ।
અંધ અપંગ બૂઢા ને બાળ રે, અસમર્થ અબળા લાજાળ રે ।।૪।।
તેને દયા કરી હરિ આપરે, દીધાં દર્શન ટાળિયા તાપ રે ।
પછી જને પૂછ્યા સમાચાર રે, કહ્યા હરિએ કરી વિસ્તાર રે ।।૫।।
જે જે પૂછતા ગયા છે જન રે, તે તે કહેતા ગયા છે જીવન રે ।
પછી પુછી જગનની વાત રે, કહી રાજી થઇ રળીયાત રે ।।૬।।
જેને નોતું અવાણું જગને રે, તે પણ મગન થયા સુણી મને રે ।
કહે ધન્ય ધન્ય મહારાજ રે, એવો જગન થાય કોણે આજ રે ।।૭।।
બીજા ખચેર્બહુ બહુ ધન રે, પણ ન થાય નિરવિઘન રે ।
કૈક જન તણા જીવ જાય રે, એવું સુણ્યું છે જગન માંય રે ।।૮।।
લૂંટે ચોર કે ખરચી ખુંટે રે, થાય ફજેતિ શકોરાં ફૂટે રે ।
તે તો તમે કર્યો ર્નિિવઘન રે, જગજીવન પ્રભુ જગન રે ।।૯।।
કહે નાથ એનો શ્યો વિચાર રે, એવા કરીએ જગન અપાર રે ।
કહે તો કરીએ વર્ષો વરષ રે, એકએકથી બીજો સરસ રે ।।૧૦।।
એમ કહી કર્યું પરિયાણ રે, તેડ્યા સંત સમીપે સુજાણ રે ।
મુક્તાનંદ ને મોટેરા ભાઇ રે, બ્રહ્માનંદ નિત્યાનંદ ત્યાંઇ રે ।।૧૧।।
કહે નાથ સુણો સંત મળી રે, કરીએ વિષ્ણુયજ્ઞ એક વળી રે ।
જુઓ ગુર્જરખંડ વિચારી રે, કોણ ઠેકાણે જાયગા સારી રે ।।૧૨।।
બોલ્યા સંત સાંભળજયો શ્યામ રે, યજ્ઞ જેવું જેતલપુર ગામ રે ।
તિયાં સુંદર કોટ તળાવ રે, વળી ગામમાં છે ઘણો ભાવ રે ।।૧૩।।
ત્યારે બોલ્યા સુંદર શ્યામ રે, એતો અમને ન ગમ્યું ગામ રે ।
એનો ધણી છે ધર્મનો દ્વેષિ રે, તેતો યજ્ઞ કરવા કેમ દેશે રે ।।૧૪।।
મોર્યે ભેળા થયાતા બ્રાહ્મણ રે, તેને પુછ્યું હતું અમે પ્રશ્ન રે ।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર વળી રે, કહ્યું કેમ પૂજે માતા મળી રે ।।૧૫।।
ચારે વર્ણની એક છે રીત્ય રે, કહે કાંઇ છે એમાં વિગત્ય રે ।
તૈયે બોલ્યા શાસ્ત્રી સુજાણ રે, સાંભળો કહું શ્રુતિપ્રમાણ રે ।।૧૬।।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય જે કહેવાય રે, તેને મદ્ય માંસે ન પૂજાય રે ।
બીજા હોય જેજે શુદ્ર વર્ણ રે, તેનાં વેદથી બારાં આચર્ણ રે ।।૧૭।।
ત્યારે કહ્યું મેં સાંભળી લહીએ રે, બીજા કરે તેને કેવા કહીએ રે ।
ત્યારે શાસ્ત્રી કહે એ મલેછ રે, પાપી ઢેઢ ભંગિયાથી નીચ રે ।।૧૮।।
ત્યારે મેં કહ્યું સર્વે સાંભળજયો રે, એવા હો તે એમાં જઇ ભળજયો રે ।
તે દિવસના દાજયા છે વામી રે, વાત મેલી છે રાજાને ભામી રે ।।૧૯।।
માટે જરૂર કરશે વિઘન રે, તિયાં પુરો નહિ થાય જગન રે ।
ત્યારે સંત કહે જમશે બ્રાહ્મણો રે, કેમ નાખશે નિજભાણે પાણો રે ।।૨૦।।
ત્યારે કહે મહારાજ સારૂં રે, કરો મનમાને જયાં તમારૂં રે ।
પછી જેતલપુરનું ઠેરાવી રે, કરી સામગ્રી સરવે આવી રે ।।૨૧।।
લીધા ઘી ગોળ ને ઘઉં ઘણા રે, કર્યોગંજ શાળ દાળતણા રે ।
કોઇ વાતની ન રાખી ખામી રે, ત્યાંતો પધારીયા પોતે સ્વામી રે ।।૨૨।।
આવ્યા સંઘાથે સંઘને લઇ રે, તેડ્યા વણતેડ્યા આવ્યા કઇ રે ।
આવ્યા તેડાવ્યા સરવે સંત રે, આવ્યા સંઘ નાવે તેનો અંત રે ।।૨૩।।
દિયે દર્શન પ્રસન્ન હોઇ રે, લિયે જન સુખ મુખ જોઇ રે ।
પછી બોલિયા જગજીવન રે, દ્રષ્ણ પ્રષ્ણ એ મોટો જગન રે ।।૨૪।।
બીજું યજ્ઞ આ થાય ન થાય રે, તેનું નથી અમારે જો કાંય રે ।
એમ કહી જણાવે જનને રે, દિયે રાત્ય દિવસ દ્રષ્ણને રે ।।૨૫।।
પૂજે જન જીવનને મળી રે, લાવે પૂજા વિધ્યેવિધ્યે વળી રે ।
ર્ચિચ ચંદન હાર પહેરાવે રે, ગુંથી ગજરા તોરા ધરાવે રે ।।૨૬।।
કરે પુષ્પના કંકણ કાજુ રે, બાંધે બેરખા સુંદર બાજુ રે ।
કરે ફુલનો ફેંટો પછેડી રે, વળી જમાડે ઉતારે તેડી રે ।।૨૭।।
દિયે દર્શન એવાના એવા રે, જગજીવન છે જોયા જેવા રે ।
એમ કરે છે લીળા અપાર રે, નિર્ખિ સુખ લીયે નરનાર રે ।।૨૮।।
એવું દેખીને દાજીયા વામી રે, કહ્યું નરેશને શિશ નામી રે ।
કહે સાંભળો શ્રવણે રાજન રે, જે સારૂં કરે છે સ્વામી જગન રે ।।૨૯।।
જે દિનો એ જગન થાય છે રે, તે દિનો રાજતેજ જાય છે રે ।
એને જજ્ઞે મુવો તાત તારો રે, હવે આવ્યો છે તમારો વારો રે ।।૩૦।।
માટે જીવવું હોય રાજન રે, તો ન કરવા દિયો જગન રે ।
સુણી આવી નરેશને આંધી રે, કહે જાઓ લાવો એને બાંધી રે ।।૩૧।।
એમ કર્યું પરિયાણ ત્યાંઇ રે, જાણ્યું અંતરજામિએ આંઇ રે ।
જોયું વિચારી કરશે વિઘન રે, અમે રહેશું તો પિડાશે જન રે ।।૩૨।।
પછી પ્રભુજી ચડિયા ઘોડે રે, લઇ સંઘને ગયા ચરોડે રે ।
પછી કેડે આવી કટકાઇ રે, આવ્યા ભગવા કરવા ભૂંડાઇ રે ।।૩૩।।
તેણે સ્વામી સધાવ્યા સાંભળી રે, ગયા ધુડ ફાકતા તે વળી રે ।
પછી સાંઝે આવ્યા પોતે નાથ રે, અસિ કશેલ સખા છે સાથ રે ।।૩૪।।
સંતો તમારી રક્ષાને કાજ રે, સખે ધાર્યાં છે આયુધ આજ રે ।
હવે અમે તો જાશું ડભાણ રે, તમે રહેજયો યાં સંત સુજાણ રે ।।૩૫।।
પછી પધારીયા પોતે શ્યામ રે, સખા લઇને ડભાણ ગામ રે ।
તિયાં જઇને હતું જે સિધું રે, તેતો સરવે મગાવી લીધું રે ।।૩૬।।
તેણે જમાડિયા જન બહુ રે, વર્ણ અઢાર તે વળી મઉ રે ।
આપ્યાં જમાડી વળી વસન રે, એમ કીધો છે નાથે જગન રે ।।૩૭।।
આવ્યા ભગવા કહે ભુલ્યા અમે રે, અતિ સમર્થ છો સ્વામી તમે રે ।
અમે અમારૂં અવળું કીધું રે, અર્થ વિના અપરાધ લીધું રે ।।૩૮।।
ત્યારે મહારાજ કહે નથી કાંઇ રે, જાઓ જમો જેતલપુરમાંઇ રે ।
પછી જમાડી જોગિની ઝુંડું રે, કર્યું વામીએ વામીનું ભૂંડું રે ।।૩૯।।
કરવા હતા જગન હમેશ રે, ન કરવા દીધા તે નરેશ રે ।
તેતો કહ્યું હતું પોતે પહેલું રે, થયું તેમનું તેમજ છેલું રે ।।૪૦।।
એમ જગન થયો એ જાણો રે, મહાશુદી પંચમી પ્રમાણો રે ।
જોઇ રાજી થયા હરિજન રે, દુઃખ પામિયા પાપીયા મન રે ।।૪૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિ પાંચાળથી જેતલપુર પધારી યજ્ઞ કર્યો એ નામે એકસઠ્યમું પ્રકરણમ્ ।।૬૧।।