પૂર્વછાયો- વળી શહેર વડોદરે, નકી ભક્ત નાથજી નામ ।
તન ધન ભવન આદિ, આણ્યું હરિને કામ ।।૧।।
કામ ક્રોધ ને લોભ મોહ, આવે નહિ કેદિ અંગ ।
નકી નકોર નિઃસંશે નિશ્ચે, એવો જેને સતસંગ ।।૨।।
તેની તરૂણી તેહજ તેવી, અતિ પવિત્ર છે એહ ।
સમેટી પ્રીત્ય સંસારથી, કર્યો શ્રીહરિમાં સનેહ ।।૩।।
અવધિ પોત્યે આવિયો, તેહના તે દેહનો કાળ ।
આવ્યા તેડવા તેહને, દીનબંધુ દીનદયાળ ।।૪।।
ચોપાઇ- આવ્યા તેડવા તેને મહારાજ, સંગે બહુ લઇ મુનિરાજ ।
લાવ્યા સુંદર સારાં વિમાન, તેડી ચાલ્યા તેને ભગવાન ।।૫।।
દિઠું સત્સંગી કુસંગી સહુએ, જોઇ આશ્ચર્ય માનિયું બહુએ ।
કહે આવુંતો ન દિઠું કયાંઇ, ચાલી વિમાને બેસી આ બાઇ ।।૬।।
વળી વાત કહું એક સારી, તેના સુતની છે સુખકારી ।
તેને ધારણા થાય હમેશ, કરે પ્રભુપાસે તે પ્રવેશ ।।૭।।
લાવે પ્રસાદી નિત્ય નવલી, બોર સાકર ખારેક ભલી ।
વળી શ્રીમુખે જમેલ જેહ, લાવે સોપારી તર્તની તેહ ।।૮।।
એવી પ્રસાદી જે બહુ પેર, આપે મહારાજ કરીને મહેર ।
વળી એક દિવસ દયાળ, જમ્યા પ્રકટ આવીને થાળ ।।૯।।
વળી રાયજી નામે છે જન, રહે નાથ ભેળો ભાઇ તન ।
તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા દીનદયાળ ।।૧૦।।
ત્યારે નાથજીએ કરી સ્તુતિ, બોલ્યા ત્યારે પ્રભુ પ્રાણપતિ ।
નહિ તેડી જાયે એને અમે, છો એકલા નાથભક્ત તમે ।।૧૧।।
પછી સહુને દરશન દીધાં, એમ કાજ નાથજીનાં કીધાં ।
આપે પરચા એમ અત્યંત, કહેતાં લખતાં ન આવે અંત ।।૧૨।।
વળી એક ભક્તની છે વાત, સંભળાવું સહુને સાક્ષાત ।
એક કણબી કિશોરદાસ, તેનો સુત લખો નામ તાસ ।।૧૩।।
તેને સમાધિનું સુખ અતિ, નિત્ય કરે નાથપાસે ગતિ ।
તેનો તાત કહે પૂછ્ય હરિને, જમે થાળ જો મહેર કરીને ।।૧૪।।
પૂછ્યું લખે પાડી તેની હાજ, કર્યો થાળ પછી હરિકાજ ।
આવ્યા જમવા શ્યામ સુુજાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૧૫।।
જમી અર્ધ લાડુ થાળમાંથી, પછી પધાર્યા પ્રભુજી ત્યાંથી ।
દીધાં બહુ જનને દરશન, નિરખી નાથને કહે ધન્ય ધન્ય ।।૧૬।।
વળી એક દિવસની વાત, કહે લખાને લખાની માત ।
તારી સમાધિ સાચીતો ગણું, થાય દ્રષ્ણ મને કૃષ્ણતણું ।।૧૭।।
ત્યારે લખે સમાધિમાં જઇ, એહ વાત મહારાજને કહી ।
ત્યારે મહારાજ કહે ઘણું સારૂં, એવું થાશે દર્શન અમારૂં ।।૧૮।।
પછી મોરમુગટ પીતાંબર, વાતા વાંસળી શ્યામ સુંદર ।
ધરી સોળ વર્ષનું સ્વરૂપ, અશ્વે બેઠા દિઠા છે અનુપ ।।૧૯।।
ત્યારે ડોશી કહે ધન્ય ધન્ય, થયું પ્રકટ પ્રભુનું દર્શન ।
આવી વાત દીઠી ન સાંભળી, અતિ અલૌકિક મને મળી ।।૨૦।।
એહ પચોર્ અલૌકિક થયો, વળી લખો સમાધિમાં ગયો ।
તિયાં વાલે કરી અતિવાલ, દીધો દેહ લુઇને રૂમાલ ।।૨૧।।
આપ્યો સમાધિમાં અવિનાશે, જાગ્યો ત્યારે રહ્યો પોતા પાસે ।
લાવ્યો અલૌકિક લોકમાંઇ, એથી પર્ચો મોટો નહિ કાંઇ ।।૨૨।।
વળી એક કુસંગીને કાજે, મેલ્યા દૂત લેવા જમરાજે ।
દેખી લખે વાત તેને કહિ, મારી પોળ્યમાં પેસવું નહિ ।।૨૩।।
ત્યારે જમ બોલ્યા ડારો દઇ, જા તું બેશ તારે ઘેર જઇ ।
ત્યારે લખો કે નહિ દેવું લેવા, બહુ જમ દીઠા મેં તું જેવા ।।૨૪।।
એમ કહીને વધાયુર્ં દેહ, માંડ્યા મારવા ભાગ્યા છે તેહ ।
ગીયો મારતો જમપુરીમાં, ભાગ્યા બીજા જે રહેતાતા તેમાં ।।૨૫।।
કરી ખાલી જયારે જમપુરી, જમે હરિ પાસે રાવ કરી ।
કહે નાથ જાઓ નહિ મારે, કહેજયો સહુને એને ન બીવારે ।।૨૬।।
એમ લખે રાખ્યો કુસંગીને, જમ ભાગી ગયા સહુ બીને ।
વળી એક પીતાંબર દાસ, લાવ્યો જામફળ લખાપાસ ।।૨૭।।
કહે જા તું સમાધિમાં લઇ, જમાડજયે ત્યાં નાથને જઇ ।
લીધું લખે દીધું હરિહાથે, જમી અર્ધ દિધું પાછું નાથે ।।૨૮।।
તે આપી પીતાંબરને પ્રસાદી, દિધા પરચા બહુ એહ આદિ ।
થયા લખાને પરચા લાખું, એક જીભે હું કેટલા ભાખું ।।૨૯।।
વળી ભક્ત ભગવાન દાસ, ચાલ્યો દર્શને દયાળુ પાસ ।
થયા સંગાતિ સુંદર શ્યામ, તેડી આવ્યા વરતાલ ગામ ।।૩૦।।
હતો આનંદ ઉત્સવ તિયાં, અતિ સુંદર દર્શન થિયાં ।
પછી ત્યાંથી જેતલપુર ગામે, કર્યો ઉત્સવ સુંદર શ્યામે ।।૩૧।।
તિયાં દીઠા છે દર્શન કરતાં, પ્રભુ મુખથકી ફુલ ઝરતાં ।
ઘડી ઉભે લગી એમ રહ્યું, નહિ પરોક્ષ એ પ્રત્યક્ષ થયું ।।૩૨।।
વળી કહી અંતરની વાત, જેમ હતી તેમ તે સાક્ષાત ।
એક દિવસ જમિયા થાળ, સહુ દેખતાં દીનદયાળ ।।૩૩।।
વળી આપી એકદિ પ્રસાદી, સારી સાકરની રાયજાદિ ।
એવી અલૌકિક વાત વળી, થઇ નોતિ દીઠી જે સાંભળી ।।૩૪।।
એક સત્સંગી જગજીવન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।
તેને વાંક નાખ્યો વણ કીધો, ઝાલી બંધિખાનામાંહી દીધો ।।૩૫।।
કહે રૂપિયા લેશું હજાર, ત્યારે કાઢશું બેડીથી બહાર ।
એમ ડરાવે દુષ્ટ અપાર, આવ્યા તે સમે પ્રાણઆધાર ।।૩૬।।
કહે દંડનું દામ ન આલે, તને છોડાવશું અમે કાલે ।
પછી બીજે દાડે બેડી ભાંગી, કાઢ્યો દાસને વાર ન લાગી ।।૩૭।।
ત્યાર પછી મુવો એનો તાત, આવ્યા તેડવા પ્રભુ સાક્ષાત ।
તેતો દિઠા બીજે બહુ જને, નિર્ખિ નાથ મગન થયા મને ।।૩૮।।
વળી એકદિ જગજીવન, બેઠો કરવા હરિભજન ।
દિઠો તેજ તણો બિંબ ભારી, જોઇ ચકિત થયાં નરનારી ।।૩૯।।
એમ પામ્યો બહુ ચમત્કાર, કહેતાં લખતાં ન આવે પાર ।
વળી ભક્ત કાછિયો ખુશાલ, જેને વાલા સાથે ઘણી વાલ ।।૪૦।।
તેની સુતા તે અમૃતબાઇ, ગઇ હરિપાસે સમાધિમાંઇ ।
દિધા પેંડા ત્યાં હરિએ હાથે, આપ્યો હાર જે પહેર્યો તો નાથે ।।૪૧।।
વળી ઇક્ષુ જમેલ માદળિયાં, સુંદર પ્રસાદીનાં બોર મળિયાં ।
એહ આદિ પ્રસાદી અનુપ, તેતો રહે જાગ્યે તદ્રૂપ ।।૪૨।।
જમે પોત્યે ને આપે બીજાને, જાણી અલૌકિક મુદ માને ।
એક કાછિયો બેચર વળી, તેની વાત કહું લ્યો સાંભળી ।।૪૩।।
જાય સમાધિમાં પ્રભુ પાસ, હરિ રાજી થાય દેખી દાસ ।
પછી આપે પ્રસાદી દયાળ, જાણી બેચરને નાનો બાળ ।।૪૪।।
લિંબુ મિઠાં જામફળ જેહ, આપે પેંડા પ્રસાદીના તેહ ।
ખાય પેંડા વખાણે છે બહુ, દેખે સત્સંગી કુસંગી સહુ ।।૪૫।।
કહે કુસંગી પારખ્યું લહીએ, ત્યારે સ્વામીજીને સાચા કહીએ ।
એમ કહીને લીધો બોલાવી, બેસ બેચરિયા આંહિ આવી ।।૪૬।।
તારાં વસ્ત્ર ઉતારીને લહીએ, લાવ્ય પ્રસાદી તો સાચો કહીએ ।
પછી ઉતારી લીધાં અંબર, કહે સમાધિ હવે તું કર ।।૪૭।।
પછી બેચરે સમાધિ કરી, ગયો જીયાં બેઠા હતા હરિ ।
પછી સામું જોઇ હરિ હશા, જોઇ એની દિગંબર દશા ।।૪૮।।
આપ્યા ત્રણ્ય પેંડા તેહવારે, જાગી દેખાડ્યા સહુને ત્યારે ।
જોઇને સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૪૯।।
એમ પરચા અપરમપાર, આપે અલબેલોજી આ વાર ।
તેણે વર્તે છે અતિ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૫૦।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને છેંતાળિસમું પ્રકરણમ્ ।।૧૪૬।।