રાગ સામેરી-
પછી પ્રભુજી પધારીયા, પોતે તે ગુર્જર દેશ ।
લીળા કરી ગુજરાતમાં, પંચાળે કર્યો પ્રવેશ ।।૧।।
સત્સંગી સોરઠનાં, હાલારનાં હરિજન ।
તેને ઉપર દયા કરી, દીધાં સહુને દર્શન ।।૨।।
દાસ ઉપર દયાળને, દયા દલમાં અતિઘણી ।
જાણો મારા જનને, દિયું સંપતિ સુખતણી ।।૩।।
જપ તપ તીરથ કરતે, નાવે ધરતે જોગીને ધ્યાન ।
તે આવે જનને ભુવન ચાલી, મહેર કરી મહેરવાન ।।૪।।
ફરે કરે પાવન પૃથિવી, જુવે જાણે અજાણે જન ।
જક્ત આશ્ચર્ય જોઇને, કરે ભાવ અભાવે ભજન ।।૫।।
જેને દર્શને દુષ્કૃત નાશે, અને સ્પરસે નાશે પાપ ।
તેહ હરિને સંભારતાં, સહુ શુધ્ધ થયાં છે આપ ।।૬।।
લાગ્યો ભય લુંટક જનને, અને પાપીને પીડા થઇ ।
ડર્યા નર તસ્કરા, અને દુષ્ટ દુઃખ પામ્યા સઇ ।।૭।।
કળિમાં સતજુગ કીધો, પ્રભુ પોતે પ્રકટી ।
તે જાણે જન પોતાતણા, ન જાણે કુડીયાં કપટી ।।૮।।
ખાન પાન પટ વડે, સર્વે જન સુખી બહુ ।
તે પ્રતાપ મહારાજનો, પ્રકટ જન જાણે સહુ ।।૯।।
પુરૂષોત્તમ પૂરણ પ્રકટ્યા, અનેક જીવ ઉધ્ધારવા ।
દયા કરી ફરે દેશમાં, નિજજનનાં કારજ સારવા ।।૧૦।।
જેજે દેશમાં દાસ હતા, ભજતા હતા ભગવાન ।
ગોતી તેનાં ગામ પોતે, દીધાં દર્શન દાન ।।૧૧।।
પછી આવી પંચાળમાં, અને લીધા સખા સાથ ।
ઘોડે ચડી ગુજરાતમાં, આવ્યા ડભાણે નાથ ।।૧૨।।
દર્શન દીધાં દાસને, દયાળે દયા કરી ।
સંતને સુખ આપવા, પધારીયા પોતે હરિ ।।૧૩।।
તે સાંભળી સતસંગી સર્વે, આવિયા તતકાળ ।
વેલ્ય ઘોડા ગાડલે, બેસારી બુઢાં બાળ ।।૧૪।।
નયણે નિર્ખિ નાથને, વળી હરખીયા હૈયે ઘણું ।
અંતરમાં સુખ આવિયું, મુખ જોઇ મોહનતણું ।।૧૫।।
પછી હાથ જોડી હરિ આગે, કરે વિનંતિ વારમવાર ।
પ્રભુ ભલે પધારીયા, લીધી અમારી સાર ।।૧૬।।
પછી પ્રભુને પૂજીયા, વળી ચરચ્યાં ચંદન ઘણાં ।
પુષ્પહાર પહેરાવિયાં, કર્યાં છોગલાં ફુલતણાં ।।૧૭।।
અંબર સુંદર આભૂષણ, અરપિયાં અલબેલને ।
ધૂપ દીપ કરી આરતી, પાય લાગ્યાં છબીલા છેલને ।।૧૮।।
ભોજન વ્યંજન ભલી ભાતે, જમાડીયા જીવનને ।
જમ્યા ભૂધર ભાવશું, કરવા જન પ્રસન્નને ।।૧૯।।
પછી બાંધ્યો હિંડોળો બારણે, સુંદર વડે સોયામણે ।
તિયાં વિરાજયા નાથજી, જોઇ જન જાય ભામણે ।।૨૦।।
એમ કૈક દન દર્શન દઇ, નવલા તે નેહ વધારીયા ।
પછી સર્વેને શીખ આપી, પોતે પણ પધારીયા ।।૨૧।।
આવે જાય સવેર્દેશે, પણ રહે ઘણું પાંચાળ ।
નિજજનને સુખ દેવા, કરે લીળા દયાળ ।।૨૨।।
બાળ જોબન વૃધ્ધજન, વળી નર નારી કહેવાય ।
જક્ત વાત જાણે નહિ, સહુ ગુણ હરિના ગાય ।।૨૩।।
પછી એક દિન નાથ કહે, સત્સંગી સહુને જણાવજયો ।
અમે આવશું વઉઠે, તમે પણ ત્યાં આવજયો ।।૨૪।।
સુંદર માસ સોહામણો, ર્કાિતક શુદિ પુન્યમ કૈયે ।
આવ્યાતાં જન આગળે, પોતે પણ આવ્યા તૈયે ।।૨૫।।
પધાર્યા પશ્ચિમ દેશથી, બુધેજમાં દિન દો રહ્યા ।
પછી વાલો વઉઠે, અશ્વે ચડીને આવીયા ।।૨૬।।
સંધ્યા સમે શ્રીહરિ, પ્રભુજી પધારીયા ।
દર્શન દઇ દાસને, તેના તે તાપ નિવારીયા ।।૨૭।।
પછી ફરીયા સંઘમાં, દર્શન દેવા શ્રીહરિ ।
લાખો લોકે લાવ લીધો, નિરખિયા લોચન ભરી ।।૨૮।।
પછી આવી ઉતર્યા, વળી સુંદર શોધી જાગ્ય ।
સતસંગીને કુસંગીનો, કરીયો છે વિભાગ ।।૨૯।।
પછી પોતે વિરાજિયા, વેલ્ય ઉપર વાલમ વળી ।
સતસંગીને સંત સર્વે, બેઠી મુનિની મંડળી ।।૩૦।।
સતસંગી સર્વે કહે, દિયો આગન્યા દયાળ ।
અમે તમારે કારણે, કરાવીયે સુંદર થાળ ।।૩૧।।
આપીયે અમને આગન્યા, સંત સારૂં કરાવીયે રસોઇ ।
ત્યારે મહારાજ કહે સારૂં, કરાવજયો સહુ કોઇ ।।૩૨।।
પછી એહ સમે આરોગીયા, વળી પુરી સુંદર પાક ।
ઉજજવળ ભાત દાળ અવલ, સુંદર તળેલાં શાક ।।૩૩।।
જમી જીવન પોઢિયા, કર્યો વેલ ઉપર વિશરામ ।
નિરખતાં જનનાથને, વહિ ગયા ચારે જામ ।।૩૪।।
પછી પ્રભાતે પ્રભુ જાગી, નાવા ચાલીયા નાથ ।
નારીજાુથ નોખું કરી, લીધા સખા સર્વે સાથ ।।૩૫।।
પછી નાહી નાથ પધારીયા, ગયા ગામમાં ઘોડે ચડી ।
સેવકને શિરપાવ આપ્યો, શિવને પાય પડી ।।૩૬।।
પછી ઉતારે પધારીયા, દેઇ દદામાં દયાળ ।
આવી બેઠા તરૂતળે, નાહિ જમવા પ્રતિપાળ ।।૩૭।।
જમ્યા હરિ જુગત્યે કરી, જેમ ઘટે તેમ બેસી આસને ।
પછી સર્વે થાળ લઇ, દિધી પ્રસાદી દાસને ।।૩૮।।
એમ અલૌકિક કરી લીળા, વઉઠામાં વાલે વળી ।
પછી સહુને શીખ આપી, સંત ફરો બાંધી મંડળી ।।૩૯।।
પછી પોતે પધારીયા, કરી કારજ મોટું સહિ ।
જેણે નિરખ્યા નાથને, તે જમહાથ જાવાના નહિ ।।૪૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વઉઠાનો સમૈયો કર્યો એ નામે ત્રેસઠમું પ્રકરણમ્ ।।૬૩।।