પૂર્વછાયો- વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત ।
ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।।
જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક ।
પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।।
એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ ।
તેની ર્કીિત લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।।
બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન ।
અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।।
ચોપાઇ- ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન ।
થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।।
એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ ।
કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।।
પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ ।
સર્વે અવતાર તમેજ ધર્યા, જાુગોજાુગમાં જન ઉધાર્યા ।।૭।।
કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર ।
વળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।।
એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન ।
પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।।
ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી ।
શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।।
એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન ।
દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।।
કહે આશ્ચર્ય વાત આતો, થયો પરચો કહ્યો નથી જાતો ।
વળી એક બીજી એની વાત, સહુ સાંભળજયો તે સાક્ષાત ।।૧૨।।
કર્યો મહારાજને કાજે થાળ, આવી જમિયા દીનદયાળ ।
જમ્યા પેંડા પતાસાં ને પાક, વડાં ભજીયાં સુંદર શાક ।।૧૩।।
જમી અર્ધ વડું આપ્યું નાથે, લીધું મોંઘિબાયે હાથોહાથે ।
આપી પ્રસાદી વેંચીને તેની, વળી વાત કહું બીજી એની ।।૧૪।।
બીજે દિવસે બદ્રિનાં ફળ, જેનાં ઝીણાં બીજ જાડાં દળ ।
તે આપ્યાં છે પોશભરી પોત્યે, એવાં બીજાં મળે નહિ ગોત્યે ।।૧૫।।
એમ પર્ચા અપરમપાર, આપે વાલોજી વારમવાર ।
હરિજનમાં મોટેરાં મુખી, અતિ અલૌકિ સુખમાં સુખી ।।૧૬।।
તેને ઘેર બાઇયો હરિજન, નિત્યે સુણે કથા કીરતન ।
બેસે સભા બાઇયોની મંડળી, કરે વાત પ્રકટની વળી ।।૧૭।।
હૈયે પ્રીત્ય હરિમાંહિ ઘણી, શું કહીએ મોટ્યપ બાઇયોતણી ।
તેને એક દિવસ મોઝાર, થઇ પુષ્પની વૃષ્ટિ અપાર ।।૧૮।।
તે સત્સંગી કુસંગી મળી, સૌએ વિણી લીધાં તેહ વળી ।
એમ થયું દિન દોય ચાર, એહાદિ નહિ પર્ચાનો પાર ।।૧૯।।
એવા પરચા થાય અનંત, કહેતાં લખતાં ન આવે અંત ।
વળી એક કહું બીજી વાત, સામર્થી શ્રીહરિની સાક્ષાત ।।૨૦।।
એક અંબાબાઇ છે દક્ષણી, કરે ભક્તિ પ્રભુજીની ઘણી ।
તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા શ્રી ભગવંત ।।૨૧।।
લાવ્યા વિમાન તે લાખો લેખે, ચાલ્યા તેડી જન સહુ દેખે ।
સતસંગી કુસંગી સહુને, થયાં દર્શન જન બહુને ।।૨૨।।
ત્યાર પછી એહ અંબાબાઇ, દીઠા જને તે સમાધિમાંઇ ।
તે સાથે એમ મોકલ્યું કઇ, એક એંધાણી સુંદર દઇ ।।૨૩।।
શ્યામ સાડી પટારામાં મેલી, તે છે બીજી બાઇને આપેલી ।
એ વાત સવેર્ સાચી જો થાય, તો તમે સંશે કરશો માં કાંય ।।૨૪।।
તે કહ્યું આવી સમાધિવાને, માન્યું સત્ય સુણી સર્વે કાને ।
જેજે વાત મોકલીતી કઇ, તેતે સરવે સાચીજ થઇ ।।૨૫।।
જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।
વળી વાત અનુપમ એક, કહું સામર્થી હરિની વિશેક ।।૨૬।।
એક હરિજન દ્વિજમાંઇ, તેનું નામ છે જમુનાબાઇ ।
હરિભક્ત અતિ હેતવાન, ધરે પ્રકટ પ્રભુનું ધ્યાન ।।૨૭।।
તેનું હેત જોઇને દયાળ, નિત્યે જમે ભોજનનો થાળ ।
સારાં પહેરી પીતાંબર શ્યામ, દિયે દર્શન સુખના ધામ ।।૨૮।।
વળી ભૂત ભવિષ્યનું ભાખે, હોય થાવાનું તે કહિ દાખે ।
થાય સાચું એ સર્વે જ જયારે, પામે આશ્ચર્ય સહુ જન ત્યારે ।।૨૯।।
એમ જમુનાબાઇને ઘેર, આવે નિત્ય હરિ કરી મહેર ।
એક સોની બાઈ હરિજન, નામ પારવતી તે પાવન ।।૩૦।।
જેને હેત અતિ હરિમાંઇ, બીજે પ્રીત્ય જેને નહિ કયાંઇ ।
તેના ઘરમાં કુસંગ ઘણો, કરે દ્વેષ સહુ બાઇતણો ।।૩૧।।
સતસંગમાં જાવા ન આપે, કહી વાંકાં વચન સંતાપે ।
સુણી સવેર્ બોલે નહિ બાઇ, કરે ભજન બેઠી ઘરમાંઇ ।।૩૨।।
તેની પ્રીત્યે તાણ્યા ભગવાન, દિયે નિત્યે તે દર્શનદાન ।
જમે થાળ દયાળ આવીને, દિયે પ્રસાદી સારી લાવીને ।।૩૩।।
કોઇ દિવસ એવો ન જાય, જે નાવે નાથજી ઘરમાંય ।
એમ પાર્વતી બાઇને ઘેર, નિત્ય કરે હરિ લીલાલેર ।।૩૪।।
એમ લાડ પાળે હરિજનનાં, કરે ગમતાં કાજ જનમનનાં ।
એમ પર્ચો આપે અવિનાશ, ધન્ય હરિજન હરિદાસ ।।૩૫।।
વળી એક દિન આવ્યા હરિ, તેને જમાડ્યા ભજીયાં કરી ।
અતિપ્રેમમાં ટેવ ન રહી, આપ્યાં ભજીયાં કાચેરાં લહી ।।૩૬।।
જમી પધાર્યા જગજીવન, બાઇ મોંઘિબાઇને ભવન ।
કહે આજ પારવતી હાથ, કાચાં ભજીયાં જમ્યા કહે નાથ ।।૩૭।।
એવી વાત અલૌકિક જેહ, જાણી જન મગન રહે તેહ ।
સર્વે જાણો પ્રકટ પ્રમાણ, રખે સ્વપ્ન સમજો સુજાણ ।।૩૮।।
વળી એક તંબોળી તે માંઇ,નામ તેનું છે જમુનાંબાઇ ।
તેને ધારણા થાય હંમેશ, કરે પ્રભુ પાસે તે પ્રવેશ ।।૩૯।।
સમાધિમાં કરે હરિસેવા, નિત્ય જમાડે મિઠાઇ મેવા ।
તેની વાત જાણી જન બીજે, સુણી પામીયાં ન પરતિજે ।।૪૦।।
કહે એ વાત સર્વે છે ખોટી, મુખસ્વાદની કરો છો મોટી ।
જયારે નજરે દેખીયે અમે, ત્યારે માનીયે જે કહો તમે ।।૪૧।।
કરો તમારે ઘેર ભોજન, ભાણે બેસી જમે ભગવાન ।
જેજે ભોજન ધરીયે થાળે, થાય ઓછું તેમાં તેહ કાળે ।।૪૨।।
તે અમારી આંખ્યે જો દેખીયે, તો સહુ વારતા સાચી લેખીયે ।
એવું સુણી હરિજન બાઇ, કર્યો થાળ પોત્યે ઘરમાંઇ ।।૪૩।।
થયો સુંદર થાળ તૈયાર, પ્રીત્યે જમિયા પ્રાણઆધાર ।
જમી પધાર્યા જીવન જયારે, ફુલહાર દેતાગયા ત્યારે ।।૪૪।।
જેજે ભોજને ભર્યોતો થાળ, થયું અર્ધું જમિયા દયાળ ।
દિઠો ફુલનો પ્રકટ હાર, જોઇ થકિત થયાં નરનાર ।।૪૫।।
કહે વાત આ સરવે સાચી, જાણો સત્ય નથી કાંઇ કાચી ।
જોને હાર સારૂ નરસઇ, કર્યા કાલા વાલા જને કઇ ।।૪૬।।
એવા હજારો આપે છે હાર, વાલો ભક્તને વારમવાર ।
આજ વાવરે છે જે સામર્થી, એવી કોઇદિ વાવરી નથી ।।૪૭।।
ધન્યધન્ય આજનો પ્રતાપ, કવિ ક્રોડ્યે થાય નહિ થાપ ।
વળી કરી છે જનની સાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૪૮।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૮।।