૧૯. રામપ્રતાપનાં વિવાહ, પ્રભુના ચૌલ સંસ્કાર, કાલિદત્તનો વિનાશ.

Submitted by swaminarayanworld on Mon, 04/07/2011 - 8:22pm

પૂર્વછાયો-

વળી સહુ સાંભળજયો, કહું ત્યાર પછીની વાત ।

મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।।

તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર ।

સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।।

રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું ।

પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।।

પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો ।

કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।।

ચોપાઇ-

હેતે પૂજયા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે ।

અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।।

એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજયા લઇ ષોડશ ઉપચારે રે ।

જમાડ્યા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।।

બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે ।

એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।।

આવી જેઠ વદની પંચમી રે, માતતાત જયોતિષિને ગમી રે ।

તેદિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।।

કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે ।

તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।।

પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે ।

તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે ।।૧૦।।

તિયાં ફળ દીઠાં મીઠાં ઘણાં રે, જામફળી સિતાફળી તણાં રે ।

નાળીકેરી અનુપ અનાર રે, કર્યા અંબફળના ત્યાં આહાર રે ।।૧૧।।

જાંબુ લીંબુ ને રાણો રૂપાળી રે, ગુંદી કર્મદી પાકી રસાળી રે ।

દ્રાક્ષ ખારેક ખલેલાં ખરાં રે, રહ્યાં લેવા તે સૌ છોકરાં રે ।।૧૨।।

હરિને બેસાડી તરુ તળે રે, ફર્યાં બાળક વૃક્ષ સઘળે રે ।

એમ કરતાં આથમ્યો દન રે, આવ્યો એ સમે અસુર જન રે ।।૧૩।।

કાળીદત્ત નામે છે કપટી રે, થયો અર્ભક અસુર મટી રે ।

બન્યો કુબુદ્ધિ બાળક જેવો રે, કોઇ થકી ન કળાય એવો રે ।।૧૪।।

આવી ભેળું માંડ્યું છે રમવા રે, મનમાં છે હરિને દમવા રે ।

કાઢી કૃત્યાઓ તેનો છે ક્રોધ રે, વેર વાળવાનો છે વિરોધ રે ।।૧૫।।

થયો ગરીબ ઘટમાં ઘાત રે, ભર્યો કપટે દગે કુજાત રે ।

રમ્યો બાળ સંગ બહુ વાર રે, પછી વિસ્તારી માયા અપાર રે ।।૧૬।।

કરી રાતી આંખ્યો તતકાળ રે, વાધ્યો અંગે થયો વિકરાળ રે ।

ફાડ્યું મુખ ફાટ્યો જાણે આભરે, કાઢી જીભ લાંબી વિશ વાંભરે ।।૧૭।।

કરડે દાંત ક્રોધમાં અતિ રે, આવ્યો કૃષ્ણ મારવા કુમતિ રે ।

થયો ભૂંડો ભયંકર બહુ રે, તેને દેખી બિન્યા બાળ સહુ રે ।।૧૮।।

કર્યા લાંબા કર તતકાળ રે, ઝાલી કરવા બાળકનો કાળ રે ।

ત્યાંતો વાંકી દષ્ટિ કરી નાથે રે, જોયું દૈત્ય કાળીદત્ત માથે રે ।।૧૯।।

તેણે દાઝ્યું કુબુદ્ધિનું દેહ રે, પછી કોપિયો અસુર તેહ રે ।

કરી આસુરી માયા ઉત્પન્ન રે, ચડી ઘટા ને ચાલ્યો પવન રે ।।૨૦।।

આવી આંધી ને રજની મળી રે, કરે ઝબકારા બહુ વિજળી રે ।

થાય ગાજમાં ઘોર કડાકા રે, દિયે દામિની તેમાં ઝડાકા રે ।।૨૧।।

વર્ષે મેઘ રહે નહિ મણારે, ચાલ્યાં પૂર પૃથ્વીપર ઘણાં રે ।

ઝરે મેઘ મચી બહુ ઝડી રે, વાયુ વેગે વૃક્ષ ગયાં પડી રે ।।૨૨।।

ત્રુટિ પાંખો પંખી પડ્યાં ભોમ રે, મૃગ જાતિ થયાં છે બફોમ રે ।

થયો અતિશે મોટો ઉત્પાત રે, પડી વચમાં વેરણ રાત રે ।।૨૩।।

બહુ ઉપદ્રવે બિન્યાં બાળ રે, નાસી ગયાં બીજે તતકાળ રે ।

બેસાર્યાતા આંબાતળે હરિ રે, તેની ન રહી ખબર ખરી રે ।।૨૪।।

ચડી ટાઢ્ય તેણે તન ધ્રુજે રે, મળી રાત્યમાં કાંઇ ન સુજે રે ।

એવી માયા વિસ્તારી અસુર રે, મારવા હરિજીને જરૂર રે ।।૨૫।।

ફેરે દષ્ટિ ને જુવે સઘળે રે, દીઠા હરિ બેઠા આંબા તળે રે ।

ત્યારે ઉડી આકાશમાં ચડ્યો રે, આવી અંબ વૃક્ષ પર પડ્યો રે ।।૨૬।।

જેમ હિમાચળની શિખર રે, ત્રુટી પડે પર્ણકુટિ પર રે ।

એમ પડ્યો અસુર અભાગી રે, તેની ઝપટે પડ્યું ઝાડ ભાંગી રે ।।૨૭।।

તેને તળે બેસી રહ્યા બાળ રે, થયો નહિ વાંકો એક વાળ રે ।

જેમ રહ્યા ગોવર્ધન હેઠ્ય રે, રહ્યા તરુતળે તેની પેઠ્ય રે ।।૨૮।।

વાયુ વરસાદ ને વિજળી રે, તેના પરાભવની પીડા ટળી રે ।

રહ્યા અચળ પર્વતપ્રાય રે, અસુરનું ન ઉપજયું કાંય રે ।।૨૯।।

પછી અસુર ક્રોધ કરીને રે, ગયો ઝાલવા હાથે હરિને રે ।

ત્યારે વાંકી દષ્ટિએ જોયું નાથેરે, પામ્યો મોહ પડ્યો ભૂમિ માથેરે ।।૩૦।।

પામ્યો મુર્છા ને વ્યાકુળ થયો રે, શુદ્ધ શરીરની ભૂલી ગયો રે ।

થઇ વિકળ ને ભમ્યો વન રે, ત્યાં પ્રચંડ વાતો તો પવન રે ।।૩૧।।

તેને વેગે પડતાંતાં ઝાડ રે, મુવો ચંપાઇ પશુને પાડ રે ।

જેમ આખુ અહિકરંડ કાપે રે, જાગે વ્યાળ મરે મૂષો આપે રે ।।૩૨।।

જેમ કાપે કોઇ બેઠાની ડાળ રે, પડે કૂપે મરે તતકાળ રે ।

જેમ કરોળિયો કરે વિલાસ રે, પામે પોતાની જાળમાં નાશ રે ।।૩૩।।

એમ પોતાની માયામાં મુવો રે, આપ પાપે પાપી નાશ હુવો રે ।

મુવો દૈત્ય માયા મટી ગઇ રે, વાયુવેગ વિજળી ન રઇ રે ।।૩૪।।

ત્યારે શાંતિ પામ્યાં સહુ બાળ રે, પછી કરી કૃષ્ણની સંભાળ રે ।

જયારે ન દીઠા પોતાને પાસ રે, ત્યારે બહુ થયાં છે ઉદાસ રે ।।૩૫।।

પછી કરે છે સાદ પોકારી રે, જયાં હો ત્યાંથી બોલો સુખકારી રે ।

કરે સાદ ઘણું ઘણું ગોતે રે, જડ્યા નહિ ઝાડ બહુ જોતે રે ।।૩૬।।

ત્યારે ભૂલ્યાં શરીર સંભાળરે, કહે હે કૃષ્ણ હે હરિ બાળ રે ।

એમ સાદ કરી શોધ્યા અતિ રે, પણ લાધ્યા નહિ પ્રાણપતિ રે ।।૩૭।।

ત્યારે વ્યાકુળ થયાં છે બાળ રે, રુવે કર ઘસે કરે કતાળ રે ।

કહે ક્યાંથી લાવ્યાં એને આંહીરે, હવે શું કહેશું જઇ ગામમાંહી રે ।।૩૮।।

એનાં માબાપને તે શું કહેશું રે, બીજાને ઉત્તર શિયો દેશું રે ।

ન રહ્યું મુખ દેખાડવા જેવું રે, કર્યું કામ તો આપણે એવું રે ।।૩૯।।

એમ બોલે પરસ્પર વાણ રે, ત્યાંતો થયું છે ગામમાં જાણ રે ।

ફરક્યાં પુરૂષનાં અંગ ડાબાં રે, એવાં અપશુકન થાવા લાગ્યાં રે ।।૪૦।।

ફરક્યાં નારીનાં જમણાં અંગ રે, તેણે સહુ થયાં મન ભંગ રે ।

ત્યાંતો ભક્તિ કહે સુત મારો રે, એને કોણ તેડી ગયું બારો રે ।।૪૧।।

ખોળી કાઢો ખબર એની વેલી રે, પુત્ર વિના માતા થઇ ઘેલી રે ।

થયા ધર્મ તે વ્યાકુળ વળી રે, પામી મૂરછા પડિયા ઢળી રે ।।૪૨।।

પછી આવ્યાં જન મળી સહુ રે, કરે બાળનો ખરખરો બહુ રે ।

કહે છોકરાં ગયાં હતાં વાડી રે, તેડી ગયાં તિયાં એ અનાડી રે ।।૪૩।।

પછી ચાલ્યાં ગોતવા નરનાર રે, કરી દિવી ફાનસો અપાર રે ।

કરે જેષ્ટિકા અસિ કમાન્યું રે, આવ્યાં જીયાં એ વૃક્ષ આંબાનું રે ।।૪૪।।

માત તાત લીએ લડથડિયું રે, પુત્ર વિયોગનું દુઃખ પડ્યું રે ।

એવે સમે હરિ પાસે વળી રે, આવી ધર્મ નારી બારે મળી રે ।।૪૫।।

સુત જાણી લીધા સૌએ ખોળે રે, બાળ ધવરાવ્યા ભાવ બોળે રે ।

હરિ માતાની પુરવા હામ રે, થયા દ્વાદશ સ્વરૂપે શ્યામ રે ।।૪૬।।

એવે સમે ગામના રહેનાર રે, આવ્યાં ખોળતાં સહુ નરનાર રે ।

કહે છોકરાં આ વૃક્ષ તળે રે, અમે મુક્યા હતા મળી સઘળે રે ।।૪૭।।

તેતો વૃક્ષ પડિયું છે ભાંગી રે, જોઇ તેને સૌને બીક લાગી રે ।

કહે આવું રુખ પડ્યું જીયાં રે, નોય બાળક કુશળ તિયાં રે ।।૪૮।।

એમ અંતરે થઇ ઉદાસ રે, આવ્યાં જોવા એ વૃક્ષને પાસ રે ।

ત્યારે શ્રદ્ધાદિ નારી દ્વાદશી રે, મુકી બાળક ને ગયું ખશી રે ।।૪૯।।

મળ્યા ગોતતાં મામીને નાથ રે, તેણે આપ્યા છે ભક્તિને હાથ રે ।

પામી પુત્ર રાજી થયાં બાળા રે, આપી ભાભીને મોતિની માળા રે ।।૫૦।।

પછી સુત હેતે ધવરાવ્યા રે, જાણ્યું નવે અવતાર આવ્યા રે ।

વળતાં જોયાં વાડી વૃક્ષ જયારે રે, મુવો પુરૂષ પડ્યો દીઠો ત્યારે રે ।।૫૧।।

પછી પુછ્યું બાળકને તેનું રે, કહ્યું બાળકે વૃત્તાંત એનું રે ।

એતો આવ્યોતો કરવા ઘાત રે, કોણ જાણે થઇ કેમ વાત રે ।।૫૨।।

ત્યારે પામિયાં વિસ્મય સહુ રે, આતો વિઘન વીતિયું બહુ રે ।

પછી ઉગ્યો ચંદ્ર આવ્યાં ઘેર રે, ભક્તિ ધર્મ બોલ્યાં એ પેર રે ।।૫૩।।

કહ્યું શ્રીકૃષ્ણ છે આ જરૂર રે, તે વિના ન મરે એ અસુર રે ।

જયારે કાળીદત્ત દૈત્ય મુવો રે, ત્યારે જાણ્યું સૌનો નાશ હુવો રે ।।૫૪।।

છે આ સમર્થ આપશે સુખ રે, ભિડ્યા હૃદામાં વિસાર્યું દુઃખ રે ।

ત્યારે હતું જે હરિનું જ્ઞાન રે, ટળ્યું તે લાગ્યા સુત સમાન રે ।।૫૫।।

પછી વિરમ્યું જાણી એ વિઘન રે, કર્યા પાઠ પૂજા દાન પુણ્ય રે ।

કર્યું સંસ્કાર બાળકતણું રે, તેણે કરીને શોભ્યા છે ઘણું રે ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઘનશ્યામમહારાજે કાળીદત્તનો નાશ કર્યો એ નામે ઓગણીસમું પ્રકરણમ્ ।।૧૯।।