૯૭. વડતાલે અન્નકૂટથી પ્રબોધની સુધી ઉત્સવ કર્યો, ગઢપુર આવી ધોલેરા તથા જુનાગઢમાં મંદિર શરૂ કરાવ્ય

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:31pm

પૂર્વછાયો-

લખું લીળા વળી લાલની, જે વાલ કરી વરતાલ ।

કહેતાં ચરિત્ર નાથનાં, મારે અંતરે આવે વહાલ ।।૧।।

વાલો કહે પંચપંચની, મળી મંડળી ચાલો મરાલ ।

વાટે જનને જાળવજયો, દયા રાખી દલે દયાળ ।।૨।।

કઇક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર ।

કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર ।।૩।।

એમ કહીને ચાલિયા, રહ્યા રાત્ય તે ગાંફ ગામ ।

ત્યાંથી ચાલ્યા ચોંપશું, કર્યો વરતાલે વિશરામ ।।૪।।

ચોપાઇ-

આવ્યા વરતાલે વિશ્વ આધાર, કરવા લાડીલો લીળા અપાર ।

સર્વે સંતને કહ્યું વચન, તમે આવજયો ઉત્સવ દન ।।૫।।

એમ કરતાં ઉત્સવ આવ્યો, સર્વે સંતતણે મન ભાવ્યો ।

કહે મહારાજ તેડાવો મુનિ, હવે છુટી છે સંત સહુની ।।૬।।

આવ્યા સંત સરવે સાંભળી, હતી ગામોગામ જે મંડળી ।

આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિ હરખ ન માય ।।૭।।

કહે નાથ આવ્યા ભલે સંત, કરો ઉતારા જોઇ એકાંત ।

પછી બહુ સંત ઉતર્યા બહાર, કૈક ઉતર્યા મંદિર મોઝાર ।।૮।।

કરે દર્શન પ્રસન્ન નાથ, લિયે સુખ સહુ જન સાથ ।

થાય માસુક મોદક સારા, જમે જન પ્રભુ પીરસનારા ।।૯।।

કરે મનવાર મોદક લઇ, સંત શાન કરે મૌન રઇ ।

પછી બોલ્યા રાજ અધિરાજ, એમ મૌન ન રહેવું મહારાજ ।।૧૦।।

જેજે જોઇએ તે માગીને લેવું, પણ શાન કરીને ન કહેવું ।

એવી સાંભળી વાલાની વાત, સવેર્સંત થયા રળિયાત ।।૧૧।।

એમ જમાડી જન પંગતિ, કર્યા મુનિને મગન અતિ ।

પડી સાંજ પૂરી દીપમાળ, બેઠા ઉંચે આસને દયાળ ।।૧૨।।

આવ્યાં બુરાનપુરનાં જન, કરવા કૃપાળુનાં દરશન ।

લાવ્યા કસુંબી રેંટો રૂપાળો, છેડાકોરે સોનેરી શોભાળો ।।૧૩।।

તે બંધાવ્યો મહારાજને માથે, કર્યાં દર્શન સહુ જન સાથે ।

બહુ બપોરિયા ત્યાં બળે, જાણું શ્વેતદ્વીપ ઝળમળે ।।૧૪।।

તિયાં બેઠા વાલો વનમાળી, અતિ શોભે છે સભા રૂપાળી ।

થાય ઉત્તર ને પ્રશ્ન અતિ, સુખ આપે સુખમય મૂરતિ ।।૧૫।।

પછી પધાર્યા પોઢવા નાથ, સખા એકાંતિક લઇ સાથ ।

જયારે જાગિયા જગજીવન, દીધાં દાસ સહુને દર્શન ।।૧૬।।

પછી બોલિયા પ્રાણઆધાર, પૂરો અન્નકોટ સુંદર સાર ।

પછી જને પૂયોર્અન્નકોટ, શાક પાકની ન રાખી ખોટ ।।૧૭।।

કરી આરતી અન્નકોટ તણી, બની શોભા જાય નહિ ભણી ।

તિયાં જમીયા જીવનપ્રાણ, પછી જમાડ્યા સંત સુજાણ ।।૧૮।।

એમ લીળા કરે અવિનાશ, જોઇ સુખ લિયે સહુ દાસ ।

વસે વડોદરે એક જન, તેનું નામ છે જગજીવન ।।૧૯।।

તેણે પ્રેમે કરાવ્યો પોશાગ, સારો સોનેરી બુટે સુવાગ ।

તેડી ઉતારે જમાડ્યા નાથ, પછી પોશાગ પહેરાવ્યો હાથ ।।૨૦।।

પહેરી પોશાગ પ્રાણજીવન, દિધાં સહુ જનને દરશન ।

એમ કરે નિત્ય લીળા નવી, કેમ કહી શકે તેને કવિ ।।૨૧।।

થાય ઉત્સવ તે અહોનિશ, દિયે દાસને સુખ હમેશ ।

પછી આવ્યો એકાદશી દન, નામ પ્રબોધની તે પાવન ।।૨૨।।

તેદિ ઉત્સવ કર્યો આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।

પછી રહ્યા દન દોય ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૨૩।।

અલબેલોજી અઢળ ઢળ્યા, સર્વે મુનિને નાથજી મળ્યા ।

થયો સુંદર સારો સમૈયો, તે તો મુખથી ન જાય કહીયો ।।૨૪।।

આપ્યું સુખ હરિએ હુલશી, ર્કાિતક શુદિ કહીએ એકાદશી ।

તેદિ ઉત્સવ કરી દયાળ, પછી પધાર્યા દેશ પંચાળ ।।૨૫।।

આવ્યા ગઢડામાંહિ ગોવિંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।

થયા થોડા ઘણા પછી દન, કહું હવે જે કયુર્ં જીવન ।।૨૬।।

એક સોરઠ દેશમાં જન, નામ હેમંતસિંહ પાવન ।

જેને પ્રીત ઘણી પ્રભુમાંઇ, સ્વામી વિના વહાલું નહિ કાંઇ ।।૨૭।।

કરી તન ધન કુરબાણ, થઇ રહ્યા પ્રભુના વેચાણ ।

ભક્ત અતિ એકાંતિક અવલ, ભૂલે નહિ પ્રભુ મને પળ ।।૨૮।।

નિજઘેર પ્રભુ પધરાવી, હુતાશનીની લીળા કરાવી ।

અતિ હેતે કરાવ્યો સમૈયો, તેતો મુખથી ન જાય કહીયો ।।૨૯।।

સર્વે રીત્યે રાજી કરી રાજ, કરી લીધું છે પોતાનું કાજ ।

જયારે સર્વે કાજ સુધાર્યું, ત્યારે મનમાં એમ વિચાર્યું ।।૩૦।।

જે કારણે આ મનુષ્ય દેહ, તેતો કીધું છે સર્વે તેહ ।

રહી એક મને અભિલાષ, કરે પૂરી જાઉં પ્રભુ પાસ ।।૩૧।।

પછી ચાલ્યા ત્યાંથી ઝીણોભાઇ, આવ્યા ગઢડે નાથ હતા ત્યાંઇ ।

અતિહરખે નિરખ્યા નાથ, પછી બેઠા પાસે જોડી હાથ ।।૩૨।।

પછી હેતે હરિએ બોલાવ્યા, ઝીણાભાઇ ભલે તમે આવ્યા ।

ત્યારે ઝીણોભાઇ કહે મહારાજ, આવ્યો છઉં મનોરથે આજ ।।૩૩।।

પૂરો કરો મારો મનોરથ, કરવા પ્રભુ તમે છો સમર્થ ।

કહું જીરણગઢને માંઇ, કરો મંદિર સુંદર ત્યાંઇ ।।૩૪।।

તેમાં સારી મૂરતિ બેસારો, કરો પૂરો મનોરથ મારો ।

બીજી પણ એટલી છે આશ, પ્રભુ રાખીયે તમારે પાસ ।।૩૫।।

કહે નાથ આપ્યો કોલ એહ, થાશે તમે જે ધાયુર્ં છે તેહ ।

એમ વાત કરીને દયાળ, પછી જમ્યા છે સુંદર થાળ ।।૩૬।।

આપી ઝીણાભાઇને પ્રસાદી, જેને ઇચ્છે છે ભવ બ્રહ્માદિ ।

પછી ઝીણાભાઇ ભેળા સંત, મુક્યા મંદિર કરવા ધીમંત ।।૩૭।।

તેહ દિવસે ધોલેરે થકી, આવ્યા ભક્ત પુંજોભાઇ નકી ।

તેણે પણ જોડ્યા આવી હાથ, મારી વિનતિ સુણિયે નાથ ।।૩૮।।

એક ધોલેરે મંદિર કીજે, સહુ જનને આનંદ દીજે ।

એવું સાંભળીને બોલ્યા નાથ, લિયો મેલીયે મુનિ તમ સાથ ।।૩૯।।

મેલ્યા બેઉ ઠેકાણે મરાળ, મંદિર થાવા લાગ્યાં તતકાળ ।

તિયાં સંત જાય કઇ આવે, નિત્ય ખબર મંદિરની લાવે ।।૪૦।।

થોડા દહાડામાં મંદિર થાશે, એવી વાત કરે પ્રભુ પાસે ।

એવું સાંભળી ઉત્તમ કહે છે, મારે પણ એ ઘાટ રહે છે ।।૪૧।।

કરો મંદિર જો તમે આંઇ, થાયે રાજી અમે બેન ભાઇ ।

તેને પણ કહ્યું એમ નાથે, એતો કરાવશું અમો હાથે ।।૪૨।।

એમ કહી મંદિર આદર્યાં, માસ થોડાકમાં પૂરાં કર્યાં ।

થયું ધોલેરે મંદિર પહેલાં, કહાવ્યું વાલા આવો વેલા વેલા ।।૪૩।।

હતા વાલ્યમજી વરતાલ, આવ્યા તેડવા તિયાં મરાલ ।

કહ્યું થયું મંદિર સમાપતિ, આવી પધરાવિયે મૂરતિ ।।૪૪।।

એવું સાંભળી ચાલિયા શ્યામ, આવી રહ્યા ગલિયાણે ગામ ।

ત્યાંથી નાથ આવ્યા છે પિપળી, રાજી થયા દાદોભાઇ મળી ।।૪૫।।

ત્યાંથી આવ્યા ધોલેરે મહારાજ, મૂર્તિ સ્થાપન કરવા કાજ ।

સર્વે સંઘ ને સાધુ છે સાથ, એવી રીત્યે પધારિયા નાથ ।।૪૬।।

સારૂં વરષ સુંદર કહીએ, વૈશાખશુદી તેરશ લહીએ ।

સારો સુંદર એ શુભ દન, તેદિ પધરાવ્યા મદનમોહન ।।૪૭।।

કર્યો સુંદર સારો સમૈયો, તેતો ન જાય મુખથી કહીયો ।

જમ્યા બ્રાહ્મણ ને હરિજન, બીજાને પણ આપિયું અન્ન ।।૪૮।।

કરી ઉત્સવ ને નાથ ચાલ્યા, જઇ ગઢડે દર્શન આલ્યાં ।

પછી ગયાતા ગઢાળી ગામ, ભક્ત આંબાનું કરવા કામ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વૈશાખશુદિ તેરશને દિવસધોલેરે મદનમોહનજીની પ્રતિષ્ઠા કરી એ નામે સત્તાણુંમું પ્રકરણમ્ ।।૯૭।।