૯૮. હમે રાજશાહ ધામમાં ગયા નિમિત્તે સુંદરિયાણા પધારી વસંતોત્સવ કર્યો, અમદાવાદમાં હુતાશનીનો તથા વ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:32pm

પૂર્વછાયો-

ત્યાર પછી જે જે કર્યું, કહું સાંભળજયો સહુ સંત ।

થોડે ઘણે દને કરી, રૂડો વરત્યો ઋતુ વસંત ।।૧।।

સુંદરિયાણે શિરોમણિ, સતસંગી શેઠ સુજાણ ।

જક્ત વિરક્ત ભક્ત ભલા, કરૂં તેનાં શું હું વખાણ ।।૨।।

ચોપાઇ-

ધન્ય ભક્ત જક્તથી ઉદાસી, ત્રોડી સહુશું ભજયા અવિનાશી ।

એવી સાચી ભગતી સાંભળી, સવેર્સગાં કુટુંબી ઉઠ્યાં બળી ।।૩।।

કહે આપણે વૈષ્ણવી જન, કરીયે વલ્લભ કુળનું ભજન ।

તેહમાંહિ તે ન્યૂન શું દિઠું, જે નવા ધર્મમાં મન બેઠું ।।૪।।

પછી સતસંગી બોલ્યા છે તૈયે, નવો ધર્મ એને કેમ કહીયે ।

એતો ધર્મ છે જુનો અનાદ્ય, સહુ વર્તે છે શાસ્ત્રમર્યાદ ।।૫।।

આપણાનું તો નથી ઠેકાણું, તમે જાણો ને હું પણ જાણું ।

કામ ક્રોધ લોભ મોહ વળી, તેણે સહુને મૂક્યા છે ગળી ।।૬।।

ગીતામાં જે કહ્યાં નરકદ્વાર, તેમાં વરતે એ તદાકાર ।

માટે એમાં તે કાંઇ ન દીઠું, ત્યારે સત્સંગમાં મન બેઠું ।।૭।।

એવું સાંભળી સગાં કુટુંબ, સવેર્મળીને ખાધા છે સમ ।

એને આપણે નહિ વેવાર, આજથી એ કરો નાત્ય બહાર ।।૮।।

તેને વીતિ ગયાં ષટ વર્ષ, તોય મેલ્યો નહિ અમરષ ।

ગયા સુધામે તેહનો તાત, ત્યારે ન તેડિ નોતરે નાત ।।૯।।

પછી આવ્યા છે પ્રભુજી પાસ, શેઠ વનો પુંજો હરિદાસ ।

આવી કરી હરિને વિનતિ, પ્રભુ પધારિયે પ્રાણપતિ ।।૧૦।।

સર્વે સંગ લઇ મુનિ સાથ, સખા સહિત પધારિયે નાથ ।

પછી સંત સંગે લઇ શ્યામ, હરિ આવ્યા સુંદરિયાણે ગામ ।।૧૧।।

સર્વે અયોધ્યાવાસી છે સંગે, પ્રભુ પધાર્યા અતિ ઉમંગે ।

ગાતે વાતે તેડી લાવ્યા ઘેર, કરી સેવા સારી બહુપેર ।।૧૨।।

સુંદર ભોજન વ્યંજન કરી, અતિ હેતે જમાડિયા હરિ ।

પછી મોતૈયા મોદક લઇ, નાથે જન જમાડિયા જઇ ।।૧૩।।

બહુ બહુ કરી મનુવાર, ફર્યા પંગત્યમાં પંચવાર ।

એમ નિત્યે જમાડે છે નાથ, જમે જન તે હરિને હાથ ।।૧૪।।

બહુ બહુ દિયે દરશન, અતિ અલબેલો છે પ્રસન્ન ।

બહુપ્રશ્ન ને ઉત્તર થાય, સંત રમે રાસ ગીત ગાય ।।૧૫।।

પછી આવી વસંત પંચમી, સુખદાયક સહુને ગમી ।

લાવ્યા રંગ સો રંગ ગુલાલ, લઇ ત્રાંસળી ઉઠીયા લાલ ।।૧૬।।

નાખે રંગ રમે સખા સાથ, અતિ આપે રંગાણા છે નાથ ।

પછી લઇ ગુલાલની ઝોળી, ફેંકે ફાંટું રમે હરિ હોળી ।।૧૭।।

રંગે રમીને આવ્યા ઉતારે, આપ્યાં વસ્ત્ર જનને તે વારે ।

આપે જમીને જન જમાડ્યા, અતિ દાસને હર્ષ પમાડ્યા ।।૧૮।।

એમ ઉત્સવ કરી દયાળ, આવ્યા મહારાજ તે ભેંશજાળ ।

રહી રાત્ય પધારિયા શ્યામ, આવ્યા નાગડકે લોયે ગામ ।।૧૯।।

ત્યાંથી બોટાદ આવ્યા બહુનામી, જમ્યા સંત પોતે વળી સ્વામી ।

પછી આવ્યા ગઢડે ગોવિંદ, આપી સહુ જનને આનંદ ।।૨૦।।

ત્યાર પછી થોડે ઘણે દન, ચાલ્યા ગુર્જરદેશે જીવન ।

કરી મજલે મજલે મુકામ, ચાલ્યા સુખમાં સુંદર શ્યામ ।।૨૧।।

આવ્યા અમદાવાદ દયાળ, સંગે જન સમૂહ મરાળ ।

આવ્યા સત્સંગી સહુ સમૈયે, બની શોભા જાય નહિ કૈયે ।।૨૨।।

બહુવિધનાં વાજાં ત્યાં વાજે, આવ્યાં લોક દરશન કાજે ।

ચારે આશ્રમ ને વર્ણ ચાર, આવ્યાં દરશને નર નાર ।।૨૩।।

ગાતેવાતે પધાર્યા મહારાજ, કૈક જનનાં કરવા કાજ ।

આવી ઉતર્યા મંદિરમાંઇ, નરનારાયણ રાજે ત્યાંઇ ।।૨૪।।

સતસંગી સાંખ્યયોગી સંત, ઉતર્યા ભક્ત ને ભગવંત ।

કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા જનને ભાવે જીવન ।।૨૫।।

પછી પોઢિયા જીવનપ્રાણ, જાગ્યા સુખે સવારે સુજાણ ।

જાગ્યા પ્રભુજી પ્રભાત કાળે, કર્યો નિત્યવિધિ ત્યાં દયાળે ।।૨૬।।

પછી ચોતરે પાટ ઢળાવી, તેહ ઉપર બેઠા છે આવી ।

જોયું અમૃતદૃષ્ટિએ આપ, હર્યા જનતણા તન તાપ ।।૨૭।।

પછી જન પ્રભુપૂજા કાજ, લાવિયા બહુવિધ સમાજ ।

તેણે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા સુંદર હાર ।।૨૮।।

ઘેરી સુગંધે ગુલાબફુલ, તોરા ગજરા તેના અમૂલ્ય ।

તે લઇ અર્પ્યા છે હરિને અંગે, પછી પાય લાગ્યા છે ઉમંગે ।।૨૯।।

એમ લીયે લાવો વળી જન, દિયે દન સારો દરશન ।

વળી આવે છે પુરના જન, કરવા કૃપાનિધિનાં દર્શન ।।૩૦।।

કૈક આવીને પુછે છે પ્રશન, તેનો ઉત્તર આપે જીવન ।

સુણી ઉત્તર મગન થાય, પામી આશ્ચર્ય ને ઘેર જાય ।।૩૧।।

એમ લીળા કરે અલબેલો, રંગ રસિયો છેલછબિલો ।

પહેરી વસ્ત્ર અનૂપમ અંગી, શિરપાઘ વસંતિ સોરંગી ।।૩૨।।

એવાં દર્શન દિયે દયાળ, નિર્ખિ મગન જન મરાલ ।

એમ કરતાં સાત દન ગયા, આવ્યો હુતાસની દન તિયાં ।।૩૩।।

પછી મંગાવ્યા રંગ સોરંગ, કેશું કસુંબી રંગ પતંગ ।

લાવ્યા સખા આપ્યો હરિ હાથે, નાથે ઢોળ્યો સહુ સખા માથે ।।૩૪।।

નાખ્યો ઉપરે રંગ ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।

જેમ ફુલ્યું કમળદળ વળી, તેમ શોભે છે સંતમંડળી ।।૩૫।।

ડોડો કમળ મધ્યે દયાળ, ફરતિ પાંખડી શોભે મરાલ ।

એમ ખેલે સખા સંગે નાથ, નિર્ખિ જન થયા છે સનાથ ।।૩૬।।

વાજે વાજીંત્ર ત્યાં અપાર, બોલે જય સહુ નરનાર ।

પછી નાવાને ચાલિયા નાથ, સર્વે સખા જન લઇ સાથ ।।૩૭।।

નાહી મહારાજ મોટેરે ગયા, દઇ દરશન તર્ત આવિયા ।

આવી બેઠા છે ઉંચે આસન, દિયે સહુ જનને દર્શન ।।૩૮।।

એમ કરતાં વીતિ છે રાત, સુખે પોઢી જાગ્યા પરભાત ।

કરી દાતણ નાહ્યા દયાળ, જમ્યા જન હેતે હરિ થાળ ।।૩૯।।

પછી જમાડીયા જન સોઇ, હતી ઘેબરની તે રસોઇ ।

ફર્યા પંગતમાં પાંચવાર, બહુ બહુ કરી મનુવાર ।।૪૦।।

એમ આનંદે ઉત્સવ કરી, પછી ત્યાંથી પધારિયા હરિ ।

આવ્યા અસલાલીયે મહારાજ, સંગે હરિજન મુનિરાજ ।।૪૧।।

કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા નાથ જમાડીયા જન ।

ધન્ય ધન્ય ભક્ત વેણીભાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।।૪૨।।

તેના મનોરથ પૂરા કરી, પછી ત્યાંથકી ચાલિયા હરિ ।

ગામ જેતલપુરમાં જન, ભક્ત આસજી આદિ પાવન ।।૪૩।।

તેને ઘેર પધાર્યા ગોવિંદ, સંગે સખા લઇ જનવૃંદ ।

તિયાં ભક્તે કરાવ્યાં ભોજન, જમ્યા નાથ સાથે સખાજન ।।૪૪।।

પછી સાથે લઇ સર્વે સમાજ, આવ્યા મેમદાવાદ મહારાજ ।

રહિ રાત્ય આવ્યા વરતાલ, કરવા લીળા અલૌકિક લાલ ।।૪૫।।

હતો ઉત્સવ આડો પક્ષ એક, રાખ્યા સંત કરી દયા નેક ।

નિત્ય દિયે દરશન દાન, બહુ ભાવે કરી ભગવાન ।।૪૬।।

થાય પ્રશ્ન ને ઉત્તર અતિ, સુખ આપે સુખમય મૂરતિ ।

કહે જેને મળ્યા ભગવાન, તેને કોઇ ન વ્યાપે વિઘન ।।૪૭।।

જેમ વેજુ વસુધાનું કરે, તેની ચોટ પાછી નવ ફરે ।

તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન ।।૪૮।।

એવી વાતો કરે બહુબહુ, સુણી મગન થાય જન સહુ ।

પછી આવ્યો ઉત્સવનો દન, આવ્યાં દરશને બહુ જન ।।૪૯।।

રામનવમી ને એકાદશી, કર્યા ઉત્સવ હેતે હુલસી ।

કર્યા વિપ્રે વેદના ઉચ્ચાર, હોમ્યા કુંડે હવિષ્યાન્ન સાર ।।૫૦।।

વેદ વિધિયે ઉત્સવ કરી, આપ્યાં દાન પછી હર્ષ ભરી ।

ઘોડી પલાણ ચર્મ ને અસિ, આપી પાડી સહીત મહિષી ।।૫૧।।

ધેનુ સવત્સિ ઓઢાડી ઝુલ્ય, આપ્યાં વસ્ત્ર કસુંબી અમૂલ્ય ।

સોના દોરો ને પોશ રૂપૈયા, લઇ દ્વિજ રાજી બહુ થયા ।।૫૨।।

એમ ઉત્સવ આનંદે કરી, પછી ત્યાં થકી પધાર્યા હરિ ।

આવ્યા પાંચાળ દેશમાં નાથ, સર્વે લઇ નિજજન સાથ ।।૫૩।।

આવીતી બ્રહ્માનંદને ભાગ, તેહ ઉપાધિ કરાવી ત્યાગ ।

નિરબંધનું બંધન કાપી, નિજ સમીપની સેવા આપી ।।૫૪।।

કર્યા સુખી તે સુખરાશી, ચૈત્રશુદિ સુંદર એકાદશી ।

તેદિ ઉત્સવ કર્યો અવિનાશી, કરી લીળા તે કહી પ્રકાશી ।।૫૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે જેતલપુર થઇને વરતાલ પધાર્યા ને ત્યાં રામનવમીનો ઉત્સવ કર્યો એ નામે અઠ્ઠાણુંમું પ્રકરણમ્ ।।૯૮।।